દરેક રણમાં એક નાનો તો નાનો પણ રણદ્વીપ હોય છે

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૬

 

એકવાર શંકરન્ પિલ્લૈ તરવૈયાનો પોશાક પહેરી સમુદ્રમાં ઊતર્યા. વીસ ફૂટની ઊંડાઈમાં કોઈ વ્યક્તિને કોઈ પણ જાતના રક્ષણાત્મક પોશાક વિના આવતી જોઈ તેમને નવાઈ લાગી. સાઠ ફૂટની ઊંડાઈએ પણ તેમને રક્ષાત્મક પોશાક કે ઑક્સિજન માસ્ક પહેર્યા વિના જોઈને શંકરન્ પિલ્લૈ વધુ આશ્ર્ચર્યમાં પડ્યા.
"આ કેવી રીતે શક્ય છે ? પાણીમાં ન ભૂંસાતી શાહીમાં લખીને પૂછ્યું.
સામી વ્યક્તિએ કલમ છીનવીને ઉત્તર લખ્યો :
"હું ડૂબી રહ્યો છું. બેવકૂફ, મને બચાવવાનો પ્રયત્ન કર્યા વિના પ્રશ્ર્ન પૂછ્યા કરો છો ?
તમે પણ શંકરન્ પિલ્લૈ જેમ છો. ડૂબતી વ્યક્તિને તમાશાના રૂપમાં જોયા કરો છો. પરિવારથી અલગ થવા ઇચ્છો છો કે તેમને અલગ કરવા ઇચ્છો છો !
શહેરમાં ઘણું કમાતો એક નવયુવાન મારી પાસે આવ્યો. "મારા પિતા અભણ ખેડૂત છે. તેમને ખબર નથી કે સભ્યતા શું છે! મારા મિત્રોની સામે બકવાસ કર્યા કરે છે. તેથી મારે અપમાનિત થવું પડે છે. પોતાના પિતાની બાબતમાં અસભ્ય શબ્દોમાં તે બોલવા લાગ્યો.
મેં કહ્યું, "પહેલાં તો તમે એ વાતને ભૂલી ગયા કે તમે પણ તમારાં મા-બાપની મૂર્ખતાથી પેદા થયેલી જ વ્યક્તિ છો. હું પણ એ જ ભૂલથી પેદા થયો છું. હકીકતને સમજવાની બુદ્ધિમાની તમારી પાસે નથી. તમે બેવકૂફ છો કે તેઓ ? ઇચ્છો તો આવી વ્યક્તિને જન્મ દેવાની તેમની મહેનતને બેવકૂફી કહી શકો છો.
જે લોકો આપણી અપેક્ષા પ્રમાણે નથી હોતા તે આપણને બેવકૂફ લાગે છે. તમે એ વાતને ન ભૂલો કે આ જ કારણથી તમને બેવકૂફ સમજનારા બીજા સો લોકો હશે.
પરીક્ષામાં નપાસ થયેલા દીકરા પર શંકરન્ પિલ્લૈ ગુસ્સે થવા ઇચ્છતા હતા. તેમણે ગુસ્સો કરીને કહ્યું, "લાગે છે કે તારું મગજ એક રેગિસ્તાન છે.
"દરેક રણમાં એક નાનો તો નાનો પણ રણદ્વીપ હોય છે, પરંતુ દરેક ઊંટ તેને શોધી નથી શકતું. બેટાએ સામે તમાચો મારતા અંદાજથી ઉત્તર આપ્યો.
તમે શહેરમાં ઊછરીને મોટા થયા છો. ફટાફટ અંગ્રેજી બોલો છો. કમ્પ્યુટર જેવાં અમુક સાધનો ચલાવવાની કળા શીખી ગયા છો, પણ આ બધી બાબતોના આધાર પર તમને બહુ બુદ્ધિમાન સમજો છો ?
શું તમે ગાયના આંચળમાંથી ગામડાનાં લોકોની જેમ દૂધ દોહી શકો છો ? પગે વગાડ્યા વગર હળને ઓછામાં ઓછું એક ફૂટ સુધી ચલાવવાનું આવડે છે ? જો તમારાથી બધું નથી થઈ શકતું તો શું તમારા ઉપર મૂર્ખનો સિક્કો લગાવી દે ?
તમે વધુમાં વધુ ખેતી વિશે પુસ્તકોમાં વાંચ્યું હશે, તેમણે તેનો ખેતરોમાં અભ્યાસ કર્યો છે. તેમનો જાતઅનુભવ સીધો અને ઊંડો છે. પોતાની સરખામણીમાં પોતાના બેટાને ઊંચી સ્થિતિ પર પહોંચાડવો છે. તેમ વિચારીને તેમને શહેરનું ભણતર અને સગવડો હાજર કરનારા એ લોકો બુદ્ધિશાળી છે કે તમે ?
જો તમે વાસ્તવમાં ઇચ્છો છો કે આના બદલામાં તે લોકોને સારી સ્થિતિમાં લાવવા છે તો તેમને બેવકૂફ ન સમજતાં તેમના પ્રતિ સ્નેહ દેખાડી તમે જે જાણો છો તે તેમની સાથે વહેંચો.
તમે એક પરિસ્થિતિમાં રહો છો, તે લોકો બીજી પરિસ્થિતિમાં. બસ, તેમાં બુદ્ધિમાનીની કોઈ વાત નથી. મૂર્ખતાની વાત પણ નથી.
અને કેટલાક લોકો એવું પણ કહે છે :
તેમની સાથે કેવી રીતે મૈત્રી રાખી શકું ? તે તો સભ્યતા નથી જાણતા. સમાજમાં મારો જે દરજ્જો છે તે નથી સમજતા.
તમારે આધીન કામ કરનારા કે તમારા પરિવારનો કોઈ નબળો સભ્ય તમારા પ્રતિ આદર નથી દર્શાવતો. શું એ વાતને લઈને દુ:ખી થનારી વ્યક્તિ છો તમે ?
જરૂર તેમને સુધારવાની નથી, પણ પોતે સુધરવાની છે.
એક વાત સમજી લો, તમારું જે ‘સ્વ’ છે, તેને કોઈ સન્માનની અપેક્ષા હોતી નથી. સ્વાભિમાન જેવી કોઈ વસ્તુ નથી. તે કાલ્પનિક મનોભાવ છે.
તમે બીજા પાસેથી શા માટે સન્માનની અપેક્ષા રાખો છો ? બીજાનું ધ્યાન તમારા તરફ વળવું જોઈએ એવી અપેક્ષા સાથે ને ?
સચ્ચાઈ આ છે -
આજની સ્થિતિમાં તમે તમારામાં પૂર્ણ હોવાનો અનુભવ નથી કરી શકતા. વિચારો છો કે તમે અપૂર્ણ છો. એ ખાલી જગ્યાને ભરવા માટે તમને બીજાના ધ્યાનની જરૂર પડે છે.
જો આ વાત તમારી સમજમાં આવી જાય તો ઓછામાં ઓછું બાકીના જીવનને અદ્ભુત અને આનંદમય રીતે ચલાવવાની વિધિ પર તમે વિચાર કરવા લાગશો.

 

આ લેખ સદ્દગુરુ જગ્ગી વાસુદેવ એ લખેલ છે