ગુજરાતના શિક્ષણક્ષેત્રની ગઈકાલ, આજ અને આવતીકાલ

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
ભારતવર્ષનો શિક્ષણક્ષેત્રનો ઇતિહાસ ઊજળો છે. તક્ષશિલા, નાલંદા અને વલભી જેવી વિદ્યાપીઠોના ગૌરવાન્વિત ઇતિહાસને આજેય આપણે યાદ કરીએ છીએ. આપણે ત્યાં તક્ષશિલા માટે કહેવાયું છે કે ‘શિલાં તક્ષતિ ઇતિ તક્ષશિલા’ - જે શિલામાંથી શિલ્પ બનાવે છે તે તક્ષશિલા છે. આમ શિલામાંથી શીલનું ઘડતર અને શિલ્પમાં રૂપાંતર તે શિક્ષણપ્રક્રિયાનો મુખ્ય ધ્યેય છે. આપણે ત્યાં કેળવણી વિષે સમય-સમયે અનેક વિચારો રજૂ થયા છે. ઉપનિષદ કહે છે કે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ - અર્થાત્ મુક્તિ અપાવે તે વિદ્યા છે. આ દેશના અભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી કહેતા કે, શિક્ષણ એ ચેતનાની ખેતી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ કેળવણી ક્ષેત્રે આઝાદી પછી અનેક અવનવા પ્રયોગો થયા છે. ગુજરાતની જ વાત કરીએ તો ગિજુભાઈ, નાનાભાઈ, હરભાઈ જેવા કેળવણીકારોથી ગુર્જર ભૂમિનું નામ રળિયાત છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતે શિક્ષણક્ષેત્રે અનેક નવા મુકામો હાંસલ કર્યા છે. કોઠારી કમિશને કહ્યું હતું કે ગુણાત્મક અને સંખ્યાત્મક પરિમાણોનો સંતુલિત વિકાસ કરીને જ શિક્ષણના ટકાઉ વિકાસનું લક્ષ્ય સાધી શકાશે. ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રના વિકાસને ધ્યાને લેતાં સામે આવે કે અનેક માપદંડોમાં ગુજરાતે પારમિતા (Excellence) હાંસલ કરી છે, જે માટે દરેક ગુજરાતીએ ગૌરવ લેવા જેવું રહ્યું, અને હજુ પણ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે અનેક સુધારાઓને અવકાશ છે તે હકીકત પણ એટલી જ સાચી છે. આ બંને વિધાનોને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણક્ષેત્રના ભૂતકાળ, વર્તમાન અને આવતીકાલનું વિહંગાવલોકન કરવાનો આ એક ઉપક્રમ છે.
પ્રાથમિક શિક્ષણ
પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧થી ૮ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય તે શાળાને પ્રાથમિક શાળા કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને અગ્રતા આપવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણના પિરામિડનો પાયો છે. ૬થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજ્ય સરકારની જવાબદારી છે. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ તથા સ્થાયીકરણની યોજનાઓ પર વધુ ભાર મૂકવામાં આવેલ છે. રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતિનો ક્યાસ મેળવવા છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી શાળાઓની, શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં મૂકી છે.

 બાજુના કોષ્ટક પરથી જોઈ શકાય છે કે વિદ્યાર્થી શિક્ષક અનુપાત કે જે શિક્ષણની ગુણવત્તા માટેનું ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે તે નીચો લાવીને સરકારે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણને મૂલવતા કેટલાક માપદંડોની ચર્ચા અત્રે કરી છે.

પ્રવેશ-દર
ભારતના બંધારણમાં ૬થી ૧૪ વર્ષના બાળકને સાર્વત્રિક મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું તે સરકારની ફરજ લેખવામાં આવી છે. રાજ્યનું દરેક બાળક શાળાએ જઈ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે તે ખૂબ જ જ‚રી છે. ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં ક્ધયા પ્રવેશદરનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. પરંતુ સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા અનેક બાળકો શાળામાં ભણતા થયા છે. શાળા-પ્રવેશોત્સવ ૨૦૧૭ દરમ્યાન ધો ૧માં કુલ ૫,૫૨,૫૫૨ અને ધો ૯માં કુલ ૫,૪૪,૧૬૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં બાળકોનું ૯૦૦% નામાંકન શક્ય થયું છે, જે ખૂબ જ મોટી સિદ્ધિ છે. ગુજરાત રાજ્યના આ પ્રવેશોત્સવની સફળતાને લઈ ભારતનાં અન્ય રાજ્યોએ પણ શાળા-પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ (ધો ૧થી ૮)માં કુલ પ્રવેશ-દર અને ચોખ્ખો પ્રવેશ દર અનુક્રમે ૧૦૨.૬૩ અને ૯૯.૧૧ નોંધાયેલ છે, જે રાજ્યમાં પ્રવેશની સ્થિતિ અંગે ક્રાંતિકારી લક્ષ્યાંક હાંસલ થયાનું સૂચક કરે છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના


 
ગુજરાત સરકારે કન્યા કેળવણી નિધિ યોજના દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળેલ ભેટ સોગાદોની જાહેર હરાજી કરાવી માતબર રકમનું ભંડોળ એકત્રિત કર્યું અને કન્યા કેળવણી માટે નવો આયામ ઊભો કર્યો.
આ યોજના અંતર્ગત વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાનો લાભ આપી આજે કન્યા કેળવણીના પ્રથમ પગલા‚રૂપે ગુજરાતમાં બાળકોનું ૧૦૦% નામાંકન શક્ય બન્યું છે. આ ઉપરાંત કન્યા કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ તરફથી દાન કરવામાં આવે છે. આ રીતે વર્ષ ૨૦૧૫-૧૬ સુધીમાં રૂ. ૯૩.૦૨ કરોડ જેટલી માતબર રકમ એકત્ર થઈ છે, જે કન્યાઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર વાપરી રહી છે. વર્ષ - ૨૦૦૫-૦૬થી અત્યાર સુધીમાં રાજ્યની ૫૯૦૦૦ લાભાર્થી ક્ધયાઓને ૩૧.૧૩ કરોડનો પુરસ્કાર/સહાય પેટે અર્પણ કરવામાં આવેલ છે.
ગુણોત્સવ
લોકશાહી દેશમાં બધા જ નાગરિકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાનો મૂળભૂત અધિકાર છે. સર્વસમાવેશી અને સમાનતામૂલક ગુણવત્તાયુક્ત કેળવણી અને આજીવન કેળવણી બધાને ઉપલબ્ધ કરાવવાની યોજના વિચારાતી રહેવી જોઈએ. રાજ્ય સરકારે ૨૦૨૬૭.૫૧ કરોડ જેટલી માતબર રકમ વર્ષ ૨૦૧૭-૧૮માં શિક્ષણ રમત-ગમત, કલા સંસ્કૃતિ ક્ષેત્ર માટે ફાળવેલ છે જે ગત વર્ષ કરતાં સૂચક રીતે ઘણી વધારે છે. શિક્ષણ પેટે ફાળવવાના બજેટમાં રૂ.૧૫૫૪ કરોડનો વધારો કરેલ છે. શિક્ષણમાં સંખ્યાત્મક પરિણામોની સાથે ગુણાત્મક રીતે પણ સુધારા થાય તે માટે રાજ્ય સરકારનો નિરંતર પ્રયોગ એટલે ગુણોત્સવ.
બાળકોનો પ્રવેશ થયા બાદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે કે કેમ તેની જાણકારી માટે રાજ્ય સરકાર ગુણોત્સવકાર્યક્રમ યોજે છે, જેમાં મંત્રીશ્રીઓ અને બધા જ વિભાગોના સરકારી અધિકારીશ્રીઓની ટીમ શાળાઓના મૂલ્યાંકન માટે નીમવામાં આવે છે. જે ટીમ જે તે શાળાને તેની વિવિધ સુવિધાઓ, પ્રવૃત્તિઓ શૈક્ષણિક ગુણવત્તાના મૂલ્યાંકનને આધારે ગ્રેડ આપે છે.
વર્ષ-૨૦૦૯-૧૦ના પ્રથમ ગુણોત્સવમાં અ+ કેટેગરીની શાળાઓ માત્ર પાંચ હતી, જે વર્ષ ૨૦૧૫ ૧૬ના છઠ્ઠા ગુણોત્સવમાં વધીને ૧૯૬૦ થયેલ છે. અ કેટેગરીમાં પ્રથમ ગુણોત્સવમાં ૨૬૫ શાળાઓ હતી, જે છઠ્ઠા ગુણોત્સવમાં વધીને ૧૬૯૦૮ થયેલ છે. ઇ કેટેગરીમાં પ્રથમ ગુણોત્સવમાં ૩૮૨૩ શાળાઓમાંથી ૧૨૬૦૫ થયેલ છે. ઈ કેટેગરીની શાળાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ગુણોત્સવને પરિણામે સરકાર સક્ષમ શાળાઓની ખરેખર સ્થિતિ સામે આવી, અને તેને પરિણામે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે.
વિદ્યાસહાયકો
છેલ્લા એક વર્ષમાં પ્રાથમિક શિક્ષણમાં ૫૧૯૬ શિક્ષકોની વિદ્યા સહાયક‚પે અને ૮૮૩ મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. વળી કેન્દ્રીયકૃત ધોરણે ભરતી ઓનલાઈન છે, તેથી, પારદર્શિતા પણ વધી છે. હાલ રાજ્યમાં જિલ્લા પ્રા. શિક્ષણ ભરતીમાં સમિતિના કુલ ૩,૨૪,૮૪૨ શિક્ષકો કાર્યરત છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થી અનુપાત ૨૮ ટકા થયો છે, જે અન્ય રાજ્યો કરતાં ઘણો સારો છે.
પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીનું ડિજિટલાઈઝેશન કરવામાં આવેલ છે. જેનાથી વહીવટી પારદર્શિતા વધી છે, સમય, શક્તિ અને નાણાંની બચત પણ થાય છે. સમગ્ર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનું કાર્ય પણ ઓનલાઈન થયું છે.
કેટલાંક બાળકો ધીમી ગતિથી શીખનાર અધ્યેતા હોય છે, તેમના માટે ઉપચારાત્મક શિક્ષણપદ્ધતિથી અલગ રીતે શિક્ષણ આપવાની વ્યવસ્થા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવી છે. ગુણોત્સવની અભૂતપૂર્વ સફળતાને ધ્યાને લઈ દેશના રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોએ પણ ગુણોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો છે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૩૨,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલોના માધ્યમથી ધો. ૫થી ૮ના કુલ ૩૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ આપવામાં આવ્યો છે. પ્રજ્ઞા અભિગમ એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો નવો અભિગમ રાજ્યની ૨૩,૦૨૯ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫માં હાથ ધરવામાં આવ્યો છે. BALA પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની કુલ ૨૫૦૮ પ્રાથમિક શાળાઓમાં શાળાના મકાનમાં વિવિધ ભાગો જેવા કે ફર્શ, દીવાલો, બારી-બારણાં, પગથિયાં, સીલીંગ, પંખા, ફર્નિચર અને વૃક્ષોમાંથી શૈક્ષણિક મૂલ્યો અને વિષયોનું જ્ઞાન વધે તે રીતે આ ભાગોના વિકાસનો નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતના બાળકોને વૈશ્ર્વિક પ્રવાહો સાથે જોડવા માટે આઈ.સી.ટી. પ્લેટફોર્મ આધારિત શિક્ષણ અંગે શિક્ષકોને તાલીમની ગુણવત્તા માટે ૧૬,૭૧૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા આપવામાં આવી હતી. ૧૯૦૨ જેટલા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાઈસિકલ, સી.પી. ચેર અને કૃત્રિમ પગ જેવાં ૨૫ પ્રકારનાં સાધનોની સાધન-સહાય તેમજ ૩૩૧૪ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઇલ પાઠ્યપુસ્તકોનો લાભ આપવામાં આવ્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટીંગ, પ્લાન્ટેશન, સોલાર એનર્જી એન્ડ સોલાર કૂકિંગ, મેનેજમેન્ટ ઓફ વોટર અને રીડ્યુસિંગ વેસ્ટ દ્વારા શાળાની સુવિધામાં અભિવૃદ્ધિ માટે રાજ્યની ૪૭ હયાત શાળાઓને ગ્રીન અને સસ્ટેનેબલ શાળામાં ‚પાંતર કરવામાં આવી છે. નવી ૬ ગ્રીન શાળાઓનું બાંધકામ કરવાની સાથે ૬૫ જેટલી શાળાઓને અપગ્રેડ કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળાઓમાં ફી અંકુશ થાય તે માટે રાજ્ય સરકારે સ્વનિર્ભર શાળા ફી નિયમન એક્ટ-૨૦૧૭ પસાર કરી સમગ્ર દેશમાં એક નમૂના‚પ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત એ દેશમાં આ રીતે ફી નિયમન કાયદો પસાર કરનારું પ્રથમ રાજ્ય છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૫-૧૬ના આંકડા મુજબ ૧૦,૯૪૦ સંસ્થાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણક્ષેત્રે કાર્યરત છે, જેમાં ૮૩૬૬૨ શિક્ષકો ૨૬૭૯૦૦૦ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. વર્ષ ૨૦૦૩-૨૦૦૪માં માધ્યમિક અને ઉ.મા. શિક્ષકોની ખૂબ મોટા પાયે ઘટ છે તેમ જણાતાં સરકારે પ્રાથમિકની જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં પણ કેન્દ્રીયકૃત ધોરણે ભરતી કરવાનું નક્કી કર્યું. માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની છેલ્લાં બે વર્ષમાં મોટા પાયે ભરતી કરી સરકાર દ્વારા શિક્ષકોની ઘટ દૂર કરવા દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવેલ છે. વધુમાં જે વિસ્તારમાં હજુ શિક્ષકોની ઘટ હોય તેવા વિસ્તારમાં પ્રવાસી શિક્ષકોની સેવા લેવાનો નવતર અભિગમ અપનાવીને ચાલુ વર્ષે કુલ ૫૦૫૩ પ્રવાસી શિક્ષકોની સેવા લેવાઈ રહી છે. તેનાથી મોટા ભાગના વિસ્તારોમાં મુખ્ય વિષયના શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં અંતરિયાળ ગામોથી માધ્યમિક શાળા દૂરના અંતરે આવેલી હતી. તાલુકા કક્ષાએ બે-ત્રણ શાળાઓ હોય પરંતુ તાલુકાનાં અંતરિયાળ ગામોમાં શાળાઓના અભાવને લીધે વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દેવાની ઘટનાઓ સામાન્ય હતી. અંતરિયાળ અને પછાત વિસ્તારોના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે બાયસેગ મેપિંગની મદદથી કુલ ૨૨ શાળાઓ શરૂ કરવામાં આવેલ છે. છખજઅ (રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન) દ્વારા નવી ૩૦ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. અંતરિયાળ ગામથી અપડાઉન માટે ૪૫,૦૦૦ કન્યાઓને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
પાઠ્યક્રમ
સમય અનુસાર પાઠ્યક્રમોમાં પરિવર્તન આવે તે અનિવાર્ય છે. દસ વર્ષ જૂના પાઠ્યક્રમને બદલીને ધો. ૯થી ૧૨માં છેલ્લાં બે વર્ષમાં નવા આધુનિક જમાનાની માંગને પહોંચી વળવા સક્ષમ બની રહે તે મુજબના પાઠ્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ધો. ૯માં ૫૭ જેટલી શાળાઓમાં પ્રાયોગિક ધોરણે ગઈઊછઝનાં પુસ્તકોનો અમલ કરવામાં આવ્યો છે. રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં વર્ષોથી રાજ્ય સરકારની મફત પાઠ્યપુસ્તક યોજના હેઠળ નિ:શુલ્ક પુસ્તકો મળતાં હતાં, પરંતુ માધ્યામિક અને ઉ. માધ્યમિકમાં ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સ્વખર્ચે લાવવાનાં રહેતાં હતાં. ચાલુ વર્ષે ધો. ૯થી ૧૨ના તમામ ૨૧,૦૨,૮૯૨ વિદ્યાર્થીઓને રૂ. ૮૦ કરોડના ખર્ચે નિ:શુલ્ક ધોરણે પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યાં છે.
ઉચ્ચ શિક્ષણ
કોઈપણ પરિવર્તન અચાનક નથી થતું, તે માટે સમય, સાતત્યપૂર્ણ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો પણ જોઈએ. સને ૨૦૦૧માં ગુજરાતમાં ફક્ત ૧૧ યુનિવર્સિટી હતી, જ્યારે આજે ૨૦૧૭ સુધીમાં આ સંખ્યામાં વધારો થઈને કુલ ૫૦થી વધુ યુનિવર્સિટી થઈ ગઈ છે. આ છે ઉચ્ચ શિક્ષણની દિશામાં રાજ્ય સરકારે ખાનગી સંસ્થાઓના સાથ સહકારથી સાધેલા વિકાસની એક નાનકડી ઝલક. ગુજરાતમાં રાજ્ય સરકાર સંચાલિત ૮ મેડિકલ કૉલેજો ઉપરાંત ખાનગી ધોરણે ચાલતી એક ડઝન મેડિકલ કૉલેજો છે. સરકારે વધુ ને વધુ ખાનગી સંસ્થાઓને પણ ઉચ્ચ શિક્ષણ માટે અભિમુખ થવાની માત્ર પ્રેરણા જ નહિ, પ્રોત્સાહન અને સવલતો પણ આપી છે.
ગુજરાતની યુવાશક્તિને ધ્યાનમાં રાખીને દેશમાં સૌ પ્રથમ વાર વિશ્ર્વકક્ષાની સવલતો ધરાવતી વિવિધ વિષયો આધારિત નવીન વિચારધારાઓવાળી યુનિવર્સિટીનું નિર્માણ કરાવ્યું છે, જેમાં (૧) ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, (૨) રક્ષાશક્તિ યુનિવર્સિટી (૩) પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (૪) સ્પોર્ટ્સ યુનિવર્સિટી (૫) ચિલ્ડ્રન યુનિવર્સિટી (૬) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (૭) કામધેનુ યુનિવર્સિટી (હિંમતનગર) (૮) ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ખાસ ઉલ્લેખનીય છે. દેશમાં આ પ્રકારની વિશિષ્ટ યુનિવર્સિટી સ્થાપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

 
ટેક્નોક્રેટ શ્રી એન. નારાયણ મૂર્તિ
રાજ્ય સરકારે યુવાશક્તિને રચનાત્મક માર્ગે કાર્યપ્રદાન કરાવવા માટે આઈ ક્રિએટ નામની વિશ્ર્વસ્તરની સંસ્થાનું ગઠન પણ કરાવ્યું છે, જેમાં મુખ્ય સલાહકાર તરીકે દેશના મહાન ટેકનોક્રેટ શ્રી. એન. નારાયણમૂર્તિએ કામગીરી સાંભળી છે. રાજ્ય સરકારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન નામની સંસ્થાનું પણ નિર્માણ કરેલું છે જેનો ધ્યેય ઉત્તમ, નિષ્ઠાવાન અને ચારિત્રવાન શિક્ષકો તૈયાર કરવાનો છે. વળી સરકારે ગુજરાત એજ્યુકેશન ઈનોવેશન કમિશનની પણ રચના કરેલી છે, જે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે સંશોધન અને તાલીમને વરેલી સંસ્થા છે.
રાજ્ય સરકારે યુવાનોના ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને જ કમિશન ફોર એજ્યુકેશન ઇનોવેશન જેવી સંસ્થાનું નિર્માણ પણ કરાવ્યું છે, જેમાં યુવાશક્તિ પોતાની આંતરસૂઝ અને કલા-કૌશલ્યને એક ચોક્કસ આકાર અને ઓપ આપીને દુનિયાને પોતાની શક્તિનું પ્રદર્શન કરાવી શકે. એ જ પ્રમાણે રાજ્ય સરકારનું મહત્ત્વનું કદમ એટલે નોલેજ કોન્સોટિયમ ઑફ ગુજરાત (કે.સી.જી.) જેના દ્વારા શિક્ષણક્ષેત્રે જ્ઞાનસંગમ દ્વારા શિક્ષણ અને જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણક્ષેત્રોમાં સામૂહિક જનસમાજના વિકાસની પહેલ આદરી છે.
રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે યુવાનો-યુવતીઓને યોગ્ય માર્ગદર્શન આપીને રોજગારીની દિશામાં તૈયાર કરવા માટે ગુજરાત નોલેજ સોસાયટીની પણ રચના કરેલી છે, જેમાં યુવાધનને તેમની શૈક્ષણિક યોગ્યતા અનુસાર તાલીમ આપીને તેમને નોકરી વ્યવસાયનાં નવીન દ્વાર ખોલી આપવાની કામગીરી કરવામાં આવે છે. જમાનો અંગ્રેજી ભાષાનો છે. અંગ્રેજી વિના હવે પાલવે એમ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે યુવાવિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની તાલીમ નિ:શુલ્ક ધોરણે મળી રહે એ માટે સ્કોપ નામનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે.
સમીક્ષા
ગુજરાત સરકારે વર્ષ : ૨૦૧૭-૧૮ માટે શિક્ષણ, રમત-ગમત અને સંસ્કૃતિના ક્ષેત્રે કુલ બજેટના ૨૧.૧૭% રકમ ફાળવી છે, જે શિક્ષણક્ષેત્ર માટે અત્યંત પ્રોત્સાહન આપનારું પરિબળ છે.
  • શ્રી નાનાભાઈ ભટ્ટ કહેતા કે, કેળવણીમાં ઊંડાણ અને વિસ્તાર બંને જોઈએ. ઊંડાણ ન હોય અને વિસ્તાર થાય તો ઝાડ ઊથલી પડે. એકલું ઊંડાણ હોય અને વિસ્તાર ન થાય તો ફળ ન બેસે. આ રીતે ગુજરાતમાં શૈક્ષણિક તંત્રના વિસ્તાર અંગે ઘણું કાર્ય થયું છે, પરંતુ ઊંડાણ અંગે સરકારે માત્ર આંકડાઓની માયાજાળને બદલે ગુણાત્મક પાસાને મહત્ત્વ આપી કાર્ય કરવું જ રહ્યું.
  • શિક્ષકોની પસંદગી, શિક્ષકોની સજ્જતા, પાઠ્યક્રમમાં નાવીન્ય જેવી બાબતોમાં હજુ ઘણું થઈ શકે તેમ છે. જેટલી કાળજી એરહોસ્ટેસની પસંદગીમાં રાખવામાં આવે છે, તેનાથી વધુ કાળજી શિક્ષકની પસંદગી કરતી વખતે રાખવી જોઈએ.
  • રાજ્યમાં ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પ્રમાણ કૂદકે-ભૂસકે વધી રહ્યું છે, ત્યારે ગુજરાતી માધ્યમની અંગ્રેજી વિષય અસરકારક રીતે ભણાવતી શ્રેષ્ઠ શાળાઓ શરૂ કરવી જોઈએ. જેમ નર્મદે દેશાભિમાનની વાત કરેલી, તેમ આ શાળામાં ભણેલ પ્રત્યેક બાળક ભાષાભિમાન સાથે ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડી શકે તેવા વાતાવરણના નિર્માણની જરૂર છે. અંતમાં ભર્તૃહરિએ કહ્યું છે કે વિદ્યા ભોગ કરી યશ: સુખકરી, તેમ ગુજરાતનું શિક્ષણક્ષેત્ર કેળવણીના ઉત્કૃષ્ટ સ્તર સુધી પહોંચી, ગુજરાતને એક નવી ઊંચાઈ અપાવશે, અને ગુજરાતમાં શિક્ષણનું અરુણું પ્રભાત ઊગશે, તેવી શ્રદ્ધા સેવવી રહી.
* * *
લેખક : ડો. જયેન્દ્રસિંહ જાદવ
- પીએચ.ડી. (એકાઉન્ટન્સી)
- પ્રાધ્યાપક, ગુજરાત કૉમર્સ કૉલેજ.