નવા વર્ષમાં શું નવું કરવા જેવું છે?

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૬


 


નવું વર્ષ આવે ત્યારે કંઈક નવું કરવાની તમન્ના જાગે છે, પણ સમય સાથે આ તમન્ના ક્યાં અલોપ થઈ જાય છે એ જ સમજાતું નથી. વળી, એ જ ફરિયાદો આવવા લાગે છે કે બહુ જ બિઝી રહેવાય છે, મરવાનીય ફુરસદ નથી, પોતાના લોકો માટે પણ સમય બચતો નથી, મારે જે કરવું છે એ કરી જ શકતો નથી. ઘણા લોકોએ નવા વર્ષમાં રિઝોલ્યુશન પાસ કર્યા હશે. અમુકના તો અત્યાર સુધીમાં તૂટી પણ ગયા હશે. ઘણા લોકોએ મુદત પાડી હશે. દિવાળીથી નક્કી કર્યું હતું પણ હવે દેવદિવાળીથી શરૂ કરીશ. આવું બધા સાથે થતું હોય છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. સવાલ એ છે કે તમારી અંદર કંઈ બદલાયું કે નહીં? નવા વર્ષમાં કંઈ નવું તત્ત્વ ઉમેરાયું કે નહીં?
જિંદગીમાં કંઈ પણ નવું બને ત્યારે કંઈક તો નવું થવું જ જોઈએ. આપણી જિંદગીમાં માત્ર એક દિવાળી વધુ ઉમેરાઈ જાય એ પૂરતું નથી, થોડીક જિંદગી પણ ઉમેરાવી જોઈએ. હા, ફેર થતો હોય છે, પણ એ ફેર લાંબું ટકતો નથી. આપણે જલદીથી પાછા મૂળ સ્થિતિમાં આવી જઈએ છીએ. ફિલ્મ જોઈને નીકળીએ પછી થોડોક સમય એની અસરમાં રહીએ છીએ. કોઈ સારું પ્રવચન સાંભળીએ ત્યારે થાય છે કે વાત તો સાચી છે, જિંદગી આમ જ જીવવી જોઈએ. કંઈક સારું વાંચીએ ત્યારે એને યાદ રાખવાનું નક્કી કરીએ છીએ. કોઈ વળી પુસ્તકમાં ગમતી લીટીની નીચે અંડરલાઇન કરે છે. એ વાત જુદી છે કે પછી આપણે એ પુસ્તક ખોલતા હોતા જ નથી. આવું કેમ થાય છે? કારણ કે આપણે ફટ દઈને આપણી ઓરિજિનલ સ્થિતિમાં આવી જઈએ છીએ. સારા વિચારો બધાને આવતા જ હોય છે. સુંદર જિંદગીની કલ્પનાઓ બધા સેવતા જ હોય છે, પણ એ વિચારો ટકતા નથી. બીજા વિચારો હાવી થઈ જાય છે અને આપણે બધા પાછા હતા એના એ જ થઈ જઈએ છીએ!
દિવાળીના તહેવારો પછી સામાન્ય રીતે આપણેે ત્યાં લાભપાંચમથી નવા વર્ષનું કામ શરૂ થાય છે. પાંચમે આપણે શેનું મુહૂર્ત કરીએ છીએ? પાછા હતા એવા જ થઈ જવાનું મુહૂર્ત? ઑફિસમાં રજા પૂરી થઈ એટલે કામ ચાલુ થઈ ગયું. હા, આપણે બધાએ આમ તો રોજેરોજ જે કરતાં હોય એ જ કરવું પડે છે, પણ એમાં કંઈ ચેઇન્જ ન થઈ શકે? થોડાક હળવા રહેવાનું નક્કી ન કરી શકીએ? હસવાનું થોડુંક વધારી ન શકીએ? આપણે જે કંઈ કરીએ છીએ એ ટેન્શન રાખીને જ કરીએ છીએ. ટેન્શનની એવી આદત પડી ગઈ છે કે આપણને હસવું ફાવતું નથી! આપણને આદત જ નથી હોતી! કામ તો ટેન્શનમાં થાય. આપણે બધું જ ફોર્માલિટી ખાતર કરીએ છીએ. હસીએ પણ ત્યારે જ જ્યારે હસવું પડે છે. હસીશું નહીં તો ખરાબ લાગશે એવું વિચારી આપણે હસવાનું પણ નાટક જ કરતા હોઈએ છીએ. ખડખડાટ હસવું હવે દુર્લભ થતું જાય છે. લોકો હસવામાં પણ વિચાર કરે છે. હું હસીશ તો લોકો શું માનશે? ઘણા તો એવું પણ માને છે કે હસીશ તો લોકો એવું માનશે કે હું મારા કામ પ્રત્યે સિરિયસ નથી. એવું નથી હોતું.
તમે એવું ઇચ્છો છો કે તમને કામનો થાક ઓછો લાગે? તો કામ કરવાની સ્ટાઇલ બદલો. કામ વિશેના વિચારો બદલો. કામ તો કરવું પડવાનું જ છે. હસીને કરો કે મોઢું ચડાવીને, ટેન્શન રાખીને કરો કે હળવાશથી, તમારું કામ તમારે જ કરવાનું છે. કામ કેમ કરવું એ તમે તમારી રીતે નક્કી કરો. ઑફિસમાં બે વ્યક્તિ એકસરખું જ કામ કરતી હોય છે છતાં એકનું કામ શ્રેષ્ઠ રીતે થતું હોય છે અને બીજાના કામમાં વેઠ થતી હોય છે. આનું કારણ માણસનો કામ પ્રત્યેનો એપ્રોચ જ હોય છે. દુનિયામાં એવા કેટલા લોકો છે જે પોતાનું કામ એન્જોય કરે છે. તમે એન્જોય કરો છો? યાદ રાખો, જે કામ એન્જોય કરે છે એને જ સફળતા મળે છે. તમારે સફળ થવું હોય તો કામને એન્જોય કરતાં શીખી જાવ. એમાં તમારે બીજું કંઈ જ કરવાનું નથી. માત્ર તમારા વિચારો અને વર્તનમાં જ થોડાક ફેરફાર કરવાની જરૂર છે. નવા વર્ષમાં આ કરવા જેવું છે. માત્ર એટલું નક્કી કરી લો કે હું મારું કામ એન્જોય કરીશ, મારા કામમાંથી છટકીશ નહીં, કોઈ એસ્ક્યુસીઝ શોધીશ નહીં. આપણે મોટાભાગે બહાનાં શોધતા હોઈએ છીએ. આ બહાનાં દ્વારા આપણે આપણને જ છેતરતા હોઈએ છીએ.
નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે કંઈક નવું અને એકડે એકથી શરૂ કરવાનો વિચાર આવે છે. એક ચિંતકે સરસ વાત કરી કે આપણે નવા વર્ષ માટે કેટલી બધી રાહ જોતા હોઈએ છીએ? નવા વર્ષથી આમ કરીશ, બર્થડેથી તો આવું જ કરવું છે, આ એનિવર્સરીથી આટલું તો ચેઇન્જ થવું જ છે. કોઈ દિવસ ઊગે ત્યારે એમ કેમ નથી વિચારતું કે આજનો દિવસ નવો છે, હવે હું કંઈક નવું કરીશ. દિવસ તો દરરોજ નવો જ હોય છે, તો આપણે દર દિવસે કંઈ નવું ન કરી શકીએ? એટલિસ્ટ સવારે બ્રશ કરતી વખતે આપણું મોઢું મિરરમાં જોતા હોઈએ ત્યારે આપણી જાતને એટલું ન કહી શકીએ કે આજનો દિવસ નવો છે, એટલિસ્ટ હું આજનો દિવસ ગઈકાલની જેમ જ નહીં જીવું, હું આજની દરેક ક્ષણ એન્જોય કરીશ. મારા કામમાં મન પરોવીશ. બધા સાથે પ્રેમથી વાત કરીશ. આપણે આપણી આજ ઉપર મોટાભાગે તો ગઈકાલને જ સવાર રાખીએ છીએ અને એટલે જ આપણને કોઈ દિવસ નવો નથી લાગતો અને બધા જ દિવસો ચીલાચાલુ અને બોરિંગ લાગે છે.
ફ્રેશનેસ નાની-નાની વાતોથી પણ આવી શકે છે. મજા માત્ર પાર્ટીમાં જ આવે એવું નથી, મોટાભાગની મજા નાની-નાની ઘટનાઓ અથવા અમુક હળવી પળોમાં આવતી હોય છે. આપણે દર વખતે મોટિવેશનનું માહાત્મય ગાયે રાખીએ છીએ. હંમેશાં બહારથી અને બીજા પાસેથી મોટિવેશનની અપેક્ષા રાખીએ છીએ. આપણે પોતે ક્યારેય આપણા મોટિવેટર બનીએ છીએ ખરા? તમે એવું વિચારો છો કે હું જે કંઈ કરું છું એ મારા માટે કરું છું. નોકરી કરનારા મોટાભાગના લોકો એવું જ વિચારતા હોય છે કે હું તો કંપની માટે કામ કરું છું.
જે લોકો પોતાના માટે કામ કરે છે એ જ આગળ વધી શકે છે. પગાર સાથે કામની સરખામણી કરીને કામ કરતા લોકો પણ દુ:ખી થતા રહે છે. પગાર ચોક્કસપણે મહત્ત્વનો છે, પણ પગારની અસર તમારા કામ પર ન થવા દો. એક એડ આવતી હતી કે, ઇતને પૈસે મેં ઇતના હી જ મિલેગા... આવો એટિટ્યૂડ સરવાળે આપણી ક્ષમતા જ ઘટાડતો હોય છે.
આપણે આગળ વધવું હોય છે, સફળ થવું હોય છે, પણ આપણો એટિટ્યૂડ અને એપ્રોચ બદલવો હોતો નથી. પરીક્ષા આવે ત્યારે જ આપણને એમ થાય છે કે પહેલેથી મહેનત કરી હોત તો સારું હોત, ત્યારે એવું પણ નક્કી કરીએ છીએ કે નવી ટર્મ શરૂ થાય એટલે પહેલેથી જ બધી તૈયારીઓ કરવા માંડવી છે, પણ નવી ટર્મ શરૂ થાય ત્યારે એવું થતું નથી. નવા વર્ષે પણ મોટાભાગે એવું જ થતું હોય છે!
આપણે આપણા ચોકઠામાંથી જ બહાર નીકળતા નથી. ઑફિસ કે બિઝનેસના સ્થળે જવાનો રસ્તો પણ આપણે બદલતા નથી, ઑફિસમાં ગયા પછી પણ આપણે મિકેનિકલી એક જ રીતે કામ કરતા હોઈએ છીએ. જરાકેય કંઈ આઘુંપાછું થાય તો આપણાથી સહન થતું નથી. આપણે જરા અમથો ફેરફાર પણ સહન કરી શકતા નથી અને ઇચ્છા રાખીએ છીએ જિંદગી બદલવાની! કંઈ બાંધછોડ જ કરવી ન હોય તો કંઈ બદલવાનું કેવી રીતે?
નવા વર્ષમાં બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં, માત્ર વિચારોમાં થોડોક બદલાવ લાવીએ. થોડાક વધુ સારા વિચારો કરવાનું નક્કી કરીએ, થોડાક ખોટા અને ખરાબ વિચારો ટાળવાનો પ્રયાસ કરીએ, હું જે કંઈ કરીશ એને એન્જોય કરીશ અને જે કંઈ કરીશ એ મારા માટે કરતો હોય એવી રીતે કરીશ, થોડુંક હસવાનું વધારીશ અને ફરિયાદ કરવાનું ઘટાડીશ, નવા મિત્રો બનાવીશ અને બધા સાથે નમ્રતાથી વર્તીશ, કોઈને ખોટી રીતે સારું નહીં લગાડું અને કોઈનું ખોટું નહીં લગાડું. આ બધા જ રિઝોલ્યુશન બહુ સહેલા છે, કોઈ વ્યસન છોડવા જેટલા અઘરા નથી. વ્યસન છોડવાનું રિઝોલ્યુશન એટલે છૂટતું નથી કારણ કે એ આપણને સતત યાદ આવે છે, ક્રેવિક થાય છે, આપણું બોડી ડિમાન્ડ કરે છે અને આ બીજા રિઝોલ્યુશન એટલે ટકતા નથી, કારણ કે આપણે એ યાદ રાખતા નથી, ભૂલી જઈએ છીએ. ઘણા લોકો નોટિસ બોર્ડ પર સુંદર પીન મારીને અમુક સુવાક્યો અને નિર્ણયો લખી રાખે છે, પણ એ બધા નોટિસ બોર્ડને બદલે દિલમાં રહેવા જોઈએ. સારું હોય તેને યાદ કરતું રહેવું પડે છે. વધારે નહીં તો થોડોક તો બદલાવ લાવો, થોડો થોડો બદલાવ તમને ક્યારે આખા ને આખા બદલી નાખશે એની તમને ખબર જ નહીં પડે! તમે ચાલવાનું શરૂ કરો, મંજિલ તો નજીક ને નજીક આવતી જ રહેવાની છે.