ગોવા પ્રકરણ : વાત સાધ્ય અને સાધનના વિવેકની

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૬


શ્રી સુભાષ વેલીંગકરની મુક્તિ વિશે મીડિયાએ ફેલાવેલા જુઠાણાનો જવાબ
થોડા દિવસો પૂર્વે ગોવામાં બનેલા ઘટનાક્રમને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુન: એક વાર મીડિયામાં ચર્ચામાં છે. સંઘના કોંકણના મા. પ્રાંત સંઘચાલકજીએ, ગોવા વિભાગ સંઘચાલક શ્રી સુભાષ વેલીંગકરને તેમના દાયિત્વમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે પ્રકારની ઘોષણા કરી હતી. સંઘની કાર્યપદ્ધતિ ન જાણનારાઓ લોકોને આ ઘટના બાબતે અનેક પ્રશ્ર્નો ઉપજ્યાં. જવાબમાં મીડિયાએ સંઘને લઈને અનેક પ્રકારના જુઠાણા ફેલાવ્યા. પણ હકીકત કંઈક જુદી જ છે. સંઘના વરિષ્ઠ સ્વયંસેવક અને લેખક ચિંતક એવા શ્રી દિલીપ ધારૂરકર આ બાબતે સત્ય ઉજાગર કરે છે.

સામાન્ય રીતે સંઘના સ્વયંસેવકોમાં વિખવાદ હોતો નથી. આમ છતાં ક્યારેક મતભેદો સર્જાય તો તેનું સંવાદ દ્વારા સમાધાન થતું હોય છે. ગોવાના ઘટનાક્રમમાં પણ આવી જ પદ્ધતિ અપનાવાઈ હોવા છતાં પણ જ્યારે કોઈને દાયિત્વમાંથી મુક્ત કરવામાં આવે તો તેનો એક જ અર્થ નીકળે છે કે સમાધાનના બધા જ માર્ગો બંધ થઈ ગયા હતા અને સંઘની કાર્યપદ્ધતિ સામે જ પ્રશ્ર્નાર્થ ઊભા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે.
ગોવા વિભાગ સંઘચાલક શ્રી સુભાષ વેલીંગકરને જ્યારે સંઘના દાયિત્વમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે મીડિયાએ સંઘમાં તીવ્ર મતભેદો છે વગેરે જેવી વાતો મોટા ઉપાડે ચલાવી હતી. મીડિયાએ તો એવું ગપગોળું પણ ચલાવ્યું હતું કે શ્રી વેલીંગકરના સમર્થનમાં સંઘના ૪૦૦ જેટલા સ્વયંસેવકોએ સંઘના એક અલગ ગોવા પ્રાંતની પણ રચના કરી દીધી છે. આવી અને બીજી અનેક પ્રકારની વાતો મીડિયામાં ચમકી હોવાથી સૌને સાહજિક રીતે એવો પ્રશ્ર્ન થાય કે ગોવામાં ખરેખર એવું તે શું બન્યું કે જેથી સંઘના માનનીય વિભાગ સંઘચાલકને દાયિત્વમાંથી મુક્ત કરવા પડે ? આ માટે આ પ્રશ્ર્ન યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુકાય તે આવશ્યક છે.
સંઘકાર્યને જ પોતાનો જીવનમંત્ર સ્વીકારીને ચાલનારા લાખો સ્વયંસેવકો માટે સંઘ એક વિશાળ વટવૃક્ષ જેવો એક બહુઆયામી પરિવાર છે. સંઘ પ્રેરિત વિવિધ ક્ષેત્રો પરસ્પર સ્વતંત્ર હોવા છતાં સંપૂર્ણ સંવાદિતા સાથે કાર્ય કરતાં હોય છે. આવાં અનેક ક્ષેત્રોના બનેલા આ વિશાળ પરિવારમાં પણ કોઈપણ પરિવારની જેમ મતભેદો સર્જાય તે સ્વાભાવિક છે, પરંતુ પરિવારમાં જેમ સૌહાર્દ જળવાઈ રહે છે, તેમ સંઘ‚પી આ વિશાળ પરિવારમાં પણ મતભેદોને કારણે ક્યારેય પારસ્પરિક સૌહાર્દ તૂટ્યું નથી. ક્યારેક સ્થાનિક પરિસ્થિતિને કારણે પણ મતભેદો સર્જાતા હોય છે, પરંતુ તેનું ચર્ચા-સંવાદ દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. સ્વાભાવિક છે કે ગોવામાં પણ સંઘે આવી જ પ્રક્રિયા અપનાવી હતી.
ગોવામાં સર્જાયેલી સમસ્યાની પાછળ ગોવાની વર્તમાન એન.ડી.એ. સરકારની પહેલાં કોંગ્રેસી સરકારે લીધેલા નિર્ણયો કારણભૂત છે. તત્કાલીન કોંગ્રેસી સરકારે રાજ્યની અંગ્રેજી માધ્યમની શાળાઓને છૂટા હાથે અનુદાન (ગ્રાન્ટ)ની લ્હાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તે સરકાર અને પક્ષમાં ખ્રિસ્તીપંથીઓનું પ્રભુત્વ હતું અને તેથી જ ચર્ચ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓને લાભ મળે તેવા નિર્ણયો કોંગ્રેસી સરકારે લીધા હતા. પ્રશ્ર્ન ત્યારે ઊભો થયો કે એ સરકારે મરાઠી અને કોંકણી જેવી પ્રાદેશિક ભાષાના માધ્યમવાળી શાળાઓને અનુદાનના નામે ડીંગો બતાવી દીધો હતો. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાય તે વિચાર સાથે ચાલતા સંઘના ગોવા વિભાગના સંઘચાલક શ્રી વેલીંગકરે સરકારના આ ભેદભાવયુક્ત અને અન્યાયકારી નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો હતો. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રી વેલીંગકરે પોતાના વિરોધને વ્યાપક સ્વરૂપ આપવા માટે ભારતીય ભાષા સુરક્ષા મંચ (BBSM) નામની સંસ્થા બનાવીને તેના માધ્યમથી તત્કાલીન કોંગ્રેસી સરકારના એ અન્યાયકારી નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ કાર્યક્રમો યોજ્યા હતા. એ આંદોલનમાં ભાજપનો પણ સહયોગ હતો.
લગભગ ત્રણ વર્ષ પૂર્વે થયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ધૂળ ચાટતી થઈ ગઈ અને ભાજપ પ્રેરિત એનડીએએ સત્તા પ્રાપ્ત કરી. દાયકાઓ સુધીની દમનકારી પોર્ટુગલ શાસનની ગુલામીને કારણે ગોવામાં મોટા પાયે ધર્મ પરિવર્તન થયું હોવાથી ગોવામાં ખ્રિસ્તી જનસંખ્યા વિશેષ પ્રમાણમાં છે. સ્વાતંત્ર્ય પછી સૌપ્રથમવાર આ ખ્રિસ્તીપંથીઓ, આ ચૂંટણીઓમાં ભાજપ સાથે આવ્યા અને સ્વાભાવિક રીતે એનડીએ સરકારમાં જોડાયા.
માતૃભાષાની શાળાઓને થઈ રહેલા અન્યાયની ગોવાના સ્વયંસેવકોની વાત સંપૂર્ણપણે યોગ્ય છે, પરંતુ તેમનું સાધ્ય યોગ્ય હોવા છતાં, ગોવાની ભાજપ પ્રેરિત સરકારની સાથે આ સમસ્યાના સમાધાન માટે તેમણે અપનાવેલાં સાધન-માર્ગ અનુચિત રહ્યાં છે. અત્યારે સત્તામાં રહેલા ભાજપના નેતાઓ હજી ત્રણ વર્ષ પહેલાં એ જ સાધ્ય માટે આંદોલન કરતા હતા, પરંતુ એ જ આંદોલનકારીઓ દ્વારા સત્તાપ્રાપ્તિ પછી એ અન્યાયકારી નીતિને બદલવામાં થઈ રહેલા વિલંબથી (BBSM) ના કાર્યકરોમાં રોષ વ્યાપે તે પણ સ્વાભાવિક છે. અહીં પ્રશ્ર્ન આવે છે સાધ્ય અને સાધનના વિવેકનો.
જ્યારે કોઈ સંસ્થાના પદાધિકારીઓ સાધ્ય અને સાધન વચ્ચેનો વિવેક ચૂકી જાય તો તે સ્વનિર્મિત અહંકારની જાળમાં ફસાઈ જાય છે, પછી તેમના માટે ‘સ્વ’ જ સર્વસ્વ બની જાય છે. સંસ્થા અને મૂલ્યો ગૌણ બની જાય છે. મોટેભાગે ક્ષણિક લાભ અને અલ્પકાલીન ધ્યેયપ્રાપ્તિના સંદર્ભમાં વ્યક્તિનું સરળતાથી આ રીતે પતન થતું હોય છે. પરિણામે તેના માટે સાધ્ય નહીં, પરંતુ સાધન જ મહત્ત્વનાં બની જાય છે. ગોવાના સંદર્ભમાં ભાષાનો મુદ્દો મહત્ત્વનો હતો, પરંતુ તે લક્ષ્યની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન લોકજાગરણ છે. પરંતુ જ્યારે એ સાધ્ય સિદ્ધ કરવા માટે વ્યક્તિગત એષણા જ તીવ્ર બની જાય છે ત્યારે તે વ્યક્તિને ‘લોકજાગરણ’નું સાધન દેખાતું નથી. કેવળ વ્યક્તિગત લાભ અને એષણા જ તેના માટે મહત્ત્વનાં બની જાય છે. આમ વ્યક્તિગત એષણાને કારણે વ્યક્તિમાં અહંકાર પણ જન્મે છે, જે તેની સંસ્થા માટે અત્યંત હાનિકારક નીવડી શકે છે.
ગોવામાં શ્રી વેલીંગકર દ્વારા સ્થાપિત ઇઇજખની માંગણીઓ ન્યાયપૂર્ણ જ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ એ જ વાત જ્યારે સંઘ પ્રેરિત મંચ દ્વારા મૂકવામાં આવે ત્યારે સંઘની પદ્ધતિનું અનુસરણ થાય તે પણ અનિવાર્ય બની રહે છે. અહીં સંઘ પ્રેરિત એક સંગઠન (BBSM) સંઘના જ અન્ય સહયોગી સંગઠન સામે જ પડકાર ઊભો કરે છે, જે સંઘના અનુશાસનને અનુ‚પ ગણી શકાય નહીં. શ્રી વેલીંગકરે ઇઇજખની માંગણીઓના સંદર્ભમાં એક રાજકીય પક્ષ રચવાની વાત કરી. આમે ય સંઘના કોઈ પદાધિકારી રાજકીય પક્ષના પદાધિકારી બની શકતા નથી. બીજું, શ્રી વેલીંગકરનો પ્રસ્તાવિત રાજકીય પક્ષ અંતે તો ૨૦૧૭ની ચૂંટણીઓમાં, ભાજપ સામે જ શિંગડાં ભેરવવાનો છે.
સ્વાભાવિક રીતે જ આ વાત સંઘ જેવા વિશાળ પરિવારના અનુશાસનની વિરુદ્ધમાં છે. સંઘની નીતિ અનુસાર સંઘના દાયિત્વમાંથી મુક્ત થઈને કોઈપણ સ્વયંસેવક સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. શ્રી વેલીંગકર પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેઓ સાધ્ય-સાધનનો વિવેક ચૂકી ગયા, પરિણામે સંઘે જ તેમને તેમના સંઘના દાયિત્વમાંથી મુક્ત કર્યા છે.
"સંઘમાં સંઘચાલકની ભૂમિકા શું હોય છે ? એવો પ્રશ્ર્ન પૂછવામાં આવતાં, મહારાષ્ટ્રના એક ગ્રામીણ સ્વયંસેવકે આપેલો ઉત્તર સૌએ ધ્યાનમાં લેવા જેવો છે. તેણે કહ્યું હતું કે, ‘સંઘચાલક એ તો સૌ સ્વયંસેવકોની કાળજી કરતી વાત્સલ્યમૂર્તિ માતા સમાન છે.’
રાજકીય મહેચ્છાઓથી ગ્રસ્ત બનેલા ગોવા વિભાગ સંઘચાલકજી સ્વયંસેવકો પ્રત્યેનું કર્તવ્ય ચૂકી ગયા તેથી જ તેમને સંઘ દાયિત્વમાંથી મુક્ત કર્યા.
આ સંદર્ભમાં, સંઘ સંસ્થાપક ડૉ. કેશવરાવ હેડગેવારજીએ સ્વયં પોતાની કૃતિ દ્વારા જ એક પદ્ધતિ નિર્માણ કરી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહના પગલે દેશભરમાં ચાલેલાં આંદોલનોમાં મધ્યભારત પ્રાંતમાં ૧૯૩૦માં જંગલ સત્યાગ્રહનું આયોજન થયું હતું. તેમાં ભાગ લેવા માટે પ.પૂ. હેડગેવારજીએ ‘સરસંઘચાલક’ પદનો પોતે જ ત્યાગ કરીને તે દાયિત્વ ડૉ. પરાંજપેને સોંપ્યું હતું. આમ, આ સત્યાગ્રહમાં એમના સહભાગથી સંઘના ધ્યેય-સાધ્યને લેશમાત્ર હાનિ પહોંચી ન હતી. શ્રી વેલીંગકર પણ આ શ્રેષ્ઠ પ્રણાલીને અનુસરી શક્યા હોત.
હવે વાત, વર્તમાન ‘વોટ્સએપ’ના સમયમાં, ગોવાના સંદર્ભમાં વાઈરલ થયેલા, ડૉક્ટર સાહેબે દિ. ૧ ફેબ્રુઆરી, ૧૯૩૬ના દિવસે લખેલા એક પત્રની. તે પત્રનું લખાણ કંઈક આવું છે. "મને ત્યાંની પરિસ્થિતિ વિશે થોડી ચિંતા થાય છે. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આંદોલનોમાં ભાગ લેવાને કારણે સંઘકાર્ય ઉપર અવળી અસર થવી જોઈએ નહીં. સંઘકાર્ય રાષ્ટ્રીય કાર્ય છે, પરંતુ જો કોઈ સ્વયંસેવકો આંદોલનમાં ભાગ લેવા ઇચ્છે તો તેમણે સંઘચાલકજીની પૂર્વાનુમતિ લઈને ભાગ લેવો. આવા આંદોલનથી રાષ્ટ્રભરમાં જાગૃતિ આવશે તેથી સંઘ પણ આવાં આંદોલનોનું સમર્થન કરશે. પરંતુ સંઘકાર્ય ઉપર વિપરીત અસર ન થાય તે રીતે સ્વયંસેવકોએ આવાં આંદોલનોમાં ભાગ લેવો જોઈએ. આંદોલનોમાં જ્યારે પણ કોઈ ત્રુટિ જણાય તો આપણા સ્વયંસેવકો તે દૂર પણ કરશે. આવાં આંદોલનોમાં સહભાગી થઈને જે સમાજ જાગરણ થશે તેનો લાભ સંઘકાર્યની વૃદ્ધિ માટે પણ લઈ શકાય.
વોટ્સએપ ઉપર વાઈરલ થયેલા પ.પૂ. ડૉક્ટર સાહેબના પત્રના આ અંશોનું અધ્યયન કર્યું હોત તો ગોવામાં જે બન્યું તે ક્યારેય બન્યું હોત નહીં. ગોવાની મરાઠી-કોંકણી માધ્યમની શાળાઓના અનુદાનના પ્રશ્ર્ને વ્યક્તિગત મહેચ્છાઓ સંતોષવા રાજકીય પક્ષની યોજનાની ઘોષણા કરતા પહેલાં શ્રી વેલીંગકરે પોતે સંઘના દાયિત્વમાંથી મુક્ત થવું જોઈતું હતું. પરંતુ તેઓ એ વિવેક ચૂકી ગયા, એટલું જ નહીં, સંઘે તેમને મુક્ત કર્યા (તેમની હકાલપટ્ટી કરી નથી). તે પછી પણ તેમણે હવે ગોવા એક સંઘનું અલગ પ્રાંત છે અને તેમના સમર્થનમાં સંઘના ૪૦૦ જેટલા સ્વયંસેવકોએ સંઘમાંથી ત્યાગપત્ર આપ્યા છે. શ્રી વેલીંગકરની આવી ઘોષણા પછી વાઈરલ થયેલા અનેક મેસેજમાં તેમને પ્રશ્ર્ન કરવામાં આવ્યા હતા કે એ ૪૦૦ સ્વયંસેવકો પૈકી કોઈ એકનો તો સંઘના સભ્યપદનો પત્ર/પ્રમાણપત્ર તો બતાવો, પછી ત્યાગપત્રની વાત કરો. સંઘમાં સભ્યપદ કે ત્યાગપત્ર જેવું કશું જ નથી. અહીં તો છે કેવળ સૌહાર્દ અને પ્રતિબદ્ધતા. તેથી સ્વયંસેવકોના ત્યાગપત્રની વાત એ તો નર્યું તરકટ જ છે. હા, દાયિત્વમાંથી મુક્ત કરાયેલા શ્રી સુભાષ વેલીંગકર સંઘના સ્વયંસેવક તો રહે જ છે.
(જગદીશભાઈ આણેરાવ દ્વારા ભાવાનુવાદ ‘ઓર્ગેનાઈઝર’માંથી સાભાર)


અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. મનમોેહન વૈદ્યે નવી દિલ્હીથી દિ. ૩૧-૮-૨૦૧૬ના દિવસે આપેલું નિવેદન

‘રા.સ્વ.સંઘની સ્પષ્ટ ભૂમિકા છે કે દેશભરમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાય તેવી સ્થિતિ નિર્માણ કરવા માટે સઘન પ્રયત્નો થવા જોઈએ. આ સંદર્ભમાં ગોવામાં ‘ભારતીય ભાષા સુરક્ષા મંચ’ના આંદોલનને સંઘે સહયોગ આપ્યો છે. અને ભવિષ્યમાં પણ સહયોગ આપશે.’
આ આંદોલનના સંદર્ભમાં BBSM દ્વારા એક રાજકીય પક્ષની રચનાની ઘોષણા કરવામાં આવી છે. સંઘ તેના સ્થાપનાકાળથી આજ પર્યન્ત ક્યારેય રાજકારણમાં સંકળાયો નથી. તેથી ઇઇજખની રાજકીય ગતિવિધિઓમાં રા.સ્વ.સંઘની કોઈ જ ભૂમિકા રહેતી નથી.
ઇઇજખ દ્વારા રાજકીય પક્ષ સ્થાપવાની ઘોષણાને પગલે ગોવા વિભાગ સંઘચાલક શ્રી સુભાષ વેલીંગકરને તેમના દાયિત્વમાંથી મુક્ત કરવામાં આવે છે. રાજકીય પ્રવૃત્તિ કરનારા કોઈપણ સ્વયંસેવક સાથોસાથ સંઘમાં કોઈ દાયિત્વ સંભાળી શકતા નથી. જોકે શ્રી વેલિંગકર સંઘના સ્વયંસેવક તો રહે જ છે. "ભાજપ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે તેવા સમાચાર સદંતર
જુઠ્ઠા છે.
હવે વાત રહી શ્રી વેલીંગકરે કરેલી "ગોવા પ્રાંત ઘોષણાની. આ સંદર્ભમાં સંઘની ભૂમિકા સ્પષ્ટ છે. આ અંગે સંઘના પ્રચાર પ્રમુખ ડૉ. મનમોહન વૈદ્યે સ્પષ્ટ કર્યું છે કે સંઘના કોઈપણ એકમને પ્રાંતમાંથી મુક્ત થવાનો અધિકાર નથી. તેથી ગોવા કોંકણ પ્રાંતનો એક વિભાગ તરીકે યથાવત્ રહે છે અને સંઘના સૌ સ્વયંસેવકોની પણ એવી જ લાગણી છે. સંઘને જીવનકાર્ય તરીકે સ્વીકારનારા ક્યારેય વ્યક્તિગત એષણાઓને પોષવા સંઘની પદ્ધતિને તરછોડી શકતા નથી.
આ સંદર્ભમાં જોતાં, ગોવાની ઘટના એ પ્રથમ ઘટના નથી. સંઘે આ પૂર્વે પણ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ જોઈ છે. જેમાં વ્યક્તિગત એષણાઓને કારણે સ્વયંસેવક સાધનપથથી પદચ્યુત થયા હોય. સાધ્ય અને સાધનમાં વિવેક જળવાય એ માત્ર સંઘ માટે જ નહીં, કોઈપણ સંસ્થા પરિવારમાં સૌહાર્દપૂર્ણ અસ્તિત્વ માટેની પૂર્વશરત છે. ગોવાના સંદર્ભમાં એટલું જ કહી શકાય કે સંઘ એ ઈશ્ર્વરીય કાર્ય છે તેથી સૌ સારાં વાનાં જ થશે તે નિશ્ર્ચિત છે.

રા.સ્વ.સંઘનું નિવેદન

"રા.સ્વ.સંઘનું કોઈપણ એકમ પોતાની રીતે જે તે પ્રાંતમાંથી મુક્ત થઈ શકતું નથી. એ નિર્ણય તો કેન્દ્ર જ કરી શકે છે. રા.સ્વ.સંઘનું ગોવા એકમ કોંકણ પ્રાંતનો એક વિભાગ છે અને રહેશે. ગોવા વિભાગના નવા પદાધિકારીઓની ઘોષણા ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬