.... અને અમે સુરતમાં શાખાની સંખ્યા 5 થી વધારીને 50 સુધી પહોંચાડી દીધી :નરેન્દ્રભાઈ પંચાસરા (વરિષ્ઠ પ્રચારકશ્રી)

    ૧૧-નવેમ્બર-૨૦૧૭

 
ઈ. સ. 1944માં શિશુ અવસ્થાથી જ હું સંઘમાં સ્વયંસેવક તરીકે જોડાયેલો તે આજે 80 વર્ષની ઉંમર સુધી જોડાયેલો છું અને છેલ્લા શ્ર્વાસ સુધી રહીશ. આ શબ્દો હતા સંઘના વરિષ્ઠ પ્રચારકશ્રી નરેન્દ્રભાઈ પંચાસરાના...આજે તેમનું અવસાન થયું છે. સાચે જ તેઓ છેલ્લા શ્વાસ સુધી સંઘ સાથે જોડાયેલા રહ્યાં. શનિવારે એટલે કે આજે તેમની અંતિમ યાત્રા બપોરે ૨.૩૦ કલાકે શ્રી ગુરૂજી સ્મૃતિ, સંઘ કાર્યાલય, સુરતથી નિકળશે...
 
થોડા સમય પહેલા જ વર્ષ ૨૦૧૫માં સાધના સાપ્તાહિકમાં તેમની મુલાકાત પ્રકાશિત થઈ હતી. તેમણે તેમના જીવન વિષે ખૂલીને વાત કરી હતી...સુરતમાં સંઘની શાખાનો વિકાસ કઈ રીતે થયો, તેઓ ક્યારે સંઘમાં જોડાયા, તેમને કોનો કોનો સાથ મળ્યો..... વાંચો તેમના જ શબ્દોમાં....
 
મારું મૂળ વતન અમરેલી. બાલ્યકાળમાં અમરેલીની શાખામાં સ્વયંસેવક બન્યો. શિશુગણથી લઈને સહ પ્રાંત પ્રચારક સુધીની વિવિધ જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી છે.
 મારા જીવનનો સૌથી વધુ સમય મેં સુરતમાં વિતાવ્યો છે. ઈ. સ. 1964માં હું પ્રચારક તરીકે નીકળેલો. ઈ. સ. 1972ના જુલાઈ માસમાં હું સુરત આવેલો. એ સમયે મા. વકીલ સાહેબ પ્રાંત પ્રચારક હતા. મને પ્રાંત પ્રચારક પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. ઈ. સ. 1981-82માં હું ખૂબ બીમાર પડેલો. એ વખતે દેશમુખજી સંભાગ પ્રમુખ હતા. સ્વસ્થ થયા બાદ વકીલ સાહેબે મને બારડોલી તાલુકાનું કામ સોંપ્યું.
 

 
 
72ની સાલમાં હું અહીં આવ્યો ત્યારે સુરતમાં માત્ર પાંચ શાખાઓ હતી અને એ પણ છૂટીછવાયી. અહીં જવાબદારી નિભાવતા. અનંતરાવ કાળે, વાસુદેવ તલવલકર વગેરે અધિકારીઓ સાથે મળીને અમે લોકોનો ખૂબ સંપર્ક કરીને શાખાઓ વધારી, શાખાથી સંખ્યા 5 માંથી વધીને 10 થઈ અને ધીમે ધીમે 10માંથી વધીને 15 પણ થઈ.
 
એ અરસામાં અહીંની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં રાજસ્થાનથી અનેક લોકો આવ્યા. તેઓ સ્વયંસેવક તરીકે જોડાયા અને બીજાઓને પણ જોડ્યા.એવું કહી શકાય કે નિત્ય સંઘકાર્યમાં જોડાયેલા રહેલા એ સ્વયંસેવકોને કારણે સુરતના સંઘકાર્યનો ખૂબ જ વિકાસ થયો. શાખાવૃદ્ધિમાં સૌથી વધુ ફાળો રાજસ્થાની સ્વયંસેવકોનો રહ્યો તથા મહારાષ્ટ્રથી આવેલ બે પ્રચારકોનો પણ સંઘની કાર્યવૃદ્ધિમાં અમૂલ્ય ફાળો રહેલો છે.
 
એમના આવ્યા બાદ ધીમે ધીમે શાખાની સંખ્યા વધીને 45 થઈ. અમે હરખભેર મા. રજ્જુભૈયાને જાણ કરી, પણ તેમણે કહ્યું, શાખાની સંખ્યા 50 ન થાય તો મહાનગર ન કહેવાય. અમને જુસ્સો ચડ્યો. અમે સૌએ મળીને સુરતમાં શાખાની સંખ્યા 50થી પણ આગળ પહોંચાડી દીધી.
 
ઈ. સ. 1986માં મા. શ્રી સુરેશરાવ કેત્તકરના હસ્તે આ કાર્યાલયનું ભૂમિપૂજન થયું અને ઈ. સ. 1987માં મા. શ્રી રજ્જુભૈયાના હસ્તે કાર્યાલયનાં મકાનનું ઉદ્ઘાટન થયું.
સુરતના સંઘ વિકાસ અને વિસ્તારનો હું સાક્ષી છું. સંઘજીવન દરમિયાન મેં શિશુગણ શિક્ષકથી લઈને ગટનાયક, શિક્ષક, કાર્યવાહ, નગર કાર્યવાહ, સહ પ્રાંત પ્રચારક સુધીની અનેક જવાબદારીઓ નિભાવી છે એમાં સુરત મોખરે છે. પદ અને જવાબદારીઓ અનેક બદલાયાં પણ હું એમ નહીં કહું કે મેં બહુ કામ કર્યુ. મેં તો માત્ર સંઘની યોજના પ્રમાણે મને જે કાર્ય સોંપાયું તે નિષ્ઠાથી કર્યુ  છે. સંઘજીવન જીવ્યો છું. પ્રત્યેક જગ્યાએ મધ્યમવર્ગના કાર્યકર્તાઓ કામ કરતા હતા. તેમની મહેનત પાયામાં છે.
પ્રભુ, દિવ્યાત્મા ને મોક્ષગતિ આપે. ॐ शांति