માતૃભાષામાં શિક્ષણ આવશ્યક અનિવાર્ય

    ૦૯-એપ્રિલ-૨૦૧૬


માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ એવા વૈજ્ઞાનિક સત્યને દુનિયાના બધા દેશો સારી પેઠે સમજે છે... સિવાય કે ભારત ! આ આપણી વર્તમાનની મોટામાં મોટી અને ભવિષ્યને દીર્ઘકાળ સુધી માઠી અસર પહોંચાડનારી કમનસીબી છે. જગતના મોટા મોટા વિદ્વાનો, ચિંતકો અને શિક્ષણવિદો આ તથ્ય એક અવાજે સમજાવી રહ્યા છે... પણ, સમજે એ બીજા... ભારત નહીં. અંગ્રેજી ભાષાના ગ્રહણમાંથી ભારત મુક્ત જ થઈ શકતું નથી. ભારતીય ભાષાઓની ભારતીયો દ્વારા જ ઘોર ઉપેક્ષા થતી હોવાથી ભારતીયોની મૌલિકતા અને વિવિધ શક્તિઓ પ્રગટ જ થઈ શકતી નથી... અને શક્તિશાળી ભારતીયો વિદેશોમાં જઈ પોત પ્રકાશે છે અને ભારતીય મગજથી વિદેશોને સંપન્ન કરે છે, ભારતને... પોતાના જ દેશને વંચિત રાખે છે.

 

પ્રો. યશપાલ સમિતિ દ્વારા ઈ.સ. ૨૦૦૫માં તૈયાર થયેલા રાષ્ટ્રીય અભ્યાસક્રમની ‚પરેખાના ખરડામાં માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણની વાત બહુ ભારપૂર્વક અને તર્કસંગત રીતે કહેવામાં આવી છે. એમાં શિક્ષણનાં અનેક પાસાંની સાથે બાળકની અભિરુચિ અને પ્રાથમિકતાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ખરડામાં નોંધવામાં આવ્યું છે કે, "શિક્ષણનાં પ્રારંભિક વર્ષોમાં બાળકોની અભિરુચિઓ અને પ્રાથમિકતાઓના આધાર પર શિક્ષણનું માળખું ગોઠવવું જોઈએ. (પા. ૬૦)
બુદ્ધિનો ઉપયોગ કરવામાં ભાષા માણસની પડખે ઊભી રહે છે. બાળક રડીને પોતાની જાતને પ્રસ્થાપિત કરવા મથે છે. ટકી રહેવા અને પ્રસ્થાપિત થવા વ્યક્તિએ સામાજિક બનવું તથા સમાજના સભ્ય થવું જ‚રી છે એ વાત બાળકને જલદીથી સમજાઈ જાય છે. ભાષાની આવડત ‘સમાજના અસરકારક સભ્ય’ થવા માટે અનિવાર્યપણે જ‚રી છે તે પણ તેને સમજાઈ જાય છે... અને બાળપણનો જાગૃતાવસ્થાનો લગભગ બધો સમય ભાષાની આવડત હસ્તગત કરવામાં તેનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
જન્મતાં પહેલાં મા દ્વારા સાંભળેલી અને જન્મ્યા પછી પોતાના કુટુંબ અને આસપાસના સમાજમાં વપરાતી ભાષાની વ્યવસ્થાનાં વિવિધ માળખાં અને તેમની આંતરિક ગૂંથણી અથવા તેમના પરસ્પરનાં સંબંધોના નિયમોને પ્રયત્ન અને ભૂલોની રીતે મથામણ કરતાં કરતાં બાળક ભાષા આત્મસાત્ કરે છે. આ પ્રક્રિયાની સાથે સાથે જ આ વ્યવસ્થા સાથે વણાતી રહેતી ગ્રહણની, પૃથક્કરણની, સંયોજનની, અનુમાનની, સમજની, ગણતરીની, મેળવણી - ગોઠવણી - તારવણીની, તર્ક - કલ્પના - સ્મૃતિની એની શક્તિઓ કેળવાતી જાય છે. આ બધી જ માનસિક આવડતો અને ભાષાની આવડત અરસપરસ - અન્યોન્યને ઉપયોગી થાય તે રીતે કેળવાતી રહે છે. બાળક અઢી-ત્રણ વર્ષનું થતાં થતાં આ બંને આવડતો પક્વતાની દિશામાં આગળ વધવા માંડે છે અને બાળક સ્વ અને સમગ્રના અસ્તિત્વને વધુ ને વધુ સમજવા પ્રશ્ર્નો પૂછવાનું શ‚ કરે છે. અહીંથી એની વિચારપ્રક્રિયા તેજ અને ધારદાર બનવાની શ‚ થાય છે. આ આખી પ્રક્રિયા એટલે કે ભાષા આત્મસાત્ કરવાની; તેની સાથે જ ગ્રહણ, તર્ક, સ્મૃતિ વગેરે માનસિક આવડતો કેળવવાની અને સંવેદનયુક્ત વિચારની સાથે અરસપરસ ઉપકારક થતી અને સરસ રીતે ગૂંથાતી આગળ વધે છે, અને બાળક પાંચથી આઠ વર્ષનું થતાં તે પુખ્ત ભાષક બને છે.
આ આખી પ્રક્રિયા બહુસંકુલ રીતે અરસપરસ ગૂંથાયેલી છે એ જો સમજાઈ જાય તો અઢી-ત્રણ કે પાંચ વર્ષના બાળકને માતૃભાષાના વિકલ્પે બીજી ભાષાના માધ્યમમાં ભણતું - શીખતું કરવું એ કેટલું મૂર્ખતાપૂર્ણ કાર્ય છે તે સમજાઈ જાય. હજુ આ ત્રણે શક્તિઓ પક્વ રીતે અરસપરસ ગૂંથાઈ નથી, એ પહેલાં જ એમાંની એકને બાજુ પર ખસેડીને બીજીને એને સ્થાને મૂકવા જતાં કેવી સ્થિતિ થાય તેની કલ્પના થઈ શકશે. બાળક સાવ નિરાધાર - પાંગળું બની જશે. જન્મના ચાર-પાંચ મહિના પહેલાંથી આત્મસાત્ થવા માંડેલી માતૃભાષા, જે બાળકના વ્યક્તિત્વનો ભાગ બની ચૂકી હોય છે, તેનાથી જુદા પડવાનો વખત આવે છે. બાળક અને માતૃભાષાનો આ વિયોગ બહુ આકરો હોય છે અને કદી ભરપાઈ ન કરી શકાય તેવું ભયંકર નુકસાન સર્જે છે.
આ જ કારણે ત્રણ, ચાર કે પાંચ વરસની ઉંમરથી માતૃભાષા સિવાયના માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ લેનારાં બાળકો શ‚ શ‚માં વર્ગમાં સાવ દિગ્મૂઢ બની ગયેલાં દેખાય છે. એક બાજુ સાવ પરિચિત માબાપ, કુટુંબ, ઘર, શેરી છોડીને અત્યંત ભીડભાડવાળી સાવ અપરિચિત શાળા, શિક્ષકો અને નવા સહપાઠીઓ સાથે ગોઠવાવાનું છે, ટકી રહેવાનું છે અને પ્રસ્થાપિત થવાનું છે. એવા કટોકટીને સમયે તેની પાસેની ચિરપરિચિત, તેના વ્યક્તિત્વનો ભાગ બનવા આવેલી, તેની મા જેટલી જ વહાલી માતૃભાષાને પણ છીનવી લેવાનો ઘોર અપરાધ આપણામાંથી ઘણા કરે છે. આ સ્થિતિમાં રડવું હોય તોય કઈ ભાષામાં રડવું ? વિરોધ કરવો હોય તો પણ કઈ ભાષામાં કરવો ? એટલે એવો બાળક વર્ગમાં છતા વર્ગથી અલગ શૂન્યમનસ્ક રહેતો હોય છે.
અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. બિરેન શાહ કહે છે, "મારે ત્યાં વારંવાર શરદી, પેટનો દુખાવો, માથાનો દુખાવો વગેરેની ફરિયાદ (લગભગ તો દર અઠવાડિયે - પંદર દિવસે) લઈને આવતાં બાળકોમાંથી એંસી ટકા અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય છે. અંગ્રેજી માધ્યમ એ જીવલેણ રોગ ભલે નથી, પણ
ર્જીણ રોગ છે. બાળકની રોગપ્રતિકારક શક્તિને એ ઓછી કરી નાંખે છે.
અને, જુઓ મજા ! માતા-પિતાઓ પાછાં એમ માને છે કેે અંગ્રેજી માધ્યમમાં શ‚થી જ ભણાવવાથી બાળકનું અંગ્રેજી અત્યંત પાકું થઈ જશે અને એને સમાજમાં પ્રસ્થાપિત જ નહીં, પ્રતિષ્ઠિત કરવામાં એ ખૂબ ઉપયોગી સાબિત થશે. ગુજરાતીઓનું અંગ્રેજી કાચું હોવાથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ પાછા પડે છે એવી કાગારોળ મચાવી અંગ્રેજી માધ્યમની શાળાઓનો વેપલો કરનારાઓને ખરેખર તો આંકડાઓ આપી ચૂપ કરવા જેવા છે. ૨૦૦૮માં ગુજરાતમાંથી યુપીએસસી (આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ વગેરે) પરીક્ષામાં પાસ થયેલા નવ ઉમેદવારોમાંથી આઠ શાળામાં માતૃભાષા - માધ્યમમાં ભણેલા, એટલું જ નહીં તેમાંથી સાતે ગુજરાતી વિષય રાખેલો. ૨૦૦૯માં સફળ થયેલા ચૌદ ઉમેદવારમાંથી તેર જણાએ અને વળી પાછા ૨૦૧૦માં સફળ થયેલા નવ ઉમેદવારોમાંથી છ જણાએ ગુજરાતી ભાષા - સાહિત્ય એ મુખ્ય વિષય રાખ્યો હતો.
હું સ્પષ્ટપણે માનું છું કે, ‘અંગ્રેજી ભાષાની ઘેલછા’ એ આપણને અંગ્રેજો તરફથી મળેલી ‘કાયમી ગુલામી’ જેવી છે કારણ કે એ ઘેલછાને પરિણામે આપણે કેટકેટલી મહામૂલી વસ્તુઓ - જણસો ગુમાવી રહ્યા છીએ એની એક યાદી મારા મનમાં ઊપસી રહી છે. સંસ્કૃતિ, આત્મગૌરવ, રાષ્ટ્રગૌરવ, ગરિમાયુક્ત પરંપરા, મહાન સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો અને રાષ્ટ્રાભિમાન જેવી અમૂલ્ય જણસો આપણે ગુમાવી રહ્યા છીએ... અને મેળવીએ છીએ શું ? દંભ, અંધાનુકરણ, આધુનિકતાનું મિથ્યાભિમાન, એટીકેટ, પશ્ર્ચિમની સંસ્કૃતિની વાસનાજન્ય ભોગવાદિતા અને સ્વકેન્દ્રિતા (સેલ્ફ સેન્ટર્ડનેસ). અન્ય ભાષાઓની જેમ અંગ્રેજી ભાષાનો એક જ્ઞાનભાષા તરીકે મર્યાદિત ઉપયોગ થાય ત્યાં સુધી તો એ ઉપકારક છે પણ એની અત્યધિક ઘેલછા આપણી સત્ત્વશીલતાનો સદંતર નાશ કરશે એવી વાજબી ભીતિ છે.
માટે બધા સ્તરે - વ્યક્તિગત રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને સરકારી નીતિ-રીતિના સ્તરે - અંગ્રેજીની ઘેલછાના ભોરિંગને નાથવો જ રહ્યો. ફ્રાન્સ, સ્પેન, ઈઝરાયેલ, જર્મની, જાપાન, ચીન અને રશિયા જેવાં રાષ્ટ્રોએ અંગ્રેજી ભાષા સાથે સલામત અંતર જાળવી રાખ્યું છે અને પોતાની રાષ્ટ્રીય અસ્મિતાને ટકાવી રાખી છે. શું આટલી શીખ આપણે ન લઈ શકીએ ? કદાચ વિકાસનો વધુ ઉજાસવાળો માર્ગ આપણને જોવા મળે !