ઈશ્ર્વર નિયામક છે

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૧૬

ઈશ્ર્વર વિષેની સમજ અને તેના સ્વીકારમાંથી શરણાગતિરૂપી પરિપક્વતા જન્મે છે
મારો ગુનો નથી. હું પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યો છું અને વળી આ જન્મમાં પણ ઉછેર દરમિયાન બીજા સંસ્કારોનો સંચય મેં કર્યો છે. આ સંસ્કારો વારંવાર મારા મનનું સંચાલન કરે છે. મારી પાસે અનેક આવેગાત્મક કર્મ કરાવે છે એ હકીકત છે અને આ હકીકતનો સ્વીકાર મારે કરવો જ રહ્યો. આ માટે મારે કાંઈ હીણપત અનુભવવાની જરૂર નથી, કારણ કે ઉપાધિ મેં સર્જેલી નથી. એ તો એની મને ભેટ આપવામાં આવેલી છે. પૂર્વજન્મમાં જે કોઈ કર્મ મેં કર્યાં હશે જેને કારણે અત્યારે મારામાં આ સંસ્કારો છે, જેને કારણે આ ઉપાધિ મારી પાસે છે, જેને કારણે અમુક સ્થાને અને અમુક સંજોગોમાં મારો જન્મ થયો, જેને કારણે જીવનમાં મને સફળતાઓ અને નિષ્ફળતાઓ મળી આ બધાં માટે વર્તમાનમાં મારે મારી જાતને જવાબદાર કે દોષિત માનવાની જરૂર નથી. તે સર્વનો યશ કે અપયશ લેવાની જરૂર નથી. આ મારા વ્યક્તિત્વમાં જે અનિચ્છનીય અંશ હોય તેને દૂર કરવાની જરૂર છે ખરી. એને દૂર કરવાની મારી ફરજ છે, કારણ કે આ અનિચ્છનીય અંશો જેવા કે કામ, ક્રોધ, લોભ વગેરે - મારી જ આંતરિક શાંતિનો ભંગ કરે છે અને મારા ધ્યેયની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે.
આ વાસ્તવિકતાઓનો સ્વીકાર એ શરણાગતિનો એક અંશ છે. એકમાત્ર ઈશ્ર્વર જ મારે માટે શરણ્ય થવાની યોગ્યતા ધરાવે છે. એ વાસ્તવિકતાની સમજ અને તેનો સ્વીકાર એ શરણાગતિનો બીજો અંશ છે. આમ, મારા પોતાના અને વળી ઈશ્ર્વરના સ્વભાવની સમજમાંથી જે અભિગમ જન્મે છે તેને જ શરણાગતિ એ સમજનું, માનસિક પરિપક્વતાનું જ નામ છે. જીવનની વાસ્તવિકતાઓ ન સમજવી અને સમજ્યા પછી પણ તેમનો સ્વીકાર ન કરવો, તેમનો વિરોધ કરવો, તેમના વિષે શોક કે વિષાદ કરવો એ જ અવિવેકની, મનની અપરિક્વતાની નિશાની છે. આવા અવિવેકમાંથી જે અભિગમ જન્મે છે અને તેમાંથી જે આવેગાત્મક અને પ્રતીકારાત્મક વર્તન જન્મે છે તે જ શરણાગતિનો અભાવ છે. શરણાગતિમાંથી નિરાંત, નચિંતતા અને છેવટે નિર્ભયતા જન્મે છે.

નિયામક

ઈશ્ર્વર વિષેની સમજ અને તેના સ્વીકારમાંથી શરણાગતિ‚પી પરિપક્વતા જન્મે છે. ઈશ્ર્વર કોઈ વ્યક્તિ વિશેષ નથી. જેણે આ જગતનું સર્જન કર્યું છે, જે તેનું પાલન અને નિયમન કરી રહ્યો છે અને છેવટે જેનામાં આ જગતનો લય થાય છે તેને આપણે ઈશ્ર્વર કહીએ છીએ. એટલે કે સમગ્ર જગતનો લય થવા છતાં જેનો લય થતો નથી. જે સર્જન, પાલન વગેરે પ્રક્રિયાઓનું અધિષ્ઠાન છે, જેની સંનિધિમાં સર્જનાદિ સર્વ થઈ રહ્યું છે તેને ઈશ્ર્વર કહેવામાં આવે છે તે ઉપરાંત ઈશ્ર્વર જ જગતનું ઉપાદાન કારણ છે. અર્થાત્ તે જ આ જગતરૂપે અભિવ્યક્ત થયેલો છે. એટલે કે આ જગત તેનાથી ભિન્ન નથી. જગત તેની જ વિભૂતિ છે. જગતનું નિરીક્ષણ કરીએ ત્યારે ઈશ્ર્વરનાં દર્શન થયા સિવાય રહેતાં નથી. તે જ નિયતિ છે. એ નિયતિ, એ સંવાદિતા જ સર્વત્ર અભિવ્યક્ત થયેલી છે.
સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો વગેરેથી રચાયેલું જગત ઈશ્ર્વરના નિયમ પ્રમાણે જ ચાલી રહ્યું છે. જે કાંઈ જ્યાં છે ત્યાં કોઈક કારણસર છે. દરેકેદરેક વસ્તુનો કોઈક ને કોઈક ઉપયોગ હોય જ છે અને તે ઉપયોગિતા સિદ્ધ કરવા જ તે વસ્તુ તે કાળે અને તે સ્થળે હોય છે. આ બતાવે છે કે જગતની સર્વ રચના પાછળ કુશળતા અને બુદ્ધિવૈભવ રહેલાં છે. આ અદ્ભુત જગતની રચના કરનાર ઈશ્ર્વર સર્વ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તે સર્વજ્ઞ હોવો જોઈએ.
વળી જગતનો દરેક પદાર્થ પોતાના ધર્મ કે સ્વભાવ અનુસાર જ વર્તે છે. પોતાના સ્વભાવનું અતિક્રમણ કરવાની સ્વતંત્રતા કોઈને જ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે :
હે ગાર્ગી ! સ્વતંત્ર હોવા છતાં સૂર્ય, ચંદ્ર આ અવિનાશી પરમાત્માની આજ્ઞાથી પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. હે ગાર્ગી ! આ પરમાત્માની આજ્ઞાર્થી જ સ્વર્ગ અને પૃથ્વી પોતપોતાને સ્થાને ધારણ કરાયેલા છે. આ પરમાત્માની આજ્ઞાથી જ ક્ષણો, મુહૂર્તો, દિવસ અને રાત, પખવાડિયાં, મહિના, ઋતુઓ અને સંવત્સરી પોતપોતાના નિયત ક્રમ પ્રમાણે ચાલે છે. હે ગાર્ગી ! આ ઈશ્ર્વરની આજ્ઞાથી જ હિમાલયાદિ પર્વતોમાંથી કેટલીક નદીઓ પૂર્વ દિશા તરફ વહે છે અને બીજી કેટલીક પશ્ર્ચિમ અને જે તે દિશામાં વહેતી હોય છે.
સૂર્ય, ચંદ્ર, જળ, અગ્નિ, વાયુ વગેરે તત્ત્વો સર્વ-સ્વતંત્ર અને અત્યંત શક્તિશાળી હોવા છતાં ક્યારેય પોતાના ધર્મનું અતિક્રમણ કરતા નથી, બધા જ જાણે કે આજ્ઞાંકિત બનીને પોતપોતાનું નિશ્ર્ચિત કાર્ય ન કરતાં હોય ? આ સર્વ બતાવે છે જે જગતનો નિયંતા ઈશ્ર્વર છે અને તે સર્વશક્તિમાન હોવો જોઈએ.