છણાવટ : કમલા હાસનજી, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હિન્દુઓને ત્રાસવાદ સાથે જોડવા આપને શોભે છે?

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
તાજેતરમાં દક્ષિણ ભારતના લોકપ્રિય સીનેસ્ટાર કમલા હાસને કશાય કારણ વિના, હિન્દુઓને ત્રાસવાદી ગણાવતી ટીકા ટિપ્પણી કરી. ખરેખર, કોઈને ત્રાસવાદી જ ગણાવવા હોય તો કમલા હાસન માટે એક અમૂલ્ય તક ચાલી ગઈ. આ વાત સમજવા માટે ૨૦૧૩ની એક ઘટનાને સમજવી પડશે.
 
સન ૨૦૧૩ના જાન્યુઆરીમાં કમલા હાસનની ફિલ્મ ‘વિશ્ર્વરૂપમ્’ તામિલનાડુમાં પ્રદર્શિત થવાની હતી. આ ફિલ્મમાં મુસ્લિમોની લાગણી દુભાવે તેવી કેટલીક બાબતો છે તેવી ગંધ આવતાં તામિલનાડુના મુસ્લિમો ઉશ્કેરાયા. આ ફિલ્મ હજરત મહંમદ પયગંબરના જન્મ દિને એટલે કે ઇદે મિલાદના દિવસે રજૂ થઈ. મુસ્લિમોના મતે ફિલ્મનાં કેટલાંક દૃશ્યો તેમની ધાર્મિક લાગણી દુભાવે તેવાં હતાં. વળી ફિલ્મનાં ખલનાયકનું નામ મુસ્લિમ હતું. આ ફિલ્મ પ્રદર્શિત થતાંની સાથે મુસ્લિમ કટ્ટરવાદીઓએ તોફાનો શરૂ કર્યા. રામનાથપુરમ્ના બે થિયેટરોમાં પેટ્રોલ બોંબ ઝીંકાયા. કેટલાક થિયેટેરો આ તોફાનીઓએ સળગાવ્યાં. ૨૪ જેટલાં મુસ્લિમ સંગઠનોએ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી. થિયેટરોમાં ફિલ્મ જોવા માટે આવેલા પ્રેક્ષકોને જબરજસ્તીપૂર્વક બહાર કઢાયા. મારપીટ પણ થઈ જેને પરિણામે તામિલનાડુનાં ૩૧ જિલ્લામાં ૧૪૪મી કલમ લગાડવી પડી. સુશ્રી જયલલિતાએ કમલા હાસનની આ ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો.
 
જયલલિતાએ કહ્યું, ‘સાત કરોડની વસતિમાં માત્ર ૮૭ હજાર પોલીસ છે. તેથી ૫૨૪ થિયેટરોને પોલીસ રક્ષણ આપવું મારા માટે મુશ્કેલ છે. બીજા ૫૬ હજાર પોલીસોની જરૂર પડશે. શું હું રાજ્યમાં હિંસા ભડકવા દઉં ?’
 
કમલા હાસન કટ્ટરવાદીઓની આ ગતિવિધિથી અકળાઈ ગયો અને તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૧૩ના ના રોજ કમલા હાસન બોલી ઊઠ્યો : ‘હું બિનસાંપ્રદાયિક દેશમાં રહેવા માગું છું. જો મને ન્યાય નહીં મળે તો હું આ દેશ છોડીને ચાલ્યો જઈશ.’ ખરેખર તો અહીં સાવ સામાન્ય બાબતને કારણ બનાવી, થિયેટરોમાં બોંબ ઝીંકનાર કટ્ટરવાદીઓ માટે ત્રાસવાદી ટેરરીસ્ટ શબ્દ વાપરવાની તક હતી. પણ કમલા હાસન ચૂપ થઈ ગયા કારણ કે સામે મુસ્લિમ સમાજ હતો. હાસનને બરાબર ખબર હતી કે, ગાળો તો હિન્દુ સમાજને જ આપી શકાય ! આશ્ર્ચર્યજનક બાબત એ છે કે રોજેરોજ અભિવ્યક્તિની આઝાદી - Creative Liberty નો ઝંડો લઈ ફરનાર કલાકારો પણ ચૂપ થઈ ગયા. કારણ કે સામે કટ્ટરતાવાદી મુસ્લિમ સમાજ હતો. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ કે જેઓ આમીરખાનની ‘ફના’ ફિલ્મ બાબતે પોતાનો આક્રોશ ઝડપભેર પ્રગટ કરી ચૂક્યા હતા; તેઓશ્રી ‘વિશ્ર્વરૂપમ્’ને થયેલા અન્યાય બાબતે એક શબ્દ બોલવા તૈયાર ન હતા. કારણ કે સામે કટ્ટરતાવાદી મુસ્લિમ સમાજ હતો. આ ફિલ્મ આંધ્રપ્રદેશ કે જ્યાં કોંગ્રેસનું શાસન હતું ત્યાં પણ રજૂ ન થઈ શકી. કોંગ્રેસના નેતાઓએ આ કલાકારની મદદે આવવું જોઈતું હતું. તેઓ ન આવ્યા કારણ કે સામે કટ્ટરતાવાદી મુસ્લિમ સમાજ હતો. આમ ઘટનાનો પહેલો તબક્કો પૂરો થયો.
 
હવે આ ઘટનાનો બીજો તબક્કો શરૂ થાય છે. જયલલિતાએ કમલા હાસનને કહ્યું, ‘તમારે આ ફિલ્મ મુસ્લિમોને બતાવીને તેમની મંજૂરી લઈને, તેમને મનાવીને રિલીઝ કરવાની જરૂર હતી.’ જયલલિતાના આ વાક્યે ફરી હોબાળો શરૂ થયો. આખા દેશમાં ચર્ચા ચાલી કે જો લોકોને મનાવીને ફિલ્મો રજૂ કરવાની હોય તો પછી સેન્સરબોર્ડની શી જરૂર છે ? શું આ દેશને સાંપ્રદાયિક બનાવવો છે ? દુનિયાનાં કોઈ દેશમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. શું આગળ ઉપર દરેક રાજ્યનાં મુખ્યમંત્રીઓના પણ સર્ટિફિકેટ લેવાં પડશે ? હવે અત્યાર સુધી ચૂપ રહેલા કેટલાક અભિવ્યક્તિવાદીઓ ચર્ચામાં કુદી પડ્યા. કારણ કે ફોકસ હવે કટ્ટરવાદીઓ તરફથી ખસીને સેન્સરબોર્ડ તરફ ગયું હતું.
 
શ્યામ બેનેગલે કહ્યું, ‘આ ઘટનામાં કેન્દ્રના ગૃહમંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ.’ પ્રસિદ્ધ શાયર નીદા ફાજલીએ કહ્યું, ‘કમલ દેશ છોડ્યા સિવાય લડાઈ લડી શકે. જેવી રીતે અન્ના હજારે લડી રહ્યા છે તેમ.’ સલમાન ખાને પોતાના સમર્થકોને કહ્યું કે આમાં હાસનને સમર્થન આપવું જોઈએ. તો કુમાર વિશ્ર્વાસ બોલી ઉઠ્યા ‘નાની બાબતોમાં દેશ છોડવાની વાત ખોટી. ફિલ્મ નાયકની ચોક્કસ જવાબદારી છે.’
 
હવે ઘટનાનો ત્રીજો તબક્કો શરૂ થાય છે.
 
હવે કમલા હાસને પોતાના નિવેદનનો રંગ બદલ્યો. તેણે કહ્યું કે મારી સાથે રાજનૈતિક ખેલ ખેલાઈ રહ્યો છે. સેન્સર બોર્ડે પરવાનગી આપી દીધા બાદ કફૂ ફક્ષમ ઘમિયનિે કારણ બતાવી ફિલ્મ રજૂ થઈ શકતી નથી. તેથી તેની પાછળ રાજકારણ છે. આ નિવેદનથી ફરી પાછું ફોક્સ બદલાયું. ફોક્સ રાજકારણ ઉપર આવી ગયું. કમલા હાસને આની સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ એક વાર કોંગ્રેસના પી. ચિદમ્બરમ્ સાથે એક કાર્યક્રમમાં હતા ત્યારે, તેમણે ચિદ્મ્બરમ્ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘હવે દેશને ધોતી-લૂંગીવાળા વડાપ્રધાનની જરૂર છે. મારા આ વાક્યથી જયલલિતા કદાચ ઉશ્કેરાઈ ગયા હોય અને મારી આ ફિલ્મને અટકાવી હોય તેવું બની શકે.’ બસ, થઈ રહ્યું. હવે ઘટનાને સંપૂર્ણ રીતે રાજકારણ તરફ લઈ જવામાં કમલ હાસન હોંશિયાર સાબિત થયા. હવે અત્યાર સુધી ચૂપ રહેલા અને દેશના કટ્ટરવાદીઓને ઓથ આપનાર ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે ચર્ચામાં કૂદી પડતાં કહ્યું, ’this is state terriorism’ હવે બાકીના રહી ગયેલા અભિવ્યક્તિવાદીઓને ચર્ચામાં ઝંપલાવવાની મજા આવી ગઈ. કારણ કે હવે ઘટનાના કેન્દ્રમાંથી કટ્ટરવાદીઓ ખસી ગયા હતા અને સરકાર ચર્ચાના કેદ્રમાં આવી ગઈ હતી. અલબત્ત ઠીક ઠીક કશ્મકશ પછી ગૂંચ ઉકેલવામાં આવી. ફિલ્મ વિશ્ર્વ‚પમ્ રજૂ થઈ. ફિલ્મ નિર્માણના ૯૦ કરોડ રૂપિયા ઉપરાંત થોકબંધ નફો કમલા હાસને કમાઈ લીધો. મફતમાં ફિલ્મને પબ્લિસીટી મળી ગઈ. ઘીના ઠામમાં ઘી ઠરી ગયું.
 
સારાંશ એટલો જ છે કે નકરી ગુંડાગર્દી કરનાર કટ્ટરવાદીઓ માટે જે લેબલ વાપરી શકાય તે વાપરવાની હિંમત ન બતાવનાર આ સીને કલાકારને ચારે તરફથી જેના પર હુમલા થઈ રહ્યા છે તેવા બિચારા, બાપડા હિન્દુ સમાજ ઉપર ત્રાસવાદીનું લેબલ લગાડવાનું કેમ સૂઝ્યું હશે ?
 
ઘડપણને કારણે સીને જગતમાં ન ચાલી શકે તેવા ફિલ્મી નાયકો હવે પોતાની ઓળખ ટકાવી રાખવા નધાણિયાતા એવા રાજકારણમાં ભુસકો મારવા માટે કોઈને કોઈ મુદ્દો ગોતતા હોય છે.
 
તમિલનાડુ પ્રદેશ કે જે તેના હિન્દુ વિરોધ, હિન્દી વિરોધ, ઉત્તર વિરોધ અને રામ વિરોધ માટે ભૂતકાળમાં ચર્ચામાં આવી ગયો હતો. તેની આ જૂની સામાજિક થિયરીને આધાર બનાવી કમલા હાસન રાજનીતિનો એક નવો સિતારો બનવા માંગતો હોય તેવું દેખાય છે. રાજકારણના ક્ષેત્રમાં પોતે સુપરસ્ટાર રજનીકાંત કરતાં પણ આગળ નીકળી જવા માંગે છે અને તે માટે તે હિન્દુ વિરોધને હાથવગું શસ્ત્ર બનાવી સસ્તી અને ઝડપી લોકપ્રિયતા હાંસલ કરવા માંગે છે. પરંતુ આ દેશનો દેશપ્રેમી સમાજ પોતાનો પરચો બતાવશે તો આ શસ્ત્ર તેના માટે ઘાતક નીવડશે તે નક્કી જ માનવું.