બહાદુર બાળા ગ્રેસ

    ૧૦-નવેમ્બર-૨૦૧૭


 

 

એક લાઇટ હાઉસની વાત છે.

સમુદ્રમાં પાણીની વચ્ચે બેટ હોય છે તો તમે જાણો છો. બેટ દૂરથી જોઈ શકાય છે. સમુદ્રમાં ઘણી જગ્યાઓએ નાના પર્વતો અને ટેકરીઓ હોય છે, તે પાણીમાં ડૂબેલા હોવાથી જોઈ શકાતાં નથી. જો પાણીમાં ચાલતાં જહાજો આવી ટેકરીઓ સાથે ટકરાઈ જાય તો તેના ફુરચેફુરચા ઊડી જાય છે.

જહાજોને બચાવવા માટે ડૂબેલી ટેકરીઓ પર ઊંચા ઊંચા મિનારા બનાવવામાં આવે છે. આવા મિનારા રાતના સમયે દેખાય તે માટે એના ઉપર ઝગમગતો પ્રકાશ કરવામાં આવે છે. આવા મિનારાઓનેલાઇટ-હાઉસકહે છે. લાઇટ-હાઉસના નીચેના ભાગમાં રહેવા માટેની ઓરડીઓ બનાવેલી હોય છે. તેમાં લાઇટ-હાઉસના કર્મચારીઓ તથા તેમના પરિવારો રહેતા હોય છે.

એવા એક લાઇટ-હાઉસની વાત છે. ઇંગ્લેન્ડ દેશના સમુદ્રમાં એક લાઇટ-હાઉસ હતું. લાઇટ-હાઉસનો કર્મચારી એક દિવસે કોઈ કામ પ્રસંગે લંડન ગયો હતો. લાઇટ-હાઉસમાં તે કર્મચારીની પત્ની અને તેની તેર-ચૌદ વર્ષની પુત્રી બે જણાં હતાં. સંજોગવશાત્ દિવસે સમુદ્રમાં ભયંકર તોફાન રૂ થયું. દિવસ તો જેમતેમ પસાર થઈ ગયો. રાત્રે પણ તોફાન ચાલુ રહ્યું. માતા અને પુત્રી ગ્રેસ ડાર્લિંગ જાગતાં બેસી રહ્યાં હતાં. રાત ધીરે ધીરે પસાર થઈ રહી હતી, ત્યાં અચાનક વાદળાં ફાટ્યાં હોય તેવો ભયાનક અવાજ સંભળાયો. તોપ ફૂટી હોય તેવો ભયંકર અવાજ હતો.

ગ્રેસ ડાર્લિંગ અને તેની માતાએ એકબીજાની સામે જોયું. અવાજ શાનો છે તે બેઉ જણાં સમજી ગયાં હતાં. કોઈ ટેકરી સાથે જહાજ ટકરાય ત્યારે આવો ભયાનક અવાજ થતો હતો. માતાએ કહ્યું : ‘ગ્રેસ, અવાજ તો કોઈ જહાજ ચટ્ટાન સાથે ટકરાયું હોય તેવો હતો.’

હા, મમ્મી ! જહાજની ટક્કરનો અવાજ હતો, પરંતુ મમ્મી, જહાજના યાત્રીઓની દશા કેવી હશે ? અંધારી રાત, ગર્જના કરતો સમુદ્ર, એમને બચાવવાનો પણ કોઈ ઉપાય નથી.’ ગ્રેસ પણ લાચાર હતી.

માતા યાત્રીઓની પ્રાણરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરતી હતી, અને ગ્રેસ સવાર પડવાની રાહ જોઈ રહી હતી.

પૂર્વમાં અરુણ રંગ દેખાયો કે તરત ગ્રેસ ડાર્લિંગ દૂરબીન લઈને લાઇટ-હાઉસ ઉપર ચડી ગઈ. દૂરબીન માંડીને તેણે દૂર-દૂર સુધી નજર ફેરવી. લાઇટ-હાઉસથી આશરે એકાદ માઈલ દૂર, તૂટી ગયેલા જહાજનું એક મોટું પાટિયું સમુદ્રનાં ઊછળતાં મોજાંમાં ઊછળી રહ્યું છે, અને તેના પર નવ માણસો જીવન બચાવવા માટે તેને વળગી રહ્યા છે, એવું દૃશ્ય જોઈને ગ્રેસનું મન તેમને બચાવવા માટે તલપાપડ થવા લાગ્યું. પાટિયું ડૂબું-ડૂબું થઈ રહ્યું હતું.

ગ્રેસ લાઇટ-હાઉસ ઉપરથી ઝંઝાની જેમ નીચે આવી. આવતાં તે બોલી : ‘મા, એક પાટિયું પકડીને નવ માણસો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, હું તેમને બચાવવા માટે જાઉં છું.’

ગ્રેસની વાત સાંભળીને માતા આકુળ-વ્યાકુળ થઈ ગઈ. સમુદ્ર હજુ ભયંકર રીતે ઊછળી રહ્યો હતો અને ગર્જનાઓ કરી રહ્યો હતો. આવા તોફાનમાં મોટાં-મોટાં જહાજો પણ સમુદ્રમાં સફર કરવાની હિંમત કરી શકતાં હતાં. ત્યાં એક તેર-ચૌદ વર્ષની છોકરી એક નાની હોડી લઈને એક માઈલ જેટલે દૂર જવા માટે સાહસ કરી રહી હતી. એનાં આંધળુકિયાં જોઈને એની માતા હતાશ થઈ ગઈ હતી. તે કહી રહી હતી : ‘દીકરી, પાગલપન છે, રહેવા દે. સમુદ્ર થોડો શાંત થાય પછી જજે !’

પરંતુ ગ્રેસના હૃદયમાં સેવાભાવનાનો ઊભરો આવ્યો હતો, દયાની આગ ભડકી ઊઠી હતી, તેથી તે કોઈની રોકી રોકાય તેમ નહોતી, કોઈની વારી વળે તેમ નહોતી.

માની વાત સાંભળી સાંભળી કરીને ગ્રેસ હોડીમાં કૂદી પડી. અને આગળ વધવા લાગી. મા ગ્રેસની રક્ષા માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરવા લાગી : ‘ઈશ્ર્વર ! મારી પુત્રીની રક્ષા કરજે. તેની ઇચ્છા પૂરી કરજે. તેના કાર્યમાં મદદ કરજે.’

સમુદ્ર તો મોટા મોટા ઉછાળા મારી રહ્યો હતો. તેનાં મોજાં વૃક્ષોની ઊંચાઈથી પણ ઉપર ઊછળી રહ્યાં હતાં. ગ્રેસની હોડી મોજાંની સાથે ઉપર જઈને નીચે પટકાતી હતી, પરંતુ જરા પણ ભયભીત થયા વગર ગ્રેસ પેલા નવ માણસો તરફ આગળ ને આગળ વધી રહી હતી. પોતે ડૂબી જશે એવી જરા પણ પરવા હતી. તેના મનમાં તો એક ધૂન ચાલી રહી હતી :

મારે પેલા નવ યાત્રીઓને બચાવવા છે. એમને બચાવીને હું રહીશ.’

આખરે ગ્રેસનો પરિશ્રમ સફળ થયો. તેની મહેનત રંગ લાવી. છેવટે તેની હોડી પેલા પાટિયા પાસે પહોંચી ગઈ. તેણે આનંદમાં આવીને બૂમ પાડી : ‘સજ્જનો, ભલા માણસો ! હું આવી ગઈ છું. હવે કોઈએ ડરવાની ‚ નથી.’

હોડીને પાટિયાની લગોલગ લઈને, ગ્રેસે પેલા નવે-નવ ભયગ્રસ્તોને પોતાની હોડીમાં લઈ લીધા. તેમના ચહેરા પર ખુશીની લહેર પથરાઈ ગઈ. પછી હોડી લઈને ગ્રેસ લાઇટ-હાઉસની પાસે આવી ગઈ.

તેની માતા કઠેરો પકડીને તેની પ્રતીક્ષા કરી રહી હતી. જેવી ગ્રેસ લાઇટહાઉસના પગથિયે પગ મૂકે છે ત્યાં તો તેની માતા પાગલની જેમ દોડીને મારી બેટી..., મારી બેટી...!’ બોલતી તેને વળગી પડે છે. પેલા નવ યાત્રીઓના મુખ પર પણ ખુશાલી છે.

અત્યારે પણ ઇંગ્લેન્ડનાં બાળકો ગ્રેસ ડાર્લિંગના હેરતભર્યા સાહસને અને તેની દયાળુતાને ખૂબ ગર્વથી યાદ કરે છે. આવાં બાળકો કોઈ પણ દેશના ચહેરાને ઉજ્જ્વળ બનાવે છે.