પડકારો વચ્ચે વિકાસલક્ષી અર્થતંત્રમાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન

    ૦૨-નવેમ્બર-૨૦૧૭

 
ડીમોનેટાઈઝેશન તથા જીએસટીના અમલીકરણ પછી પ્રકાશિત થયેલ ભારતીય અર્થતંત્રના આ વર્ષના પ્રથમ ત્રિમાસિકના જીડીપીના આંકડાઓ ૫.૭% એ ઘણી ટીકાઓ સહન કરી છે. સરકારને આરોપીના કઠેડામાં ઉભી કરી. અલબત્ત યુરોપીયન કમિશનના ચીફ જીત જુંકર પ્રમાણે આને સ્લોડાઉન કહેવાય જ નહીં અને યુરોપનું કોઈપણ રાષ્ટ્ર જે ૨% જીડીપીનો ગ્રોથ દર્શાવે છે તે સંદર્ભે આ ઘણી સારી પ્રગતિ કહેવાય. ઑગસ્ટ તથા સપ્ટેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદન તથા ઉપભોક્તા ફુગાવાના આંકડાઓ ૪.૩% તથા ૩.૨૮% એ સિદ્ધ કર્યું કે અર્થતંત્ર દુરસ્તીની રાહ પર છે. છેલ્લા નવ મહિનામાં સૌથી ઓછો તેવો ભારતનો આયાત-નિકાસનો તફાવત માત્ર ૮.૯૮ બિલિયન ડૉલર જે ૨૦૧૬ સપ્ટેમ્બરમાં ૯.૦૭ બિલિયન ડૉલર હતો તથા વેપારી નિકાસમાં વિક્રમી ૨૫.૬૭%નો સપ્ટેમ્બરનો ઉછાળો તો હવે એ સુચવે છે કે સરકાર હવે માત્ર ટૂંકાગાળા માટે નહીં પરંતુ મધ્યમ તથા લાંબાગાળા માટે નિર્ણયો લઈ શકશે. બેંકિંગ ઉદ્યોગોને ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન જે ગત સપ્તાહે મળ્યું તે પણ આ પ્રક્રિયાનો જ એક ભાગ જેનાથી માર્કેટમાં વધુ ક્રેડિટ ઉપલબ્ધ થશે અને ખાનગી ક્ષેત્રમાં મુડી રોકાણ પ્રમાણમાં ઓછો હતો તેને વધવાનો અવકાશ.
વિશ્ર્વની અનેક સંસ્થાઓની નજર ભારતીય અર્થતંત્ર પર હોય તે વિકાસમાન દેશને નાતે સ્વાભાવિક જ છે. જીડીપી પ્રગતિના અંકોનો આ વર્ષનો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ૭%, વર્લ્ડ બેન્ક દ્વારા ૭%, આઈએમએફ દ્વારા ૬.૭% તથા રિઝર્વ બેન્ક જે સૌથી નજીકથી આનું એનાલિસિસ કરી શકે તેના દ્વારા પણ ૬.૭% રહ્યો છે. અર્થશાસ્ત્રીઓની અપેક્ષાએ તે ઓછો હોય તો પણ આર્થિક ક્ષેત્રમાં સુધારા ગુજરાત માટેના લેવાયેલા પગલા અનુસરીને ભારતને સાતત્યપૂર્ણ વિકાસ આવતા વર્ષથી ૭.૫% કે તેથી ઉપર મળશે તેમાં બધા જ લગભગ સહમત છે.
ભારતનો અમેરિકા સાથે વ્યાપાર વ્યવહારમાં ડોલર ૨૩ બિલિયનનો સરપ્લસ તથા ૩% નો ચાલુ ખાતાની ખાધ તથા સપ્ટેમ્બર સુધીમાં ૩૯૮ બિલિયન ડૉલર વિદેશી હુંડિયામણનું રિઝર્વ તથા રિઝર્વ બેન્કના વાયદા વેપારનાં આંકડા જોતા ૪૨૦ બિલિયન ડૉલર થઈ શકે તે બાબતે વિશ્ર્વનું મજબૂત અર્થતંત્ર અને ખાસ કરીને અમેરિકા પણ આના પર ઉત્સુક્તાથી નજર રાખી રહ્યું છે તે પ્રગતિનો એક વિશેષ મુકામ જ કહી શકાય.
ત્રણ લાખથી વધારે એન્જીનિયર-ટેકનીશિયન આવતા ૩-૫ વર્ષમાં જાપાન ઓન જોબ ટ્રેનિંગ માટે જાય જેમાંના અંદાજિત ૫૦,૦૦૦ ને ત્યાં જ નોકરી મળશે તેવું અનુમાન અને આ ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા ભારતમાં બુલેટ ટ્રેન પણ સંપૂર્ણ સુરક્ષિત રહેશે તે આર્થિક મુત્સદીગીરીનો અદ્યતન અધ્યાય. આધાર કાર્ડના જનેતા નંદન નીલકાણી દ્વારા વૉશિંગ્ટનમાં વર્લ્ડ બેન્કની જૂથ ચર્ચામાં જેમાં ૧૫-૨૦ દેશના માંધાતામાં ડિજીટલ ઇકોનોમી ફોર ડેવલપમેન્ટ વિષયે ચર્ચા કરતા હતા, ત્યાં ભારતની પ્રગતિના આંકડા અપાય તે વિશ્ર્વને અચંબો પમાડે તેવા જ છે. દુનિયાની સૌથી મોટી કેશ ટ્રાન્સફર સિસ્ટમમાં સરકારે ૧૨ બિલિયન ડૉલર આધાર ધારકોને સીધા ટ્રાન્સફર કર્યા છે. ફ્રોડ અને વેસ્ટેજમાં સરકારના ૯ બિલિયન ડૉલર બચ્યા છે. ૫૦ કરોડથી વધુ લોકોના આઈ.ડી. તેમના બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક થયા છે. પશ્ર્ચિમી દેશો તવંગર હતા જ પછી ઇન્ટરનેટ આવ્યું જ્યારે ભારતમાં કરોડો લોકોનો ડેટા જનરેટ થયો પછી ઇન્ટરનેટ આવવાથી હવે ટેકનિકલ આર્કિટેક્ચર એવું તૈયાર થઈ રહ્યું છે, જેથી વ્યક્તિઓ તથા તેમના ધંધા રોજગાર તેના ઉપયોગથી તેમના જીવન સુધારશે. આઈડેન્ટીટી ઓટોમેશન, અવરોધવિહિન ચૂકવણી તથા પેપરલેસ ટ્રાન્ઝેક્શનનાં ત્રણ મહત્ત્વના પાસા દ્વારા આ શક્ય બનશે જેનાથી કિંમત ઘટી રહી છે અને ઉત્પાદકતા વધી રહી છે.
ગુજરાતની પ્રગતિ પણ ઉડીને આંખે વળગે તેવી જ છે. વર્ષ ૨૦૧૨માં અંદાજિત ‚રૂા. ૬.૯ લાખ કરોડનું ઉત્પાદન, આ વર્ષે ‚રૂા. ૧૦ લાખ કરોડની આસપાસ પહોંચ્યું છે. નીતિ આયોગના મતે કોન્ટ્રેક્ટ ટ્રેડિંગ અને ઓનલાઈન તથા ફ્યુચર ટ્રેડિંગમાં તથા ગોલ્ડ ચેઈનમાં પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ આવવાનું શરૂ થાય એટલે ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં એગ્રીકલ્ચરલ જીડીપી વધવાની સાથે પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું સ્વપ્ન પૂરું થઈ શકે.
સોનાની થાળીમાં એક મેખ હોય તો અંદાજિત ૯ લાખ કરોડ ‚રૂપિયાના બેંકિંગ સેક્ટરના એનપીએનો છે. અનેક પ્રાવધાનો તથા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી દ્વારા સરકાર સુપેરે દેશની આ બિનઉત્પાદક સંપત્તિનું ઉત્પાદક સંપત્તિમાં રૂપાંતર કરે તો યુવાધનની ઉત્પાદન શક્તિનો માત્ર પરિચય નહીં, ઘરેલું ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો. લક્ષ્મી પૂજનથી શરૂ કરેલ નવું વર્ષ આવતી દિવાળીના હિસાબોમાં નોંધપાત્ર નફો, સંપત્તિમાં વધારો અને કંઈક નવું કમાયાની લાગણી બધા ભારતીયોમાં લાવશે તેવી શ્રદ્ધા સાથે.
 
મુકેશ શાહ