રાજા રડી પડ્યો

    ૨૭-જુલાઇ-૨૦૧૬


એક હતો રાજા. તેણે પોતાની રાજધાનીમાં સાગ, સીસમના લાકડાનો એક અદ્ભુત શાનદાર મહેલ બનાવડાવ્યો. મહેલના ઉદ્ઘાટનના દિવસે જ અચાનક તેમાં આગ લાગી ગઈ. પળભરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો મહેલ રાખનો ઢગલો થઈ ગયો. મહેલ આગમાં સળગી ગયો તેનો રાજાને સહેજ પણ રંજ ન થયો. તે મનમાં વિચારવા લાગ્યો કે ‘કદાચ મારા નસીબમાં આ મહેલ નહિ હોય.’ પછી તે પોતાના જૂના રાજમહેલ તરફ પાછો ફર્યો.

એક દિવસ બહુ જોરદાર આંધી આવી. કુદરતના કેરનું દૃશ્ય રાજા મહેલના ઝરૂખામાંથી જોઈ રહ્યો હતો. તેવામાં તેની નજર મહેલની સામે ઊગેલ વર્ષો જૂના વડના વૃક્ષ પર જઈ અટકી. પવનનાં જોરદાર ઝાપટાંને કારણે તે વારંવાર આમતેમ ડોલતો હતો. અચાનક એક ઝપટ એવી આવી કે તે ધરાશાયી થઈ ગયો.

વૃક્ષ ધરાશાયી થતાં રાજાનું કાળજું કંપી ગયું. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તે તરત દોડીને વૃક્ષની પાસે પહોંચ્યો અને તેના પાનને પ્રેમથી ચૂમવા લાગ્યો.

હવે આંધી અટકી એટલે પ્રજાજનો પોતાના શહેરમાં થયેલ નુકસાન જોવા નીકળી પડ્યા. ફરતા ફરતા લોકો જ્યારે રાજમહેલ પાસે આવ્યા ને જોયું તો મહેલની સામે આવેલ વડનું ઝાડ ઊખડીને જમીન પર આડું પડ્યું હતું. તેની પાસે રાજા આંસુ વહાવી રહ્યો હતો. રાજાને આ રીતે રડતો જોઈ પ્રજાને અફસોસ થયો. બધા એકબીજાને પૂછવા લાગ્યા, ‘મહારાજ કેમ રડે છે ? જ્યારે કોઈને કારણ ન સમજાયું તો એક વયોવૃદ્ધ બ્રાહ્મણે હિંમત કરી પૂછ્યું, ‘મહારાજ, અમે તમારાં કરુણ આંસુઓનું કારણ જાણવા માંગીએ છીએ.’

રાજાએ આંસુ લૂછતાં કહ્યું, ‘આ ઝાડ ધરાશાયી થયું તેના કારણે હું રડું છું.’

આ સાંભળી પ્રજાજનો અને અન્ય લોકો જોર જોરથી હસવા લાગ્યા. બસ આટલી અમથી વાતમાં આપણા રાજા રડે છે ? જ્યારે રાજધાનીમાં લાખો વૃક્ષો ઊભાં છે, તેમાં એક વૃક્ષ ઓછું થયું તો શું થયું ?

પછી પેલા વયોવૃદ્ધ બ્રાહ્મણે સાહસ કરી પૂછ્યું, ‘મહારાજ, તમે કરોડોના ખર્ચે બનાવેલ સાગ સીસમનો મહેલ બળી ગયો ત્યારે જરાય દુ:ખી થયા નહોતા તો પછી આ મામૂલી ઝાડ પડી ગયું એમાં આટલો બધો શોક કેમ પ્રગટ કરો છો ?’

રાજાએ કહ્યું, ‘જો હું ઇચ્છું તો એવો જ મહેલ ત્રણ-ચાર મહિનામાં કુશળ કારીગરો પાસે બનાવી શકું છું પણ પ્રકૃતિ દ્વારા નિર્મિત નેવું વરસ જૂનું આ વડનું ઝાડ ફરી ઉછેરવાની મારી તાકાત નથી. બે, પાંચ કે વીસ વરસમાં આવું ઘટાદાર છાંયો આપતું વિશાળ વૃક્ષ ઉછેરી ન શકું. મહેલમાં તો થોડા વ્યક્તિઓ રહી શકે છે પણ આના શીતળ છાંયાથી કેટલા વટેમાર્ગુઓને રાહત મળે, પક્ષીઓને માળારૂપે નિવાસ અને પ્રાણીઓને આશરો મળે. રાજાના મુખે આ વાત સાંભળી પેલો વૃદ્ધ અને બીજા બધા લોકો નિરુત્તર થઈ ગયા.

 

પ્રેરક પ્રસંગ

શું તમે ઈશ્ર્વરને જોયો છે ?

ઈશ્ર્વરની સત્તા વિશે સંશયગ્રસ્ત નરેન્દ્ર દક્ષિણેશ્ર્વર પહોંચ્યા અને તેમણે જતાં જ સ્વામી રામકૃષ્ણ પરમહંસને એક વિચિત્ર પ્રશ્ર્ન કર્યો. તેમણે પૂછ્યું, "મહારાજ, શું તમે ક્યારેય પોતાની આંખોથી ઈશ્ર્વરને જોયા છે ? પરમહંસે તત્કાલ જવાબ આપ્યો : "જોયા છે, બસ એવી જ રીતે જેવી રીતે હું તમને જોઈ રહ્યો છું.

"શું તમે મને ઈશ્ર્વરનાં દર્શન કરાવી શકો ? નરેન્દ્રએ બીજો પ્રશ્ર્ન કર્યો.

"કેમ નહિ, અત્યારે જ, આ સમયે જ બતાવી શકું છું. પરમહંસજીએ જવાબ આપ્યો.

નરેન્દ્રએ જીવનમાં પ્રથમવાર આવા શબ્દો સાંભળ્યા હતા. બસ, એ જ ક્ષણે તેમને લાગ્યું કે તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સામે નહિ પણ સાક્ષાત્ ઈશ્ર્વર સામે ઊભા હોય તેવી અનુભૂતિ થઈ.

 

વૃક્ષોની અદ્ભુત દુનિયા

હ     વેસ્ટ ઇન્ડિઝમાં અનોખો ધ્વનિસંચાર કરતાં વૃક્ષો થાય છે. રાતના સમયે વૃક્ષોમાંથી રડવાનો અવાજ સંભળાય છે.

હ     દક્ષિણ આફ્રિકામાં થતાં વૃક્ષોની ડાળીઓ તોડવામાં આવે તો આપણને એટલી બધી લાંબી છીંક આવે છે કે આ છીંક રોકવી પણ મુશ્કેલ થઈ જાય છે.

હ     દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ પ્રદેશમાં વૃક્ષો આગિયાની માફક પ્રકાશ આપે છે. એનો પ્રકાશ અડધા માઈલ સુધી વિસ્તરે છે.

હ     અરબસ્તાનમાં કેટલીક જગ્યાએ વિચિત્ર વૃક્ષો થાય છે. આ વૃક્ષનાં બીજ વાટીને ખાવાથી માણસ કલાકો સુધી પાગલની જેમ હસવા માંડે, ગાવા માંડે અને પછી સૂઈ જાય છે.

હ     ન્યૂ સાઉથ વેલ્સમાં ૮૦ ફૂટ ઊંચું એક વૃક્ષ થાય છે, તેની નજીક જતાં ડંખ મારે છે.

 

નોલેજ ડોટ કોમ

૧.    થુમ્બા રોકેટ મથકની સ્થાપના કરનાર વિજ્ઞાનીનું નામ શું ?

૨.    હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના કુલ અધ્યાય કેટલા છે ?

૩.    હાડકાંના વિકાસ અને મજબૂતી માટે કયું તત્ત્વ જ‚રી છે ?

૪.    કેવલાદેવ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?

૫.    ત્રિપુરાનું પાટનગર કયું છે ?

૬.    રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે ?

૭.    ભોજપુરી કયા રાજ્યની પ્રાદેશિક ભાષા છે ?

૮.    તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે ?

૯.    ધ્યાનચંદને કઈ રમતના જાદુગર કહેવાય છે ?

૧૦.   આસામનો સૌથી મોટો ઉત્સવ કયો છે ?

 

પ્રશ્ર્નમંચ - ૨૬૧

૧.    પીઝાનો ઢળતો મીનારો ક્યાં આવેલો છે ?

૨.    આકાશમાં કયા તારાને ‘અચળ તારો’ કહે છે ?

૩.    કોઈપણ સંખ્યાને શાના વડે ગુણવાથી જવાબ શૂન્ય આવે છે ?

૪.    વધારે પડતો વરસાદ પડવાની ઘટનાને શું કહે છે ?

૫.    મહાભારતનું યુદ્ધ ક્યાં લડાયું હતું ?

૬.    થાઈલેન્ડ દેશની રાજધાની કઈ છે ?

૭.    કયા કવિનું ઉપનામ ‘કલાપી’ છે ?

૮.    દરિયાના પાણીની કઈ ઘટનાને લીધે વાદળો બંધાય છે ?

૯.    ભવિષ્ય જોવાની કળાને શું કહેવાય છે ?

૧૦.   ‘હનુમાન ચાલીસા’ના રચયિતા કોણ છે ?