ચૂંટણી અને સોશિયલ મીડિયા- જોજો, છેતરાઈ ન જતા

    ૨૯-નવેમ્બર-૨૦૧૭

 
 
ચૂંટણીઓ હવે ઘરે બેઠાં બેઠાં સોશિયલ મીડિયા થકી લડાય છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ‘વિકાસ ગાંડો થયો છે’, ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’, ‘જોજો છેતરાઈ ન જતા’ જેવા શબ્દો છેલ્લા કેટલાક સમયમાં કાને પડ્યા કે નજરે જોવા મળ્યા ના હોય તો જ નવાઈ. આ શબ્દો વાયરલ થવાનું શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. ભારત દેશ વિશ્ર્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને આ યુવાનો કોઈ એક જગ્યાએ ભેગા થયા હોય તો તે જગ્યા છે સોશિયલ મીડિયા. માટે જ આજકાલ બધી જ ચૂંટણીઓ સોશિયલ મીડિયા પર વધુ લડાય છે. લડાય એમાં કંઈ વાંધો પણ નથી પણ અહીં તેના ઉપયોગની સાથે દુરુપયોગ પણ થઈ રહ્યો છે જે ખતરારૂપ છે. આવો, ચૂંટણીના સંદર્ભમાં સોશિયલ મીડિયાને સમજી તેનો ઉપયોગ-દુરુપયોગ સમજીએ.
 
મતદારોનો અહીં જમાવડો થાય છે... નેતા તો અહીં હોવાના જ !
 
આ એક નવો ટ્રેન્ડ છે જે ૨૦૧૨થી અમેરિકામાં ઓબામાએ શ‚ કર્યો હતો અને સમયનો તકાજો સમજી ભારતમાં નરેન્દ્ર મોદીએ તેનો સ્વીકાર કર્યો અને તેનું પરિણામ પણ ક્યારેય ન આવ્યું હોય તેવું આવ્યું. આજે માહોલ એવો છે કે ચૂંટણી લડવી હોય તો ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એકાઉન્ટ હોવું જરૂરી છે અને ફોલોઅર્સ હોવા પણ જ‚રી છે. વર્ષ ૨૦૦૯ સુધી જ્યાં શશી થરૂર જેવા એકાદ-બે નેતાઓ જ ટ્વિટર પર એક્ટિવ હતા, આજે એક પણ રાજકીય પક્ષ કે રાજનેતા એવો નહિ હોય જે સોશિયલ મીડિયા પર એક્ટિવ નહિ હોય. જે લોકો, પક્ષો શ‚આતમાં જેનો વિરોધ કરતા હતા તે લોકો પણ આજે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કેમ આવું થયું ? એનું કરણ જાણવું હોય તો આ આંકડા જોવા પડે. દુનિયાની કુલ આબાદીના ૪૩ ટકા એટલે કે ત્રણ કરોડ કરતાં વધારે લોકો આજે ઈન્ટરનેટ વાપરે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ૩૪ કરોડ કરતાં વધારે લોકો નેટનો ઉપયોગ કરે છે અને આમાંથી મોટાભાગના લોકો ૧૮થી ૪૫ વર્ષની ઉંમરના છે. જ્યાં દેશના ૫૦ ટકા કરતાં વધારે મતદારો હોય ત્યાં નેતાઓ કે રાજકીય પક્ષો કેવી રીતે ગેરહાજર રહી શકે ?
 
હાલ ગુજરાતની ચૂંટણી છે એટલે જો તેનું અવલોકન કરો તો બરાબર સમજાઈ જશે કે અહીં પણ ટ્રેન્ડ સેટર સોશિયલ મીડિયા જ છે.
 
રાજકીય પક્ષો અને સોશિયલ મીડિયા
 
ગુજરાતના ૪.૩૩ કરોડ મતદારો છે, જેમાંથી ૧૦.૪૬ લાખ યુવાનો પહેલી વખત મતદાન કરવાના છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૨ કરોડ કરતાં વધારે નેટનો ઉપયોગ કરનારા છે એવું કહી શકાય. ૫૦ ટકા કરતાં વધારે મતદાતાઓ સોશિયલ મીડિયા પર છે જે દરરોજ ફેસબૂક, ટ્વિટરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિ હોય ત્યાં સોશિયલ મીડિયાનું મહત્ત્વ વધવાનું જ છે. આજે દરેક રાજકીય પક્ષો જનતાનો વિચાર-લાગણી-સંતોષ-અસંતોષ અને બીજું ઘણું બધું જાણવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એક અહેવાલ મુજબ કોંગ્રેસ અને ભાજપ હાલ ગુજરાતમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. બન્ને પક્ષોની ખૂબ મોટી આઈટીની ટીમ પોતાના પક્ષની સારી અને વિરોધી પક્ષની ખરાબ કે અન્ય વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહી છે, જેમના એક બે નહિ અનેક ફેસબૂક એકાઉન્ટ અને હજારો વોટ્સઍપ ગ્રુપ છે, જેના માધ્યમથી ગણતરીના સમયમાં પોતાની વાત આ લોકો ઘરે ઘરે પહોંચાડી દે છે. પણ આમાં કેટલીક ખરાબ કે ખોટી વાતો પણ ઘરે ઘરે પહોંચી જાય છે..
 
બિચારા ભરતસિંહ
 
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ થયો હોય તેવો આ એક માત્ર કિસ્સો નથી. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને પણ કડવો અનુભવ થયો. કોંગ્રેસ સતાવાર રીતે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરે તેના બે-ત્રણ કલાક પહેલાં ભરતસિંહ સોલંકીના હસ્તાક્ષરવાળી એક ૭૦ ઉમેદવારની યાદી કોઈએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધી. ભરતસિંહના હસ્તાક્ષર હોવાથી ઘણા કોંગ્રેસીઓએ પણ આ યાદી સાચી માની લીધી હતી અને વિરોધ કરવા કાર્યાલયે પહોંચી ગયા હતા. આ પછી ખુદ ભરતસિંહને પત્રકારો સામે આવીને કહેવું પડ્યું હતું કે આ યાદી ખોટી છે. આ તો ફોટોશોપનો કમાલ હતો. આ પત્યું ત્યાં સોશિયલ મીડિયા પર બીજા સમાચાર આવ્યા કે ભરતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ! એમની જ સહીવાળો ફરી એક પત્ર વાઈરલ થયો અને એમને ફરી પત્રકારો સામે આવીને કહેવું પડ્યું કે આ પણ ખોટું છે !
 
એક ન્યૂઝ ચેનલની વાત
આમાં ટીવી ચેનલોને પણ મુશ્કેલીમાં મૂકવામાં સોશિયલ મીડિયાએ બાકી નથી રાખી. એક પ્રસિદ્ધ ગુજરાતી ન્યૂઝ ચેનલના લોગોનો ઉપયોગ કરી કોઈ અજાણ્યા નેટીજને એક ન્યૂઝ વાઈરલ કર્યા જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના નામે એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એક્વાર ચૂંટણી પતી જવા દો પછી પાટીદારોની વાત... આ તદ્દન ખોટી વાત હતી. આ વાતની જાણ ન્યૂઝ ચેનલને થઈ એટલે તેણે જાહેરાત કરવી પડી કે અમારી ચેનલના લોગો સાથેના વાઈરલ થયેલા સ્ક્રીનશોટ બનાવટી છે. અને ચેનલે એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.
 
અહીં પોલીસકર્મીઓ આંદોલન કરે તેવો પ્રયાસ પણ કરવામાં આવ્યો. એક મેસેજ વાઈરલ થયો, જેનાથી પોલીસ અધિકારીઓની રીતસર ઊંઘ ઊડી ગઈ હતી. આ મેસેજમાં, પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર બ્લેક રિબન પ્રોટેસ્ટ કરવાની ધમકી આપી હતી. તેમની ફરિયાદ હતી કે, કામના વધારે પડતા કલાકો, પેન્શન અને બંદોબસ્તની ડ્યૂટી, ઓછું વળતર વગેરે સમસ્યાઓને એડમિનિસ્ટ્રેશન ધ્યાનમાં રાખે અને ત્રીજા વર્ગના પોલીસ કર્મચારીઓનું સંગઠન બનાવવાની વાત પણ કરી. આ મેસેજ વાઈરલ થયા પછી રાતોરાત પોલીસ કર્મચારીઓના અનેક વોટ્સએપ ગ્રુપના લોગો પણ વિરોધ કરતી કાળી રિબીન લગાવી દેવાઈ. પણ પાછળથી ખબર પડી કે પોલીસ ન હોય તેવા કેટલાક લોકોએ ચૂંટણી સમયે પોલીસમાં ભાગ પડાવવા આવા મેસેજ વાઈરલ કર્યા હતા. કોઈ પોલીસકર્મી આમાં સંકળાયેલો ન હતો.
 
ચારિત્ર્યઘડતર અને ચારિત્ર્યહરણ..
 
નેતાઓની ખરડાયેલી ઈમેજ પણ અહીં સુધારી શકાય છે અને સ્વચ્છ નેતાની ઈમેજ ખરડી પણ શકાય છે. એક નકલી સીડી અહીં ભલભલા નેતાઓનું કેરિયર બગાડી નાખે છે, જેના દાખલા આપવા અહીં જરૂરી નથી પણ દાખલા છે અનેક. વિચારજો !
 
મતદાર કન્ફ્યુઝ
 
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, માટે ફેસબૂક પર કે વોટ્સએપ પર આવતા દર દસ સંદેશાઓમાંથી મોટાભાગના સંદેશા રાજનીતિને લગતા જ હોય છે. દરરોજ મોટી સંખ્યામાં આ પ્રકારના સંદેશાઓનો મારો મતદારો પર કરવામાં આવી રહ્યો છે. માટે આ સંદેશા વાંચનારો સ્પષ્ટ નહીં પણ અસ્પષ્ટ વધુ જણાય છે. પરિણામે બે દિવસમાં તેના માટે વિકાસ ગાંડો થઈ જાય છે અને બીજા બે દિવસમાં વિકાસ ડાહ્યો પણ થઈ જાય છે. બે તરફી સંદેશા વાંચી મતદાર પોતે નક્કી કરી શકતો નથી કે સાચું શું છે ? અને ખોટું શું ? પરિણામે મતદાન કરતી વખતે તે કોને વોટ આપશે તે લગભગ તેને પણ ખબર હોતી નથી. ઘણા મતદારો તો મતદાન કર્યા પછી પણ કન્ફ્યુઝ જ હોય છે. ખરા અર્થમાં જોઈએ તો સોશિયલ મીડિયામાં પક્ષો દ્વારા થઈ રહેલો પ્રચાર મતદાતાને સ્પષ્ટ નહીં પણ વધારે મૂંઝવણમાં મૂકી દે છે.
 
વાણી અભિવ્યક્તિનો દુરુપયોગ
 
આ અધિકારના નામે ગમે તે પીરસવામાં આવે છે એના અનેક દાખલાઓ છે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દેશમાં જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે પણ ચિંતાનો વિષય છે. વાસ્તવિકતા એ છે કે દેશનો એક મોટો વર્ગ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે એટલે પ્રચારતંત્ર દ્વારા સમાજને ધ્યાનમાં રાખ્યા વગર અહીં ગમે તે વાઈરલ કરી દેવાય છે, જેનું પરિણામ અનેક જગ્યાએથી દંગા, હુલ્લડ, વિરોધના રૂપે મળ્યું છે, પણ છતાં બધા આંખ-કાન બંધ રાખીને બેઠા છે. સોશિયલ મીડિયા નિશ્ર્ચિતપણે લોકશાહીના ચોથા સ્તંભની શ્રેણીમાં આવે છે. તેના પર કોઈ નિયંત્રણ ન લગાવાય પણ તેના કેટલાક નીતિ-નિયમો હોવા જોઈએ. કોઈ અધિકાર પર તરાપ માર્યા વિના સરકારે આ દિશામાં આગળ વધવા જેવું છે અને સત્તાપક્ષે પણ અંગત લાભને બાજુ પર મૂકી અમલ કરવાની જરૂર છે. મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ પણ સોશિયલ મીડિયા પર નિયંત્રણ માટે નવો કાયદો બને તેવી ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે. હાલ આઈટી એક્ટ ૬૬એ અંતર્ગત સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ અનેક લોકોની ધરપકડ થઈ છે. આ એક્ટમાં સોશિયલ મીડિયા પર કોઈને પીડા આપવી કે અસુવિધા પહોંચાડનારને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. જો કે ઘણા લોકો આને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ માને છે.
 
 
એ કથિત વીડિયો જે ઘરે ઘરે પહોંચ્યો !

જેમ કે હાર્દિકની કથિત (?) સીડી! જે દિવસે આ વીડિયો ભારત બહારના દેશમાંથી યુ-ટ્યુબ પર અપલોડ થયો તે દિવસે ગણતરીના સમયમાં ગુજરાત આખામાં અશ્ર્લીલ દૃશ્યો ઘરે ઘરે પહોંચી ગયાં હતાં. સોશિયલ મીડિયા પર તો આ વીડિયો વાઈરલ થયો પણ ટીવી ચેનલોએ પણ ટીઆરપી મેળવવાની હોડમાં આ વીડિયો પોતાની ચેનલ પર બેરોકટોક લોકોને બતાવ્યો, જે નૈતિકતા વિરોધી કહેવાય.
 
અને અશોક ગહેલોતના લાખ્ખો ફોલોઅર્સ ઇસ્તંબુલના નીકળ્યા
 
ગુજરાતમાં હાલ કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત છે, ૨૦૧૩માં અશોક ગહેલોતના ફેસબૂક, ટ્વિટર પર લાખ્ખો ફોલોઅર્સ હતા, પણ કેટલાક નેટીજનોને આમાં ગડબડ લાગી એટલે તેમણે જ શોધી પાડ્યું કે આ તો ખોટા ફોલોઅર્સ છે, કેમ કે તેમાંથી મોટાભાગના મિત્રો ઈસ્તંબુલના હતા. પાછળથી ખબર પડી કે નેતા ગહેલોતના ફેન ફોલોઅર્સ વધારવા એક આઈટી કંપનીએ કોન્ટ્રાક્ટ કર્યો હતો અને કંપનીએ ફેક ફોલોઅર્સ વધાર્યા હતા.
અપશબ્દોનું પ્લેટફોર્મ
 
રિપોર્ટો મુજબ અહીં નિષ્ક્રિય અને ફેક આઈડીની ભરમાર છે. ખોટાં નામો રાખી લોકો ફેસબૂક અને ટ્વિટર પર એકાઉન્ટ ખોલે છે અને પછી અહીં પોતાની ગંદકી ફેલાવે છે. ઓળખ છૂપી હોવાથી આવા લોકોને પકડી પણ શકાતા નથી, માટે તેમની કિંમત વધી જ છે. તમે કોઈ પણ નેશનલ પત્રકારના પેજ પર આંટો મારી આવો. ફેક આઈડીવાળા અનેક લોકો તમને પત્રકારોને ગાળો, અપશબ્દો આપતા મળી જશે. આવું માત્ર પત્રકારો સાથે જ નહીં બધા લોકો જોડે થાય છે. અપશબ્દો બોલવા અહીં સામાન્ય વાત છે.
 
 
 આનો કોઈ અંત નથી.
 
વડાપ્રધાન હોય કે રાહુલ ગાંધી હોય, કેજરીવાલ હોય કે સ્મૃતિ ઈરાની હોય, ઉપરાંત સંજય જોષી. દિગ્વિજયસિંહ, મનુ સિંઘવી, એન. ડી. તિવારી હોય કે ફિલ્મ સ્ટારો હોય... સોશિયલ મીડિયાએ કોઈને બક્ષ્યા નથી. આપણા મહાનાયકો વિરુદ્ધ, આપણી સંસ્કૃતિ વિરુદ્ધ વિકૃત વાતો, ફોટાઓ, વીડિયો આજે પણ સોશિયલ મીડિયામાં બેરોકટોક ફરી રહ્યા છે. આનાથી આપણા જ દેશની દુનિયામાં બદનામી થાય છે. થોડો લાભ મેળવવા આવી વાતો વાઈરલ કરનારા આપણામાંના જ હોય છે. આ લોકો પાસે સમજવાની કે સાચા ખોટાની પરખ કરવાની વિચારશક્તિ જ હોતી નથી અને જેની પાસે હોય છે તે આવું કરવાની તસ્દી લેતા નથી. બસ નવું છે એમ કહીને શૅર કરી દે છે. આ જ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે, જેનો લાભ કેટલાક રાજકીય નેતાઓ ઉઠાવી રહ્યા છે. આવા ખોટા વિડીયો કે સંદેશાઓ વાઈરલ કરવા બદલ સજાની જોગવાઈ પણ છે પણ ખૂબ ઓછા લોકો પકડાય છે, કેમ કે તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જેના પર હવે ધ્યાન આપવાની જરૂર છે.