પરિવાર ગોષ્ઠિ : તમે લોકો કે આપણે લોકો ?

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૭
 
 
...કોઈ બેઠક, કોઈ કાર્યક્રમ સમયસર શ‚ ન થાય ત્યારે હસતાં હસતાં પરંતુ પ્રચ્છન્ન, પ્રગટ ઉપહાસથી કોઈ કહે છે, ‘આ તો ઇન્ડિયન ટાઈમ છે ! તમને લોકોને સમયની કિંમત ક્યારેય નથી સમજાઈ ! અમેરિકામાં આવું ન ચાલે. ત્યાં તો ટાઈમ એટલે ટાઈમ !’
...ટેપરેકૉર્ડર, ટી.વી., કેમેરા ખરીદતી વખતે કોઈ કહે છે, ‘ઘણી ય ઇચ્છા થાય છે સ્વદેશી ખરીદવાની, પણ તમે લોકો સારી ક્વોલિટીની વસ્તુઓ બનાવો છો
ખરા? બસ, તમારે તો કામચોરી કરવી છે ! પૈસા ખાઈ જવા છે ! એફિસિયન્સી નામની કોઈ ચીજ જોવા ન મળે ! કોણ ખરીદે તમારું સ્વદેશી ! પૈસા ખર્ચીને સારી વસ્તુ ય ન મળે એવો તમારો દેશ !’
...કોઈની સુંદર સાડી જોઈને કોઈ કહે છે, ‘વિદેશી લાગે છે, અહીં તો ક્યાં એવી મળે છે ? આ તો સ્વદેશીમાં ફસાયા. ન આમના રહ્યા ન તેમના. સારું બને નહીં ને સારું ખરીદાય નહીં. ને ખરીદીએ તો ખરાબ લાગે !’
...‘ભણી ગણીને ખૂબ વિકાસ કર્યો ને અમેરિકા ગયો. એકલો જ નહીં, ઘરનાંને પણ અમેરિકા બોલાવી લીધા. છોકરાએ કુળ તાર્યું !’
‘ઇન્ડિયન રેલવે એટલે સાવ થર્ડ ક્લાસ ! ત્યાં જોઈ હોય તો આપણી તબિયત ખુશ થઈ જાય !’
આવાં તો કેટલાં ઉદાહરણો આપવાં ?
આવું બધું બોલે છે કોણ ? ‘તમે લોકો’ કરે છે કોણ ? કોના બોલવામાં આવો મોંનો મચકોડ અને તિરસ્કારયુક્ત ઉપહાસ વર્તાય છે ?
આ બધા ભારતીયો છે, ભણેલા ભારતીયો છે, ધનવાન ભારતીયો છે, નવરા ભારતીયો છે.
એમને ‘દેશી’ કહેવડાવવામાં શરમ લાગે છે ! એમને પોતાના જ દેશ અને દેશવાસીઓ માટે ‘તમારો દેશ’ અને ‘તમે લોકો’ કહેવામાં શરમ નથી લાગતી. પોતાના દેશનાં અપલક્ષણો વર્ણવવામાં શરમ તો નથી જ આવતી, પરંતુ છૂપો આનંદ આવે છે. બહુ સહેલાઈથી તેઓ વિદેશીઓની પંગતમાં બેસી જાય છે અને પોતે આ બધાં અપલક્ષણો ધરાવતાં નથી અથવા આવાં બધાં અપલક્ષણોની પોતાને બહુ ચીડ છે એવું દર્શાવવામાં ગૌરવ અનુભવે છે.
પોતાની બધી કમાણી ભારતમાં હોવા છતાં, પોતાનું બધું શિક્ષણ ભારતમાં થયું હોવા છતાં, પોતાની બધી સગવડ ભારતમાં સચવાતી હોવા છતાં, પોતે ભારતની સ્થિતિ સુધારવામાં જરા પણ યોગદાન ન આપતા હોવા છતાં, પોતે માત્ર પોતાનો જ વિચાર કરતા હોવા છતાં, જે સ્વકેન્દ્રી અને ભોગવાદી મનોવૃત્તિને કારણે દેશની બધી સમસ્યાઓ જન્મી છે એ પોતાનામાં પણ હોવા છતાં, પોતે જે કંઈ મેળવે છે એ કરતાં વધુ મેળવવા માટે જરા પણ પાત્ર ન હોવા છતાં જો એ લોકો ભારતને માટે ‘તમારો દેશ’ અને ‘તમે લોકો’ એમ કહેતા હોય તો એમને તો કેવા કહેવા ?
‘કૃતઘ્ન’ શબ્દ સમજે એને માટે બહુ મોટી ગાળ છે, બહુ મોટું અપમાન છે. ‘કપૂત’ શબ્દ કપૂતને નડતો નથી, એના પરિવારને નડે છે. ‘કૃતઘ્ન’ થનારને કશું નુકસાન નથી, જેના પ્રત્યે એ કૃતઘ્ન થાય છે એને એ નડે છે.
ભારતમાં કૃતઘ્ન નાગરિકોને કારણે ભારતને પણ ભોગવવું પડે છે. વિશ્ર્વમાં પણ એની હાંસી થાય છે.
આ ટોળકીમાં ક્યાંક હું ને તમે તો નથી ને ?