એક અપરાજેય યોદ્ધો બાજીરાવ પેશ્ર્વા

    ૨૬-ઓગસ્ટ-૨૦૧૬



છત્રપતિ શિવાજી મહારાજે પોતાની શક્તિ અને સૂઝબૂઝ ભરી યુદ્ધનીતિથી એક મોટા ભૂભાગને મુગલોથી મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ શિવાજીના આ સ્વરાજ્યને ટકાવી રાખવામાં સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો તે છે બાજીરાવ પેશ્ર્વાનું.
બાજીરાવનો જન્મ ૧૮ ઑગસ્ટ ૧૭૦૦માં હુબેર ગામે થયો હતો. તેમના દાદા વિશ્ર્વનાથ ભટ્ટે શિવાજી મહારાજ સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. બાજીરાવના પિતા બાલાજી વિશ્ર્વનાથ પણ છત્રપતિ શાહુજી મહારાજના પેશ્ર્વા હતા. તેમની વીરતા અને પરાક્રમોનાં બળથી જ શાહુજીએ મુગલો અને અન્ય વિરોધીઓને માત આપી સ્વરાજ્યનો વિસ્તાર કર્યો હતો...
નાનો બાજીરાવ પણ દાદા અને પિતાને પગલે રાજનીતિમાં કુશળ બનવા લાગ્યો. જ્યારે છ વર્ષની ઉંમરે તેના ઉપનયન સંસ્કારની વેળાએ તેને મનગમતી ભેટ પસંદ કરવાનું તેમને કહેવામાં આવ્યું તો નાના બાજીરાવે તલવાર પસંદ કરી. છત્રપતિ શાહુજીએ એક વખત ખુશ થઈ મોતીઓનો હાર આપ્યો, તો તેના બદલામાં બાજીરાવે સારા ઘોડાની માંગણી કરી અને અશ્ર્વશાળામાંના સૌથી તોફાની અને અવ્વલ ભાગતા ઘોડાને પસંદ કર્યો.
માત્ર ૧૪ વર્ષની કિશોર વયે તો બાજીરાવ યુદ્ધોમાં પ્રત્યક્ષ ભાગ લેવા લાગ્યા હતા. એક વખત તો ૫૦૦૦ ફૂટની ખતરનાક ઉંચાઈ પર આવેલા પાડવગઢ કિલ્લા પાછળથી ચડીને તેના પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ તરત જ તેમણે એક નૌસૈનિક અભિયાનમાં પોર્ટુગિઝોને પણ પાણી પીવડાવી દીધું. તેથી ખુશ થઈ શાહુજીએ બાજીરાવને ‘સરદાર’ની ઉપાધી આપી. ૨ એપ્રિલ, ૧૭૨૦માં બાજીરાવના પિતા વિશ્ર્વનાથના નિધન બાદ ૧૭ એપ્રિલ, ૧૭૨૦માં માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં જ તેઓને પેશ્ર્વા બનાવી દેવામાં આવ્યા. પેશવા બન્યા કે તરત જ તેઓએ હૈદરાબાદના નિઝામને ધૂળ ચટાવી ત્યારબાદ માળવાના દાઉદખાન, ઉજ્જૈનના મુગલ સરદાર દયાબહાદુર, ગુજરાતના મુસ્તાકઅલી, ચિત્રદુર્ગના મુસ્લિમ અધિપતિ અને શ્રીરંગપટ્ટનમનાં સાહુલ્લા ખાનને યુદ્ધમાં હરાવી ચારેય તરફ ભગવો ધ્વજ લહેરાવી દીધો.
બીજી વિશ્ર્વયુદ્ધના પ્રસિદ્ધ જર્મન સેનાપતિ રોમેલને પરાજિત કરનાર અંગ્રેજ જનરલ માઉટગેરી એ જે યુદ્ધને વિશ્ર્વના સાત શ્રેષ્ઠ યુદ્ધોમાં ગણાવ્યું છે, તે પાલખિંડના ભીષણ યુદ્ધમાં દિલ્હીના બાદશાહના વઝીર નિઝામુલ્કને બાજીરાવે ધૂળ ચાટતો કરી દીધો હતો. આ યુદ્ધ બાદ બાજીરાવની ધાક સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ. તેઓએ વયોવૃદ્ધ છત્રસાલની મોહમ્મદખાં બંગસ સામેના યુદ્ધમાં મદદ કરી બંગસખાંનાં અત્યાચારથી તેને બચાવ્યો હતો.
હમેશા અજેય રહેલ બાજીરાવ પોતાના પારિવારિક કલેશ અને આંતરિક રાજનીતિથી હંમેશા પરેશાન રહ્યા. જ્યારે નાદિરશાહ સામે યુદ્ધ કરવા તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં નર્મદાને કિનારે રાવેરખેડી નામના સ્થળે ગરમી અને લૂ ને કારણે તેઓનું નિધન થયું. તે વખતે આ બહાદુર યોદ્ધાની ઉંમર હતી માત્ર ૪૦ વર્ષ અને તારીખ હતી ૨૮ એપ્રિલ, ૧૭૪૦ પૂના સ્થિત શનિવારવાડા સ્થિત વિશાળ રાજ મહેલ આજે પણ બાજીરાવની શૌર્ય ગાથાઓ વર્ણવતો અડીખમ ઉભો છે.


જાનીવાલીપીનારા

એક વાર ઇન્દ્રરાજાના દરબારમાં એક વિચિત્ર ઝઘડો આવ્યો. ઝઘડો સાત જણ વચ્ચેનો હતો. એ સાત જણ રંગો હતા. તેમનાં નામ હતાં. જાંબલી, નારંગી, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ.
દરેક જણ કહે, "સાતેય જણમાં હું મોટો.
સાતે જણ ઝઘડીને થાક્યા એટલે ઇન્દ્રરાજાના દરબારમાં આવ્યા ઇન્દ્રરાજાને કહે, "ઇન્દ્રદેવ, અમારો ન્યાય કરો.
"કેવો ન્યાય ? ઇન્દ્રે પૂછ્યું.
"અમારા સાતેયમાં મોટો કોણ ? લાલ રંગે પૂછ્યું.
"એ અંદરોઅંદર તમે જ નક્કી કરી લોને ? ઇન્દ્રે કહ્યું.
"એ નક્કી નથી થતું એટલે તો તમારી પાસે આવ્યા છીએ વાદળી રંગે ફોડ પાડ્યો.
ઇન્દ્રના દરબારમાં ઘણા દેવો બેઠા હતા. પવનદેવ ગાતાં ગાતાં કહે, "તું નાનો, હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો.
"પણ આજે અમારે નક્કી કરવું છે કે મોટું કોણ ? નારંગી બોલ્યો.
ઇન્દ્રદેવ મૂંઝાયા. આવો ઝઘડો કદી એમના દરબારમાં આવ્યો ન હતો. તેઓ વિચાર કરવા લાગ્યા. આમ તો દરેક રંગ મહત્ત્વનો છે. ફૂલોના વિવિધ રંગોથી બાગની શોભા બને છે. પંખીઓમાં વિવિધતા જોવા મળે છે. આકાશ ભૂરું છે. ખેતરો હરિયાળાં છે.
એટલામાં નારદજી હાથમાં વીણા લઈ "નારાયણ... નારાયણ કરતા પધાર્યા. ઇન્દ્રને મૂંઝાયેલા જોઈ કહે, ‘દેવ, કોઈ સમસ્યા છે કે શું ?’
ઇન્દ્રે સાત રંગના ઝઘડાની વાત કરી. નારદજીએ એ સાતે રંગો સામે જોયું. ને પછી મૂછમાં હસ્યા.
નારદે કહે, ‘આ તો બહુ સરળ સમસ્યા છે. એનો ઉકેલ તો હાથવેંતમાં છે.’ આ સાંભળી ઇન્દ્રને થોડી રાહત થઈ.
‘દેવર્ષિ, કહો, શો ઉકેલ છે ? ઇન્દ્રે પૂછ્યું.’
નારદજીએ સાતે રંગો સામે જોઈ કહ્યું, ‘જુઓ, તમે સાત જ રંગ છો એવું ન માનો હોં. તમારા સિવાય અન્ય બે રંગો પણ છે ખરા.’
‘હેં ! કયા રંગો ?’ બધા રંગોએ નવાઈ પામી પૂછ્યું,
‘એમાંનો એક રંગ છે, સફેદ, ધોળો. ધોળો રંગ, આકાશની પેલી વાદળી જેવો રંગ. ને બીજો રંગ છે કાળો. આંખની કીકી જેવો.’
આ સાંભળી લાલ કહે, છી ! એ તો કોઈ રંગ કહેવાય ? કાળો કાળો ધબ્બ !
જાંબલીયે મોં મચકોડી બોલ્યો, ‘ને સફેદ પણ કોઈ રંગ કહેવાય ? ધોળો ધોળો ધબ્બ !’
નારદજીને થયું કે આ સાતે રંગોને અભિયાન આવી ગયું છે એટલે એમનું ગુમાન ઉતારવું પડશે.
નારદજીએ સૂર્યદેવને આગળ બોલાવ્યા, ‘સૂર્યદેવ, આમ આવો.’ સૂર્યદેવ આસનેથી ઊભા થઈ આગળ આવ્યા. ‘સૂર્યદેવ, તમારા કિરણનો રંગ કેવો છે ?’
સૂર્યદેવ બોલ્યા, ‘સફેદ.’
નારદજી આગળ બોલ્યા, ‘તમારો પ્રકાશ લાલ પર પડે તો તે લાલ રંગથી દીપી ઊઠે છે. પીળા પર પડે તો તે પીળાથી ઝગમગી ઊઠે છે. કેમ ખરું ને ?’ સૂર્યદેવ હા પાડી.
તે પછી નારદજીએ સાતે રંગને એક હારમાં ઊભા રાખી કહ્યું, ‘તમે એક હારમાં સીધી લીટીમાં ઊભા રહો. સૂર્યદેવ તમારા પર સીધી લીટીમાં પ્રકાશ પાડશે ને પછી છેલ્લે નીકળતું એમનું કિરણ કેવા રંગનું છે તે આ સૌ દેવો જોઈને કહેશે.’
બધા એક હારમાં ગોઠવાઈ ગયા. સૂર્યદેવે કિરણો છોડ્યાં. સાતમાંથી પસાર થઈ કિરણો બહાર આવ્યાં. બધા દેવો તરત જ બોલી ઊઠ્યા, સફેદ કિરણો છે.
નારદ બોલ્યા, ‘જોયું ? તમારા સાતેને ભેગા કર્યા તો સફેદ કિરણ નીકળ્યું, માટે સફેદ રંગ તમારા સૌમાં મોટો કહેવાય કે નહીં ?’
બધા દેવોએ તાળીઓ પાડી. ઇન્દ્રદેવ પણ મલકાયા. સાતેય રંગનાં મોં પડી ગયાં. એ જોઈ નારદ ફરી બોલ્યા, ‘હે રંગો ? નિરાશ ન થાવ. તમારા સૌનું પણ મહત્ત્વ છે જ, પણ તમે નાહકના માંહે માંહે ઝઘડો છો. સફેદ રંગમાં તમે સમાઈ જાવ છો. તમને સૌ ચાહે છે. કોઈને લાલ ગમે છે તો કોઈને નારંગી. કોઈને પીળો ગમે છે તો કોઈને લીલો. તમે સાતે સાથે રહો એવો એક ઉપાય મેઘરાજાની મદદથી હવે સર્જાશે.’
નારદે મેઘરાજાને વર્ષા કરવાને કહ્યું, સૂર્યને સફેદ કિરણો પાડવાને કહ્યું, દૂર આકાશમાં વાદળો પર સાત રંગનું મેઘધનુષ રચાયું એમાં સાતેય રંગ એકમેકની સાથે સરસ ખીલી ઊઠ્યા હતા. આ જોઈ ફરી દેવોએ તાળીઓ પાડી.
પૃથ્વી પરથી આ દૃશ્ય નદી કિનારે રેતીમાં રમતાં બાળકોએ નિહાળ્યું. તેઓ મેઘધનુષ જોઈ નાચી ઊઠ્યાં ને ગાવા લાગ્યાં :
‘મેઘધનુષના રંગ છે સાત,
જાનીવાલીપીનારા નામ.’

‘સ્વાતંત્ર્ય દિન વિશેષાંક’માંથી જવાબ શોધો.
૧. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ શું હતું ?
૨. ‘વંદેમાતરમ્’ લખેલો ધ્વજ કોણે બનાવ્યો હતો ?
૩. ભગિની નિવેદિતા કોનાં શિષ્ય હતાં ?
૪. રાણીમા ગાઇડિન્લ્યૂનો જન્મ કયા પ્રદેશમાં થયો હતો ?
૫. આઝાદ હિન્દ ફોજમાં મહિલા સેનાપતિ કોણ હતાં ?
૬. મણિબહેન પટેલ કોનાં પુત્રી હતાં ?
૭. વિજયાલક્ષ્મી પંડિતના પિતા કોણ હતા ?
૮. ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
૯. ‘ખૂબ લડી મર્દાની’ ગીતનાં રચયિતા કોણ છે ?
૧૦. રાજકુમારી અમૃતકૌરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?