વડોદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મહાનગર એકત્રીકરણ કાર્યક્રમ

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૬


 

"પૂર્ણ ગણવેશમાં આપણું અહીં એકત્રિત થવું એ આપણી ૯૦ વર્ષની પરંપરા છે. આપણે આવા સમારોહ યોજીએ છીએ. આપણે આવા સમારોહ કેમ યોજીએ છીએ ? લાંબા સમય સુધી કોઈ કર્મકાંડ કરવા માત્રથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેની પાછળ એક વિચાર હોય છે. આ શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના. ગત ૧૯ ડિસેમ્બરના રોજ તેઓ વડોદરાના નવલખી મેદાન પર આયોજિત મહાનગર એકત્રીકરણ સમારોહમાં સ્વયંસેવકોને સંબોધી રહ્યા હતા. શ્રી મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે, સંઘ શારીરિક અને બૌદ્ધિક બન્ને પ્રકારના કાર્યક્રમ કરે છે. બૌદ્ધિક કાર્યક્રમોમાં માત્ર ભાષણ નથી, તે ત્યાં ઉપસ્થિત સ્વયંસેવકનું સામૂહિક ચિંતન હોય છે. આવા જ એક કાર્યક્રમની પૂર્ણાહુતિમાં આજે આપણે બધા અહીં એકત્રિત થયા છીએ સંઘ શુ છે ? - એ આજે સમાજ જાણે છે, સંકટના સમયે સંઘના સ્વયંસેવકોની સેવા અને કામના કારણે સમાજમાં સંઘની ઊજળી છબી પ્રસ્થાપિત થઈ છે. આજે અહીં આબાલ વૃદ્ધ જેટલા પણ સ્વયંસેવકો ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે તેઓ સંઘ સ્વયંસેવક કેમ બન્યા ? તેઓ કહેશે કે અમને સંઘનું કામ પસંદ આવ્યું માટે અમે સ્વયંસેવકો બન્યા. સંઘ સ્વયંસેવકો સમાજને પસંદ આવે એવું શું કામ કરે છે ? આનું કારણ સંઘની પદ્ધતિ છે. આપણે સંઘ વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ. આજે ૧,૬૦,૦૦૦ સેવાકાર્ય સંઘ સમાજની સહાયતાથી ચલાવે છે. સમાજજીવનના હરેક ક્ષેત્રમાં સંઘ સ્વયંસેવકની હાજરી છે. ત્યાં તેનું જે કાર્ય થાય છે તે સમાજને પસંદ આવે છે, પરંતુ સ્વયંસેવકો દ્વારા ચલાવતા તે તમામ કાર્યો સંઘથી અલગ સ્વતંત્ર સ્વાયત્ત કાર્ય હોય છે. સંઘનું કામ માત્ર એવા સ્વયંસેવકો તૈયાર કરવાનું છે.
દેશ સામે અનેક સમસ્યાઓ રહેતી જ હોય છે અને સંઘના સ્વયંસેવકનો સ્વભાવ સમસ્યાઓના સમાધાનનો હોય છે. માટે સમાજ સ્વયંસેવકોના કાર્યને પસંદ કરે છે. સમાજમાં ઘણી બધી સમસ્યાઓ રહે છે, જેનું સમાધાન સમાજ થકી જ થઈ શકે છે. તેના માટે યોગ્ય સમાજનું નિર્માણ જ‚રી છે અને યોગ્ય સમાજના નિર્માણ માટે સમાજમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવું પડે છે અને યોગ્ય વાતાવરણના નિર્માણ માટે યોગ્ય વ્યક્તિ ઊભા કરવા પડે છે. સમાજમાં ભલાઈનાં કાર્યો કરનારા વ્યક્તિઓની અછત નથી. તેઓને સમાજ પાસે પહોંચાડવાની જરૂ‚ર હોય છે. સમાજમાં કેટલીક સમસ્યાઓ એવી હોય છે, જેના માટે ધૈર્ય રાખી વ્યવહાર કરવો જ‚રી છે. અંતિમ પરિણામ મળે ત્યાં સુધી સતત કામ કરવાની મનોવૃત્તિ હોવી જોઈએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ પ્રકારની આદત અને કાર્યપદ્ધતિનો માર્ગ છે. સંઘ આવી આદતોને સ્વભાવગત કરનારા સ્વયંસેવકોનું નિર્માણ કરે છે અને પાછલાં ૯૦ વર્ષોથી સંઘ આ કામ કરતો આવ્યો છે, જેના પરિણામ સ્વ‚રૂપ ઘણા બધા સ્વયંસેવકો તૈયાર થયા છે. જે આજે રાષ્ટ્રકાર્યમાં લાગેલા છે અને જેઓનું કાર્ય આજે સમાજની સામે છે.
પરંતુ જો સંઘને વાસ્તવિક રીતે સમજવો હશે તો સંઘને પ્રત્યક્ષ જોવો પડશે. સંઘમાં મળતું કશું જ નથી. બધું આપવું જ પડે છે. જો તમે કંઈક મેળવવાની અપેક્ષાએ સંઘમાં આવો છો, તો તેવા લોકો સંઘના પડછાયાથી પણ દૂર રહો, કારણ કે સંઘમાં કંઈ જ મળવાનું નથી. કંઈક ને કંઈક આપવું જ પડશે. સંઘ સમર્પણની ભાવના વિકસિત કરે છે. સંઘમાં સ્વયંસેવકના વિચાર અને કૃતિમાં અંતર નથી હોતું. સંઘમાં ભાષા જાતિના ભેદ વગર સૌની સાથે સમાન વ્યવહાર થાય છે. આજે વિશ્ર્વમાં ધર્મના નામે યુદ્ધો ખેલાઈ રહ્યાં છે. ભારતનો જન્મ જ દુનિયાને ધર્મની સાચી સમજ આપવા માટે થયો છે. સંઘ ક્યારેય પ્રતિક્રિયા આપતો નથી. આપણે સૌ એક જ આત્મા-પરમાત્માના અંશો છીએ. આપણે એકબીજાનું સમ્માન કરવાનું છે, શોષણ નહીં.
આ પ્રસંગે વડોદરા વિભાગ સંઘચાલક શ્રી બળદેવભાઈ પ્રજાપતિ વડોદરા મહાનગર સંઘચાલક ડૉ. વ્રજેશભાઈ શાહ તથા જિલ્લા સંઘચાલક ડૉ. મહેન્દ્ર પટેલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગણવેશધારી સ્વયંસેવકો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.