તમે લિંક્ડઇન પર એક્ટિવ છો ?

    ૦૪-ઓગસ્ટ-૨૦૧૬


ગયા અઠવાડિયે તમે અખબારોમાં વાંચ્યું હશે કે માઇક્રોસોફ્ટ કંપનીએ કંઈક ૨૬ અબજ ડૉલરમાં લિંક્ડઇન કંપની ખરીદી લીધી છે. રૂપિયામાં વાત કરીએ તો ૧.૭૫ લાખ કરોડ !

લિંક્ડઇન સોશિયલ મીડિયા સાઈટ હોવા છતાં તમે એના પર એક્ટિવ ન હો કે એના વિશે ખાસ કશું જાણતા ન હો એવી પૂરી શક્યતા છે. સોશિયલ મીડિયાની વાત નીકળે એટલે મગજમાં પહેલું નામ ફેસબૂકનું આવે, પણ હાલના આખી દુનિયાના વિવિધ વર્ગના લોકો બહુ રસપ્રદ રીતે - અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયા સાઈટ્સમાં વહેંચાઈ રહ્યા છે.

ફોન કે પીસીમાં ઈન્ટરનેટ એક્સેસ ધરાવતા દુનિયાના મોટા ભાગના લોકો ફેસબુક પર એક્ટિવ છે, પણ અહીં સૌના ભેગા થવાનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી અને લોકોની ભીડ ફેસબૂક પર છે એટલે કંપનીઓની ભીડ પણ ફેસબૂક પર છે. ટ્વિટર પર મોટા ભાગે પત્રકારો, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રના સેલિબ્રિટીઝ વધુ એક્ટિવ છે. ખરેખર નજીકના મિત્રો, સગાંસંબંધીઓએ વોટ્સએપ પર પોતપોતાનાં ગ્રુપ્સ બનાવી લીધાં છે. સ્નેપચેટ જેવી સર્વિસ પર ટીનએજર્સ તેમના કારણોસર વધુ એક્ટિવ છે.

આ બધામાં લિંક્ડઇન બહુ અલગ પડે છે. ફેસબૂકની શ‚આત ૨૦૦૪માં થઈ, પણ લિંક્ડઇન તેનાથી એકાદ વર્ષ પહેલાં, ૨૦૦૩માં લોન્ચ થઈ હતી. તેમ છતાં, યૂઝર્સ કે અવેરનેસની બાબતમાં લિંક્ડઇન ફેસબૂક કરતાં ક્યાંય પાછળ છે. છતાં, માઇક્રોસોફ્ટે તેને ઐતિહાસિક ગણાય એવી કિંમતે ખરીદી લીધી, કેમ ?

બે કારણસર. એક, લિંક્ડઇન મોટો પથારો કર્યો નથી, પણ પોતાનું આગવું ને બહુ મજબૂત સ્થાન જરૂર જમાવ્યું છે. બીજું, માઇક્રોસોફ્ટના પોતાના બિઝનેસ પ્લાનમાં લિંક્ડઇન એકદમ બંધ બેસે છે.

જેમ યૂઝર્સ ઇન્ટરનેટ પર વહેંચાઈ રહ્યા છે એમ ઇન્ટરનેટ પોતે વિવિધ કંપનીઓમાં વહેંચાઈ રહ્યું છે. ફેસબૂકે સોશિયલ મીડિયામાં જબરી ધાક જમાવી છે અને મોબાઈલમાં વોટ્સએપ ખરીદીને અને મેસેન્જર તથા મોમેન્ટ્સ જેવી એપ્સ ફેસબૂકથી અલગ કરીને મોબાઈલમાં પણ પોતાનું રાજ વિસ્તારવું શ‚ કર્યંુ છે. પીસીના જમાનામાં ગૂગલના સર્ચ એન્જિનનું એકચક્રી રાજ હતું, પણ સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને પગલે તેનો ગરાસ લૂંટાયો છે, જોકે સામે ગૂગલે એન્ડ્રોઇડની મદદથી સ્માર્ટફોનની આખી ઇકોસિસ્ટમ પર જ કબજો જમાવ્યો છે.

આ બધામાં એક સમયની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ ક્યાંય ચિત્રમાં રહી નહોતી. પીસીના સમયમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, ઈન્ટરનેટ એક્સ્સ્લોરર અને ઑફિસ પ્રોગ્રામ્સથી બિઝનેસ સેક્ટરમાં માઈક્રોસોફ્ટની જબરી પહોંચ હતી, પણ સ્માર્ટફોન આવતાં તેનું રાજ વેરણછેરણ થઈ ગયું. આ સ્થિતિમાં, લિંક્ડઇન જેવી સોશિયલ મીડિયા સાઈટથી માઈક્રોસોફ્ટને બિઝનેસ સેક્ટરમાં ફરી પગ જમાવવાની તક મળે તેમ છે, કારણ કે લિંક્ડઇન પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન માટેની જ નેટવર્કિંગ સાઈટ છે.

માઈક્રોસોફ્ટની વાત જવા દો, લિંક્ડઇન તમને કઈ રીતે ઉપયોગી છે એની વાત કરીએ તો જો તમે લિંક્ડઇનમાં તમારું ક્લાયન્ટ્સ કે એસોસિએટ્સ તમારી કોઈ પણ પ્રોફેશનલ કુશળતા વિશે અહીં તેમનો અભિપ્રાય આપી શકે છે. એ રીતે તમે એમના કોન્ટેક્ટ્સના પરિચયમાં આવો અને તમારું પ્રોફેશનલ સર્કલ વિસ્તરતું જાય. લિંક્ડઇનના ૪૩ કરોડ એક્ટિવ યૂઝર્સમાં ૪ કરોડથી વધુ સ્ટુડન્ટ્સ છે, એ સૌ પણ પોતાની સારી કરિયર બનાવવાના આશયથી અહીં જોડાયા છે. નવી નોકરી કે વધુ સારી નોકરી કે ક્લાયન્ટ્સ શોધનારા લોકોને લિંક્ડઇન પરનું નેટવર્કિંગ ખાસ્સું મદદરૂપ થાય છે. લિંક્ડઇન પર એક્ટિવ બિઝનેસ પ્રોફેશનલ્સનો ડેટા માઇક્રોસોફ્ટને જેટલો ઉપયોગી થાય, એટલો જ તમને પણ થઈ શકે છે !