લાલચ બૂરી બલા

    ૨૨-જુલાઇ-૨૦૧૬


એક હતું તળાવ. તળાવની આસપાસ નાનાં નાનાં ખાબોચિયાં પણ હતાં. ઉનાળાની શ‚રૂઆત થઈ ચૂકી હતી. તળાવમાં પાણી સુકાવા લાગ્યું હતું. ખાબોચિયાની આસપાસ કાદવકીચડ થઈ ગયો હતો. કોઈ અંદર પગ મૂકે તો ફસાઈ જાય.
ખાબોચિયામાં કેટલાંક નાનાં દેડકાં બેઠાં હતાં. તે કૂદકા મારવાની રમતાં રમતાં હતાં ને ગમ્મત કરતાં હતાં.
દૂર ઝાડ પર એક વાંદરો આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે જરા અટકચાળો અને તોફાની હતો. તે નીચે ઊતર્યો. કૂદકા મારી ખાબોચિયા તરફ ગયો ને થોડે દૂર જઈ બેઠો બેઠો દેડકાની રમત જોવા લાગ્યો.
તેનાથી દેડકાંઓની ખુશી સહન ન થઈ. તેણે થોડા પથરા હાથમાં લીધા ને એક પછી એક દેડકા પર ફેંકવા લાગ્યો. કોઈ કોઈ પથરા દેડકાને વાગતા પણ હતા. દેડકાં રમત છોડી કૂદકા મારી ખાબોચિયામાં જઈને પડ્યા. તો ય વાંદરો પથરા મારતો ન અટક્યો.
એક દેડકો બોલ્યો, ‘વાંદરાભાઈ, અમને શીદ હેરાન કરો છો ?’
વાંદરો હસીને કહે, ‘ખી...ખી, લોકોને હેરાન કરવાની તો મને ટેવ છે. મને મજા પડે છે.’
બિચારાં દેડકાં શું બોલે ?
બીજે દિવસે પણ આમ જ થયું. દેડકાંઓની રોજની રમતમાં ભંગ પડ્યો. વાંદરાભાઈને તો મજા પડતી હતી.
એ ખાબોચિયામાં એક કાચબો રહેતો હતો. દેડકાંઓએ પોતાની મુસીબતની વાત કાચબાને કરી. કાચબાએ વિચાર કરીને એક યોજના બતાવી. એ યોજના સાંભળી દેડકાં રાજી થયાં.
બીજે દિવસે દેડકાંઓનો રમવાનો સમય થયો. વાંદરો ઝાડ પર દેડકાંની રમત ક્યારે શ‚ થાય એની રાહ જોતો બેઠો હતો. પરંતુ આજે રમત શરૂ‚ ના થઈ. વાંદરો નીચે આવ્યો. ખાબોચિયા તરફ ગયો.
તેણે જોયું તો ખાબોચિયાની ધાર પર કેળાંની લૂમ પડી હતી. વાંદરો કેળાં જોઈને લલચાયો. વાંદરાને કેળાં બહુ ભાવે. વાંદરાભાઈને થયું કે જો એ આખી લૂમ મળી જાય તો મજા પડી જાય. ઘણા સમયથી કેળાં ખાધાં નથી
ને !
આમ વિચારી વાંદરાભાઈ ખાબોચિયા તરફ આગળ વધ્યા. ખાબોચિયું દૂર હતું ને તેની ફરતે ચીકણી જમીન સુકાવા માંડી હતી.
વાંદરો જેમ જેમ આગળ જતો ગયો તેમ તેમ જમીન વધારે ભીની અને પોચી આવતી ગઈ. વાંદરાને થયું કે તે પાછો વળી જાય, પરંતુ કેળાંની લાલચ એને લલચાવી રહી હતી. તેને થયું કે કાદવ છે તો ભલે રહ્યો. કદાચ થોડા હાથ-પગ બગડશે એટલું જ ને ! એ તો તળાવના પાણીમાં ધોઈ લઈશ પણ મધમીઠાં કેળાં ખાવા મળશે કંઈ !
ને લાલચુ વાંદરાભાઈ આગળ વધ્યા. જમીન ઉપરથી સુકાયેલી લાગે પણ અંદર તો કાદવ જ હતો. શીરા જેવો લચપચતો કાદવ હતો. એમાં પગ પડે તો ખૂંપી જ જાય. વાંદરાભાઈ આગળ વધ્યા ને ન થવાનું થયું. એના પગ કાદવમાં ઊતરી ગયા. તે કૂદકો મારવા ગયો એમ વધારે ઊંડા ગયા. તે હાથ વડે જોર કરવા ગયો તો હાથ પણ ગારામાં ફસાઈ ગયા. ઓ બાપ રે ! આ તો ભારે થઈ ! વાંદરો ચીસાચીસ કરવા લાગ્યો.
ને પછી તો ખાબોચિયામાંથી બધા દેડકાં બહાર આવ્યાં. બધાં તાલી પાડી હસવા ને ગાવા લાગ્યાં :
વાંદરાભૈની વલે થઈ !
ભારે જોવા જેવી થઈ !
પછી તો કાચબાભાઈ ય બહાર આવ્યા. વાંદરો સમજી ગયો કે દેડકાંઓએ કાચબા સાથે મળી આ ત્રાગડો રચ્યો છે. વાંદરાભાઈ ચીસો
પાડવા લાગ્યા, ‘કાચબાભૈ, મને બચાવો. હું મરી જઈશ.’
દેડકાં કહે, ‘અમે ય રોજ ચીસો પાડતાં હતાં પણ તું ક્યાં માનતો હતો ? લે, હવે લેતો જા !’
‘હવે હું કદી કોઈને હેરાન નહીં કરું. કાચબાકાકા, મને બહાર કાઢો.’ વાંદરો કરગરવા લાગ્યો.
છેવટે કાચબાને દયા આવી. તેણે દૂર ઊભેલા એના મિત્રો બે કૂતરાઓને બૂમ પાડી. ‘કૂતરાભાઈ, આવો ને આ વાંદરાને બહાર કાઢો.’
કૂતરાભાઈ દોડતા આવ્યા, વાંદરાને ખેંચીને બહાર કાઢ્યો. વાંદરાભાઈના દીદાર જોવા જેવા થઈ ગયા હતા. સફેદ શરીર પર  કાદવનો કાળો મેક-અપ ! આ જોઈ કૂતરા હસ્યા. એ જોઈ દેડકાંય હસી પડ્યાં ને ખીજવવા લાગ્યાં !
ધોળા ધોળા વાંદરા ભૈ
ને કાળો કાળો રંગ !
ને વાંદરાભાઈ ઊભી પૂંછડીએ જાય નાઠા ! એ પછી કદી આ બાજુ ફરક્યા જ નહિ !
દેડકાંના બચ્ચાં ફરી રોજની જેમ રમવા લાગ્યાં.

 

પ્રેરક પ્રસંગ
માતૃત્વનો વિસ્તાર

માતાની પ્રતીક્ષા કરી રહેલા કુલીન પરિવારના બાળકો કલ્પના કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે માતા આપણા માટે રમકડાં લાવશે, તો કોઈ કહી રહ્યું હતું કે આપણા માટે નવાં કપડાં લાવશે. ત્યારે જ સૌએ માતાને ઘરમાં પ્રવેશ કરતાં જોયાં. ઓરડામાં બેસેલાં બાળકોએ માતાના થેલાની તપાસ શ‚ કરી દીધી. તેઓ પોતાની પ્રિય વસ્તુને શોધવા લાગ્યા.
ઓહ, આ શું, તેમાંથી તો કશું જ ન નીકળ્યું. વારાફરતી સૌએ પ્રશ્ર્નોની ઝડી વરસાવી દીધી : "માતા અમારા માટે મીઠાઈ નથી લાવી ?
"લાવી તો છું બેટા; પરંતુ... હજુ વાત પૂરી પણ નથી થઈ કે જે બાળકે રમકડાંની કલ્પના કરી હતી તે પણ પૂછવા લાગ્યો : "માતા, મારાં રમકડાંનું શું થયું ? "રમકડાં પણ લાવી હતી, બેટા...
હવે કપડાં માટે પ્રશ્ર્ન પુછાયા : "કપડાં પણ લાવી તો હતી. આ વખતે માતાએ પોતાની વાત પૂરી કરી, પરંતુ તેમના શબ્દો
ત્રણ-ચાર બાળકો દ્વારા એક સાથે પુછાતા પ્રશ્ર્નોમાં દબાઈ ગયા. બધાએ એક અવાજે કહ્યું, "લાવી છે તો ક્યાં છે, માતા ? થેલામાં તો એક પણ વસ્તુ નથી. તમે તો હંમેશા સાચું બોલવા માટે કહો છો અને હવે તમે જ ખોટું બોલી રહ્યાં છો. "ખોટું નથી બોલી રહી, મારાં બાળકો. એ સાચું છે કે, હું તમારી પ્રિય વસ્તુ લાવી હતી, પરંતુ રસ્તામાં તમારા ઘણાં બધાં ભાઈ-બહેન મળી ગયાં, તેમને સૌને વસ્તુ વહેંચી દીધી. માતાનુ સ્પષ્ટીકરણ સાંભળીને બાળકો સમજી ગયાં કે માતાએ રસ્તા પર રહેતાં અનાથ, અસહાય, ગરીબ બાળકોને વસ્તુઓ આપી દીધી છે.
એ વિદ્વાન મહિલા હતાં - હિન્દી સાહિત્યજગતના જાણીતાં કવયિત્રી શ્રીમતી સુભદ્રાકુમારી ચૌહાણ. તેમના હૃદયમાં દેશ ને દેશવાસીઓ માટે અપાર મમતા હતી. તેઓ સેવા, પ્રેમ, કરુણા અને સહૃદયતાની સાક્ષાત્ પ્રતિમા હતાં.


૧. દેવોના ગુરુ કોણ હતા ?
૨. ભારતના રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા આરા છે ?
૩. સુંદરકાંડ કયા ગ્રંથનો ભાગ છે ?
૪. ‘જનનીની જોડ સખી નહીં મળે’ કાવ્યના કવિ કોણ છે ?
૫. વર્ષાઋતુમાં આકાશમાં કઈ રંગબેરંગી આકૃતિ રચાય છે ?
૬. ‘સુલતાન’ ફિલ્મમાં કઈ રમત દર્શાવવામાં આવી છે ?
૭. ગુજરાતમાં ‘અભિનય સમ્રાટ’નું બિરુદ કોને મળ્યું છે ?
૮. રાજ્યના બંધારણીય વડા કોણ ગણાય છે ?
૯. કયો વાયુ ભરેલો ફુગ્ગો હવામાં ઊંચે ઊડે છે ?
૧૦. પૃથ્વી ગોળ છે એવું કોણે સાબિત કર્યું હતું ?