આવ રે વરસાદ...

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૧૬


જિરાફ ટીચર ક્લાસમાં આવ્યા. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જિરાફ ટીચરે બધા વિદ્યાર્થીઓને હસતાં હસતાં પૂછ્યું, ‘આમાંથી કેટલા વિદ્યાર્થીઓને વરસાદ ગમે છે ?’
બધા વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી, પણ જપ્પી સસલાએ આંગળી ઊંચી ના કરી. એટલે જિરાફ ટીચરે બહુ જ આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘જપ્પી ભાઈ ! તમને કેમ વરસાદ નથી ગમતો ?’
જપ્પી સસલાએ કહ્યું, ‘સાહેબ.... વરસાદ આવે ને એ મને જરાય ગમતું નથી. ચારે બાજુ પાણી પાણી થઈ જાય. કાદવ કીચડ, ગંદકી થઈ જાય. ઘરની બહાર નીકળાય નહીં. પલળી જવાય અને હું તો સ્હેજ પલળી જાઉંને તો મને તો શરદી થઈ જાય.. મને વરસાદથી સખત નફરત છે.’
જિરાફ ટીચરે પ્રેમથી સમજાવ્યું : ‘ભાઈ જપ્પી સસલાજી ! તમે તો બહુ જ નેગેટિવ વિચારવાળા છો. આ તો તમે સિક્કાની બીજી બાજુની વાત કરી. જો વરસાદ વરસે જ નહીં તો પછી આ આખી પૃથ્વી જેના ઉપર આપણે રહીએ છીએ તેનું નામોનિશાન જ ના રહે. ફળ-ફૂલ, વૃક્ષો, લીલોતરી આ બધું વરસાદના લીધે જ લીલુંછમ થાય છે. પાક થાય નહીં. આપણે જે ખોરાક લઈએ છીએ તે વરસાદના કારણે જ વરસાદ ના હોય તો પછી પશુ- પક્ષી- પ્રાણીઓ -મનુષ્યો અને આ પૃથ્વી બધાં જ નાશ પામે !!’
જપ્પી સસલાએ કહ્યું : ‘સાહેબ, આ બધી તમારી વાત સાચી છે, પણ મને વરસાદ ગમતો નથી !! આજે આ વરસાદના કારણે મારે છત્રી લઈને આવવું પડ્યું. રેઈનકોટ પહેરવો પડ્યો અને કાદવ-કીચડ અને ભૂવા પડેલા રસ્તા ઉપરથી બહુ જ મુશ્કેલીથી સ્કૂલ આવવું પડ્યું...!!’
હવે જિરાફ ટીચરે બીજા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું : ‘તમને કેમ વરસાદ ગમે છે એ કહો બધા વારાફરતી...’
ફરફર કાગડો : ‘મને તો વરસાદ બહુ જ ગમે. ફરવાની મજા પડે. ગરમગરમ રોટલી અને કારેલાંનું શાક ખાવાની મજા પડે..!’
ભગરી ભેંસ : ‘વરસાદમાં પલળવાની મજા પડે. ભજિયાં, સમોસાં, કચોરી, દાળવડાં ખાવાની મજા પડે..!’
ડિમ્પી ચકલી : ‘વરસાદમાં ચારેબાજુ પ્રકૃતિ લીલીછમ થઈ જાય છે એ જોવાની, ફરવાની મજા પડે. મેઘધનુષ જોવાની મજા પડે.’
ડિમ્પુ ચકો : ‘મને તો વરસાદમાં મ્યૂઝિક સાંભળવાનું અને વૃક્ષો લીલોતરીને જોવાનું ખૂબ જ ગમે...’
ડિંગુ ગધેડો : ‘મને તો વરસાદમાં ભિંજાવાનું અને ડાંસ કરવાનું ખૂબ જ ગમે...!’
પટર મંકોડો :- વરસાદમાં મને દૂર દૂર સુધી ફરવા જવાનું ખૂબ જ ગમે. એનાથી મન પ્રસન્ન થઈ જાય છે..!
શટર વાંદરો : ‘મને તો વરસાદમાં મનગમતું પુસ્તક વાંચવાનું અને ગરમગરમ નાસ્તો કરવાની મજા પડે છે !’
આ બધા વિદ્યાર્થીઓને સાંભળીને જિરાફ ટીચર ખૂબ જ ખુશ થયા. એમણે પણ હસતાં હસતાં કહ્યું : ‘મને પણ વરસાદ ખૂબ જ ગમે છે. પહેલા વરસાદમાં ભિંજાવાની-પલળવાની મજા જ કાંઈ અનોખી છે. પહેલા વરસાદ પછી ધરતીમાંથી માટીની અદ્ભુત સુગંધ આવે છે. ચારેબાજુ લીલોત્તરી છવાયેલી હોય છે. જે લોકો વરસાદમાં એક પણ વખત પલળતા નથી, ભિંજાતા નથી, એ બધા બદનસીબ છે. સોગિયા છે. નિરાશાવાદી છે. એમને જિંદગી જીવતાં નથી આવડતી. એમને વરસાદનો આનંદ, ઉલ્લાસ ખુશી, મનોરંજન કશું જ મળતું નથી. આવ રે વરસાદ...!!!’
આ બધુ સાંભળીને જપ્પી સસલાએ કહ્યું : ‘ઓહ સર ! આજે મને પહેલી વખત ખબર પડી કે હું ખોટો હતો. વરસાદને જોવાની મારી દૃષ્ટિ નેગેટિવ હતી. ‘આઈ એમ વેરી સૉરી...’ આજ પછી હું પણ વરસાદમાં પલળીશ. ભિંજાઈશ, રખડીશ... મજા કરીશ... આઈ એમ સૉરી...!!’
જિરાફ ટીચરે કહ્યું : ‘શાબાશ..! વરસાદ છે તો આપણે છીએ. વરસાદમાં પિકનિક ઉપર જવાની અને ફરવાની પણ ખૂબ મજા પડે. આવતીકાલે આપણે બધાં પિકનિક મનાવવા જઈશું...!’
બધા વિદ્યાર્થીઓએ તાળીઓ પાડીને જિરાફ ટીચરની વાતને વધાવી લીધી.

પ્રેરક પ્રસંગ
વિદ્રોહનો ઝંડો

 

આ ઘટના છે સન ૧૯૪૬ની. મુંબઈ બંદર પર નૌસૈનિકોએ વિદ્રોહ કરી દીધો હતો. અંગ્રેજ અધિકારીઓએ તેમને ગોળી મારી દેવાની ધમકીઓ આપી. ત્યાં નૌસૈનિકોએ પડકારને સ્વીકારતાં ગર્જના કરી કે : "અમે અંગ્રેજોને રાખમાં મિટાવી દઈશું. વિદ્રોહનો ઝંડો બુલંદ રહેશે. ખૂબ ભયાનક તથા વિસ્ફોટક સ્થિતિ હતી. સરકાર જરા પણ નમતું જોખવા તૈયાર નહોતી.
તે દિવસોમાં મુંબઈમાં સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા સરદાર પટેલ. આ પરિસ્થિતિમાં સરદાર ન તો વિચલિત હતા અને ન તો તેઓ અસંતુલિત થયા, મુંબઈના ગવર્નરે તેમને બોલાવ્યા અને પોતાના તામઝામ બતાવવા લાગ્યા. પટેલે સિંહગર્જના કરતાં જવાબ વાળ્યો : "તમે તમારી સરકારને પૂછી લો કે હવે અંગ્રેજ, ભારતમાંથી મિત્ર તરીકે વિદાય થશે કે દુશ્મનના રૂપમાં. ગવર્નરે સરદારનું રૌદ્ર રૂપ જોયું તો તેઓ થરથર કાંપ્યા અને ત્યાર બાદ તેઓએ એવી વ્યવસ્થા ગોઠવી કે અંગ્રેજ સરકારને સમાધાન કરવા માટે બાધ્ય થવું પડે.
આ જ સરદાર પટેલ સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી બન્યા અને લોખંડી પુરુષના નામથી જાણીતા બન્યા. કોઈ શસ્ત્ર વિના ૨૪ કલાકમાં જ રજવાડાંઓને ભારતીય ગણતંત્રમાં સમાવેશ કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે. તેઓને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

પ્રશ્ર્નમંચ - ૨૬૭

૧. અંબાજી ખાતે સૌથી મોટો મેળો ક્યારે ભરાય છે ?
૨. રાસાયણિક ખાતર વગરની ખેતીને કઈ ખેતી કહે છે ?
૩. દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ?
૪. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે હમણાં કયા રાજ્યની મુલાકાત
લીધી હતી ?
૫. દુર્ગાઉત્સવ કયા રાજ્યમાં ઊજવાય છે ?
૬. WHO નું આખું નામ શું છે ?
૭. પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ક્યાં આવેલું છે ?
૮. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કયું છે ?
૯. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે ?
૧૦. ‘રતન મહાલ’ અભયારણ્ય શાના માટે જાણીતું છે ?