ગુજરાતમાં કૃષિ સંદર્ભિત સ્થિતિ : વિશ્ર્લેષણાત્મક અભ્યાસ

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એ કોઈપણ પ્રદેશ, રાજ્ય કે રાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. કૃષિવિકાસ સંદર્ભિત સ્થિતિ એ જે-તે પ્રદેશના ઉત્પાદન, રોજગારી, અન્ન સલામતી, લોકોનાં જીવનધોરણ, ઔદ્યોગિક વિકાસ વગેરેને પ્રત્યક્ષ રીતે તથા સેવાક્ષેત્રના વિકાસને પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે અને એ રીતે તે રાષ્ટ્ર અને રાજ્યના આર્થિક અને માનવવિકાસને પ્રભાવિત કરે છે. કૃષિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિશાળ વર્ગને સાંકળતી હોવાથી તે સમતા સાથે વિકાસનું પણ એક મહત્ત્વનું
સાધન છે.
કૃષિવિકાસને ખાતર, સિંચાઈ, જંતુનાશક દવાઓ, બિયારણો, ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા, જમીન સંદર્ભિત કાયદાઓ, કૃષિનું પરંપરાગત અને આધુનિક જ્ઞાન તથા ટેક્નોલોજી, યોગ્ય સમયે શ્રમના પુરવઠાની ઉપલબ્ધિ તથા કુદરતી વાતાવરણ જેવી અનેકવિધ બાબતો અસર કરે છે. ગુજરાત સરકારે પણ વિવિધ પ્રકારની જળસંગ્રહ સુવિધાઓ તથા ઊર્જા સંબંધિત માળખાનો સતત વિસ્તાર કરી, જમીન સંદર્ભિત વહીવટી માળખામાં સુધારા કરી, ધિરાણ સંબંધી યોજનાઓ સરળ બનાવી કૃષિ રથ તથા કૃષિ સંબંધી વિવિધ સેમિનારોનું આયોજન કરી તથા કૃષિ અને પશુપાલન સંબંધી વિવિધ યોજનાઓનો અમલ કરી કૃષિ તથા તેને સંલગ્ન પશુપાલન વ્યવસાય વિકાસ માટે સઘન પ્રયાસો કર્યા છે. આ બાબતોને ધ્યાનમાં લેતાં સહજ રીતે પ્રશ્ર્ન થાય કે છેલ્લાં વર્ષોમાં ગુજરાતનો કૃષિવિકાસ કેવો છે ? તેમાં કેવા ફેરફાર આવ્યા છે ?, કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને વાવેતર સંદર્ભિત સ્થિતિ કેવી છે ?, કૃષિ સાથે ગાઢ રીતે સંકળાયેલ ધ્યાનમાં લઈ કૃષિ ક્ષેત્રે વાવેતર વિસ્તાર વિવિધ પાકોમાં ઉત્પાદન અને ઉત્પાદકતા, દૂધ ઉત્પાદન સંદર્ભિત સ્થિતિ, સિંચાઈ, ખાતરો, બિયારણો અને જંતુનાશકોના વપરાશની સ્થિતિ તથા કૃષિવિકાસ દરની સ્થિતિ ચકાસવા પ્રયાસ કરાયો છે.
સિંચાઈ :
ચોમાસામાં ખરેખરા વરસાદના દિવસો અને પ્રમાણ બંને દૃષ્ટિએ અનિયમિતતા રહેતી હોય ત્યારે ચોમાસું ખેતીને બચાવવા તથા ચોમાસા સિવાયની ઋતુમાં પણ ખેતીકીય પ્રવૃત્તિ કરવા સિંચાઈ સુવિધા અનિવાર્ય બને છે. સિંચાઈને લીધે ખેતી માટે જરૂરી પાણીની અનિશ્ર્ચિતતાઓ કંઈક અંશે ઓછી થતાં ખેડૂત વિશ્ર્વાસપૂર્વક ખેતી કરી શકે છે અને ખેત ઉત્પાદન પણ વધે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોથી - ખાસ કરીને વર્ષ ૨૦૦૦ પછીના ગાળામાં સરદાર સરોવર યોજનાના કેનાલનાં કામો સહિત વિવિધ નાની-મોટી સિંચાઈ યોજનાઓ અને જળસંગ્રહના કાર્યોને વેગ આપ્યો છે. આ સંદર્ભમાં અત્યાર સુધી ૧.૫૯ લાખ ચેક ડેમ અને બંધારા. ૨.૪૯ લાખ ખેત તલાવડી, ૧.૨૫ લાખ બોરીબંધ તથા અનેક વન અને સીમ તલાવડીઓ બાંધી છે. વળી ૨૪૪૯૭ તળાવ પણ ઊંડા કરેલ છે. વળી, નવા કૃષિલક્ષી વીજજોડાણો પણ અપાયાં છે. આ સંદર્ભે જોઈએ તો વર્ષ-૨૦૦૭-૦૮ રાજ્યનો ચોખ્ખો સિંચિત વિસ્તાર ૪૨૧૭૬૦૦ હેક્ટર હતો તે વધીને વર્તમાનમાં વધીને ૪૮૦૩૦૦૦ હેક્ટર એટલે કે કુલ ચોખ્ખા વાવેતર વિસ્તારના અંદાજ ૪૫% થયો હોવાનો અંદાજ છે, જે દર્શાવે છે કે સિંચાઈ સંદર્ભિત આંતરમાળખામાં સુધારો થયો છે. આનાથી ખેતઉત્પાદન સંદર્ભે અનિશ્ર્ચિતતા ઓછી કરવામાં મદદ મળશે.
ખાતરો :
ખાતર એ જમીનમાં ખૂટતા પોષક તત્ત્વો ઉમેરી છોડની વૃદ્ધિ અને પાકના ઉત્પાદનમાં મદદ‚પ થાય છે, જેનાથી ઉત્પાદનના પ્રમાણ અને ગુણવત્તામાં પણ વધારો થાય છે. આ સંદર્ભે જોઈએ તો વર્ષ ૨૦૧૧-૧૨માં રાજ્યમાં મહત્ત્વના ખાતર N.P.K.ની વપરાશ ૧૯૩૯૦૦૦ ટન હતી જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૧૫૧૬૦૦૦ ટન થઈ હતી. અહીં રાસાયણિક ખાતરનો ઘટેલો વપરાશ એ વાવેતર વિસ્તારના ઘટાડાના સંદર્ભમાં થયો કે જૈવિક ખાતરોના વધેલા વપરાશથી થયો એ અભ્યાસનો મુદ્દો છે. રાસાયણિક ખાતરોના વપરાશ સંદર્ભે નોંધવું જોઈએ કે તેના સતત અને અનિયંત્રિત વપરાશથી લાંબેગાળે ખેતી પર વિપરીત અસર થાય છે એવો કેટલાક કૃષિ નિષ્ણાતોનો મત છે. આ સંદર્ભમાં યોગ્ય પદ્ધતિથી તેનો નિર્ધારિત માત્રામાં ઉપયોગ થાય એ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખી વર્તમાનમાં રાજ્ય સરકાર જૈવિક ખાતરોના વપરાશ સંદર્ભે પ્રોત્સાહન આપી રહી છે જે આવકારદાયક બાબત છે.
હાઈબ્રિડ બિયારણો :
કૃષિ સંદર્ભિત મર્યાદિત જમીન અને તેમાં વધારો થવાની મર્યાદિત તકો તથા બીજી બાજુ વધતી વસ્તીની અન્ન સંબંધી જ‚રિયાતોને પહોંચી વળવાનો સંદર્ભે ઊંચી ઉતાર આપતાં બિયારણોની ભૂમિકા મોટી છે. આ સંદર્ભે જોઈએ તો ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી તથા કૃષિ યુનિવર્સિટીઓ બિયારણોના સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા અને વિતરણ સંદર્ભે વિવિધ સ્તરે કાર્યરત છે. વળી ખાનગીક્ષેત્રની રાષ્ટ્રીય રાજ્યકક્ષાની તેમજ આં.રાષ્ટ્રીય કંપનીઓ તરફથી પણ આવાં બિયારણો બજારમાં આવી રહ્યાં છે, જેનાથી રાજ્યમાં હાઈબ્રિડ બિયારણોનો વપરાશ ધીરે ધીરે વધી રહ્યો છે. વળી કપાસ જેવા કેટલીક પાકના સંદર્ભમાં ગુજરાત બિયારણ ઉત્પાદક તરીકે ધીરે ધીરે નામના મેળવી રહ્યું છે.
જંતુનાશકો :
પાકને રોગથી રક્ષણ આપી બચાવવાના સંદર્ભમાં જંતુનાશકોની ભૂમિકા મોટી છે. જંતુનાશકો દ્વારા રોગ પર નિયંત્રણ મેળવી કે બિનજરૂરી નિંદણનો નાશ કરી ખાતરીપૂર્વકનું ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે. આ સંદર્ભે જોઈએ તો ગુજરાતમાં વર્ષ ૨૦૦૫-૦૬માં ૨૭૦૦ મેટ્રિક ટન જંતુનાશકોનો વપરાશ થયો હતો જે વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૭૫૦ મેટ્રિક ટન થયો હતો. કૃષિક્ષેત્રે જંતુનાશક દવાઓનો વપરાશ વધી રહ્યો છે. જો કે અહીં નોંધવું જોઈએ કે જંતુનાશક દવાઓનો વપરાશ પ્રમાણસર અને પદ્ધતિસર ન થાય તો માનવીય આરોગ્ય અને પર્યાવરણ સામે એ પ્રશ્ર્ન ઊભો કરે છે. આ બાબતને ધ્યાનમાં લઈ સરકાર જૈવિક જંતુનાશકોના વપરાશ સંદર્ભે જાગૃતિ લાવી રહી છે, જે આવકાર્ય છે.
વીજળી :
ગુજરાતમાં ૫૦% સિંચાઈએ કૂવા અને ટ્યૂબવેલો પર આધારિત છે ત્યારે વીજળીની ઉપલબ્ધિ એ સિંચાઈ માટેના આંતરમાળખાનો ભાગ બને છે. વીજળીની ઉપલબ્ધિએ સિંચાઈ ક્ષમતા વધારી કૃષિ ઉત્પાદનમાં મદદરૂપ બને છે. આ સંદર્ભમાં જોઈએ તો વર્ષ ૨૦૧૦-૧૧માં વીજવપરાશનું પ્રમાણ કૃષિક્ષેત્રે ૧૩૨૮૫ મિલિયન યુનિટ હતું, જે વધી ૨૦૧૫-૧૬માં ૧૭૫૩૧ મિલિયન યુનિટ થયું હતું, જે દર્શાવે છે કે કૃષિવિકાસ સંદર્ભે સરકાર ઊર્જા સંદર્ભિત માળખું મજબૂત કરી રહી છે. વિશેષમાં સરકાર પ્રદૂષણ રહિત સોલાર ઊર્જા થકી સિંચાઈ સુવિધા વિકસાવવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. સમગ્ર રીતે કહીએ તો કૃષિક્ષેત્રે વીજ વપરાશ વધી રહ્યો છે જે વધતી સિંચાઈનો પણ નિર્દેશ કરે છે. જે કૃષિવિકાસ માટે લાંબા ગાળાનો હકારાત્મક નિર્દેશક છે.

 
 
કૃષિ અને પશુપાલન વિકાસ : ઊડતી નજરે
  1. બનાસકાંઠા જિલ્લાને પ્રાઇમ મીનીસ્ટર એવોર્ડ્સ ફોર એક્સેલન્સી ઈન પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન ૨૦૧૭નો ઍવોર્ડ એનાયત.
  2. નાફેડ દ્વારા કુલ ૧૧૪૫૯૫.૫૧ મે. ટન રો તુવેરની ખરીદી કરાઈ. રાજ્યના કુલ ૬૦૧૭૦ ખેડૂતોને લાભ મળ્યો.
  3. ઉત્તર ગુજરાતના દરેક તાલુકા દીઠ પાંચ ખેડૂતોની પસંદગી કરી કૃષિ વૈજ્ઞાનિકોને સાથે રાખી કાર્યશાળાનું આયોજન.
  4. રાસાયણિક ખાતરના વેચાણમાં ‘ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર’ અને ‘કેશલેસ ટ્રાન્ઝેક્શન’ એક નવા અભિગમ અંતર્ગત તાલીમ.
  5. સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહિત કરવા સીમાંત ખેડૂતોને ૭૦ ટકા તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ૮૫ ટકા સબસીડી.
  6. બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી પોતાનો માલ વેચાણ અર્થે કાઢે તો એક કટ્ટાદીઠ રૂ. ૫૦ અને મહત્તમ ૬૦૦ કટ્ટા સુધીની સહાય.
  7. બટાકા - ટમેટાની દેશ બહાર નિકાસ કરે તો વાહતુક ખર્ચના ૨૫ ટકા અને વધુમાં વધુ ‚. ૧૦ લાખની મર્યાદામાં ટ્રાન્સપોર્ટ સબસીડી.
  8. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ, રવિ તથા ઉનાળુ ઋતુમાં અને બાગાયતી પાકો માટે કરોડોની પ્રીમિયમ સહાય.
  9. ખેતરની ફરતે ફેન્સીંગ કરવા સહાય આપી વન્ય પ્રાણીઓ દ્વારા ઊભા પાકને થતું નુકસાન અટકાવાયું.
લોકશાહીમાં કોઈપણ સરકારની કામગીરીના મૂલ્યાંકનના નિયત માપદંડ હોવા જરૂરી છે. વિકાસના આ યુગમાં એ માપદંડોને આધારે જ કોઈપણ રાજ્યની ગતિ-પ્રગતિનો ગ્રાફ અંકાય છે. ગુજરાતના વિકાસમાં કૃષિ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે વર્તમાન ગુજરાત સરકારે કૃષિવિકાસની દિશામાં નોંધપાત્ર કામ કર્યું છે. આંકડા આ વાતની સાક્ષી પૂરે છે.
સરકારના આ પરિણાલક્ષી અભિગમોને કારણે ગુજરાતનો કૃષિ વિકાસદર ૧૧.૧ ટકાએ પહોંચ્યો છે, જે ભારતનાં ૧૯ મોટાં રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતમાં ૫૮ ટકા જમીન સૂકી છે, છતાં પણ કૃષિના ઉત્પાદનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં વધુ લગભગ ડબલ આંકડામાં છે. આંકડા પર નજર કરીએ તો ૨૦૧૫-૧૬માં અનાજનું કુલ ઉત્પાદન ૬૪.૫ લાખ ટન હતું. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૭૭ લાખ ટન થવાની સંભાવના છે. તેલીબિયાંનું ઉત્પાદન પણ ૫૬.૯૦ લાખ ટન થયું છે. ગુજરાતના મહત્ત્વના પાકોમાંના એક એવા કપાસના પાકની વાત કરીએ તો ૨૦૧૫-૧૬માં કપાસનું ઉત્પાદન ૭૫.૦૪ લાખ ટન જેટલું પહોંચ્યું છે અને એક અનુમાન મુજબ ૨૦૧૬-૧૭માં આ ઉત્પાદન ૮૪.૦૭ લાખ ટન થવાનો અંદાજ છે. એટલે કે છેલ્લાં ૧૫ વર્ષમાં ગુજરાતમાં કૃષિમાં સાતગણો વધારો થયો છે. ગુજરાતમાં ૨૦૦૧માં ૩૮.૭ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ હતો. આજે એટલે કે ૨૦૧૬-૧૭માં ૬૫.૭૫ લાખ હેક્ટર જેટલો વિસ્તાર સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. એક સમયે આ જમીન પર માત્ર ચોમાસું આધારિત જ એકાદ પાક લેવામાં આવતો હતો જ્યારે આજે ગુજરાતની ૧ લાખ ૨૬ હજાર હેક્ટર જેટલી જમીનમાં ત્રણ-ત્રણ પાકો લેવામાં આવી રહ્યા છે.
જો કે સમયે સમયે ખેડૂતોમાં પોતાના પાકના ટેકાના ભાવને લઈને અસંતોષ જ‚રથી પ્રવર્ત્યો છે, પરંતુ લગભગ દર વખતે સરકારે ખેડૂતોના પ્રશ્ર્ને સંવેદના દાખવી ટેકાના ભાવે પાકની ખરીદી કરી છે. આ વર્ષે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ૨૧ લાખ ક્વિન્ટલ માગફળી ખરીદીને ૨૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ખેડૂતોને સહાય કરી હતી. આવી જ સંવેદના કઠોળ, તુવેરદાળ, કપાસ અને ડુંગળીના પાકોની ખરીદીમાં પણ દાખવી ખેડૂતોના હિત માટે બનતા પ્રયત્નો કર્યા છે.
ઉપરાંત સરકાર દ્વારા ૧૧૯ દિવસ સુધી વિવિધ સ્થળોએ કૃષિ મહોત્સવો યોજી પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે, જેનો સીધો લાભ રાજ્યનાં લગભગ પાંચ લાખ ખેડૂતોને થયો છે.
* * *
સંદર્ભ : (૧) Socio-economic Review ૨૦૧૬-૧૭, G.O.G., Gandhinagar. (૨) Irrigation in gujarat : ૨૦૧૫-૧૬ : Directorate of economics and statistics, G.O.G., Gandhinagar
પ્રો. ડો. રોહિત જે દેસાઈ 
લેખક - પ્રાધ્યાપક અર્થશાસ્ત્ર વિભાગ, ડી. ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા