આદર્શ યોગ

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૬


પુસ્તક  :     આદર્શ યોગ

લેખકો  :     સ્મિતા પટેલ, પ્રદીપ ત્રિવેદી

પ્રકાશક :     બુક શેલ્ફ

પૃષ્ઠ   :     ૨૮૦

મૂલ્ય   :     ‚. ૩૫૦/-

દૂરભાષ :     ૦૭૯-૨૬૪૪૧૮૨૬, ૨૬૫૬૩૭૦૭

આજે વિવિધ ઇચ્છાઓ તથા આકાંક્ષાઓને પૂરી કરવા માણસ પોતાની જાતને જોતરી દે છે. પોતાના સ્વાસ્થ્યના ભોગે તે કહેવાતાં ભૌતિક સુખોને પામવા કાર્યરત રહે છે. કહેવાતાં ભૌતિક સુખોનો સ્વામી બનવાની સાથે માનવી સ્વાસ્થ્ય માટે કંગાળ બનતો જાય છે. સ્વાસ્થ્યના ભોગે મેળવેલી સંપત્તિનો ઉપયોગ મોટી ઉંમરે સ્વાસ્થ્ય મેળવવા માટે કરવામાં આવે છે. આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ છે નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ. આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગનું મૂલ્ય સ્વીકારાયું છે. ભારતની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ છે જેનું નિર્માણ હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિમુનિઓ દ્વારા થયું હતું. આ સુંદર કાર્યનો મૂળ ઉદ્દેશ લોકકલ્યાણનો હતો. આ ઉમદા હેતુના કારણે જ આજ સુધી યોગવિદ્યાનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે. યોગ એ સ્વસ્થ જીવન જીવવાની કળા છે. આ કળાને હસ્તગત કરવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રાર્થના અને સૂક્ષ્મ વ્યાયામની સમજ આપવામાં આવી છે. બીજા વિભાગમાં આસનોના મહત્ત્વ તથા વિવિધ આસનો કરવાની રીત, સ્થિતિ તથા સાવચેતી અંગેની ચિત્રાત્મક રજૂઆત છે. વિભાગ-૩માં સૂર્યનમસ્કાર, શવાસન, મેરુદંડાસન, શીર્ષાસન વગેરેની સમજ આપવામાં આવી છે. વિભાગ-૪માં પ્રાણાયામ સાથે બંધ અને ષટકર્મની સમજ આપી છે. વિભાગ-૫માં વિવિધ રોગોમાં કયાં આસન કરવાથી ફાયદા થાય તેની સમજ આપવામાં આવી છે. વળી કયા રોગમાં કયાં આસનો ન કરવાં જોઈએ તેની સુંદર સમજ આપવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તકમાં ૭૦ આસનો તેના ફોટોગ્રાફ્સ સાથે આપવામાં આવ્યાં છે. દરેક આસનની પદ્ધતિ, ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને ફાયદાઓની સચોટ માહિતી આપવામાં આવી છે. વળી પ્રાણાયામની સચિત્ર સમજૂતી પણ આપવામાં આવી છે. આમ આજના તણાવભર્યા જીવનમાં હળવાશ મેળવવા માટે અને રોગનિવારણ માટે જ‚રી માર્ગદર્શન મેળવવા પુસ્તક ખૂબ ઉપયોગી છે. ‘યોગ ભગાડે રોગ’ને સમજવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવું.