ગુજરાતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI)

    ૦૪-નવેમ્બર-૨૦૧૭
 
ગુજરાત એ દેશનાં અત્યંત ઔદ્યોગિક અને વિકસિત રાજ્યોમાંનું એક રાજ્ય છે. વર્ષ ૨૦૧૫માં ગુજરાતની કુલ આંતરિક પેદાશ (FDI) રૂ.૮.૭૬ લાખ કરોડ (ઞજ ૧૪૦ બિલિયન) હતી જે દેશની ચોથી સર્વાધિક કુલ આંતરિક પેદાશ છે. તે ઉપરાંત ગુજરાત રોજગારી સર્જનમાં પણ મોખરે છે. સમસ્ત દેશમાં ગુજરાત સૌથી ઓછો બેકારીનો દર ધરાવે છે, જે માત્ર ૧.૨% છે. લિગેટમ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ પ્રોસ્પેરિટી ઈન્ડેક્સ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં વર્ષ ૨૦૧૨ માટે ૧૪૨ દેશોનાં વિવિધ રાજ્યોમાં ગુજરાતને સર્વશ્રેષ્ઠ સામાજિક મૂડી ધરાવતા રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
રાજ્યમાં આર્થિક, સામાજિક અને રાજકીય વાતાવરણ પ્રગતિશીલ હોવાના લીધે વિદેશી મૂડીરોકાણ સતત વધતું રહ્યું છે. વિદેશી મૂડીરોકાણમાં થતો અભૂતપૂર્વ વધારો એ રાજ્યના આર્થિક વિકાસને વધુ વેગ આપી શકે છે.
રાજ્યમાં વિદેશી મૂડીરોકાણમાં થતાં ધરખમ વધારાનાં કારણો અને તેની અસરો તપાસતા પહેલાં વિદેશી મૂડીરોકાણનો અર્થ અને પ્રકારો સમજી લેવા જોઈએ. જ્યારે કોઈ વિદેશી કંપની અથવા સંસ્થા આપણા દેશમાં નફો કમાવાના હેતુથી મૂડીરોકાણ કરે છે તો તેને આપણા દેશમાં થતું વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણ (Foreign Investment) બે પ્રકારનું હોય છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (Foreign Direct Investment, FDI) અને સંસ્થાકીય અથવા પરોક્ષ વિદેશી મૂડીરોકાણ (Foreign Institutional / Portfolio Investment, FII/FPI).
ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં વિદેશી કંપની પોતે આપણા દેશમાં ફેક્ટરી સ્થાપિત કરી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. જ્યારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં વિદેશી કંપની આપણાં દેશની કંપનીઓના શેયર્સમાં રોકાણ કરે છે. હોસ્ટ કન્ટ્રી (વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરતો દેશ)ના દૃષ્ટિબિંદુથી FPI ની તુલનામાં FDI વધુ લાભદાયક હોય છે. FPIના માર્ગે થયેલું વિદેશી મૂડીરોકાણ અસ્થાયી અને ટૂંકા ગાળાનું હોય છે. વિદેશી કંપની ગમે ત્યારે શેયર્સ વેચીને પોતાનું રોકાણ પાછું ખેંચી શકે છે. આમ થતાં હોસ્ટ ક્ધટ્રીમાં અચાનક નાણાકીય કટોકટી અને આર્થિક સંકટ સર્જાઈ શકે છે. ૧૯૯૭માં પૂર્વી એશિયામાં સર્જાયેલું આર્થિક સંકટ વધુ પડતા FPI (જેને હોટ-મની પણ કહેવામાં આવે છે) અને તે પછી તેના અચાનક પાછાં ખેંચાઈ જવાના લીધે સર્જાયું હતું. બીજી બાજુ FDI ના માર્ગે થયેલું વિદેશી મૂડીરોકાણ વધુ સ્થાયી અને નિશ્ર્ચિત હોય છે. વિદેશી કંપનીઓ અચાનક પોતાના રોકાણને દેશ (હોસ્ટ કન્ટ્રી)માંથી પાછું ખેંચી શકતી નથી.
FDI ના વધુ સ્થાયી સ્વરૂપ અને અનેક બીજા ફાયદાઓના લીધે વિકાસશીલ દેશો હંમેશા FDI ને આકર્ષવાનો પ્રયાસ કરતા હોય છે.
FDI ને પાછું બે ભાગમાં વહેંચવામાં આવે છે- ગ્રીનફિલ્ડ FDI અને બ્રાઉનફિલ્ડ FDI. જ્યારે વિદેશી કંપની હોસ્ટ કન્ટ્રીમાં નવેસરથી પોતે ફેક્ટરી અને પ્લાન્ટની સ્થાપના કરીને ઉત્પાદન કરે છે તો તેને ગ્રીનફિલ્ડ FDI કહેવામાં આવે છે. બીજી બાજુ, જયારે વિદેશી કંપની હોસ્ટ કન્ટ્રીમાં પહેલાંથી સ્થાપિત ફેક્ટરી અથવા પ્લાન્ટને સંપૂર્ણ અથવા આંશિક રીતે ઉત્પાદન હેતુ ખરીદે છે તો તેને બ્રાઉનફિલ્ડ FDI કહેવામાં આવે છે.
છેલ્લાં અમુક વર્ષોમાં ભારતમાં FDIનું પ્રમાણ પુષ્કળ વધ્યું છે. ગયાં બે વર્ષોમાં ભારતે ચીન કરતાં પણ વધુ FDI પ્રાપ્ત કર્યું છે. વધતી જતી માથાદીઠ આવક અને વસ્તીના લીધે બજારના વિશાળ કદ, કુદરતી સંસાધનોના વિપુલ ભંડાર અને સસ્તા શ્રમના લીધે ભારતના FDIમાં અદ્વિતીય વધારો થયો છે.
જો આપણે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં FDI પર નજર નાખીએ તો વર્ષ ૨૦૧૫-૧૬ સુધી દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટક સર્વાધિક FDI આકર્ષતાં રાજ્યો હતાં. FDIના સંદર્ભમાં ગુજરાત પાંચમા સ્થાને રહેતું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રથમ વખત ગુજરાતે, તામિલનાડુ અને કર્ણાટકને પાછળ છોડી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
 

 
ધંધો સ્થાપવા અને કરવા માટેની સહુલિયત (Ease of Creating and Doing Business)ના આંકમાં ગુજરાત અનેક વર્ષોથી પ્રથમ ક્રમાંક ધરાવતું હતું.
Deparatment of Industrial Policy and Promotion (DIPP)એ બહાર પાડેલ આંકડાઓ મુજબ ગુજરાતે વર્ષ ૨૦૧૬-૧૭માં ૩.૩૬૭ બિલિયન ડૉલર (‚. ૨૨,૬૧૦ કરોડ) જેટલું FDI પ્રાપ્ત કર્યું હતું જે વર્ષ ૨૦૧૫-૧૬ના ૨.૨૪ બિલિયન ડૉલર (‚.૧૪,૬૬૭ કરોડ) કરતાં ૫૪% વધુ છે. ભારતમાં થતા કુલ FDIમાં ગુજરાતનો હિસ્સો અનેક વર્ષોથી ૨%થી ૩% જેટલો રહ્યો છે પરંતુ ૨૦૧૬-૧૭માં ગુજરાતની અંદર FDIમાં થયેલ અસામાન્ય વધારાના લીધે ગુજરાતનો ભારતના કુલ FDIમાં હિસ્સો ૭.૭૫% થયો છે.
વર્ષ ૨૦૧૫ માટે Financial Times Group Think Tank : FDI Intelligence દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ મુજબ FDI માટે ભારત અને ચીનનાં સૌથી વધુ આકર્ષક ૧૦ સ્થળોમાં ગુજરાત મોખરે છે. વર્ષ ૨૦૧૧ દરમિયાન ગુજરાત આ યાદીમાં ૧૪મા ક્રમાંકે હતું.

 
ગુજરાતમાં સર્વાધિક વિદેશી મૂડીરોકાણ ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ફૂડ પ્રોસેસીંગ, ઇન્ફરમેશન ટેકનોલોજી, જેમ્સ એન્ડ જ્વેલરી, બાયો-ટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં થયું છે.
ગુજરાતમાં વધતા જતા FDI માટે અનેક કારણો જવાબદાર છે. સૌપ્રથમ, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એક સુદૃઢ આંતરમાળખું ધરાવે છે. ગુજરાતમાં અત્યંત વિકસિત અને વિસ્તૃત રાજમાર્ગો અને રેલવે નેટવર્ક છે. ગુજરાત સંપૂર્ણ દેશમાં સૌથી વધુ એરપોર્ટ્સ ધરાવે છે. ગુજરાતમાં વિદેશી રોકાણકારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોફેશનલ સર્વિસીસ આસાનીથી પ્રાપ્ત થઈ રહે છે. રાજ્યમાં પહેલાંથી જ વિભિન્ન ઉદ્યોગો સુવિકસિત હોવાના લીધે વિદેશી કંપનીઓને કાચો માલ, સ્પેર પાર્ટ્સ અને કોમ્પોનન્ટ્સ સરળતાથી મળી રહે છે.
ગુજરાતમાં કૌશલ્ય ધરાવતો શ્રમ પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત ગુજરાતને લોકેશનલ એડવાન્ટેજ પ્રાપ્ત છે. ગુજરાત આફ્રિકા તથા પશ્ચિમ અને મધ્ય-પૂર્વ એશિયાના બજારોની નજીક છે. FDIને આકર્ષવા માટે કેન્દ્ર સરકારના અનેક પ્રયાસોનો ગુજરાતને પણ પુષ્કળ લાભ પ્રાપ્ત થયો છે.
અનેક ક્ષેત્રોમાં ઑટોમેટિક રુટ દ્વારા ૧૦૦% FDIની પરવાનગી આપવી તથા Make in India’ કાર્યક્રમ હેઠળ ભારતનું એક આકર્ષક રોકાણસ્થળ (Attractive Investment Destination) તરીકે માર્કેટિંગ, ગુજરાતમાં FDIના વધારા માટે જવાબદાર છે.
રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, મમતા વર્માના મત અનુસાર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી અનેક સેક્ટર સ્પેસિફિક નીતિઓના લીધે ગુજરાતમાં FDIમાં પુષ્કળ વધારો થયો છે. ઓટોમોબાઇલ્સ, એન્જિનિયરીંગ, ધાતુ વિજ્ઞાન અને ઓટો કોમ્પોનન્ટ્સમાં પુષ્કળ વિદેશી મૂડીરોકાણ થયું છે. વર્ષ ૨૦૦૩થી આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હેઠળ ઘણું FDI ગુજરાતમાં આકર્ષાયું છે. હાલનાં વર્ષોમાં જાપાને ગુજરાતમાં પુષ્કળ મૂડીરોકાણ કર્યું છે.
અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના મત અનુસાર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના લીધે રાજ્યમાં રોજગારીની તકો હજુ વધશે. દેશ અને રાજ્યના ઉત્પાદકોને વિદેશી ટેકનોલોજીના લાભ પ્રાપ્ત થશે. રાજ્યના ઉત્પાદકો માટે હરીફાઈ સર્જાશે, જેથી તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થશે. ગ્રાહકો ને વપરાશ હેતુ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત થશે.
FDIના લીધે આયાતોમાં ઘટાડો અને વિદેશી હૂંડિયામણમાં વધારો થશે. ફૂડ અને એગ્રો-પ્રોસેસીંગમાં થતા FDIના લીધે ખેડૂતોને પણ લાભ થઈ શકે છે.
નિ:શંક FDIની અમુક મર્યાદાઓ પણ હોય છે પરંતુ મોટા ભાગના આધુનિક અર્થશાસ્ત્રીઓમાં એવી સર્વસંમતિ છે કે FDIના લાભ તેની મર્યાદાઓ કરતાં વધારે છે અને તેથી દરેક રાજ્યએ FDI સતત વધે તેવા પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. આવનારો સમય જ સ્પષ્ટ કરશે કે ગુજરાતની આર્થિક પ્રગતિમાં FDI કેટલો ફાળો આપે છે.
* * *
લેખક : ડો. પ્રો.સત્યજિત દેશપાંડે
- પીએચ.ડી. (અર્થશાસ્ત્ર)
- એમ.બી.એ., આઈઆઈએમ - કોલકાતા,
- પ્રોફેસર : ન્યુ એલ. જે. કોલેજ, અમદાવાદ 
FDI