દિવાળીના સમયે સંપૂર્ણ સ્વાસ્થ્ય રહેવું છે ? તો માત્ર આટલું જ કરો…

    ૧૭-ઓક્ટોબર-૨૦૧૭

 
 
આજની દોડધામભરી જિંદગીમાં તમારે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવું છે ? તમારા મેડિકલ બિલને ઝીરો કરવું છે ? તમારા શરીરને તાજગીથી ભરી દેવું છે ? કંટાળો, આળસ, બગાસાને તેમજ દરરોજ લેવાતી પેઈનકિલરની ટેબલેટને તમારે તમારા જીવનમાંથી તીલાંજલિ આપી દેવી છે ? જો જવાબ હા હોય તો અનુસરો અહી આપેલી કેટલીક સામાન્ય બાબતોને…
નિયમિત ઊંઘો-નિયમિત ઊઠો – રાત્રે વહેલા સૂઈને વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ બે લીટીની ઉક્તિમાં આપણા સંપૂર્ણ શારીરિક જીવનનો સાર છુપાયેલો છે. આપણા ઋષિમુનિઓથી લઈને આપણા વડવાઓ સુધી બધા જ આપણને સૂર્યોદય પહેલાં ઊઠવાનું કહે છે. નવ-નવ કલાકની ઊંઘ પછી પણ તમે જ્યારે સવારે મોડા ઊઠો છો ત્યારે તમે જરા પણ તાજગી સ્ફૂર્તિ અનુભવો છો ? નહી ને ! નાહીને ફ્રેશ થયા પછી પણ તમારી આંખમાં બધાને ઊંઘ જ દેખાય છે ને ? શરીર માટે 24 કલાકમાં માત્ર 7થી 8 કલાકની ઊંઘ પૂરતી છે, પણ તેમ છતાં આજે આપણને નવ-નવ કલાકની ઊંઘ અપૂરતી લાગે છે. આવું કેમ ? આની પાછળનું કારણ છે આપણી ઊંઘવા અને ઊઠવા પાછળની અનિયમિતતા. રાત્રે દસ વાગે સૂઈ જવું અને સવારે સૂર્યોદય પહેલા ઊઠી જવાની ટેવ પાળી જુઓ. થોડા જ દિવસો પછી તમારી સવાર સ્ફૂર્તિવાળી બની જશે.
 
નિયમિત અને યોગ્ય આહાર : આજની ભાગદોડભરી જિંદગીમાં સ્વસ્થ રહેવું હોય તો નિયમિત આહાર લો, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય આહાર લો. આપણે ખાવા માટે જીવતા નથી, જીવવા માટે ખાઈએ છીએ. આ વાત આપણે આપણી આસપાસના પ્રાણીઓ પાસેથી પણ શીખી શકાય. આપણી શેરીમાં ફરતા કુતરાની જ વાત લો. એ માદું પડે તો શું કરે છે ? તે માદું પડે એટલે સૌથી પહેલા ખાવાનું બંધ કરી દે છે અને થોડા જ દિવસોમાં આપોઆપ તંદુરસ્ત થઈ જાય છે. આપણે માંદા પડીએ તો શું કરીએ છીએ ? અશક્તિ આવી ગઈ છે નબળાઈ આવી ગઈ છે એમ કહી કહીને ખા-ખા જ કરીએ છીએ. બીજું આપણે દાંતનો ઉપયોગ કરવાનું ભૂલી જ ગયા છીએ. આજે આપણા દાંતનું કામ આપણી હોજરી કરી રહી છે. આયુર્વેદ કહે છે કે આરામથી ખાવ, ખૂબ ચાવીને ખાવ. જ્યાં સુધી તમારા મોંનો કોળિયો પ્રવાહીરુપ ન બની જાય ત્યાં સુધી ચાવ્યે રાખો. બીજું ભૂખ કરતા થોડું ઓછું ખાવ. શક્ય હોય તેટલું નિયમિત અને હેલ્થી આહાર લો. ખાતી વખતે ઠંડા પીણાથી દૂર રહો. બસ ! આહારમાં આટલું ધ્યાન રાખશો તો તમારો ખોરાક ઝડપથી પચી જશે અને ખાધા પછી તમને આળસ, કંટાળો નહીં આવે ઉપરાંત જીવનભરની તંદુરસ્તી તમને ગિફ્ટમાં મળશે.
 
નિયમિત કસરત : આજીવન તંદુરસ્ત રહેવા શું તમે દરરોજની માત્ર 30 મિનિટ આપી શકો ? જેમ જીવવા માટે આહારની જરુર પડે છે તેમ તંદુરસ્ત રહેવા માટે વ્યાયામની પણ એટલી જ જરુર છે. પરિશ્રમ થાય તેવી કોઈપણ કસરત દરરોજ કરો. રનિંગ, વોકિંગ, સાદી કસરત કરો. ટૂંકમાં થાક લાગે એટલો વ્યાયમ કરો. સિક્સ પેક બનાવવા માટે નહીં પણ શરીરમાં સ્ટેમિના વધારવા માટે કસરત કરો.
 
નિયમિત ધ્યાન : અનેક ઘોંઘાટોની વચ્ચે બેસીને પણ તમે માત્ર તમારા જ કામ ઉપર ધ્યાન આપી શકો છો ? નહીં ને ? આવું કરવું હોય તો નિયમિત ધ્યાન કરો. મનને શાંત અને વિકૃતિથી દૂર રાખશો તો અડધી તંદુરસ્તી તમને આપો આપ મળી જશે અને જે તમે માત્ર ધ્યાન દ્વારા જ કરી શકશો. તંદુરસ્તી માટે ધ્યાન એ ઉત્તમ દવા છે. યોગ, પ્રાણાયામ, કપાલભાતી દ્વારા તમે નિયમિત ધ્યાન ધરી શકો છો. આનાથી તમારી એકાગ્રતા પણ વધશે અને તંદુરસ્તી પણ…