આ ભાઇએ બનાવ્યુ દેશી જીન્સ… તમામ ઓર્ડર પણ ભારતીય પોસ્ટના માધ્યમથી જ મોકલે છે. વાંચો… 

    ૦૮-નવેમ્બર-૨૦૧૬

સિદ્ધાર્થ મોહન નાયર 

 

કેરળના એક આન્ત્ર્યપ્રિન્યોરે શુધ્ધ હેન્ડલૂમ ખાદીના 'દેશીટ્યુડ' જીન્સ બનાવ્યા છે. જેનું નામ છે દેશીટ્યુડ…જેને આ વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ કેરળની એનર્જી એન્ડ ઈન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ સિદ્ધાર્થ મોહન નાયરના દિમાગની ઉપજ છે.

સિદ્ધાર્થ ખાદી પ્રેમી છે. તેણૅ મુંબઈમાં એક પ્રદર્શન દરમિયાન દેશી જીન્સ અંગે સાંભળ્યું હતું. ત્યાર પછી તેના મગજમાં દેશી જીન્સ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે આ જીન્સને સંપૂર્ણ રીતે દેશી બનાવવા માટે ખૂબ ઉંડાણ પૂર્વકનો અભ્યાસ કર્યો છે. તેનો લોગ પ્રિન્ટ કરવા માટે પણ ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે નહીં કે લેધરનો. નેચરલ ડાઈથી તેને ખાદી પર પ્રિન્ટ કરવામાં આવ્યો છે.આ માટે સિદ્ધાર્થે 30 હજારની લોન લઈ શરૂઆત કરી.

દેશીટ્યુડ જીન્સ

 

આ સંપૂર્ણ રીતે શુદ્ધ દેશી જીન્સ છે. ખાદી સંઘ ડેનિમ રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ત્યાર બાદ સિલાય કરતા પહેલા ઘણી બધી વખત તેની ધુલાઈ કરવામાં આવે છે. પેકેજિંગમાં પણ સ્વદેશીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પેકેજિંગ માટે ઉપયોગમાં આવતું મટિરીયલ કોટનથી બનેલું હોય છે. તેની સિલાઈ આંધ્રપ્રદેશના એક ગામની મહિલાઓ કરે છે. જેનાથી આ મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. મહત્વની વાત એ છે કે જેટલા જીન્સનું વેચાણ થાય તેટલા તેઓ વૃક્ષના છોડ લગાડે છે. અને પ્રાઈવેટ કૂરિયર્સે તેમને સસ્તી સર્વિસની ઓફર આપી છતાં તે તમામ ઓર્ડર ભારતીય પોસ્ટના માધ્યમથી જ મોકલે છે.

સિદ્ધાર્થ મોહન નાયર 

 

સિદ્ધાર્થ જણાવે છે કે લોન્ચ પછી લોકોને ખુબ રસ પડી રહ્યો છે. જોકે, શરૂઆતમાં લોકોને તેની ક્વોલિટીને લઈને શંકા હતી, પરંતુ હવે પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. તેઓ એ પણ સ્વીકાર કરે છે કે આ સ્વદેશી જીન્સની કિંમત વધારે છે તેમ છતા લોકો તેની ખરીદીમાં રસ દાખવી રહ્યા છે. એક જીન્સની કિંમત 3500 રૂપિયા છે.