રૈદાસ

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૬


સૂરજ અંગારો બનીને ધરતી પર ખાબકી રહ્યો હતો. જુવારના દાણા નાખો તો ધાણી ફૂટે એવી ધગધગતી ધરતી વરાળ છોડી રહી હતી. એવા સમયે એક લીમડાના ઝાડ નીચે શીતળ છાંયામાં બેઠેલા રૈદાસ જોડા સીવી રહ્યા હતા. એમના મુખેથી સાવ ધીમા સુરે હરી ભજન વહી રહ્યું હતું. નજર જોડા પર સ્થિર હતી અને હાથ એનું કામ કરી રહ્યા હતા. ત્યાં એમના કાનમાં કોઈનો અવાજ ઠલવાયો, અલખ નિરંજન...

ગળામાંથી વહેતી ભજનની ગંગા અટકી ગઈ. જોડા સીવતી આંગળીઓ થંભી ગઈ. અને આંખો જોડા પરથી ઊંચકાઈને ઉપર સ્થિર થઈ. રૈદાસે જોયું તો ભગવાં વસ્ત્રોમાં સજ્જ એક પ્રભાવશાળી સાધુ હાથમાં ચીપિયો લઈને ઊભા હતા. રૈદાસની નજર એમના તેજસ્વી મુખારવિંદ અને દેહ પરથી સરકતી સરકતી નીચે પગ તરફ આવી ગઈ. સાધુ મહાત્મા આવા ખરા તાપમાં ઉઘાડા પગે ઊભા હતા. અંગારા વરસાવતી ગરમીએ એમના પગની ચામડી બાળી નાખી હતી. ક્ષણવાર તો રૈદાસ જોડો સીવવાનું કે એમને આવકાર આપવાનુંય ભૂલી ગયા. જાણે સાધુના પગ જેટલા બળ્યા હતા એટલી જ એમની છાતી પણ બળવા લાગી.

સાધુ ફરી બોલ્યા, ‘અલખ નિરંજન ભગત! ક્યાં ખોવાઈ ગયા?’

રૈદાસ ચોંક્યા, ‘ઓહો... પધારો પધારો મહારાજ... કહો, હું આપ્ની શું સેવા કરી શકું!’

સાધુએ ભીનું કંતાન વીંટાળીને લીમડાના ઝાડ નીચે મૂકેલા માટલા તરફ ઇશારો કરતાં કહ્યું, ‘બસ, એક લોટો શીતળ જળ પાઈ દો ભગત...’

‘કેમ... નહીં... પધારો... આપ આસન ગ્રહણ કરો.’ બોલતાં બોલતાં રૈદાસ ઊભા થયા. એક ઢોલણી ઉપર સાધુને બેસાડ્યા અને માટલામાંથી એક લોટો જળ ભરીને એમને આપ્યું. પાણી પીને સાધુ અત્યંત પ્રસન્ન થયા. થોડી વાર બંને વચ્ચે ઔપચારિક વાતો ચાલી પછી સાધુએ જવા માટે રજા માંગી. પણ રૈદાસે એમને જવા માટે રજા ના આપી, ‘મહારાજ, રોંઢા ટાણું છે. હવે તો મારી સાથે રોંઢો કરીને જ જવાશે...’ સાધુએ ઘણીયે આનાકાની કરી પણ રૈદાસના આગ્રહ આગળ એમનું કશું જ ના ચાલ્યું. આખરે એ રોકાઈ ગયા. રૈદાસ એમને પાસે જ આવેેલી એમની કુટીરમાં લઈ ગયા અને ખૂબ જ આગ્રહ કરી કરીને જમાડ્યા.

સાધુને રૈદાસની આગતા-સ્વાગતા અને એનો સ્વભાવ બહુ ગમી ગયા. રોંઢા પછી બંને ક્યાંય સુધી વાતો કરતા રહ્યા. આખરે ટાઢા પો’રે સાધુ જવા માટે ઊભા થયા એ વખતે રૈદાસે પોતે સીવેલા એક જોડી જોડા એમના તરફ ધર્યા અને બોલ્યા, ‘મહારાજ, આ રંકની એક નાનકડી ભેટ સ્વીકાર કરો.’

જોડા સામે જોઈને સાધુ મર્માળું હસ્યા, ‘અરે, ભગત! સાધુને વળી પગરખાંની શી જરૂર! આ દેહરૂપી ચામડાની ઝૂંપડી ભેળી લઈને ફરીએ છીએ એનો ભાર ક્યાં ઓછો છે તે વળી આ ચામડાનો વધારાનો ભાર વેંઢારવો.’

‘એવું ના બોલો મહારાજ... આટલા તાપમાં આપ્ને આ રીતે ઉઘાડા પગે ચાલતા જોઈને મારો જીવ બળી ગયો છે. આમ જુઓ આ અંગારા જેવી ધરતી પર ચાલી ચાલીને આપ્ના પગ કેવા તવાઈ ગયા છે. માટે કહું છું મહારાજ, સ્વીકારી લો જોડા. મારા પર મહેરબાની કરો...’ રૈદાસે નીચે નમી સાધુના પગ પકડી લીધા અને જોડા પહેરાવી દીધા. રૈદાસના અતિ આગ્રહને માન આપીને સાધુએ જોડા પહેરી લીધા અને આશીર્વાદ આપીને ચાલતા થયા. માંડ દસેક ડગલાં ચાલ્યા હશે ત્યાં જ પાછા આવ્યા. ‘રૈદાસ આશ્ર્ચર્યથી એમની સામે જઈ ઊભા, ‘મહારાજ, કંઈ ભૂલી ગયા કે શું?’

‘હા, ભૂલી ગયો હતો. તમને ભેટ આપવાનું ભૂલી ગયો હતો. મારે તમને એક નાનકડી ભેટ આપવી છે.’ બોલીને સાધુએ એમની ઝોળીમાં હાથ નાખીને એક સફેદ ચળકતો ચપટો પથ્થર બહાર કાઢ્યો અને રૈદાસના હાથમાં મુકી દીધો.

રૈદાસે આશ્ર્ચર્યથી એ પથ્થર સામે જોતાં પૂછ્યું, ‘મહારાજ, શું છે આ?’

‘આ પારસમણી છે રૈદાસજી... તમે રહ્યા ઘરબારવાળા માણસ. કોઈક દિવસ ખપ પડે તો લોઢાને અડકાડી દેજો. સોનું બની જશે. તમારે આંગણે કોઠીએ જાર હશે તો અભ્યાગતને આશરો મળશે. તમારે હવે આખી જિંદગી મહેનત નહીં કરવી પડે.’ સાધુને હતું કે પારસમણી જોઈને રૈદાસ રાજીના રેડ થઈ જશે. પણ સાધુની વાત સાંભળીને રૈદાસના ચહેરાની એક રેખા સુધ્ધાં ના ફરી. એ એમનું નિર્દોષ અને નિસ્વાર્થ સ્મિત વહાવતાં બોલ્યા, ‘મહારાજ, આશરો દેનારો તો ઉપરવાળો બેઠો છે. જગદીશ જમાડશે... હું તો માત્ર નિમિત્ત છું. માફ કરજો મને આ ના ખપે. બીજા કોઈ ખપવાળાને આપજો. રાજી થશે.’

રૈદાસે ખૂબ જ વિનયપૂર્વક સાધુનો હાથ પાછો ઠેલ્યો. સાધુ એમની અપરિગ્રહવૃત્તિથી ખુશ થયા. પણ એ કોઈપણ ભોગે એમની મદદ કરવા માગતા હતા એટલે બોલ્યા, ‘આપ્ની વાત સાચી ભગત... પણ મારો હાથ આપવા માટે લંબાઈ ચૂક્યો છે. તમારે આ લેવું જ પડશે.’

કેટલીયે વાર સુધી બંને વચ્ચે હા-ના ચાલ્યા કરી. આખરે રૈદાસે જ વચ્ચેનો રસ્તો કાઢ્યો.

‘ભલે મહારાજ, જેવી આપ્ની ઇચ્છા. તમારે આ પારસમણી મને આપવો જ છે ને તો આપી દો. સામે છાપરા પર ખપેડામાં આપ્ના હાથે જ એ પારસમણીને ભરાવી દો.’ રૈદાસે એમની મઢૂલીના છાપરા તરફ આંગળી ચીંધતાં કહ્યું. સાધુ એમની સુચના મુજબ ખપેડામાં પારસમણી ભરાવીને વિદાય થયા.

***

સમય પવનની પાંખ પરથી સવાર થઈને ઊડી ગયો. આ ઘટનાને વર્ષો વીતી ગયાં હતાં. વર્ષો પછી ફરી એક વખત એ સાધુ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. એમને હતું કે હવે તો રૈદાસની સ્થિતિ બહુ સુધરી ગઈ હશે. એમને ત્યાં લક્ષ્મીની છોળો ઊછળતી હશે. પણ એવું કશું જ નહોતું થયું. રૈદાસ વર્ષો પછી એ જ સ્થિતિમાં એ જ લીમડાના ઝાડ નીચે જોડા સીવતા અને ભજન ગણગણતા બેઠા હતા.

‘અલખ નિરંજન... ભગત...’ સાધુએ ચીપિયો ખખડાવ્યો. રૈદાસનું ધ્યાન તરત જ સાધુ પર ગયું અને એ આશ્ર્ચર્યથી ઊભા થઈ ગયા, એ એમને ઓળખી ગયા હતા. જોતાવેંત જ અડધા અડધા થઈ ગયા, ‘અરે... મહારાજ આપ... પધારો પધારો. ઘણાં વર્ષે દર્શન દીધાં.’

‘ઘણાં વર્ષે આવ્યો પણ આનંદ ના થયો. આપ હજુ ઠેરના ઠેર જ લાગો છો.’ સાધુએ એમની ભાંગેલી મઢૂલી અને તૂટેલા દેહ પર નજર ફેરવતાં કહ્યું.

‘અરે... મહારાજ, આવું કેમ બોલો છો? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે શું?’

‘સાવ સીધી વાત છે ભગત. હું તમને પારસમણી આપીને ગયો હતો. મને તો હતું કે તમારો કાયાકલ્પ થઈ ગયો હશે. તમારી મોટી હવેલી હશે. તમે હવે જોડા સીવવાનું છોડી દીધું હશે... કેવાં કેવાં સપ્નાં સજાવ્યાં હતાં મેં તમારા માટે પણ તમે તો હજુ એવા ને એવા જ રહ્યા છો.’

‘પારસમણી...!’ રૈદાસે આશ્ર્ચર્ય અનુભવ્યું.

‘હા, પારસમણી. શું કર્યું એનું એ તો કહો?’ સાધુએ પૂછ્યું, પણ પારસમણીવાળી વાત એ ભૂલી ગયા હતા. સાધુએ કહ્યું એટલે અચાનક એમને યાદ આવ્યું અને એ બોલ્યા, ‘હા... હા... યાદ આવ્યું. મહારાજ, એ તો તમે મૂકીને ગયા હતા ત્યાં જ સહીસલામત હશે. એ રહ્યો ત્યાં છાપરાના ખપેડામાં.’ સાધુ વિસ્ફારિત નજરે રૈદાસને જોઈ રહ્યા. એમને માન્યામાં નહોતું આવતું કે આવો પણ માણસ હોઈ શકે! એ મઢૂલીમાં ગયા. છાપરાના ખપેડામાં હાથ નાખ્યો. પારસમણી જેમનો તેમ જ હતો. બસ ઉપર માત્ર ધૂળના થર જામી ગયા હતા. સાધુ થોડીવાર રૈદાસ સામે તો થોડીવાર પારસમણી સામે જોઈ રહ્યા. પછી અચાનક પાસે વહેતી પતિતપાવની ગંગામાં પારસમણીનો ઘા કરીને ફેંકી દીધો.

સાધુ બે હાથ જોડીને રૈદાસ સામે ઊભા રહ્યા અને બોલ્યા, ‘ભગત, આપ ધન્ય છો. સાચા અને નિ:સ્વાર્થ છો. બસ, મને એક નાનકડી ભેટ આપો.’ સાધુની વાત સાંભળી રૈદાસ વિચારમાં પડી ગયા. એમની પાસે તો ખખડધજ મઢૂલી સિવાય બીજું કશું હતું નહીં. એ બોલ્યા, ‘મહારાજ, હું રંક વળી આપ્ને શું ભેટ આપવાનો?’

‘એવું ના બોલો ભગત... આપ રંક નથી. આપ્ની પાસે તો પારસમણીનીય તોલે ના આવે એવું નાણું છે. નિસ્પૃહતાનું ધન છે, મને એ આપો. મારે તમારી પાસેથી લોભ, લાલચ અને સ્વાર્થનો ત્યાગ કરવાની તાકાત જોઈએ છે. અમે ભગવાં તો પહેરી લીધાં પણ હજુ સંપૂર્ણપણે મોહ માયા ત્યાગી શક્યા નથી. સાચા સાધુ તો તમે છો.’

રૈદાસે એમને વધારે બોલવા ના દીધા. બંને ભેટી પડ્યા. ત્યાં જ લીમડાના ઝાડ પરથી લીલોછમ્મ મોર એમના પર ખરી પડ્યો. એવું લાગતું હતું જાણે ઉપરથી ઈશ્ર્વર સાચા સાધુ પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યો હતો.