તમને શું લાગે છે ? આગામી એક-દોઢ મહિના સુધી પુછાનારો પ્રશ્ર્ન

    ૧૧-નવેમ્બર-૨૦૧૭



ગુજરાતમાં હવે એક-દોઢ મહિનો એક વિધાન સૌથી વધુ સંભળાશે : તમને શું લાગે છે ? અમે દિવાળી નિમિત્તે એક સ્વજનના ઘરે મળવા ગયા. હજી અમે નવા વર્ષનાં અભિનંદન આપીએ ત્યાં તો યજમાને અમારી સાથે હાથ મિલાવીને કહ્યું, "તમને શું લાગે છે ? મેં કહ્યું, "મને તો ઘણું બધું લાગે છે. સવાર-બપોર-સાંજ એમ ત્રણ-ત્રણ વખત ભૂખ લાગે છે. આખા દિવસમાં ૧૦-૧૫ વખત તરસ લાગે છે. ભૂખ-તરસ શમાવવા માટે ખાવા-પીવાથી કુદરતી રીતે બીજું જે લાગતું હોય તે પણ લાગે છે...

મારો જવાબ યજમાનને ના ગમ્યો. તેમણે થોડા અણગમા સાથે કહ્યું, "હું એમ પૂછતો હતો કે ચૂંટણીનું શું લાગે છે ?

મેં જવાબ આપ્યો, "અચ્છા, તમે ચૂંટણીનું શું લાગે છે તેમ પૂછો છો. ચૂંટણી તો થશે . લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણી તો સમયસર થવી જોઈએ. થશે . હવે યજમાન થોડા અકળાયા.

મને કહે, "હું ચૂંટણીનું નથી પૂછતો, કોણ આવશે એમ પૂછું છું.

મેં હસીને કહ્યું, "અચ્છા, તમે પૂછો છો. ચૂંટણી વિધાનસભાની છે એટલે ૧૮૨ ધારાસભ્યો આવશે.

હવે યજમાન મિત્રની અકળામણ ગુસ્સામાં પરિવર્તિત થઈ.

અવાજમાં ગુસ્સો ભરીને મને કહે, " તો મનેય ખબર છે કે ૧૮૨ ધારાસભ્યોને ચૂંટવા માટેની ચૂંટણી છે. પણ મારું પૂછવાનું છે કે કયા પક્ષના ધારસભ્યો ચૂંટાશે.

મેં ધીરજ અને ઠંડકથી જવાબ આપ્યો : જે જે પક્ષના ઉમેદવારો ઊભા રહેશે તે તે પક્ષના ધારાસભ્યો ચૂંટાઈ શકે. મિત્ર હવે થોડા વિફર્યા.

કહે, "તમે, નવા વર્ષે મજાક કરવાનું ઓછું કરો. મારો પૂછવાનો અર્થ હતો કે કોના ધારાસભ્યો વધુ ચૂંટાશે ? ભાજપના કે કોંગ્રેસના ?

" કહેવું તો અઘરું છે, પણ બધાના થઈને ૧૮૨ ધારાસભ્યો ચૂંટાશે નક્કી છે.

યજમાન કહે, તો મને પણ ખબર છે, પણ સરકાર કયો પક્ષ બનાવશે એવું હું પૂછું છું.

મેં કહ્યું, " તો અત્યારથી કેવી રીતે કહી શકાય ? ભારતના રાજકારણમાં પ્રવાહી પરિસ્થિતિ નથી હોતી, વરાળીય પરિસ્થિતિ હોય છે. એક દિવસમાં નહીં, થોડા કલાકોમાં આખું ચિત્ર બદલાઈ જાય એવું બનતું હોય છે.

એટલી વારમાં ચ્હા આવી ગઈ. "તમને શું લાગે છે ? પોતાના પ્રશ્ર્નનો પ્રતીતિકર ઉત્તર ના મળ્યો એટલે યજમાનને ના ગમ્યું. તેઓ ભાજપ અને કોંગ્રેસની રોમાંચકારી વાતો કરવા માગતા હતા, પણ મેં તેના પર ઠંડું પાણી રેડી દીધું તેથી તેઓ નારાજ થયા. બાકી, હવે જ્યાં જુઓ ત્યાં ચર્ચાના રાફડા ફાટશે.

બે જણ મળશે એટલે "કેમ છો ? નહીં પૂછે. તરત પૂછશે : તમને શું લાગે છે ? અને પછી બધા પોતપોતાને જે લાગતું હશે તેની મસાલા નાખીને, બરાબર ફેણીને, મોણ નાખીને ચર્ચા કરશે. મોદી, ભાજપ, અમિત શાહ, વિજય ‚પાણી, આનંદીબહેન, રાહુલ ગાંધી, ભરતસિંહ સોલંકી, હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ, પાટીદારો, ઓબીસી, દલિત, વિકાસ.... એક પછી એક મુદ્દાની ચર્ચા થયા કરશે.

એવું કહેવાય છે કે દરેક વ્યક્તિમાં એક કવિ હોય છે. એવી રીતે, ખાસ કરીને ભારતમાં દરેક વ્યક્તિમાં એક રાજકીય વિશ્ર્લેષક છુપાયેલો હોય છે.

અખબારો અને ટીવીમાં રાજકીય વિશ્ર્લેષણ કરનારા લોકોની સંખ્યા ૨૦-૨૫ની હોય છે. પણ ખરેખર એકલા ગુજરાતમાં લાખો નહીં, કરોડો રાજકીય વિશ્ર્લેષકો છે. સોશિયલ મીડિયાને કારણે હવે માહિતીનો મોટો ઢગલો (ઘણા તેને ઉકરડો પણ કહે છે.) લોકોને સુલભ થયો છે. આખી દુનિયાની તમામ માહિતી દરેક વ્યક્તિને પોતાના સગા હાથમાં જોવા-વાંચવા મળે છે એટલે ચર્ચા કરવાનો મસાલો તૈયાર મળી જાય છે.

ઘણા તો જબરજસ્ત, ભયંકર, ખતરનાક રાજકીય વિશ્ર્લેષક હોય છે. જેવી ચૂંટણીની વાત શરૂ થાય કે તેઓ ચર્ચામાં કૂદી પડશે. આક્રમકતાથી, સર્વિસ રીતે તેઓ બોલવા માંડશે. પોતાની વાતને સાચી પુરવાર કરવા તેઓ પોતાનો અવાજ પાંચ ઉપર રાખશે. આજુબાજુમાં ઊભેલા લોકોના ચહેરા-વારાફરથી જોતા જશે અને ભમ્...ભમ્...ભમ્... બોલતા જશે. થોડી વાર તો એવું લાગે કે હમણાં ભાઈ ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જાહેર કરી દેશે અને આવતી કાલે તેનો શપથવિધિ યોજાશે. તમારામાં આવો ઉત્સાહ હોય કે ના હોય પણ તમારે તૈયાર રહેવું પડશે. ના, મત આપવા માટે નહીં, તો તમે આપશો , પણ તેની પહેલાં "તમને શું લાગે છે ? પ્રશ્ર્નનો જવાબ આપવા.

નવમી અને ચૌદમી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થાય તે પહેલાં તમારે પ્રશ્ર્નનો અનેક વખત ઉત્તર આપવાનો થશે.

બેસ્ટ ઑફ લક.