લાલાને પ્રસાદ

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


 

 
એક નાનકડું કુટુંબ હતું. સાસુ-સસરા અને પુત્ર-પુત્રવધૂ. સાસુમા બહુ આધ્યાત્મિક અને પૂજા અર્ચનવાળાં હતા. એમના ઘરમાં એમણે લાલાનું સ્થાપન કરેલું. સવાર-સાંજ નિત્ય લાલાને દૂધનો અને લાડુનો ભોગ ધરાવે અને પ્રાર્થના કરે. પણ એક દિવસ એક એવો અવસર આવ્યો કે એમને નાછૂટકે બહારગામ જવા તૈયાર થવું પડ્યું. જતા પહેલાં એમણે એમના દીકરાની વહુને બોલાવીને સૂચના આપી, ‘મીના, હું ત્રણ દિવસ બહાર જાઉં છું. મારા લાલાનું ધ્યાન રાખજે. એને સવાર-સાંજ દૂધ અને લાડુ જોઈએ છે. તું ભોગ ધરાવ્યા વિના જમતી નહીં.’

વહુએ સરસ મજાના લાડુ બનાવ્યા અને એક વાટકીમાં દૂધ લઈ લાલાના મંદિર પાસે બેસી ગઈ. પૂજાનો દીવો કર્યો અને બે હાથ જોડીને બોલી, ‘લાલા ! આજે મારાં સાસુમા હાજર નથી. એટલે હું તને ભોગ ધરાવું છું. ચાલ જમી લે.’ વહુ કલાકો સુધી બેસી રહી પણ લાલો ના આવ્યો. આખરે વહુ ભૂખી સૂઈ ગઈ. સવારે પણ એવું થયું. દૂધ અને લાડુનો ભોગ લઈ લાલા સામે બેસીને એને જમવાનું કહેતી રહી પણ લાલો ના આવ્યો. સવારે પણ ભૂખી રહી. આવું પૂરા ત્રણ દિવસ ચાલ્યું. ત્રણ-ત્રણ દિવસથી લાલાને વિનંતી કરતી રહી પણ લાલો ના જમ્યો. અને લાલો ના જમ્યો એટલે પણ ત્રણે-ત્રણ દિવસ ભૂખી રહી. પાંચમા દિવસે સાસુમાં પ્રવાસેથી પાછાં આવી વહુને પૂછ્યું, ‘બેટા, મીના! તેં પાંચે-પાંચ દિવસ લાલાને દૂધ અને લાડુનો ભોગ તો બરાબર ધરાવ્યો હતો ને?’

વહુએ જવાબ આપ્યો, ‘સાસુમા, પહેલા ત્રણ દિવસ લાલો ના જમ્યો. પણ ના જમ્યો એટલે મેં પણ ત્રણ દિવસ કંઈ ના ખાધું. આખરે ચોથા દિવસે લાલો માની ગયો અને જમી ગયો. સાસુમાએ ફાટી આંખે આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘એટલે લાલો પ્રત્યક્ષ આવીને જમી ગયો એમ ?’ ‘હાસ્તો વળી કેમ ?’ વહુએ ભોળા ભાવે કહ્યું. સાસુમા કંઈ જવાબ ના આપી શકયાં. એમણે આખી જિંદગી પ્રાર્થના કરી હતી પણ ભગવાને એમને દર્શન નહોતાં આપ્યાં અને વહુએ માત્ર ત્રણ દિવસ હૃદયથી પ્રાર્થના કરી અને લાલો આવીને એને દર્શન આપી ગયો. સવાલ ભાવનો છે. ખરેખર જો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ તો ભગવાન પણ પ્રસન્ન થઈ જાય છે.