ફટાકડાનું રૂ. ૨૫૦૦ કરોડનું માર્કેટ ક્રમશઃ ઘટી રહ્યું છે:એસોચેમ

    ૧૭-ઓક્ટોબર-૨૦૧૭


 

 
 
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે અન્ય શહેરોના લોકોનો આ મુદ્દે એસોચેમ દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે અમદાવાદ સહિત વિવિધ શહેરોના ૩૫ ટકા લોકોએ ફટાકડા પર પ્રતિબંધ મુકવાનો અભિપ્રાય આપ્યો હતો. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન જે રીતે ફટાકડા અને આતશબાજીના લીધે હવા અને ધ્વનિ પ્રદુષણ ફેલાય છે, તેને ઓછો કરવા ફટાકડા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લેવો જોઇએ તેવો મત લોકોએ વ્યકત કર્યો હતો.

દિવાળી અને આતશબાજી લગભગ એકમેકના પર્યાય ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એન્ટી ક્રેકર્સ કેમ્પેઇનના લીધે ફટાકડાના વેચાણ પર અંકુશ મુકાઇ રહ્યો છે. ત્યારે ફટાકડાથી થતાં પ્રદુષણના મુદ્દે એસોચેમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના આધારે એક અભ્યાસ કર્યો હતો.

અમદાવાદ, મુંબઇ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઇ, પટના, રાયપુર અને રાંચી જેવા શહેરોમાં ૧૫૦૦ લોકોનો એક રેન્ડમ સર્વે હાથ ધર્યો હતો. જેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાકે ફટાકડાના પ્રતિબંધનું સમર્થન કર્યું હતું તો કેટલાક એને દિવાળીની પરંપરા સાથે સરખાવ્યું હતું. અમુક લોકો પ્રતિબંધથી કોઇ ફેર નહીં પડે તેવો મત પણ ધરાવતા હતા. ૩૫% લોકોએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પરના પ્રતિબંધને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રદુષણના સ્તરને ઘટાડવા ફટકાડા પર પ્રતિબંધ મુકવો જોઇએ જો કે આ પ્રતિબંધનું અસરકારક અમલ પણ જરૂરી છે. ૩૦% લોકોએ પ્રતિબંધને નકાર્યો હતો અને આતશબાજી વિના તહેવારોની ઉજવણીનો રંગ ફિક્કો પડી જવાની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે દિવાળીમાં રોશની અને આતશબાજી કરવી અને પ્રાચીન પરંપરા છે, તેથી આવા પ્રતિબંધ ગેરવ્યાજબી જણાય છે.

આ તરફ ૨૦% એવા લોકો પણ હતા જેમનું માનવું હતું કે આ પ્રકારના પ્રતિબંધથી હવા કે ધ્વનિ પ્રદુષણના સ્તર પર કોઇ ફેર પડતો નથી. અમુક લોકોનું એવું પણ માનવું હતું કે, તંત્રે ફટાકડાના ઉત્પાદકો, ટ્રેડર્સ અને તેમના કુટુંબના હિતો વિશે પણ વિચારવું જોઇએ.

એસોચેમના સેક્રેટરી જનરલ ડી.એસ. રાવતે જણાવ્યું હતું કે,ફટાકડા માત્ર પ્રદુષણ જ ફેલાવતા નથી, પરંતુ તેની સાથે સાથે બ્રાન્ડ ઇન્ડિયાને પણ અસર પહોંચાડે છે. ખાસ કરીને તહેવારોમાં ટુરિઝમને ફટકો પડે છે, કેમ કે પ્રદુષણ મુકત વિસ્તારોમાં જ ફરવું લોકો પસંદ કરે છે. ફટાકડાના પ્રદુષણથી અસ્થમા ઉપરરાંત શ્વાચ્છોશ્વાસના રોગો, ઉધરસ-કફ, આંખોમાં બળતરા, થ્રોટ ઇન્ફેકશન જેવી શારીરિક તકલીફો પણ થાય છે.

ફટાકડાનું રૂ. ૨૫૦૦ કરોડનું માર્કેટ ક્રમશઃ ઘટી રહ્યું છે

એસોચેમના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે,ફટાકડાનું પ્રમુખ ઉત્પાદન શિવાકાસી(તમિલનાડૂ) ખાતે થાય છે અને અહીં ૮૦૦ જેટલા લાયસન્સ ધારકો છે. જેમના ઉદ્યોગનું કદ રૂ. ૨૫૦૦ કરોડનું છે. તેઓ લગભગ ૧૦ લાખ સંગઠિત અને અસંગઠિત લોકોને રોજગારી પણ આપે છે. જો કે, નિષ્ણાંતો માની રહ્યાં છે કે છેલ્લા પાંચ વર્ષોમાં ૪૦%ના દરે આ ઉદ્યોગ ઘટી રહ્યો છે. ઉત્પાદન, વેપારીઓના ઘટતા માર્જિન, ચાઇનીઝ ફટાકડાનું ગેરકાયદે વેચાણ, કાચા માલના ભાવમાં વધારો, લેબરની તંગી, સ્થાનિક તંત્ર દ્વારા લાદવામાં આવતા નિયમો, એન્ટી ક્રેકર્સ કેમ્પેઇન વગેરે તેના માટે કારણભૂત છે.