અને એક સંન્યાસીએ શ્રીમંત શેઠિયાનું શ્રીમંત શેઠિયા ઉતાર્યુ!

    ૧૮-નવેમ્બર-૨૦૧૭


 

 

પૃથ્વીપટે હું કોણ ? 
 
કોઈ શ્રીમંત શેઠિયાએ એક સંન્યાસીને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તે વખતે પોતાની સમૃદ્ધિના ગુમાનમાં તે પૂજન, વંદન, આદિ વિધિ ભૂલી જઈ સંન્યાસીને કહેવા લાગ્યો કે, ‘જુઓ મહારાજ ! સામા દરવાજાથી પેલા બંગલા સુધી આપણી હદ છે, ભાગોળમાં આપણી મિલ છે, સાંજે બગીચો જોવા આવજો, તે મેં તૈયાર કરાવ્યો છે. હમણાં મુંબઈમાં માળાઓ પણ રાખ્યા છે. તમારા જેવા ગરીબ સાધુઓ ભૂખે મરી જાય, માટે વિચાર છે કે, એક અન્નક્ષેત્ર પણ ખોલવું. તે અવસર આવ્યે થશે, પણ હાલ તો છોકરાઓને લઈને વિલાયત જવું છે, કારણ કે તે સુધરેલા દેશની કેટલીક રીતભાત શિખે તો સારું, માટે તે પ્રથમ કરવા વિચાર છે. કદાચ અન્નક્ષેત્ર ખોલીએ તો પણ ચાલે એમ છે, કારણ કે તમારા જેવા ફરતા ફરતા આવી જાય છે, તેમને અચ્છેર ખીચડી આપીએ છીએ, તે અન્નક્ષેત્ર છે ને ?’

સંન્યાસીને ખ્યાલ આવી ગયો કે વ્યક્તિ ખૂબ અભિમાની છે. તેમણે મનોમન નક્કી કર્યું કે, આનું અભિમાન છોડાવવું જોઈએ. તેથી ભીંત પરનો નકશો બતાવી પૂછ્યું : ‘શેઠ, પૃથ્વીના નકશામાં હિન્દુસ્તાન ક્યાં આવ્યું ?’

શેઠે તે બતાવ્યું. ‘તેમાં મુંબઈ ક્યાં છે ?’ શેઠે એક મીંડા ઉપર આંગળી મૂકી બતાવ્યું.

બસ ! આવડું મુંબઈ ? ઠીક, ત્યારે તમારા માળાઓ, બંગલા અને તેમાં રહેનારા તમારા છોકરાઓ બતાવશો ?’

શેઠ કહે : ‘તે કાંઈ પૃથ્વીના નકશામાં હોય ?’

સંન્યાસીએ કહ્યું : ‘જ્યારે પૃથ્વીના નકશામાં તમારી સમૃદ્ધિનું નામનિશાન નથી, તો તેનું અભિમાન શા માટે ?’ શેઠ સંન્યાસીનું કહેવું સમજી ગયો અને ત્યારથી ગર્વ છોડી પુણ્યપંથે વળ્યો.