અક્ષર એક, અર્થ અનેક

    ૨૯-જાન્યુઆરી-૨૦૧૬


દેવ, દાનવ અને માનવ એ સૃષ્ટિનિર્માતા પ્રજાપતિનાં ત્રણ સંતાન. દેવો સારાં કાર્યો કરે, દાનવો ખરાબ કાર્ય કરે અને માનવ આ બંને પ્રકારનાં કાર્યો કરે.

એક દિવસ ત્રણેયને સારું જ્ઞાન મેળવવાની ઇચ્છા થઈ. ત્રણે ભેગા મળી પિતા પ્રજાપતિ પાસે પહોંચી ગયા. જ્ઞાન મેળવવા માટે જ્ઞાન આપનાર ગુરુની સેવા કરવી પડે. ત્રણેએ ભેગા મળી પિતા પ્રજાપતિની બરાબર સેવા કરી. પ્રજાપતિ પ્રસન્ન થયા. ત્રણેયને વારાફરતી જ્ઞાન‚પી વરદાન આપવા બોલાવ્યા.

પહેલાં દેવો આવ્યા. તેમણે પ્રણામ કરી ઉપદેશ આપવા વિનંતી કરી. પ્રજાપતિ બ્રહ્માએ તેમને ઉપદેશમાં ‘દ’ શબ્દ કહ્યો.

પ્રજાપતિએ પૂછ્યું, "તમે શું સમજ્યા ?

દેવોએ કહ્યું, " ‘દ’નો અર્થ થાય છે દમન. અમે સુખ વૈભવ ભોગવીને અહંકારી બની ગયા છીએ, તેથી મન અને ઇન્દ્રિયોનું દમન કરવાનું આપે કહ્યું છે.

પ્રજાપતિએ કહ્યું, "તમે બરાબર સમજ્યા છો. જો તમે જીવનમાં દમનનું આચરણ કરશો તો તમે ખરી વિદ્યા પ્રાપ્ત કરી કહેવાશે અને તમે ભોગવિલાસના માર્ગેથી પાછા વળશો.

દેવો ગયા. દાનવો આવ્યા.

પ્રજાપતિને પ્રણામ કરી કહ્યું, "અમારી સેવાથી પ્રસન્ન થયા હોવ તો અમને ઉપદેશ આપો.

પ્રજાપતિએ તેમને પણ ઉપદેશમાં માત્ર ‘દ’ શબ્દ જ કહ્યો.

પછી કહ્યું, "ઉપદેશમાં કંઈ સમજ પડી ?

દાનવો કહે, "હા, અમે બરાબર સમજી ગયા. ‘દ’ એટલે દયા રાખો. અમે નિર્દયી બની લોકોને રંજાડીએ છીએ. હિંસક અને ઘાતકી સ્વભાવના છીએ તેથી તમે અમને દયા રાખવાનું કહ્યું.

પ્રજાપતિએ કહ્યું, "તમે સાચું સમજ્યા છો. જીવનમાં ખૂબ દયા રાખજો. તમે મારી શીખ સમજીને હિંસાના માર્ગેથી પાછા વળી જજો અને દયા દાખવજો.

દાનવો વિદાય થયા એટલે માનવો આવ્યા.

પ્રજાપતિ બ્રહ્માને પ્રણામ કરી કહ્યું, "અમારી સેવાથી પ્રસન્ન થયા હો તો અમને પણ ઉપદેશ આપો.

પ્રજાપતિએ તેમને પણ ઉપદેશમાં ‘દ’ કહ્યું.

પછી પૂછ્યું, "તમે ‘દ’થી શું ઉપદેશ મેળવ્યો ?

માનવોએ કહ્યું, " ‘દ’ એટલે દાન કરવું. અમે ખૂબ લોભી બની ગયા છીએ એટલે તમે દાન કરવાનો ઉપદેશ આપ્યો.

પ્રજાપતિએ કહ્યું, "તમે બરાબર સમજ્યા છો, દાનનું મહત્ત્વ તમે સમજશો તો જીવનમાં તરી જશો. દાન એ જ તમારા માટે ખરી વિદ્યા છે. લોભને કોઈ થોભ નથી, તેથી તે રસ્તેથી પાછા વળી જજો.

ત્રણેય પ્રજાપતિના આશીર્વાદ મેળવી ધન્ય બની ગયા. દેવો મનને વશમાં રાખવા દમન કરવાનું શીખ્યા. દાનવો હિંસા છોડીને દયા રાખવાનું શીખ્યા. માનવો લોભ છોડીને દાન કરવાનું શીખ્યા.

એક જ અક્ષરના ઉપદેશથી પ્રજાપતિએ ત્રણેના જીવનનો માર્ગ બદલી નાખ્યો.

દમન, દયા અને દાન એ સૃષ્ટિનિર્માતાનો સનાતન ઉપદેશ છે, તેના દ્વારા જ જીવન જીવવા જેવું બને છે.