સમજદાર કોણ ?

    ૧૨-નવેમ્બર-૨૦૧૬


દિવાળીના તહેવારોના દિવસો ચાલતા હતા. વરસાદની ઋતુ હવે પૂરી થઈ ગઈ હતી. નીચાણવાળી ભૂમિમાં પાણી ભરાઈને ખાબોચિયાં બન્યાં હતાં. તો કોઈ કોઈ જગ્યાએ નાનકડાં તળાવડાં પણ ભરાયાં હતા. મહોલ્લાની નજીકમાં જ એક નાનકડી તળાવડી ભરાઈ  હતી. તે બહુ ઊંડી ન હતી. બાળકના બૂટ પહેરેલા પગ ડૂબી જાય એટલી છીછરી તળાવડી હતી.

મહોલ્લાનાં સામસામેનાં બે ઘરોમાંથી બે બાળકીઓ રમવા માટે બહાર આવી. તેમાં એક જરા નાની હતી અને બીજી એનાથી થોડીક મોટી હતી. નાનીનું નામ મોહિતા હતું અને તેણે પીળું ફરાક પહેર્યું હતું. મોટીનું નામ આરાધ્યા હતું અને તેણે કસૂંબી રંગનું ફરાક પહેર્યું હતું. બંને રસ્તામાં મળ્યાં એટલે તેમણે પોતાના નવા ફરાક એકબીજાને બતાવ્યાં. પછી વાતો કરતાં કરતાં તેઓ તળાવડી પાસે ગયાં.

મોટી આરાધ્યાએ કહ્યું, ‘મોહિતા, ચાલ તળાવડીમાં છબછબિયાં કરીએ, મજા આવશે.’

‘હા ચાલ.’ કહીને મોહિતા બૂટ-મોજાં કાઢ્યા વગર પાણીમાં ઊતરવા ચાલી.

તરત જ આરાધ્યાએ તેને અટકાવીને કહ્યું : ‘મોહિતા, ઊભી રહે, પહેલાં તારા બૂટ-મોજાં કાઢીને અહીં બહાર મૂકી દે. પાણીમાં કાદવ-કીચડથી તે બગડી જશે તો તારી મમ્મી તને લડશે.’

પછી બંને જણાં બહાર બૂટ-મોજાં કાઢીને પાણીમાં ઊતરવા લાગ્યાં. થોડાંક ડગલાં ચાલતાં મોહિતાના ઢીંચણથી અડધે સુધી પાણી આવી ગયું એટલે તે ગભરાઈને બોલી : ‘આરાધ્યા, અહીં તો વધારે ઊંડું પાણી લાગે છે. મને તો આગળ ચાલતાં બીક લાગે છે.’

એટલું કહીને તે ઊભી રહી અને ફરાક થોડુંક ઊંચું લીધું. આરાધ્યા તેની નજીક આવતાં બોલી : ‘મોહિતા, તું ડરીશ નહીં. હવે તેનાથી વધારે ઊંડું પાણી નહીં આવે.’

‘હા, પણ તું મારી આસપાસમાં જ રહેજે, મને એકલીને તો ડર લાગે છે.’ મોહિતા ધીરે ધીરે ડગ ભરી રહી હતી.

બેઉ નજીક નજીક આવી ગયાં એટલે આરાધ્યાએ કહ્યું : ‘મોહિતા, તું જરા સંભાળીને ચાલજે. છાંટા ઊડે નહીં તેનું ધ્યાન રાખજે. મારું ફરાક નવું છે.’

‘મારું પણ નવું છે. જો જો !’ પરંતુ મોહિતા આગળ બોલે તે પહેલાં તેનો પગ ખાડામાં પડ્યો અને કાદવવાળું પાણી ઊડ્યું.

કીચડવાળા પાણીના છાંટાઓથી આરાધ્યાનું ફરાક ખરડાઈ ગયું. મોઢા પર પણ કાદવવાળા છાંટા પડ્યા હતા. નવું ફરાક અને મોં બગડવાથી તે ગુસ્સે થઈને મોહિતાને મારવા માટે તેની તરફ દોડી. મોહિતા ગભરાઈને પાણીમાં છબાક-છબાક કરતી ઘર તરફ ભાગી. આરાધ્યા તેની પાછળ પાછળ દોડવા લાગી.

બરાબર એ જ સમયે આરાધ્યાની મમ્મી તેની પાસેથી પસાર થઈ. ફરાક અને મોં કાદવથી ખરડાયેલાં જોઈને તેણે ગુસ્સે થઈ તેને પૂછ્યું : ‘આ બધું શું કર્યું છે, ચિબાવલી ? નવું ફરાક ગંદું કરી દીધું ! હવે તેને કોણ ધોશે ?’

મમ્મીનો ગુસ્સો વધે એ પહેલાં આરાધ્યા બોલી : ‘મમ્મી, એ મેં બગાડ્યું નથી. પેલી મોહિતાએ જાણી જોઈને મારા ઉપર છાંટા ઉડાડ્યા છે...!’

આટલું સાંભળતાં જ આરાધ્યાની મમ્મીએ ભાગી રહેલી મોહિતાને પકડી પાડી. પછી તેનો કાન પકડીને તેના ગાલ ઉપર એક ચોડી દીધી, અને વઢતી હોય એમ બોલી : ‘તું રમવા માટે આવે છે કે બીજાને નુકસાન કરવા માટે આવે છે ?’

મોહિતા આખો મહોલ્લો સાંભળે તેમ ભેંકડો તાણીને રડવા લાગી. પુત્રીને રડતી સાંભળીને તેની મમ્મી દોડતી ત્યાં આવી, અને તેણે આરાધ્યાની મમ્મીને કહ્યું : ‘એય કભારજા...! મારી દીકરીને મારે છે શાની ? એ તારા ઘરનું ખાઈને મોટી નથી થતી, સમજી !’

પોતાને કભારજા કહી તેના જવાબમાં તેણે મોહિતાની મમ્મીને શંખણી કહી. એમાંથી હુંસાતુંસી વધતી ગઈ. બેઉની બોલાચાલી સાંભળીને મહોલ્લાની બીજી સ્ત્રીઓ ત્યાં પહોંચી ગઈ. પુરુષો પણ આવી ગયા. વાત વધતાં વધતાં ધક્કા-મુક્કી સુધી પહોંચી ગઈ. પછી બંને પક્ષો હાથ લાંબા કરી, કૂદી કૂદીને એકબીજાને મારવા જવા લાગ્યા. હવે મામલો મારામારી પર પહોંચી જવાની તૈયારીમાં હતો, એટલામાં આરાધ્યાનાં ઘરડાં દાદીમા ત્યાં આવી પહોંચ્યાં. તેઓ ટોળાની વચ્ચે પહોંચી ગયાં. પછી બધા સાંભળે તેમ તેમણે કહ્યું : ‘અરે અબુધો ! તમે આ શાનો કકળાટ માંડ્યો છે ? એક મહોલ્લામાં સાથે રહેનારાં તમને આ શોભે છે ? અત્યારે દિવાળીનું પનોતુ પર્વ ચાલી રહ્યું છે એનો તો વિચાર કરો. તહેવારના દિવસો તો આનંદ માણવાના દિવસો છે, લડવાના દિવસો નથી.’

પરંતુ લડનારાં બધાં જોશમાં આવી ગયાં હતાં અને બરાડી બરાડીને બોલી રહ્યાં હતાં. એમાં આ ઘરડાં દાદીની વાત કોણ સાંભળે ? બિચારાં દાદીમા ટોળામાંથી જેમ તેમ કરીને, પડતાં-આખડતાં બહાર આવ્યાં.

એ દરમિયાન આરાધ્યાએ પોતાના ફરાક પર પડેલા કાદવના ડાઘા ખંખેરી નાંખ્યા હતા, અને મોઢા પર પડેલા છાંટા પણ લૂછી નાખ્યા હતા. પછી તે એક જાડો કાગળ લઈ આવી. મોહિતા પણ તેની પાસે આવી, ત્યાં આરાધ્યાએ કહ્યું : ‘ચાલ, તળાવડીમાં જઈને આપણે હોડી હોડી રમીએ !’

‘હા, ચાલ !’ કહીને મોહિતા આરાધ્યાની પાછળ ચાલી.

આરાધ્યાએ કાગળના ટુકડા કરીને હોડી જેવા આકારમાં તેમને વાળી દીધા, પછી બંને જણાં એક એક હોડી લઈને પાણીમાં તરાવવા લાગ્યાં. પવનથી હોડી ચાલતી એટલે બેઉ જણાં ખુશ થઈને તાળીઓ પાડવા લાગતાં, અને બોલતાં : ‘હેઈ... મારી હોડી ચાલી, હેઈ મારી હોડી ચાલી...!’

બાળકો રમતાં હતાં તે તળાવડીનો ખૂણો ટોળાની બિલકુલ નજીકમાં જ હતો, પરંતુ ટોળાનું ધ્યાન એ બાજુ નહોતું. તે તો હજુય લડી રહ્યું હતું.

પેલાં ઘરડાં દાદી બાળકીઓની રમત જોઈ રહ્યાં હતાં. તેઓ ટોળાની પાસે આવ્યાં ને બોલાય એટલા મોટા અવાજે બોલ્યાં : ‘અરે મૂરખાઓ ! જુઓ, આ બાજુ જુઓ ! આ છોકરીઓ કેવી હસતી-ખેલતી રમે છે? જુઓ જરા, તમે જેમને માટે ઝઘડો લઈને બેસી ગયાં છો, તેઓ તો સાથે સાથે રમે છે ને આનંદ કરે છે ! જુઓ, એકબીજાને કેવી તાળીઓ આપે છે ? અને તેઓ કેવાં હસે છે ? વાહ રે વાહ ! વાહ, બાળકો, વાહ ! તમે તો મોટાંઓ કરતાં પણ વધુ શાણાં લાગો છો !’

બંને બાળાઓ હળીમળીને ખેલતી હતી. હસતાં હસતાં ખેલતી હતી. બાળકોની આવી નિર્દોષતા જોઈને ટોળું શરમાઈ ગયું. તેમને પોતાની જાત પર લજ્જા આવી. હવે વધુ વાર ત્યાં ઊભા રહેવામાં સાર નથી, એવું લાગતાં બધા ચુપચાપ એક પછી એક વિખેરાઈ ગયાં.

***

(ટૉલ્સ્ટૉયની એક વાર્તાનું રૂ‚પાંતર)

 

ગાંધીજીની નિર્ભયતા

સત્યાગ્રહ આંદોલન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકાર ગાંધીજીના આંદોલનથી પરેશાન હતી. એક અંગ્રેજ અધિકારીએ ગુસ્સાથી આવેશમાં આવીને ત્યાં સુધી કહી દીધું : "જો ગાંધી મને ક્યાંક મળી જાય તો હું તેને ગોળીએ દઈ દઉં. ગાંધીજી સુધી પણ આ વાત પહોંચી. તેઓ બીજા દિવસે સવારમાં તે અંગ્રેજના ઘરે એકલા જ પહોંચી ગયા. તે સમયે તે અંગ્રેજ ઊંઘી રહ્યો હતો. જાગ્યા ત્યારે મુલાકાત થઈ.

"હું ગાંધી છું. તમે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે ને ! હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે તમે તમારું કામ સુવિધાથી કરી શકો. ગાંધીજીના આ શબ્દો સાંભળીને તે અંગ્રેજને પસીનો વળી ગયો, તેના હૃદયનું પરિવર્તન થયું. મારવાની વાત તો દૂર, ત્યાર બાદ તે અંગ્રેજ ગાંધીજીનો પરમ ભક્ત બની ગયો. આવા નિર્ભય હતા મહાત્મા ગાંધી.