ધર્મકથા : ભગવાન શ્રીદત્તાત્રેયના પ્રાગટ્યની કથા

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
ભગવાન શ્રી દત્તાત્રેયનું પ્રાગટ્ય
 
શ્રી શિવમહાપુરાણ - શતરુદ્રસંહિતાના અધ્યાય ૧૯માં ભગવાન શ્રીદત્તાત્રેયના પ્રાગટ્યની ધર્મકથા છે.
અત્રિ નામે બ્રહ્માના પુત્ર હતા. તે તપસ્વી, બ્રહ્મવેત્તા, બુદ્ધિમાન, બ્રહ્માની આજ્ઞાને પાળનારા અને અનસૂયાના પતિ હતા. અત્રિ પિતા બ્રહ્માની ઉત્તમ આજ્ઞાથી પુત્રની ઇચ્છાને લીધે તપ કરવા માટે પત્ની અનસૂયા સહિત ‘ત્ર્યક્ષ’ નામના પર્વત પર ગયા. ત્યાં તે મુનિએ વિંધ્યાચળમાંથી નીકળતી નદીના કિનારે સો વર્ષ સુધી વિધિ પ્રમાણે પ્રાણાયામ કરી, રાગદ્વેષ રહિત અતિશય ઉગ્ર તપ કરવા માંડ્યું, પણ તેમના મનમાં જે એક નિર્વકાર ઈશ્ર્વર મહાસમર્થ છે, તે મને શ્રેષ્ઠ પુત્ર આપે’ એવો નિશ્ર્ચય હતો. અત્રિના આ ઉત્તમ લાંબા વખતના તપથી તેમના મસ્તકમાંથી અતિશય મોટી અગ્નિની જ્વાળા પ્રગટ થઈ. જ્વાળાથી બધા લોકો લગભગ બળવા લાગ્યા અને મુનીશ્ર્વરો, દેવર્ષિઓ તથા ઇન્દ્ર વગેરે બધા પીડાવા લાગ્યા. તેથી ઇન્દ્રસહિત બધા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને આ વાતની જાણ કરી. આ જ્વાળાઓથી રક્ષણ મેળવવા બ્રહ્મા વિષ્ણુલોકમાં ગયા. ત્યાંથી વિષ્ણુ બ્રહ્માને લઈ ઇન્દ્ર તથા દેવોની સાથે જલદી શિવલોકમાં ગયા. શિવજીને સમગ્ર ઘટના વર્ણવી. શિવજીની સ્તુતિ કરી. તેથી ત્રણે દેવોએ આ ઘટના અંગે પરસ્પર વિચાર-વિમર્શ કર્યો. અત્રિ ઋષિને આશીર્વાદ આપવા ત્રણે અત્રિના આશ્રમે ગયા, ત્યાં પ્રગટ થયા. અત્રિ મુનિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતપોતાની મૂળ નિશાનીવાળા સ્વ‚પમાં તેમનાં દર્શન કરી આદરથી તેમને પ્રણામ કર્યાં અને પ્રિયવાણી વડે તેમની સ્તુતિ કરી. પછી વિસ્મય પામેલા તે બ્રહ્માપુત્રએ બે હાથ જોડી બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્રને વિનંતી કરી.
અત્રિ બોલ્યા : હે બ્રહ્મા ! હે વિષ્ણુ ! હે રુદ્ર ! તમે ત્રણે જણ જગતને પૂજ્ય મનાયેલા અને જગતના સૃષ્ટિ, રક્ષા તથા સંહાર કરનારા સમર્થ ઈશ્ર્વર છો. મેં તો પુત્રને કારણે પોતાની પત્નીની સાથે રહી જે કોઈ જગતનો ઈશ્ર્વર કહેવાય છે, તે જ એક ઈશ્ર્વરનું ધ્યાન કર્યું છે, છતાં વરદાન દેનારોઓમાં શ્રેષ્ઠ તમે ત્રણે દેવો શા માટે આવ્યા ? આ મારો સંશય દૂર કર્યા પછી તમે મને ઇચ્છિત વરદાન આપો.
એવું અત્રિ ઋષિનું વચન સાંભળી ત્રણે દેવો તેમનો પ્રત્યે કહેવા લાગ્યા : હે મુનીશ્ર્વર ! તમે જે સંકલ્પ કર્યો છે, તે તેમ જ થયો છે. અમે ત્રણે જગતના સમાન ઈશ્ર્વર છીએ અને વરદાન દેનારાઓમાં શ્રેષ્ઠ છીએ. તો અમારા અંશથી ઉત્પન્ન થનારા ત્રણે પુત્રો તમારે ત્યાં થશે. તેઓ બધા જગતમાં પ્રખ્યાત અને માતા-પિતાની કીર્તિ વધારનાર થશે. તેમ કહી ત્રણે હર્ષપૂર્વક પોતપોતાના ધામમાં ગયા. પછી અત્રિ મુનિ પણ અનસૂયા સહિત પ્રસન્ન થઈ આનંદથી પોતાના આશ્રમમાં ગયા અને બ્રહ્માને આનંદ દેનારા થયા.
મુનીશ્ર્વર અત્રિથી અનસૂયામાં વિષ્ણુના અંશથી જે પુત્રનો જન્મ થયો તે જ આપણા ભગવાન શ્રી દત્તાત્રેય છે, જેમણે સંન્યાસની શ્રેષ્ઠ પદ્ધતિ વધારી છે. તેમના જન્મનો સમય તથા તિથિ માગશર માસની પૂર્ણિમાનું બ્રાહ્મમુહૂર્ત હતું. આ ઉપરાંત જાણ સારુ અત્રિથી અનસૂયામાં બ્રહ્માના અંશ થકી ચંદ્ર થયો, જેને દેવોએ સમુદ્રમાં નાખી દીધો હતો, જે સમુદ્રમંથન સમયે પ્રગટ થયો હતો. અત્રિને ત્યાં શિવના અંશ તરીકે ઉત્તમ દુર્વાસા જન્મ્યા હતા.
 
ભગવાન શ્રી દત્તાત્રેયની માતા મહાસતી અનસૂયાનું શ્રી ‘સત્યવ્રત’ પતિવ્રતા ધર્મ
 
ભારતભૂમિની સતીસાધ્વી સ્ત્રીઓમાં સતી અનસૂયાનું સ્થાન ઘણું ઊંચું છે, કેમ કે તેમની કૂખે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અવતર્યા છે. તેથી તેઓ ‘મહાસતી અનસૂયા’ના નામે લોકના હૃદયમાં અનેરું સ્થાન પામ્યાં છે. અનસૂયાનો જન્મ અત્યંત સંસ્કારી વિદુષી-દેવી દેવહુતિની કૂખે થયો હતો. સાંખ્ય શાસ્ત્રના રચયિતા બ્રહ્મર્ષિ કર્દમમુનિ તેમના પિતા હતા. માતા અનસૂયા સાધુ-સંતો તથા અભ્યાગતોનો જમાડ્યા વિના આશ્રમમાં ભોજન પ્રસાદ પીરસતા નહીં. તેમનું આ શ્રી ‘સત્યવ્રત’ હતું.
મહાસતી અનસૂયાના શ્રી ‘સત્યવ્રત’નું પારખું કરવા બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ સાધુનો વેશ ધારણ કરી તેમના આશ્રમ તરફ ગયા. માતા અનસૂયા ગંગાજળ લેવા જતાં હતાં, તે સમયે ત્રણેને રસ્તામાં મળે છે. તેથી માતા તેમને આશ્રમમાં બેસવાનું જણાવે છે. ગંગાસ્નાન કરી, ગંગાજળ લઈ માતા અનસૂયા રસોઈ કરી, રસોડામાંથી પ્રસાદ લઈ સાધુઓને પીરસવા જાય છે. તેમાંથી એક સાધુ માતાને પોતાના વ્રત અંગે જણાવે છે કે હે માતા ! અમારું વ્રત છે કે અમે નગ્ન સ્ત્રીના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીએ છીએ. માતા અનસૂયાને આશ્ર્ચર્ય થયું. તેમણે ધ્યાન ધર્યું. પતિ અત્રિની આજ્ઞા મેળવી નગ્ન અવસ્થા ધારણ કરી ગંગાજળ ત્રણે સાધુઓ પર છાંટ્યું અને સતીત્વના પ્રભાવથી મંત્રોચ્ચારથી ત્રણેને બાળસ્વરૂપમાં લાવી દીધા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના બાળસ્વ‚પને માતા અનસૂયા ખોળામાં લે છે. તેમને ભોજન આપે છે. આ ત્રણે બાળકોને આશ્રમમાં જોઈ ગંગાસ્નાન કરી આશ્રમમાં આવેલા અત્રિ મુનિ પણ વિસ્મયમાં મુકાઈ ગયા. માતા અનસૂયાની આ બાલપ્રભુઓ સાથેની લીલાનું અદ્ભુત દૃશ્ય જોઈ અત્રિમુનિમાં આનંદનો પાર ન રહ્યો. મુનિએ સમગ્ર ઘટના જાણી. દેવો પણ આ અદ્ભુત દૃશ્ય જોવા આકાશમાંથી મુનિના આશ્રમમાં પધાર્યા. સાથે-સાથે ત્રણે મહાન દેવોની પત્નીઓ-મહેશની ઉમા, વિષ્ણુની લક્ષ્મી તથા બ્રહ્માની બ્રહ્માણી પણ આશ્રમમાં આવ્યાં. ત્રણે પોતાના પતિદેવોના બાળસ્વરૂપને નિહાળી રહી છે. વિસ્મય, કુતૂહલ તથા આનંદ છે. માતા અનસૂયાના પતિવ્રતા ધર્મનો પ્રતાપ કેવો પ્રખર હોય છે. તેનું સચોટ જ્ઞાન દેવો તથા ત્રણે દેવપત્નીઓને થાય છે. આ ધર્મકથાને હજારો વર્ષ થયાં છતાં આજે પણ કલિયુગમાં બહેનો મહાસતી અનસૂયાના આ સતીવ્રતને જીવનનો આધાર બનાવી કુટુંબ પ્રબોધનમાં સુખેથી જીવે છે. આવી ભારતીય પતિવ્રતા સ્ત્રીઓ જ ભારતીય ઋષિપરંપરા તથા સનાતન ધર્મની સંસ્કૃતિના વાહકો તથા આધારસ્તંભો છે, જે વિશ્ર્વમાં ભારતનું ગૌરવ છે.
ભગવાન શ્રી દત્તાત્રેય તથા મહાસતી અનસૂયાનું માહાત્મ્ય દર્શાવતું ગુરુવારનું વ્રત હાલ કલિયુગમાં પણ બહેનો પ્રેમથી ઉજવે છે. વ્રતકથાઓમાં આ વ્રત ગુરુવારનું વ્રત તરીકે ઊજવાય છે.
 
શ્રી દત્તાત્રેયના ગુરુવારના વ્રતની ધર્મકથા-વાર્તા
 
ભગવાન શ્રી દત્તનું ધ્યાન ધરી, પીળાં ફૂલ, પીળું ચંદન, પીળાં ફળ કે ચણાના પીળા લોટમાંથી પ્રસાદ બનાવી કરવાનું હોય છે. પીળા વસ્ત્રના દાનનો મહિમા છે. બહેનોએ પીપળે પાણી ચઢાવી ઘીનો દીવો કરવાનો હોય છે.
ઘણા કાળ પહેલાં મણપુરમ્ ગામમાં કુબેર ભંડારી નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે કર્મકાંડથી ગુજરાન ચલાવતો હતો પણ તેના ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હતાં. બ્રાહ્મણ-બ્રાહ્મણીની સ્થિતિ જોઈ પાડોશીને દયા આવી. તેઓ વાર-તહેવારે બ્રાહ્મણને સીધું આપતાં. પાડોશીએ કહ્યું કે તમે ગુરુવારનું વ્રત ભક્તિભાવથી કરો તો ભગવાન શ્રી દત્તાત્રેય તમને જ‚રથી ફળશે.
આ સાંભળી બ્રાહ્મણી ગુરુવારનું વ્રત કરે છે. પીળાં વસ્ત્રો પહેરી, ચણાના લોટનો પ્રસાદ બનાવી સૌને પીરસે છે. પીળા વસ્ત્રનું પણ દાન કરે છે. આ વ્રત દર ગુરુવારે તે બ્રાહ્મણ શ્રદ્ધા તથા નિષ્ઠાથી કરે છે. એક ગુરુવારે એક મહાત્મા ભિક્ષા માગવા આવે છે. બ્રાહ્મણ મહાત્માને કહે છે : હે મહાત્મા સાધુપુરુષ ! મારી પાસે તો આ પ્રસાદ છે, દર ગુરુવારે આ વ્રત કરું છું તેનો આ પ્રસાદ ભિક્ષામાં છે. પેલા મહાત્મા સાધુએ કહ્યું : હે વ્રતધારિણી ! ‘તમે જે આપશો તે સ્વીકારીશ.’ પ્રસાદ મેળવી સાધુ પ્રસન્ન થાય છે. બ્રાહ્મણી મહાત્મા પાસે આશીર્વાદ માગે છે. હે મહાત્મા ! અમારું દારિદ્રય દૂર થતું નથી તથા ઘરે પારણું પણ બંધાયું નથી. મહાત્મા તથાસ્તુ કહી પ્રયાણ કરે છે. વખતને વહેતાં શી વાર ? સમય જતાં કુબેર ભંડારી બ્રાહ્મણની ગરીબાઈ દૂર થાય છે અને તેને ત્યાં સુંદર સૂર્યના સમાન કાંતિવાળા બાળકનો જન્મ થાય છે. બ્રાહ્મણી તે સાધુ મહાત્માનું ધ્યાન ઘરે છે. ફરી આ સાધુનાં દર્શન થાય છે. આ સાધુ તે બીજા કોઈ નહીં પણ ભગવાન શ્રી દત્તાત્રેય હતા. ભગવાન દત્તાત્રેય બ્રાહ્મણને આશીર્વાદ આપવા પોતાના મૂળ સ્વ‚પમાં પ્રગટ થાય છે અને આ ગુરુવારના વ્રતનો મહિમા પ્રસ્થાપિત કરે છે. બ્રાહ્મણી કહે છે કે હે પ્રભુ ! આપ મને ફળ્યા તેમ આ વ્રત કરનારને ફળજો. આ ભગવાન શ્રી દત્તાત્રેયની ગુરુવારની વ્રતકથા લખનાર, સાંભળનાર, કહેનારને શ્રદ્ધાથી ફળે છે.
આજે પણ ભગવાન શ્રીદત્તાત્રેયના ભક્તો ‘દત્તબાવની’નો પાઠ શ્રદ્ધાપૂર્વક કરે છે. ગુજરાતમાં નર્મદાકિનારે શ્રી રંગ અવધૂત મહારાજે પણ ભગવાન શ્રી દત્તાત્રેયની ઉપાસના કરી હતી. આજે તેમનો આ આશ્રમ ભગવાન શ્રી દત્તાત્રેય માટે શ્રદ્ધાનું ધર્મસ્થાન બન્યું છે.
ભગવાન શ્રી દત્તાત્રેય જ્ઞાનગુરુ તરીકે પણ પૂજાય છે.
 
અનોભદ્રા ક્રતવો યન્તુ વિશ્ર્વત:
 
ભગવાન શ્રી દત્તાત્રેયે ચોવીસ ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે. માત્ર મનુષ્ય જ ગુરુ હોય તેવો ભ્રમ ભગવાન શ્રી દત્તાત્રેયે ભાંગ્યો છે. આ ૨૪ ગુરુઓની યાદીમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ એ પંચમહાભૂતોનો સમાવેશ છે. તદ્ ઉપરાંત બ્રહ્માંડમાં બે કાયમી કાળના સાક્ષી ચંદ્ર અને સૂર્યનો ઉલ્લેખ છે. પશુ-પક્ષીઓમાં કપોત-હોલો, અજગર, પતંગિયું, ભમરો, મધમાખી, હાથી, હરણ, માછલી, સર્પ, કરોળિયો, ભમરીના દરનો કીડો, ટિટોડીનો સમાવેશ થાય છે. સમુદ્રનો પણ ગુરુ તરીકે ઉલ્લેખ છે, જે વિશાળ હૃદયનો બોધ આપે છે. મનુષ્યયોનિમાં પિંગલા, ગણિકા, બાળક તથા કુમારીનો ઉલ્લેખ છે.