અવર ચાઈલ્ડ અવર ચૅલેન્જ

    ૧૮-માર્ચ-૨૦૧૬


પુસ્તક :- અવર ચાઈલ્ડ અવર ચૅલેન્જ
લેખિકા :- ડૉ. ઊર્મિલા શાહ
પ્રકાશક :- ગૂર્જર સાહિત્ય ભવન
પૃષ્ઠ :- ૨૨૬
મૂલ્ય :-રૂ‚. ૧૮૦/-

આજના અદ્યતન યુગમાં સ્ત્રી પુરુષસમોવડી બનવાના પ્રયાસ કરે છે. ક્ધયા કેળવણીનો દર વધ્યો છે અને સાથોસાથ ક્ધયાઓ પણ પોતાની કારકિર્દીને આગવું મહત્ત્વ આપે છે. પરિણામે મોટી ઉંમરે કારકિર્દીમાં સ્થાયી થયા પછી લગ્નો થાય છે અને પછી બાળકને જન્મ આપવા માટે ક્યાંક ઉંમર કે અન્ય કારણો આગળ આવે છે, પણ અદ્યતન ટેક્નૉલૉજીના માધ્યમથી આવા પડકારોને પહોંચી વળાય છે અને ઈંટઋ કે ઈંઞઈંના માધ્યમથી સંતાનપ્રાપ્તિ થાય છે, પણ પછી ??? કેટલીય પ્રતીક્ષા પછી મેળવેલું સંતાન જ માતા-પિતા સમક્ષ એક પડકાર બનીને ઊભું રહે છે. આથી જ ડૉ. ઊર્મિલાબહેન જેવાં વ્યક્તિત્વોને આવાં પુસ્તકો લખવાની જાણે કે ફરજ પડે છે.
અદ્યતન પહેરવેશથી વિચારસરણી અદ્યતન હશે જ એવું માનવું ભૂલભરેલું છે. વિચારોનું નાવીન્ય અને વિચારોમાં બહોળો વ્યાપ હોવો એ પહેરવેશને આધીન નથી, પરંતુ આજની મૉડર્ન માતાઓના વસ્ત્રપરિધાન પર કરેલી લેખિકાની ટકોર ખૂબ યોગ્ય અને વાસ્તવિક છે. માતા-પિતા પોતાના સંતાનને હંમેશાં અન્યોનાં ઉદાહરણો દ્વારા કાંઈક શીખવવા માટેનો પ્રયાસ કરે છે અને એ સદંતર ભૂલી જાય છે કે બાળક તેમને અને તેમના વર્તનને જોઈને ઘણું બધું શીખે છે અને માતા અને પિતાના વાણી અને વર્તનમાં રહેલી ભિન્નતા બાળકને ખૂબ ગૂંચવણમાં નાંખી દે છે. આપણું સંતાન જ્યારે ઈશ્ર્વરે આપણને આપેલી મહામૂલી ભેટ હોય ત્યારે તેના ઘડતરના પડકારને ઝીલવા માટે તો માતા-પિતાએ પોતાના ‘સ્વ’ને તથા જીવનની પ્રત્યેક પળને સમર્પિત કરી પોતાના જીવનને ધન્ય બનાવવાની જ‚ર છે. આ ભગીરથ કાર્યમાં પ્રસ્તુત પુસ્તક એક પ્રેરણાસ્રોત બની રહે છે. પુસ્તકમાં સમાવિષ્ટ ૪૪ પ્રકરણો માતા-પિતાને સાચું માર્ગદર્શન આપે છે. સંતાનના ઘડતરની જવાબદારી કોની ?, સંતાનના વિકાસના ભ્રમમાં અટવાતાં મા-બાપ, શિક્ષણ જ્ઞાન માટે કે પરીક્ષા માટે ? બાળકોને મૂરઝાવી ન દો, સાચું ઘરકામ એટલે શું ? આવાં ઘણાં પ્રકરણો તેમનાં સચોટ ઉદાહરણો દ્વારા માતા-પિતા-વાલી તથા સમાજને જાગૃત કરવાનું કાર્ય કરે છે. સંતાનોને જીવંત માનવ બનાવવા ઇચ્છતાં પ્રત્યેક માતા-પિતાની સંવેદના તથા ચેતનાને ઝંકૃત કરતું આ પુસ્તક આવાં માતા-પિતા અવશ્ય વાંચે અને વસાવે તથા અન્યોને પણ તેની પ્રાપ્તિ માટે માર્ગદર્શક બની રહે.