જિંદગી ના મિલેગી દોબારા

    ૨૯-જાન્યુઆરી-૨૦૧૬


પુસ્તક     :     જિંદગી ના મિલેગી દોબારા

લેખક     :     રોહિત શાહ

પ્રકાશક   :     ગૂર્જર પ્રકાશન

પૃષ્ઠ      :     ૧૬૮

મૂલ્ય     :     રૂ. ૧૫૦/-

દૂરભાષ   :     ૦૭૯-૨૨૧૪૪૬૬૩

"લાઇફનો એક જ અર્થ મંજૂર છે અને તે છે - મનગમતી મોજ. જેને લાઇફની સાંજ સુધી બોજ ઊંચકીને ફરવાનું વ્યસન હોય એને મોજનો અર્થ કોણ સમજાવી શકે ? મારે મન તો મોજ એ જ મોક્ષ !

અહીં મોજ એટલે માત્ર મસ્તી કે જલસાની વાત નથી, પણ પળે પણ જીવનને માણવાની વાત છે. જીવનમાં આવતાં સુખદુ:ખ, શોક-આનંદ, ભય-રોમાંચ જેવી દરેક ક્ષણોમાં સ્થિરતા સાથે જીવવું એ જ સ્વયંમાં એક સિદ્ધિ છે. સતત ફરિયાદો કર્યા કરવામાં ક્યારેક જીવન ખર્ચાઈ જાય છે અને પૂર્ણતાને પામ્યાનો આનંદ જોજનો દૂર રહી જાય છે ત્યારે આ પુસ્તક તેના શીર્ષક દ્વારા ખૂબ સુંદર વાત સમજાવે છે કે "જિંદગી ના મિલેગી દોબારા માટે મનભરીને જીવો-ખુલ્લા મનથી જીવો.

પુસ્તકમાં જનરેશન ગેપનો આદર કરવાનું શીખવતા લેખો છે. પેઢી બદલાય ત્યારે વિચારો, પરિસ્થિતિઓ, ટેકનોલોજી, જીવન જીવવાની રીતભાતમાં ઘણા ઘણા ફેરફાર જોવા મળે છે, આથી મોટેરાંઓ પોતાની વાત તથા માનસિકતાને જ શ્રેષ્ઠ ગણીને ચાલે છે તો વળી યુવાવર્ગ ઉત્સાહ અને જોમથી થનગનતો હોઈ પોતાની વાત જ શ્રેષ્ઠ છે તેવું માને છે. આ વિચારોની ભિન્નતા બન્ને પેઢી વચ્ચે ઘર્ષણ‚પ બને છે. આથી એકમેક પરત્વેની લાગણી ઘવાય છે. માન-‚તબો જાણે લૂંટાઈ ગયાની અનુભૂતિ મોટેરાં વડીલો કરે છે, તો વળી સતત નાનેરા હોવાની ગણના યુવાવર્ગને ખૂંચે છે. તેમનાં વિચારો-કાર્યો, રીતભાત વગેરેની સતત થતી ઉપેક્ષા તેમનામાં બળવાખોરીનું તત્ત્વ અજાણતાં જ ઉમેરી દે છે. પુસ્તકમાં બે પેઢી વચ્ચે રહેલી વિચારોની ખાઈને પૂરવાની ક્ષમતા ધરાવતાં ૫૦ પ્રકરણો સમાવિષ્ટ છે. બન્ને પેઢીને માર્ગદર્શન મળી રહે તેવા સુંદર લેખો પુસ્તકમાં છે. નવી જનરેશન શા માટે જલદી છેતરાઈ જાય છે ?, નવી જનરેશનને સમજ્યા વગર જ એને સુધારવાનાં હવાતિયાં, મારે કોઈ શત્રુ નહીં હોય તો મને કોણ સજ્જ રાખશે?, ફેસબુક અને વોટસએપ પર ખરેખર તો વડીલોએ બિઝી રહેવાનું, બીજાની હેલ્પ લેતાં ન આવડે તો હેલ્પલેસ બનવું પડે, સફળ થવું હોય તો દોસ્તોની સંખ્યા વધારો, આપણી આસપાસ ૩૦ વર્ષના બુઢ્ઢા પણ મળી આવશે અને .... આ બધાં પ્રકરણો સિક્કાની જુદી જુદી લાગતી બે બાજુઓને જોડી આપી સિક્કો એક જ હોવાની અનુભૂતિ કરાવે છે.

જીવન જીવવાની ભારેભરખમ ફિલસૂફીને સાહજિકતાથી સુંદર દૃષ્ટાંતો સાથે સમજાવતું આ પુસ્તક વાંચતાં જ‚ર લાગે છે કે જિંદગી ફરી મળવાની નથી તો શા માટે તેને આનંદથી પૂર્ણતાની લાગણી સાથે અસંતોષ વગર ના જીવવી ? પુસ્તકના લેખો સુંદર સંદેશો આપે છે. "મન ભરીને જીવો - મનમાં ભરીને નહીં.