કાળી ચૌદશ

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


 

કાળી ચૌદશ મેલી સાધના કરવાવાળાઓની દિવાળી છે. દિવસે મેલી વિદ્યાના સાધકો તંત્ર, મંત્ર અને ડાકલાં વગાડી પોતાની જાતને ધુણાવે છે અથવા ભક્તોને ધુણાવે છે. આવા સાધકો દિવસે તગડી કમાણી કરી દિવાળી ઊજવે છે. અરે ! કેટલાક પિશાચ જેવા લાગતા કાળાં વસ્ત્રો પહેરેલા કાળમુખા સાધકો બીક લાગે તેવી વેશભૂષા કરી પોતાના ભક્તોની મનોકામનાઓ પૂરી કરવાનો દંભ ફેલાવી ભોળા જનોમાં અંધશ્રદ્ધા ફેલાવે છે. તેઓ મદિરાપાન પણ કરે છે. અને જાણે સ્વયં નરકાસુર હોય તેવી ગર્જનાઓ પણ કરે છે. ભૈરવને રિઝવે છે. સ્મશાનમાં ઘોર અંધારી રાત્રે ભૂત-પિશાચો જોડે જાણે વાતો કરતા હોય ? તેવી તંત્ર-મંત્ર વિદ્યા સાથેની મેલી આરાધના કરે છે. આપણો કેટલોક અજ્ઞાની, ‚ઢિચુસ્ત તથા ડરપોક સમાજ આવા સાધકોના હાથા બની નરકમાં ધકેલાય છે. તેથી આસો માસની ચૌદશને કાળી ચૌદશની ઉપમા આપી છે. ભગવાને આપણને જે શક્તિ આપી છે તેનો સદ્ઉપયોગ કરી આવા નરકાસુરોનો નાશ કરવામાં સૌનું ભલું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. આમ કાળી ચૌદશ દિવાળી પર્વોમાં મહત્ત્વનું પર્વ છે. અસુરો માટે ભલે તે દિવાળી હોય પણ મનુષ્યો માટે તો કાળિરાત્રિ છે જે અસુરોનો સંહાર કરી આનંદ-ઉલ્લાસ મનાવવાનું પર્વ છે.

વિષ્ણુપુરાણના અધ્યાય-૨૯માં નરકાસુર વધની ધર્મકથા છે. ત્રણ જગતનો રાજા ઇન્દ્ર ઐરાવત હાથી પર બેસી દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે આવે છે. શ્રી કૃષ્ણને મળી તેણે નરાકાસુર દૈત્યનું વર્ણન કર્યું કે : ‘હે નાથ ! મધુ દૈત્યનો નાશ કરનારા ! આપે મનુષ્યપણે અહીં સર્વેનાં દુ:ખોનો નાશ કર્યો છે. પેલા અરિષ્ટાસુર, ધેનકાસુર તથા કેશી આદિ દૈત્યો તપસ્વી લોકોનો નાશ કરવા પ્રવૃત્તિ કરતા હતા, તે બધાને આપે માર્યા છે. વળી કંસ, કુવલયાપીડ, બાળ હત્યારી પૂતના તથા તે સિવાય બીજા પણ જે દુષ્ટો જગતને હેરાન કરતા હતા તે બધાનો પણ આપે નાશ કર્યો છે. આમ ત્રણે જગતનું આપની ભૂજા તથા બુદ્ધિ વડે રક્ષણ થઈ રહ્યું છે.’ રાજા ઇન્દ્ર કૃષ્ણ ભગવાનને પોતાની મુશ્કેલી જણાવતાં વિનંતી કરે છે કે હે જર્નાદન ! જે કારણે હું આપની પાસે આવ્યો છું તે આપ જાણો અને યોગ્ય લાગે તેમ કરો. હાલમાં પ્રાગ્જ્યોતિષ નગરનો રાજા જે ભોમાસુર છે, જેનું બીજું નામ નરકાસુર પણ છે, તે સર્વ પ્રાણીઓને હેરાન કરે છે. તેણે દેવોની, સિદ્ધોની, અસુરો આદિની તથા બીજા રાજાઓની કન્યાઓ હરી લઈ પોતાના ઘરમાં પૂરી રાખી છે. તેમજ વરુણદેવનું છત્ર જે પાણી વરસાવે છે તે પણ તેણે લઈ લીધું છે. મંદરાચાલનું મણિ પર્વત નામનું જે શિખર છે, તેને પણ તે ઉઠાવી ગયો છે. ઉપરાંત મણિઓથી બનેલા અને કાયમ અમૃતને ઝરતાં કુંડળો, જે મારી માતા અદિતિનાં છે તે પણ ઉઠાવી ગયો છે. નરકાસુર હવે મારા ઐરાવત હાથીને પણ લઈ લેવા ઇચ્છે છે ! હે ગોવિંદ ! બધી તેની નીતિ મેં આપને કહી છે, આપ નરકાસુરમાંથી ત્રણે જગતને છોડાવવા કૃપાળુ છો !

સૂત પુરાણી પરાશર બોલ્યા, રાજા ઇન્દ્ર દ્વારા નરકાસુરનું વર્ણન સાંભળી શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને પછી ઇન્દ્રનો હાથ પકડી પોતાના ઉત્તમ આસન પરથી ઊભા થયા. તેમણે તરત ગરુડજીને બોલાવ્યા અને આકાશમાર્ગે પ્રાગ્જ્યોતિષ નગર તરફ પ્રયાણ કર્યું. પ્રભુએ તેમની સાથે સત્યભામાને પણ લીધાં છે. અહીં સત્યભામાને એકલાંને સાથે લીધાં તેનું કારણ છે. હરિવંશની અંદર તેની કથા છે કે શ્રીકૃષ્ણે પારિજાત-કલ્પવૃક્ષનું પુષ્પ રુક્મિણીને આપ્યું હતું. ત્યારે સત્યભામાને ઇર્ષાથી કોપેલાં જોઈ શ્રીકૃષ્ણે તેમને પણ વચન આપ્યું હતું કે, ‘હું તમને આખું પારિજાત વૃક્ષ લાવી આપીશ.’ પણ વૃક્ષ લાવવામાં કેટલું કષ્ટ પડે છે તથા પરિશ્રમ કરવો પડે છે તેવો પરિશ્રમ નરકાસુરના વધમાં પડશે તેવી પ્રત્યક્ષ પ્રતીતિ કરાવવા હું તમને આજે ગરુડ પર બેસાડી નરકાસુરના પ્રાગ્જ્યોતિષ નગરમાં લઈ જાઉં છું. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરના મહેલમાં પહોંચતાની સાથે તેમના સુદર્શન ચક્રનો પ્રહાર રૂ કર્યો. નરકાસુરના દૈત્યોનું સૈન્ય ભગવાન શ્રી કૃષ્ણના આક્રમક સ્વરૂપથી ભયભીત થાય છે. નરકાસુરે પણ શ્રીકૃષ્ણ સામે અનેક શસ્ત્રોના પ્રયોગો કર્યા. ભગવાન શ્રીકૃષ્ણ અને નરકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. છેવટે શ્રીકૃષ્ણે તેમના સુદર્શન ચક્રથી નરકાસુરના બે ટુકડા કરી તેનો વધ કર્યો. તેણે ચોરેલ તમામ વસ્તુઓ જે તે અધિકારીઓને સોપી ભગવાન શ્રીકૃષ્ણે કેદ કરેલી ક્ધયાઓને મુક્ત કરાવી ગરુડ પર બેસી સ્વધામ પહોંચે છે. નરકાસુરનો વધ થવાથી કાળીચૌદશનો ઉત્સવ મનાય છે. દેવો તથા દાનવો ત્રણે લોકમાં કાળીચૌદશનો ઉત્સવ ઊજવે છે.

ભગવાન શ્રીકૃષ્ણના કાળીચૌદશના દિવસે આશીર્વાદ મળે છે. અસુરો સામે લડવાની હિંમત ભગવાન શ્રીકૃષ્ણ કાળી ચૌદશના દિવસે સર્વેને આપે છે. દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અસુરો સામે લડાઈ કરી બીજા દિવસે દિવાળીનું પર્વ હર્ષ-ઉલ્લાસથી ઊજવવાનું આહ્વાન પણ કરે છે.