દિવાળીના પર્વો

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


દિવાળીનાં પર્વો એટલે કુદરતની કોર્ટમાં વિશ્ર્વકલ્યાણાર્થે સામાજિક ન્યાય તોલવાનાં પર્વો છે. કુદરતની કોર્ટમાં હંમેશા ન્યાય મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અર્થે ચાલતા સંઘર્ષના પરિણામ રૂપનો ન્યાય કુદરતમાં કાળના સાક્ષીભાવે નોંધાય છે. ન્યાય-અન્યાયની અનેક સંઘર્ષગાથાઓ ધર્મકથાઓ સ્વરૂપે આપણા સાહિત્યમાં છે.

દિવાળીનાં પર્વો તો કુદરતમાં હંમેશા યોજાય છે. યમરાજા અર્થાત્ કાળે ભગવાનને પ્રાર્થના કરી છે. હે પ્રભુ ! આપની લીલા અપરંપાર છે. આપની લીલાઓની નોંધ રાખવી મારા માટે કઠિન છે. ચંદ્રગુપ્તનો ચોપડો પણ સતત આની નોંધ કરે છે. નોંધ અજન્મા તથા અમર છે, પણ હે પ્રભુ ! પૃથ્વીલોકમાં ચંદ્રગુપ્તને રાહત મળે અને તેના ચોપડામાં નોંધતા પૃથ્વીલોકનાં પર્વોની ચોક્કસ માહિતીનો સંગ્રહ થાય તેવું કંઈક ગોઠવી, મારી પર કૃપા કરો ! જગન્નિયંતાને યમરાજાની વિનંતી ન્યાયી લાગી. તેમણે ચંદ્રગુપ્તને બોલાવ્યા અને કહ્યું કે : હે ચંદ્રગુપ્ત ! તું પૃથ્વીલોકનું ભ્રમણ કરજે. ત્યાં યુગોથી કાળની નોંધ માટે-કાળગણના માટે સતયુગ, દ્વાપરયુગ, તેત્રાયુગ અને કલિયુગ એમ ચાર યુગાબ્દો છે. પૃથ્વીલોકમાં હાલ કલિયુગ છે. કલિયુગમાં વિવિધ પ્રકારે હાલમાં કાળગણના થાય છે. જેમ કે યુગાબ્દ-૫૧૧૯, જૈન સંવત-૨૫૪૩, વિક્રમ સંવત-૨૦૭૩, ખ્રિસ્તી સંવત-૨૦૧૭, શાલિવાહન : ૧૯૩૯, ઇસ્લામ સંવત-૧૪૩૮ તથા પારસી સંવત-૧૩૭૮ છે. હે ચંદ્રગુપ્ત ! અત્યાર સુધી તેં, કાળ દરમિયાન વિવિધ ઘટનાઓની સુંદર નોંધ કરી છે અને પૃથ્વીલોકમાં પણ તે ઇતિહાસ સ્વરૂપે નોંધાયેલ છે.

ચંદ્રગુપ્ત કહે છે : હે પ્રભુ ! આપ તો શ્રેષ્ઠ ન્યાયાધીશ છો. આપની કોર્ટમાં ચાલેલ તમામ કેસોનો આપે ઉત્તમ ન્યાય કર્યો છે, પણ કાળગણનાની વિવિધ પ્રવિધિઓથી હું ઉલઝનમાં-મૂંઝવણમાં મુકાયો છું. આપ એક સર્વસામાન્ય કાળ-ગણનાનો સરળ ઉપાય દર્શાવી મને રાહત આપો તેવી નમ્ર પ્રાર્થના છે. ભગવાન ચંદ્રગુપ્તની પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે, અને કહે છે : હે ચંદ્રગુપ્ત ! પૃથ્વીલોકમાં સર્વે જનો ઉજવતા હોય તેવાં વિક્રમ સંવતનાં પર્વો તને જણાવું છું. જે દિવાળી પર્વો કહેવાયાં છે. પર્વોમાં મુખ્યત્વે ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ તથા લાભપાંચમ મુખ્ય રહે છે. સિવાય પણ ભાઈબીજ, દેવદિવાળી જેવાં અનેક પર્વો પણ છે. હવે હું તને મુખ્ય પર્વો વિશે જણાવું છું તે તું સાંભળ !