ગુજરાત વિધાનસભા ચૂંટણી ચક્રવ્યૂહ

    ૧૩-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ચારેય ઝોનનું ચૂંટણી વિશ્ર્લેષણ
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મુખ્ય બે પક્ષો : ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. તેમના ઉમેદવારો અનુક્રમે ૧૮૨ અને ૧૭૯ જાહેર કર્યા છે. ત્યારે બે તબક્કામાં થનાર મતદાનને અંતે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં છઠ્ઠી વખત વિજય વરમાળા પહેરવા જઈ રહીં છે કે, કોંગ્રેસ તેના ૨૨ વર્ષના સુદીર્ઘ વનવાસ પછી, સત્તાના સિંહાસન સુધી પહોંચી શકે છે ? આ પ્રશ્ર્નોના પ્રત્યુત્તર માટે હવે ૧૮ ડિસેમ્બર દૂર નથી! ગુજરાતની આ ચૂંટણીમાં ૯ ડિસેમ્બરના પ્રથમ તબક્કામાં, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠકોની ચૂંટણી યોજાશે. જ્યારે ૧૪ ડિસેમ્બરના રોજ બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ ૯૩ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષોએ પોતાની તમામ શક્તિ કામે લગાડી છે. બન્ને પક્ષના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. આ ચૂંટણી સમરાંગણમાં સેનાપતિની ભૂમિકામાં એક તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે. તો સામે પક્ષે કોંગ્રેસ ઉપાધ્યક્ષ (હવે કોંગ્રેસ અધ્યક્ષ) શ્રી રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે. શ્રી મોદીજી તેમની આગવી શૈલીમાં ચૂંટણીસભાઓમાં ગુજરાતના જનમન સાથે અભિસંધાન કરી રહ્યા છે, તો શ્રી રાહુલ ગાંધી આક્રમક શૈલીથી મોદીજીને આલોચનાના નિશાન બનાવી રહ્યા છે. આ સંદર્ભમાં ગુજરાતના ચારેય વિભાગોમાં કયા પક્ષનું કેવુંક બળાબળ છે ? એની સમીક્ષા રસપ્રદ બની રહેશે...
 
સૌરાષ્ટ્ર-કચ્છ
ભાજપા-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ સ્પર્ધા
 
સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગની ૫૪ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો દાયકાઓથી દબદબો રહ્યો છે. અહીં પાટીદારો, ક્ષત્રિયો, કોળી, ભરવાડ, મેર, આહિર જેવી જ્ઞાતિઓ મહત્ત્વની છે. બ્રાહ્મણ, જૈન, સોની વગેરે પરચૂરણ જ્ઞાતિઓના પોકેટ્સ અનેક વિસ્તારોમાં આવેલા છે. દલિતોની પણ અમુક વિસ્તારોમાં નોંધપાત્ર હાજરી છે. ૨૦૧૫ના પાટીદાર આંદોલનને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદારો આ ચૂંટણીમાં કઈ તરફ ખેંચાય છે ? એનાં સમીકરણો મંડાઈ રહ્યાં છે. તો ઊના-કાંડ પછી દલિત રાજકારણ પણ ગરમાયું છે. આ પરિસ્થિતિમાં ભાજપા માટે સૌરાષ્ટ્ર-કચ્છનો પરંપરાગત ગઢ સાચવવાનો પડકાર છે, તો કોંગ્રેસ માટે પણ સીધા ચઢાણ જેવી સ્થિતિ છે...
રાજકોટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ ‚પાણી સામે કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉમેદવારી કરી છે. એ જ રીતે અમરેલી જિલ્લામાં પાટીદાર આંદોલનના પ્રભાવને કારણે, ચૂંટણી સમીકરમો ગુંચાવાયાં છે. ભાવનગરમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ઉમેદવાર હોઈ, આ સીટ ઉપર પણ ચૂંટણીજંગ રસપ્રદ બની રહ્યો છે. ભાવનગર જિલ્લામાં કોળી, ક્ષત્રિય મતદારો નોંધપાત્ર છે. જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ વિવિધ જ્ઞાતિ સમુદાયોના પોકેટ્સ વિખરાયેલાં છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પાટીદાર મતો અંકે કરવા મેદાને પડી છે. તો ભાજપા તેના સંગઠન કૌશલ્ય, વિશાળ કાર્યકરગણ અને મોદીજીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતીનો વિશ્ર્વાસ ધરાવે છે.
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, પાટીદાર આંદોલનને કારણે અમરેલી જિલ્લો વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. પરંતુ અમરેલી વિસ્તારના ભાજપાના જૂના જોગી શ્રી દિલીપભાઈ સંઘાણીની ભાજપાના ઉમેદવાર તરીકેની વરણીને કારણે, અમરેલી જિલ્લામાં પાટીદાર આંદોલનના પ્રભાવને ખાળવામાં, શ્રી સંઘાણીની સક્રિયતા ઉપયોગી થઈ રહેશે.
એ જ રીતે ભાવનગર જિલ્લામાં આ વખતે કોંગ્રેસના કદાવર નેતા શ્રી શક્તિસિંહ ગોહિલને માદરે વતન છોડીને કચ્છમાં જવું પડ્યું છે એ બાબત સૂચક છે. ભાવનગર જિલ્લામાં પણ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં લેવાયા છે. આ જિલ્લામાં ઘોઘા-દહેજ રો-રો સર્વિસ ચાલુ થતાં, ભાજપના વિકાસ એજન્ડાને બળ મળ્યું છે.
જામનગર જિલ્લામાં ભાજપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી ફળદુની ઉમેદવારી ભાજપાને માટે ઉપયોગી સિદ્ધ થશે. એ જ રીતે જુનાગઢમાંથી શ્રી મહેન્દ્ર મશરુને રિપીટ કરવામાં આવ્યા છે. એનાથી પણ ભાજપાને ફાયદો થશે. તો કચ્છમાં પણ ભાજપાએ કોંગ્રેસનો મુકાબલો કરવાની કમર કસી છે. કચ્છ-માંડવીમાં કોંગ્રેસના શ્રી શક્તિસિંહ ગોહિલને ભાજપાના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા કડી ટક્કર આપી રહ્યા છે.
આ રીતે સમગ્ર રીતે જોતાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પ્રારંભમાં ભાજપા માટે પડકારરૂપ પરિસ્થિતિ હતી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની સમસ્યાઓ વગેરેના ઉકેલ માટે ભાજપાએ દાખવેલી સક્રિયતાનો લાભ, આ ચૂંટણીમાં ભાજપને મળી શકે છે. તેને લીધે સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોમાં ભાજપાને માટેનું એકંદર ચિત્ર મોદીજીના સઘન ચૂંટણીપ્રચારને કારણે સુધરી શકે તેમ છે.
 
દક્ષિણ ગુજરાત
અહીં ભાજપાનો કિલ્લો મજબૂત, પણ પડકાર ખરો
 
એ જ રીતે ચૂંટણીના પ્રથમ તબક્કામાં જેનો સમાવેશ થાય છે એ દક્ષિણ ગુજરાતમાં, ભાજપની સ્થિતિ કોંગ્રેસને મુકાબલે ઘણી જ મજબૂત છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસના પડકારને કારણે ગઈ ચૂંટણીને મુકાબલે જે કોઈ થોડી બેઠકોની ઘટ પડે તેને પૂરી કરવા માટે, ભાજપા માટે દક્ષિણ ગુજરાત એક મહત્ત્વનો કિલ્લો બની રહે તેમ છે. જો કે પાટીદાર આંદોલનને કારણે સુરત વિસ્તારમાં ભાજપા માટે થોડી પડકારભરી પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ બાકીના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપાની સરસાઈ જોઈ શકાય છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ આદિવાસી પ્રભુત્વવાળી બેઠકોમાં કોંગ્રેસના પરંપરાગત સમર્થકો છે. આ આદિવાસી ક્ષેત્રમાં - દક્ષિણ ગુજરાતના ઉમરગામથી લઈ ઉત્તરે અંબાજી સુધીના પૂર્વ પટ્ટામાં ભાજપાએ આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ કાર્યરત કરી છે. તેમાં વનવાસીઓને વનબંધુનું સન્માન સૂચક નામાભિધાન કરીને, વનવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસ માટે ગુજરાતની ભાજપા સરકારે ચાલી હજાર કરોડની વનબંધુ વિકાસ યોજના વહેતી મૂકી છે. આદિવાસીઓ માટે ગુજરાત રાજ્યના આ વર્ષના બજેટમાં જ રૂ. ૧૫૨૬૦ કરોડની કલ્યાણકારી યોજના અમલી બનાવી છે. તો ‘પેસા’ કાયદા અન્વયે સમગ્ર પૂર્વ પટ્ટીના ૫૦ વનવાસી તાલુકાઓની ગ્રામપંચાયતો અને ગ્રામ સભાઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનીજો સહિતની બાબતોના વિકાસ માટેના નિર્ણયો લેવાના વિશેષાધિકાર આપ્યા છે. જળ-જમીન-જંગલના હક્કો માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. રાજપીપળા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં આદિજાતિ યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. તેથી કોંગ્રેસના પરંપરાગત આદિવાસી વિસ્તારોમાં ભાજપાને જનસમર્થન મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
સુરત શહેરની ૧૨ બેઠકો, સુરત ગ્રામ્ય વિસ્તારની ૪ બેઠકો, તાપી જિલ્લાની ૨ બેઠકો, વલસાડ જિલ્લાની ૫ બેઠકો, નવસારી જિલ્લાની ૪ બેઠકો, ડાંગ જિલ્લાની ૧ બેઠક મળીને કુલ ૨૮ બેઠકોમાંથી ગઈ ચૂંટણીમાં ભાજપાએ ૨૨ બેઠકો મેળવેલી. જ્યારે કોંગ્રેસને માત્ર ૬ બેઠકો મળેલી. આ સંદર્ભમાં ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનતાં જ, ચૂંટણીનો માહોલ જામી ગયો છે. બંને મુખ્ય પક્ષોએ ચૂંટણીપ્રચારમાં પોતાની તમામ મશીનરી સક્રિય કરી છે. નેતાઓ સભાઓ ગજવે છે, પરંતુ કુલ મિલાવીને દક્ષિણ ગુજરાતમાં, ગઈ ચૂંટણીની ભાજપાની જંગી સરસાઈને તોડવાની કપરી કામગીરી કરવામાં કોંગ્રેસને ઝાઝી સફળતા મળી શકે તેવું લાગતું નથી. દક્ષિણ ગુજરાતમાં વાપી જેવાં ક્ષેત્રોમાં, સુરત-નવસારી જેવાં શહેરી ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત બહારથી આવીને વસેલ બિનગુજરાતી મતદારો પણ વિશાળ સંખ્યા ધરાવે છે. તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં ઉત્તરીય રાજ્યોમાંથી આવીને વસેલા જનસમૂહની હાજરી આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓને ચૂંટણી અભિયાનમાં સક્રિય કરીને આ ઉત્તર ભારતીય મતો અંકે કરવાની યોજના કાર્યરત બનાવી છે. તેમાં ૧ ડિસેમ્બરનાં રોજ ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજય પછી, સમગ્ર ગુજરાતના મતદારોમાં પણ ભાજપા તરફી ઉછાળો જોઈ શકાય છે.
નોટબંધી, જીએસટી જેવા મુદ્દાઓને કારણે વેપારીઓ, નાના-મધ્યમ ઉદ્યોગપતિઓ વગરેમાં પ્રારંભિક અસંતોષ દેખાઈ રહ્યો હતો. પરંતુ જીએસટીમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓથી, ભાજપા આ સંબંધિત વર્ગોનું સમર્થન જાળવી રાખવાની અપેક્ષા સેવે છે. ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં શિક્ષિત યુવાનો, મહિલાઓને મહત્ત્વ અપાઈ રહ્યું છે. પરિણામે ચૂંટણીના પ્રારંભિક માહોલમાં ભાજપ સામે મોટા પડકારરૂપ પરિસ્થિતિ જોવા મળતી હતી તેમાં હવે ઓટ આવવા માંડી છે.
 
મધ્ય ગુજરાત
ભાજપાની સ્થિતિ મજબૂત
 
મધ્ય ગુજરાતની ચૂંટણી બીજા તબક્કામાં ૧૪ તારીખે યોજાવાની છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ મહાનગર અને અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અગાઉ કોંગ્રેસના આગેવાન શ્રી માધવસિંહ સોલંકીના કાર્યકાળમાં, મધ્ય ગુજરાત-ખાસ કરીને ખેડા, નડિયાદ, આણંદ અને આસપાસના ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. આ વિસ્તારમાં શ્રી સોલંકીની ‘ખામ’ થિયરીએ ચૂંટણીમાં રંગ દેખાડ્યો હતો પરંતુ શ્રી સોલંકી જાહેરજીવનમાંથી નિવૃત્ત થતાં, આ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો પ્રભાવ ક્રમશ: ઘટતો ચાલ્યો છે અને તેનાથી ઊભા થયેલ અવકાશની પૂર્તિ ભાજપાએ કરી દેખાડી છે.
મધ્યગુજરાતમાં ખેડા-આણંદ જિલ્લામાં, મુખ્ય બે જ્ઞાતિ સમૂહો-પાટીદાર અને બારૈયા ક્ષત્રીયો વચ્ચે પરંપરાગત સંઘર્ષ જોવા મળે છે. એટલે જ ૧૯૫૨ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં શ્રી ભાઈકાકા જેવા સમર્થ પાટીદાર આગેવાનને આણંદ બેઠક ઉપરથી શ્રી નટવરસિંહ સોલંકીના હાથે પરાજય પ્રાપ્ત થયેલો. ૧૯૮૯ સુધી આણંદની લોકસભા બેઠક પણ કોંગ્રેસે બારૈયા ક્ષત્રિયોના સમર્થનથી જાળવી રાખેલી. પરંતુ અયોધ્યા આંદોલનને કારણે ૧૯૮૯માં શ્રી માધવસિંહના સસરા-પીઢ કોંગ્રેસી શ્રી ઈશ્ર્વરભાઈ ચાવડાનો લોકસભા ચૂંટણીમાં પરાજય થયેલો. મહીકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં દાયકાઓ સુધી શ્રી ચાવડાનો દબદબો હતો, પરંતુ રામજન્મભૂમિ આંદોલનથી કોંગ્રેસનો એ કિલ્લો પણ ધ્વસ્ત થઈ ગયેલો !
અમદાવાદ શહેરની બેઠકો ઉપર ભાજપનો દબદબો છે. વટવા બેઠક ઉપર મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સામે કોંગ્રેસના વિપિન પટેલ સ્પર્ધા કરી રહ્યા છે. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારોનું વર્ચસ્વ નોંધપાત્ર છે. આ ઉપરાંત આ વિસ્તારના અન્ય મથકો માતર, ખેડા, કપડવંજ, ડાકોર, ઠાસરા, સેવાલિયા, ઉમરેઠ, સારસા વગેરે વિસ્તારોમાં પાટીદાર ઉપરાંત, ઓબીસી જનસમૂહની હાજરી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આ તમામ વિસ્તારોમાં ભાજપાએ ક્રમશ: કબજો જમાવ્યો છે. આ વિસ્તારમાં ભાજપાના વધતા જતા પ્રભાવને કારણે જ, નડિયાદના લોકપ્રિય જનપ્રતિનિધિ શ્રી દિનશા પટેલ - જેઓ છેક ૧૯૭૫થી વિવિધ ચૂંટણીઓ જીતતા આવેલા, તેમનો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં શકવર્તી પરાજય થયેલો.
આમ સમગ્ર રીતે જોતાં આણંદ-નડિયાદ અને તેની આસપાસના આ ક્ષેત્રમાં પણ, ભાજપા માટે ચૂંટણીજંગમાં સરસાઈ જોવા મળે છે. શ્રી દિનશા પટેલ હાલ સક્રિય રાજનીતિમાં દેખાતા નથી ત્યારે, આ ક્ષેત્રમાંથી કોંગ્રેસને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી શ્રી ભરતસિંહ સોલંકી ઉપર આવી પડી છે. પરંતુ શ્રી ભરતસિંહ સોલંકીના પ્રભાવમાં પણ વળતાં પાણી જોવા મળી રહ્યાં છે....
એ જ રીતે વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારો પણ ભાજપાના પરંપરાગત ગઢ રહેલા છે. અહીં કોંગ્રેસે ભાજપાનો મજબૂત મુકાબલો કરવાનો છે. આમ છતાંય કોંગ્રેસને વડોદરા ક્ષેત્રના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં તેમજ નડિયાદ-આણંદના છેવાડાના વિસ્તારોમાંથી કુલ મળી પાંચ-સાત બેઠકો મળવાની આશા છે. આ રીતે ભાજપા માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઊભા થયેલા પડકારને કારણે, જે કોઈ બેઠકોની તૂટ પડે તે ખોટને માતબર નફામાં ફેરવી દેવા માટે, ભાજપા પાસે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મજબૂત ગણાતા ગઢ હજુ સુધી તો સલામત દેખાય છે.
 
ઉત્તર ગુજરાત
ભાજપા માટે સાવચેતીભર્યાં ચઢાણ...
 
ઉત્તર ગુજરાત આમ તો પરંપરાગત રીતે છેલ્લાં વર્ષોમાં ભાજપા માટે મજબૂત કિલ્લો ગણાતો હતો. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપાને સમગ્ર દેશમાંથી માત્ર બે જ લોકસભા બેઠકો પ્રાપ્ત થઈ હતી. તેમાંની એક મહેસાણા લોકસભાની સીટ હતી, જ્યાં ભાજપના મજબૂત નેતા ડૉ. એ. કે. પટેલ ચૂંટાઈ આવેલા. વળી ઉત્તર ગુજરાત-વડનગર તો ભારતના પ્રવર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું માદરે વતન છે. એટલે ઉત્તર ગુજરાતનું જનસમર્થન ભાજપાને મળે, એ સ્વભાવિક છે.
પરંતુ ૨૨ વર્ષના સુદીર્ઘ ભાજપા શાસનને કારણે સ્વાભાવિક જ ભાજપા સરકાર સામેનો જન અસંતોષ - જનઆક્રોશ પ્રગટ થવો સ્વાભાવિક છે. આ ઉપરાંત છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલા પાટીદાર આંદોલનનો પ્રભાવ, સૌરાષ્ટ્ર પછી મહેસાણા અને આસપાસનાં વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત ઓબીસી આંદોલનના યુવાનેતા અલ્પેશ ઠાકોર પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે. દલિતોમાં પણ પ્રકારાંતરે અસંતોષનાં ચિહ્નો જોવા મળે છે. તેની અસરથી ઉત્તર ગુજરાતમાં ભાજપા વિરોધી માહોલ છેલ્લા મહિનાઓમાં જોવા મળ્યો છે.
વધુમાં ઉત્તર ગુજરાતમાં પાટીદારો ઉપરાંત ઠાકોર, રબારી, મુસ્લિમ, બ્રાહ્મણ, જૈન અને અન્ય પરચૂરણ જ્ઞાતિઓના પોકેક્ટ્સ પણ સર્વત્ર જોવા મળે છે. આને લીધે આ વખતની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપા માટે સીધાં ચઢાણ જેવી પરિસ્થિતિ છેલ્લા થોડા મહિનાઓથી જોવા મળી રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ આગેવાન - નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાજપાનો ગઢ સાચવવા માટે, ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું છે. શ્રી નીતિનભાઈ ઉમેદવારી પત્ર ભરવા ગયા તે વખતે, તેમના સમર્થકોની પ્રભાવશાળી રેલી જોતાં, ઉત્તર ગુજરાતમાં પ્રારંભિક ભાજપા વિરોધી લહેર શમવા લાગી હોય અને જનસમર્થનની લહેર પેદા થવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે...
ઉત્તર ગુજરાતમાં આવેલા ભયાનક પૂરની પરિસ્થિતિમાં, ભાજપા શાસને જે અસરકારક બચાવ - રાહત અભિયાન ચલાવેલું, તેની હકારાત્મક અસર પણ જોવા મળે છે. આમ છતાંય ઉત્તર ગુજરાતમાં રહેલાં જ્ઞાતિ જૂથોની સંકુલ ગૂંથણી જોતાં, ઉત્તર ગુજરાત ભાજપા માટે મધ્ય ગુજરાત - દક્ષિણ ગુજરાતની તુલનામાં પડકાર‚પ તો છે જ. જો સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પાટીદાર ફેકટર કાર્યરત છે, તો ઉત્તર ગુજરાતમાં ઓબીસી - દલિત - લઘુમતી ફેકટર પણ ભાજપા માટે કસોટી‚પ તો છે જ. પરંતુ આ અઠવાડિયાથી જે રીતે ભાજપા નેતૃત્વ અને તેના મજબૂત સંગઠન - વિશાળ કાર્યકર્તાગણ ચૂંટણી અભિયાનમાં સક્રિય થયાં છે. અને મોદીજીની વિશાળ જનસભાઓ યોજાઈ રહી છે, એ જોતાં આગામી દિવસોમાં કુલ મીલાવીને, ભાજપા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પુન:વિજયી બને તેવી સંભાવના વધતી જાય છે.