ખૂબ રમો - કૂદો

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૬

સ્વાસ્થ્ય-નિર્માણના કાર્યમાં ખેલકૂદનું સ્થાન છે. નિશાળના જીવનમાં એવી કોઈ રમત નથી જે હું ન રમ્યો હોઉં. દોરડાના સહારે ઉપર ચઢવું, શરીરને આગળપાછળ વાળવાનું જિમનેસ્ટિક, કુસ્તી, કબ્બડી, બેડમિન્ટન આમ કોઈપણ રમતને છોડી નહોતી.
રજાઓમાં, જે કોઈપણ ક્રિકેટ રમતું હોય, હું પણ જઈને તેમાં ભાગ લેતો હતો. ફટકાબાજી કરવા ન દે તોપણ ફિલ્ડિંગની તક મળી જતી, તેમાં ખુશ રહેતો.
આજે પણ બાળકો ક્યાંય રમી રહ્યાં હોય, હું પોતે જઈને તેમની રમતમાં જોડાઈ જાઉં છું.
જ્યારે હું કૉલેજમાં દાખલ થયો, હોકી ટીમમાં મારી પસંદગી થઈ. એ ઉંમરે મોટરબાઈક ચલાવવાનો અને ગ્લાઈડર ઉડાવવાનું જેટલું ગમતું હતું તે બીજી રમતોના શોખથી વધારે જ હતું. થોડી મિનિટો હવામાં ઊડવા માટે કલાકો સુધી તૈયારી કરવી પડતી હતી.
ત્યારે હું બાવીસ વર્ષનો હોઈશ. એકવાર નીલગિરિ પર્વતથી ગ્લાઈડરમાં ઊડ્યો હતો. બહુ દૂર ક્યાંક જઈને જમીન પર ઊતર્યો. સૂરજને જોઈને દિશાનું અનુમાન લગાવી ત્યાંથી નીકળી પડ્યો. દિવસ-રાત સતત જંગલોમાં ચાલતો રહ્યો.
મારી સાથે એક સેન્ડવીચ લઈ ગયો હતો, તે ખાઈ લીધી. ભૂખ શાંત ન થઈ. રસ્તામાં વચ્ચે-વચ્ચે એકાદ ગામ આવ્યું, ત્યાં રહેતા લોકો તામિલ સિવાય કોઈ ભાષા બોલતા ન હતા. તે દિવસોમાં હું તામિલ જાણતો નહોતો.
કોઈ રીતે એક દુકાન શોધી. ત્યાં ગરમા-ગરમ ઈડલી બની રહી હતી. એ વખતે મારી ભૂખ એટલી તીવ્ર હતી કે વીસ-પચ્ચીસ ઈડલી આરામથી પેટમાં સમાઈ શકે.
મેં મારાં ખિસ્સાં ફંફોળીને આર્થિક હાલતનો અંદાજ લગાવ્યો. મને ખબર ન હતી કે ગ્રુપના લોકો કેટલા દિવસોમાં મને શોધી શકશે, આવી સ્થિતમાં મારી પાસે બધી જ રકમ વાપરી નાંખવાનું ઠીક ન હતું. આમ વિચારીને દોઢ રૂપિયામાં બે ઈડલી ખરીદીને ખાધી.
મારા ગ્રુપના લોકોએ અઢી દિવસ પછી જ મને શોધી કાઢ્યો છતાં પણ મારી ઊડવાની ઇચ્છા ઓછી ન થઈ.
તનાવને કારણે જેમનું હૃદય કઠોર થઈ ગયું હોય, જેલમાં રહેતા આવા કેદીઓને પણ ખેલકૂદ કેવી રીતે સ્વાભાવિક-સામાન્ય સ્થિતિમાં લઈ આવે છે. તે હું જોઈ ચૂક્યો છું.
પહેલીવાર કેદીઓને મળવાની અનુમતિ લઈને જેલની અંદર પગલું મૂકતાં જ લાગ્યું કે ત્યાંના વાતાવરણમાં એક અસીમ વેદના ગાઢ થઈને પ્રસરેલી છે. લગભગ બસો કેદીઓને ખેલના મેદાનમાં લાવવાનું કહ્યું.
મેં કહ્યું, "વર્ગ લેવા નથી આવ્યો, તમારી સાથે દડાથી રમવા આવ્યો છું.’ તેમના ચહેરા ઉપર બદલાવ દેખાયો. ખેલ શરૂ થઈ ગયો. જે લોકો પહેલાં જરા સંકોચથી જોડાયા હતા, દસ-પંદર મિનિટમાં જ પોતાની જાતને ભૂલી ગયા. ખેલમાં પૂરેપૂરા ડૂબીને ઉત્સાહથી બૂમો પાડતા અને ઊછળતાં-કૂદતાં બાળકો જેવા બની ગયા. ખેલ પૂરો થયા પછી જ્યારે હું જવા માટે તૈયાર થયો, અમુક લોકો મારો હાથ પકડીને ‘હમણાં ન જાવ’ કહેતાં આંસુ વહેવડાવવા લાગ્યા.
આ ખેલનો ચમત્કાર છે.
શંકરન્ પિલ્લૈ પોતાના મિત્રને ત્યાં ગયા. ત્યાં એમના મિત્ર કૂતરા સાથે બેસીને શતરંજ રમી રહ્યા હતા.
શંકરન્ પિલ્લૈએ નવાઈ પામીને કહ્યું, "અરે વાહ, મેં આજ સુધી આવો અક્કલમંદ કૂતરો જોયો નથી.
મિત્રે કહ્યું, "જેવું તમે વિચારો છો એટલો અક્કલમંદ કૂતરો નથી, જુઓ મારી સાથે દસ વાર રમવામાં તે ત્રણવાર મારાથી હારી ગયો છે.
આ વાર્તા મજાકમાં કહેવામાં આવી હોય, પરંતુ ભલે વાત રમતની હોય, તેમાં ત્રણ-ચાર વાર હાર્યા પછી પણ સતત રમવાનો સંકલ્પ મનમાં હોવો જોઈએ; આ આપણે તે કૂતરા કે મિત્ર પાસેથી શીખી શકીએ છીએ.
રમતની અગત્યની બાજુ જ આ છે. સફળતાનું લક્ષ્ય હોવા છતાં હારને ખુલ્લા મનથી સ્વીકારવાની પરિપક્વતા હોય તો જ રમતનો હેતુ પૂરો થશે. રમતી વખતે સંપૂર્ણ ધ્યાન રમવામાં હોવું જોઈએ, પરિણામ પર ન હોવું જોઈએ.
તમે ભલે કોઈ પણ ક્ષેત્રમાં હો, જો તમે તમારી જાતને તેમાં સંપૂર્ણપણે જોડીને ઉત્સાહથી કામ નહીં કરો તો તમને આત્મસંતોષ નહીં મળે. કામ કરવાની જગ્યાએ જ નહીં, તમારાં માતા-પિતા, પત્ની, પતિ અને બાળકો પ્રત્યે પૂરો લગાવ નહીં રાખો તો જીવન એક બંધન કે જાળ બની જશે, જેમાં તમને અજાણતાં ફસાયા હો. લગાવ રાખવાથી તે સ્વર્ગ હશે, લગાવ વિના તે નરક બનશે.
એવી કોઈ એક ચીજનું નામ બતાવો જેના પૂરા લગાવ વિના તમે સ્વાદ માણ્યો હોય. વિચારી જુઓ, તમારા મન અને શરીરને પૂર્ણરૂપે લગાવ્યા વિના તમે કોઈ સફળતા કે સિદ્ધ પ્રાપ્ત કરી છે ?
તમે જિંદગીના કોઈપણ મુકામ પર હો, તમારી મોટા ભાગની સફળતા નક્કી કરતું મુખ્ય પાસું શું છે ? તમારા મન અને શરીરને તમે કેટલી હદ સુધી તમારા કાબૂમાં રાખી શકો છો ? આ જ મુખ્ય બાબત છે. ખેલકૂદમાં પણ આમ જ છે.
કોઈ નેતા માટે જરૂરી લક્ષણો કયાં-કયાં છે ? પોતાના કાર્યમાં તેણે પૂરી રીતે લાગેલા રહેવું જોઈએ. પૂર્ણ‚પથી પોતાની ભાગીદારી નિભાવવી જોઈએ. સફળતા મેળવવાનું લક્ષ્ય હોવા છતાં હારથી હિંમત હાર્યા વિના, તેને બીજી તકના રૂપમાં લઈને સ્વીકારવાની મનોદશા હોવી જોઈએ.
જીવનની સૌથી સરળ બાજુ એ છે કે જો તમારું અંત:કરણ પૂર્ણ ‚પથી શાંત રહે તો પછી ભલે સફળતા હોય કે હાર, જીવનની પ્રત્યેક બાજુ સરળ રહેશે. જીવન પણ કોઈ સંઘર્ષ વિના સહજતાથી ચાલશે. જો મનમાં શાંતિ નથી તો દરેક બાબત મુશ્કેલ લાગશે. નાની-નાની વાત પણ મૂંઝવણથી ભરેલી લાગશે. આ બધી જ બાજુ ખેલકૂદમાં પણ જોવા મળે છે.
ઈશા દ્વારા આયોજિત ગ્રામોત્સવ રમતોમાં આ પ્રત્યક્ષ ‚પે જોવા મળ્યું. ગ્રામોત્સવમાં ત્રણસો ટીમ ખેલકૂદમાં લાગેલી હતી. તેમાં ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લીધો.
ગામમાં જે લોકો પોતાને અભિવ્યક્ત કરવામાં પણ સંકોચ રાખતા હતા, તેઓ આ રમતોમાં ભાગ લેતી વખતે તેમાંથી અનેક લોકો પોતાની ટીમનું નેતૃત્વ કરવા જાતે જ આગળ આવ્યા. તેમની અંદર છુપાયેલી ક્ષમતા પ્રગટ થઈ ગઈ.