પદ્માવતી: ૧૨૯૯માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી મંદિરોનો ધ્વંસ કર્યો હતો

    ૧૭-નવેમ્બર-૨૦૧૭



 
 
સંજય લીલા ભણસાલી અત્યારે પોતાની ફિલ્મ પદ્માવતીનો વિવાદ કરીને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. પદ્માવતી અને અલ્લાઉદ્દિન ખિલજીની કથા કહેતી ફિલ્મમાં જે હોય એ પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ખિલજી ક્રૂર શાસક હતો અને તેનો ઇરાદો હિન્દુ સ્થાપત્યોનો નાશ કરવો, લૂંટ-ફાટ અને સામૂહિક કત્લેઆમ કરવાનો જ હતો.
 
દિલ્હીથી આગળ વધતા ખિલજી વંશના આ શાસકે ગુજરાત પર નજર ઠેરવી હતી. ગુજરાતની ત્યારની રાજધાની પાટણ, અમદાવાદ, ભરૂચ, સોમનાથ, ચાંપાનેર, સુરત વગેરે સ્થળોએ ખિલજીની સેનાએ આતંક મચાવ્યો હતો. મોગલો પહેલાં દિલ્હી પર ખિલજી વંશનું રાજ હતું. ખિલજી વંશની શરૂઆત જલાલુદ્દીન ફિરોઝ ખિલજીએ ૧૨૯૦માં કરી હતી. એ વંશનો ઉદ્ભવ પણ ઘણાખરા મુસ્લિમ શાસકોની માફક મધ્ય એશિયામાંથી થયો હતો.
 
ઉત્તરથી આવતા ખિલજીએ પહેલું નિશાન પાટણને બનાવ્યું હતું. અણહિલવાડ પાટણ ત્યારે ગુજરાતનું પાટનગર હતું અને કર્ણદેવ વાઘેલા ગુજરાતનો શાસક હતો. આ નગર જીતી લઈ ખિલજીએ આગેકૂચ કરી હતી. આજનું અમદાવાદ જેના પર વસેલું છે, એ મૂળનગર તો આશાવલ હતું. ખિલજીએ આશાવલમાં સ્થાપત્યો તોડી-ફોડી પોતાના ડેરા-તંબુ તાણ્યા હતા. ખિલજી અહીં રહીને જ વિવિધ પ્રદેશો પર આક્રમણ કરતો હતો.
 

 
 
ભારતના સૌથી જૂના નગરમાં સ્થાન પામતા ભરૂચ પર ખિલજીએ ૧૨૯૯માં આક્રમણ કરી મંદિરો તોડી પાડ્યાં હતાં. મંદિરો તોડી પાડ્યા પછી મળતા પથ્થરો, શણગાર, દરવાજા, કમાનો વગેરેનો ઉપયોગ મસ્જિદો બાંધવા માટે કરવામાં આવતો હતો. એ વખતે ખંભાત બંદરની જાહોજલાલી હતી. આજે માત્ર સામાન્ય નગર બનીને રહી ગયેલું ખંભાત ત્યારે ‘ખંભાતના રાજ્ય’ તરીકે ઓળખાતું હતું. તેની કીર્તિથી પ્રેરાઈને ખિલજીએ તેના પર હુમલો કર્યો હતો. ખિલજીના સેનાપતિ નસરતખાને ખંભાત પર ચડાઈ કરી હતી. ૧૦૨૪ની સાલમાં ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. એ પછી રાજા કુમારપાળે તેનું ફરીથી બાંધકામ કર્યું હતું. એ બાંધકામ તોડી પાડવા ખિલજીએ સોમનાથને ૧૨૯૯ની સાલમાં ધ્વસ્ત કર્યું હતું. એમ તો તેણે દ્વારકાના જગતમંદિરનો પણ નાશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ૧૪મી સદીના જૈન સંત કક્કસૂરિએ રચેલા ‘નાભિનંદજિનોદ્ધાર પ્રબંધ’ નામના ગ્રંથમાં ખિલજીએ કરેલા દરેક આક્રમણની વિગતવાર નોંધ કરવામાં આવી છે. વધુ ને વધુ પ્રદેશ લૂંટી શકાય તથા મંદિરોનો નાશ કરી શકાય એટલા માટે બે વખત દિલ્હીથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
 
મુસ્લિમ આક્રમણકારોની પરંપરા પ્રમાણે હિન્દુઓની સ્વતંત્રતા પર કાપ મૂકી દેવાયો હતો. તહેવારો ઉજવી શકાતા ન હતા. ઊજવવા હોય તો વેરા ભરવા પડતા હતા. એવું બધું ન કરવું હોય તો પછી ધર્માંતરણ કરી લેવાનો છેલ્લો વિકલ્પ બાકી રહેતો હતો. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (ભાગ ૫)માં નોંધાયા મુજબ આ વટાળ પ્રવૃત્તિને કારણે જ ‘મોલે સલામ’ અને ‘પિરાણા પંથ’ વગેરે ફાંટાનો ઉદ્ભવ થયો હતો. ખિલજીનો સમય એવો પહેલો સમય હતો, જ્યારે ગુજરાત દિલ્હી સલ્તનતના તાબામાં આવ્યું હતું. એ સાથે ગુજરાતનો ગુલામીકાળ અને પડતી પણ શરૂ થઈ હતી. ગુજરાતમાં ઘણો પ્રદેશ જીતી લીધા પછી તેનું ધ્યાન રાખવા માટે ખિલજીએ પોતાના સાળા મલેક સંજરની નિમણૂક કરી હતી. સત્તા સોંપતી વખતે મલેકને અલ્પખાન એવો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.