દીપાવલીધર્મ અને અર્થની ઉપાસનાનું મહાપર્વ

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૬


 

અનાદિ કાળથી વિશ્ર્વના અસંખ્ય દેશોમાં દીપાવલી પારંપરિક પદ્ધતિથી ઊજવાય છે. આ પર્વ સાથે અનેક ઐતિહાસિક સંદર્ભો પણ સંકળાયેલા છે. મિષ્ટાન્ન, મિલન અને ફટાકડાના આ મહાપર્વના ઐતિહાસિક સંદર્ભોનું સ્મરણ પણ દીપમાલા પર્વની ઉજવણીનો આનંદ વૃદ્ધિગત કરશે એમાં લેશમાત્ર શંકા નથી.
સંપૂર્ણપણે વૈજ્ઞાનિક એવી હિન્દુ કાલગણનાના કાલચક્રમાં સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગનો સમાવેશ થાય છે. આ ચારેય યુગોમાં બનેલી અનેક ઐતિહાસિક ઘટનાઓ દીપમાલા પર્વનાં દિવાળી એટલે કે આસો માસની અમાસના દિવસ સાથે સંકળાયેલી છે. આપણા ભવ્ય અતીતને કેવળ પૌરાણિક કે કાલ્પનિક ગણતા પાશ્ર્ચાત્ય દૃષ્ટિકોણના સ્થાને તેને ઐતિહાસિક દૃષ્ટિકોણથી મૂલવવી એ અનિવાર્ય આવશ્યકતા પણ છે.
આપણા ગ્રંથોમાં સમુદ્રમંથનના પ્રસંગનું વર્ણન છે. સત્યુગમાં અમૃતપ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યંુ હતું. આ સમુદ્રમંથનમાં પ્રાપ્ત થયેલાં ૧૪ રત્નો પૈકી ઐશ્ર્વર્યનું પ્રતીક એવાં શ્રી લક્ષ્મીજીનું પ્રાગટ્ય દિવાળીના દિવસે જ થયું હતું. આમ દિવાળી એ સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે લોકો નવી નવી વસ્તુઓ ખરીદે છે, તેથી અર્થતંત્ર પણ સમૃદ્ધ બને છે. તાજેતરનાં વર્ષોમાં વિશ્ર્વને રડાવી ગયેલી આર્થિક મંદી ભારતને સ્પર્શી પણ શકી નથી, તેનું મુખ્ય કારણ દિવાળી જેવાં હિન્દુ પર્વોની ઉજવણી પણ છે. દિવાળીના દિવસે થતું લક્ષ્મીપૂજન - ચોપડાપૂજન એ કેવળ આર્થિક પ્રગતિનું જ નહીં, સર્વાંગી પ્રગતિનું પ્રતીક છે.
ત્રેતાયુગમાં, સુવર્ણમયી લંકાના રાજા રાવણનો, વનવાસી શ્રીરામે વિજયાદશમીના દિવસે સંહાર કર્યો. લંકાવિજય પછી પણ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે લંકાનું રાજ્ય વિભીષણને સોંપ્યું અને સમગ્ર માનવજાતને સંદેશ આપ્યો કે, ‘... જનની જન્મભૂમિશ્ર્ચ, સ્વર્ગાદપિ ગરિયસિ’. (લંકા સોનાની હોવા છતાં મને ગમતી નથી, કારણ કે જનેતા અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. ઉત્કટ દેશપ્રેમની આ ઐતિહાસિક ઘટના ‘પરદ્રવ્યેશુ લોષ્ટવત્’ (પરાયું ધન એ તો માટી સમાન છે, તેને લેવાય નહીં) એ હિન્દુ સંસ્કારનું સૌને સ્મરણ કરાવે છે. આમ સ્વર્ણમયી લંકા ત્યજીને શ્રીરામ અયોધ્યા પાછા ફરે છે ત્યારે તેમને આવકારવા થનગની રહેલા અયોધ્યાવાસીઓએ સમગ્ર રાજ્યને દીવડાઓથી શણગાર્યંુ હતું. એ શુભ દિવસ હતો - આસો અમાસનો. શ્રીરામના ગૃહ આગમનનો આ પ્રસંગ પ્રભુના આપણા આંગણે આગમનનું પ્રતીક હોવાથી આજે પણ આ દિવસે આપણે ઘેર ઘેર દીવા પ્રગટાવીએ છીએ. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રીરામજન્મભૂમિના ઐતિહાસિક સ્થાન ઉપર બંધાયેલો વિવાદિત ઢાંચો જ્યારે ધ્વસ્ત થયો હતો ત્યારે પણ સમગ્ર અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પુનરાગમન જેવી લાગણી થઈ હતી અને પુણ્યભૂમિ અયોધ્યા દીવાઓથી શણગારાઈ હતી.
દ્વાપરયુગમાં ૧૩ વર્ષનો વનવાસ ભોગવીને સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે પાંડવોને ધર્મયુદ્ધ કરવું પડ્યું હતું. આ માટે શમીવૃક્ષ ઉપર સંતાડી રાખેલાં શસ્ત્રોને, વિજયાદશમીના શુભ દિવસે ઉતારીને તેમનું પૂજન કર્યંુ હતું. ૧૮ દિવસ સુધી કુરુક્ષેત્રમાં ચાલેલા એ ઐતિહાસિક મહાભારતના યુદ્ધમાં કૌરવોને પરાજિત કરીને ભગવાન શ્રીકૃષ્ણના સખા પાંડવોએ સ્વરાજ્ય હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો હતો. અધર્મી શાસનનો અંત આણીને હસ્તિનાપુર પરત આવેલા પાંડવોને આવકારવા હર્ષઘેલી બનેલી પ્રજાએ સમગ્ર નગરી દીવડાઓથી સજાવી હતી. પાંડવોના ગૃહાગમનનો એ ઐતિહાસિક દિવસ એટલે જ દિવાળી. આમ દિવાળીનું પર્વ આપણને શ્રીરામ તથા શ્રીકૃષ્ણ જેવા રાષ્ટ્રપુરુષો સાથે સાંકળતું ઐતિહાસિક પર્વ છે.
કલિયુગમાં પણ દિવાળીના દિવસે અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. હવે પ્રચલિત થયેલી કાલગણનાના સંદર્ભમાં આ ઘટનાઓને ઈસવીસન સાથે પણ સાંકળી શકાય.
આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ૨૪મા જૈન તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ દિવાળીના દિવસે જ ‘નિર્વાણ’પદની પ્રાપ્તિ કરી હતી. આજથી ૨૦૭૨ વર્ષ પૂર્વે પરમ પરાક્રમી સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળી પછીના દિવસે, એટલે કે કારતક સુદ એકમના દિવસે થયો હતો. આમ, દિવાળીનો દિવસ એ વિક્રમ સંવતનો અંતિમ દિવસ ગણાય છે. આ દિવાળી પછી વિક્રમ સંવત ૨૦૭૩નો આરંભ થાય છે. આજે પણ ગુજરાત સહિત અનેક પ્રદેશોમાં વિક્રમ સંવત એ જ સર્વમાન્ય સંવત ગણાય છે.
ઈ. સ. ૧૫૭૭માં દિવાળીના શુભ દિવસે જ અમૃતસરના વિશ્ર્વપ્રસિદ્ધ સુવર્ણમંદિરનો શિલાન્યાસ થયો હતો. તે પછી તૃતીય શીખ ગુરુ શ્રી અમરદાસજીએ દિવાળીના દિવસે સમાજ-મિલનની પરંપરાનો આરંભ કર્યો હતો. આજે પણ વિશ્ર્વભરમાં પ્રસરેલા શીખ બંધુઓ આ પરંપરાને અનુસરી રહ્યા છે. ઈ. સ. ૧૬૧૯માં દિલ્હીના ધર્માંધ શાસક જહાંગીરે ગ્વાલિયરના કારાવાસમાં બંદીવાન બનાવેલા છઠ્ઠા શીખ ગુરુ સંત શ્રી હરગોવિંદજી સહિત અન્ય પર જેટલા હિન્દુ રાજાઓને દિવાળીના દિવસે જ મુક્ત કર્યા હતા. આમ દિવાળીનો દિવસ શીખ અને જૈન સમાજ માટે અત્યંત વિશિષ્ટ પર્વ પણ બની રહે છે.
આમ, દીપાવલીનું પર્વ અજવાસ અને ઉલ્લાસનું પર્વ છે આપણે સૌ આપણા જીવનમાંથી અનિષ્ઠોનાં અંધારાં દૂર કરી નિષ્ઠતાનાં અજવાળાં પ્રગટાવીએ ત્યારે જ દીપાવલીનો ખરો પ્રકાશોત્સવ ઊજવાશે.
                                                      -જગદીશ આણેરાવ