વીર વચન ધન પાયો

    ૦૬-મે-૨૦૧૬


જીવનની સાર્થકતા શેમાં રહેલી છે ? જીવનમાં જ્યારે આ પ્રશ્ર્નનો ઉત્તર મળી જાય ત્યારે જીવન સુખમય-આનંદમય-પ્રભુમય બની જાય, પણ વાસ્તવિકતા એ છે કે આ પ્રશ્ર્નનો જવાબ  શોધવામાં વ્યક્તિ નિષ્ફળ નીવડે છે. કોઈક વળી સફળતા મેળવે તો જીવનમાં તેને અમલી
બનાવવામાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. આમ, વ્યક્તિ ભૌતિક સુખ-સંપત્તિ મેળવ્યા પછી પણ અધૂરય-ઊણપ-અજંપો-ઉદ્વેગ અનુભવે છે. જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ વ્યક્તિને આંતરમનના કોઈ ખૂણે જાણે કે ડામ દેનારી ઘટના બની રહે છે. મનમાં ક્યાંક કડવાશ ઊભી  થાય તો આવા ડામની બળતરા માટેનું બર્નોલ એટલે પ્રભુ વાણી. 

પ્રસ્તુત પુસ્તકનું શીર્ષક ખૂબ મર્માળું છે. "વીર વચન ધન પાયો જીવનની સાચી  સાર્થકતાને પામવા માટે મહાવીર ભગવાનની વાણી તથા વચનોને યાદ કરી અનુસરવામાં આવે  તો જીવન ધન્ય બની જાય તે નિ:શંક છે. પાલીતાણા તીર્થમાં ચાતુર્માસ દરમ્યાન વિશાળ મંડપમાં  આરાધકો અને પૂ. સાધ્વીજી ભગવંતો વચ્ચે "શ્રી વીર સૂક્તિ શતક આધારિત પ્રવચનો થયાં.  આ પ્રવચનોમાં પ્રભુના શબ્દોને માણવાનો લહાવો અનેક સાધુ-સંસારી જીવોએ એક સાથે  લીધો, પરંતુ અતિ મૂલ્યવાન આવી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી ઉત્તમ ભાવના સાથે સ્વ. રમણલાલ મણિલાલ શાહ દ્વારા પૂ. સાધુ ભગવંત સાગરચંદ્ર સાગરની ગુરુઆજ્ઞા લઈ આ પ્રવચનોને કંપોઝ કરાવ્યા અને તેનું ુંદર સંકલન કરી આ પુસ્તક તૈયાર થયું.
પુસ્તકમાં ૧થી ૨૩ પ્રકરણોમાં પ્રવચન દરમ્યાન અપાયેલ વીર સૂક્તિ શતકનાં વિવિધ સૂત્રો અંગે ખૂબ ઊંડી સમજ આપવામાં આવી છે. આ સૂત્રોને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય  તેનો ઊંડો અર્થ ઉદાહરણ સાથે રજૂ કરવામાં આવ્યો છે. વળી, ટૂંકાક્ષરી આ સૂત્રોમાં છુપાયેલો ગૂઢાર્થ આપણને સમજાય ત્યારે જ એ જીવનમાં ઉતારી શકીએ, માટે જીવનમાં ઉદ્ભવતી  વિપરીત અને અનુકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય માત્રએ કેવાં કર્મો કરવાં તેની સુંદર સમજ આ  પ્રવચનમાળા દ્વારા પ્રાપ્ત થાય છે. મહાવીર સ્વામીના આ વચનો વધુને વધુ વાચકો સુધી આ  પુસ્તકના માધ્યમ દ્વારા પહોંચે અને વાચકને સાચો જીવનરાહ પ્રાપ્ત થાય તે માટે વધુને વધુ  લોકો સુધી આ પુસ્તકનું અમૂલ્ય ભાથું પહોંચાડીએ.