મહેનતની દ્રાક્ષ મીઠી

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
 
એક શિયાળ હતું. તે જંગલમાં ફરતું હતું. ત્યાંથી ગામની સીમમાં આવી ચડ્યું. સીમનાં લહેરાતાં ખેતર, દ્રાક્ષ, ચીકુ, કેળાંની લચી રહેલી વાડીઓને જોઈ તેને સીમમાં જ રહી જવાનું મન થયું, પરંતુ સીમમાં ખેડૂતો સવાર પડતાં હળ-બળદ સાથે આવી જતા. મજૂરો ખેતરમાં નીંદવાનું, પાણી વાળવાનું અને વાડ સરખી કરવાનું કામ કરતા. બપોરે ભાતું લઈને આવનારની ચહલપહલ થતી. દિવસના શિયાળથી સીમમાં રહી શકાય તેમ ના જણાયું.
શિયાળ રાતે આવી સવારે જંગલમાં જતું રહેવા માંડ્યું. રાતના વાડી, ખેતરમાં ક્યાં છીંડું છે, ક્યાંથી ખેતરમાં ઘૂસી શકાય છે, ક્યાં રખેવાળી કરવામાં આવે છે, કઈ વાડીમાં દ્રાક્ષ, કેળાં, ચીકુ, શેરડી છે તેની માહિતી એકઠી કરી એનો લાભ લેતું.
દ્રાક્ષની વાડી જોતાં દ્રાક્ષ ખાવાની વર્ષો જૂની ઇચ્છાને શિયાળ રોકી શકતું નહીં. દ્રાક્ષ ખાવાનાં તે સપનાં જોતું.
સીમમાં શિયાળ રાતના ફરે છે. તેની જાણ સૌને થઈ ગઈ હતી. માંચડા પરથી તને જોતાં જ હોકારા પડકારા કરીને તેને ભગાડી મૂકવામાં આવતું.
પરંતુ શિયાળ કોઈ પણ ભોગે દ્રાક્ષ ખાવા માગતું હતું.
દ્રાક્ષની વાડીના માલિક શિયાળની દાનત પારખી ગયા હતા. રખેવાળી મજબૂત કરી હતી. શિયાળ ક્યારે સીમમાં આવે છે તેની નોંધ રાખવામાં આવી હતી.
બકોર પટેલે દ્રાક્ષની વાડીને માવજત કરી, સારું ખાતર-પાણી આપી લીલીછમ બનાવી હતી. દ્રાક્ષનો માંડવો પણ આંખને ગમે તેવો સજાવ્યો હતો. વેલાઓ પર ઝીણાંઝીણાં ફૂલ આવવા લાગ્યાં હતાં. દ્રાક્ષનાં ઝૂમખે ઝૂમખાં બેસશે તે વાતે તેઓ ખુશ હતા. રોજ રખડતા જાનવર અને શિયાળથી વાડીને નુકસાન - ભેલાણ ના થાય તે માટે રાતવાસો પણ વાડીમાં કરતા.
શિયાળને દ્રાક્ષ તૈયાર થયા પછી ખાવા મળશે કે કેમ તેને માટે શંકા હતી. સાથે સાથે આનંદ પણ હતો. વાડીમાં ઘૂસવાનો મોકો શિયાળને મળતો નહીં. તેથી તે દુ:ખી હતું, કારણ કે માંડવો ક્યાં નીચો છે તેની ખાતરી તે કરી શકતું ન હતું.
એક દિવસ શિયાળને રસ્તામાં બકોર પટેલનો ભેટો થયો. તેમને ખબર હતી કે શિયાળ દ્રાક્ષ ખાવા તલપાપડ છે એટલે આ રસ્તે જ આવશે. શિયાળને પણ ખબર હતી કે દ્રાક્ષની વાડી બકોર પટેલની જ છે. તેમ છતાં અજાણ્યું હોય તે રીતે બકોર પટેલના ખબરઅંતર પૂછતાં બોલ્યું.
‘કેમ છો બકોરભાઈ, મઝામાં ને ! વાડીમાં કયો પાક કર્યો છે આ સાલ ? મોસમ પણ સારી છે. પાક સારો ઊતરશે. બે પૈસા પણ મળશે, કેમ ખરું ને?’
‘હું તો મઝામાં છું. તમારું કેમ ચાલે છે ? સીમમાં તમારી કેમ પધરામણી થઈ છે ? ક્યારે આવો છો ?’ બકોર પટેલે સામા ખબરઅંતર પૂછ્યા.’
‘મજામાં. પ્રભુ કૃપાએ સારું ચાલે છે. સીમમાં ઘણા દિવસથી અવાયું ન હતું એટલે આંટો મારવા આવ્યો છું.’ શિયાળે જવાબ વાળ્યો.
‘ઉતાવળમાં છું. કાલે વાડીએ આવજો. વાતો કરીશું.’ બકોર પટેલે એમ કહી ચાલતી પકડી.
બીજા દિવસે શિયાળ વાડીએ પહોંચી ગયું. તેણે પહેલી જ વખત દ્રાક્ષની વાડી જોઈ હોય તેમ તે વખાણ કરવા લાગી ગયું.
‘બકોર પટેલ, વાડી તો લૂમેઝૂમે છે. માંડવો ભર્યો ભર્યો લાગે છે. દ્રાક્ષનો ઉતાર સારો આવશે. તમારી રાત-દિવસની મહેનત કામ લાગી છે. ભેલાણ ના થાય તે માટે રાતવાસો પણ કરો છો. કૂદકો મારી દ્રાક્ષ તોડી ના શકાય તેટલાં ઊંચા માંડવા કર્યા છે. એટલે કોઈ વાતથી નુકસાન થવાની ચિંતા જ નહીં. આમ તમે જ કરી શકો, બીજાનું કામ નહીં.’ શિયાળે આશ્ર્ચર્ય વ્યક્ત કરતાં વખાણ કર્યાં.
‘શિયાળભાઈ, તમે તો ભારે ચાલાક છો. તમારી વાત કરવાની રીતને કોઈ પહોંચી ના શકે. પાણી પાણી કરી નાંખો. બિચારો કાગડો ! તમે વખાણ કર્યાં ને તેણે ચાંચમાંથી પૂરી ફેંકી દીધી. તમે સીધી મોઢામાં ઝીલી પેટમાં ઉતારી ગયા. પડતી વસ્તુને ઝીલી લેવાની તમારી અદ્ભુત શક્તિને માન આપવું પડે. કાગડો બિચારો ભૂખ્યો રહ્યો.’ બકોર પટેલે શિયાળને જણાવ્યું.
‘બકોર પટેલ, તમે પણ ખરા છો. તમારા કે તમારી વાડીનાં વખાણ નથી કરતો. જેવું લાગ્યું તેવું કહ્યું.’ શિયાળે નમ્રતા બતાવી કહ્યું.
‘શિયાળભાઈ, તમારે દ્રાક્ષ ખાવી છે?’ પેટ ભરીને ખવડાવીશ. હું કહું તેમ કરો. બકોર પટેલે લાલચ આપી.
દ્રાક્ષ વગર માંગે, ચોરી કર્યા સિવાય મળશે તે વાતે આનંદ વ્યક્ત કરતાં તે નાચવા ને ઉ...કો...હું...ઉ...કો...હું કરવા લાગ્યો.
‘શિયાળભાઈ, બહુ આનંદમાં ના આવો. દ્રાક્ષને તૈયાર થવામાં વીસ દિવસ બાકી છે. ધીરજ રાખો, હું કહું તેમ કરો.’
વચ્ચે જ શિયાળ બોલ્યું, ‘શું કામ કરવાનું છે ?’
‘સવારે જંગલમાંથી આવી જવાનું. હું જે કામ કરું તેમાં તમારે મદદ કરવાની. રોટલો પાણી સાથે કરીશું.’
રોજ શિયાળ વાડીમાં આવવા લાગ્યું. બકોર પટેલની સાથે વાડીમાં કામ કરવા લાગ્યું. થાકી જાય તો રાત પડે સૂઈ જાય. બકોર પટેલ રાત ઉજાગરો કરી વાડીનું રક્ષણ કરે. રખેને શિયાળ દગો ના દે.
આમ ને આમ દશેક દિવસ પસાર થઈ ગયા.
બકોર પટેલની રજા લઈ શિયાળ જંગલમાં થાક ઉતારવા જવાનું વિચારી બે-ચાર દિવસમાં આવી જઈશ કહી જગંલમાં ગયું. શિયાળને મહેનત કરવાનું ફાવતું નહીં. દ્રાક્ષ ખાવી હતી એટલે કામ કરતું રહ્યું.
દશ દિવસ પછી શિયાળ વાડીએ આવ્યું. ઝાંપો બંધ હતો. બૂમ પાડી બકોર પટેલને બોલાવ્યા. કોણ આવ્યું તેની તપાસ કરવા ઝાંપે આવી પૂછ્યું.
‘ક્યાં ચાલી ગયા હતા ?’
‘કહીને તો ગયો હતો. જંગલમાં ગયેલો થાક ઉતારવા.’
‘આટલા બધા દિવસ હોય ? મહેનત કરતાં જોર આવે છે ? દ્રાક્ષ ખાવી છે ને ? બે-ત્રણ દિવસમાં દ્રાક્ષ ઉતારવાની છે. ચાલો, કામે લાગી જાઓ.’ બકોર પટેલે કામ કરવા જણાવ્યું.
‘બકોરભાઈ, આમ નારાજ ના થશો. દ્રાક્ષ ખાવી છે એટલે તો પાછો આવ્યો છું.’
માંડવેથી આજે દ્રાક્ષ ઉતારવાની હતી. વહેલી સવારથી શિયાળ, બકોર પટેલ અને મજૂરો કામે લાગી ગયા હતા. કરંડિયા ખોખામાં દ્રાક્ષ ભરાતી જવા લાગી.
બકોર પટેલે કહી રાખ્યું હતું કે સારી સારી પહેલાં ઉતારવાની દ્રાક્ષ મેં એકલાએ સવારે ઉતારી લીધી છે. કામ પૂરું થતાં સાથે બેસી ખાઈશું. કોઈએ પણ કામ કરતાં કરતાં એક પણ દાણો મોંમાં નાંખવો નહીં.
કામ કરતાં કરતાં સાંજ પડી ગઈ. બકોર પટેલે શિયાળને પોતાની પાસે બોલાવી દ્રાક્ષ આપી.
લીલીછમ પાકી પાકી દ્રાક્ષ જોઈ શિયાળ ગેલમાં આવી ગયું. જેમ જેમ દ્રાક્ષ ખાતું ગયું તેમ તેમ તે નાચતું ગયું. બોલતુંય ગયું કે ‘ખાતા દ્રાક્ષ લાગે મીઠી.’
‘શિયાળભાઈ, એવું નથી. અગાઉ તમે મહેનત વગરની ચોરી-છૂપીથી દ્રાક્ષ ખાવા માંગતા હતા. માંડવા ઊંચા હોવાથી કૂદકો મારી દ્રાક્ષ તોડી શકતા ન હતા. તેથી મળતી નહીં, તેથી દ્રાક્ષ ખાટી લાગતી હતી. આજે મીઠી લાગે છે એનું કારણ વાડીમાં કરેલી તમારી મહેનત છે.’
શિયાળે જિંદગીમાં પહેલીવાર જ દ્રાક્ષ ખાધી તે પણ ‘મીઠી’. બકોર પટેલનો શિયાળ આભાર માનવા લાગ્યું ને ગાવા લાગ્યું કે -
‘બકોર પટેલની વાડીએ દ્રાક્ષ દીઠી
મહેનતની ભાઈ, દ્રાક્ષ મીઠી મીઠી શિયાળને ખાટી દ્રાક્ષે આજે લાગે મીઠી.’