દેશમાં પહેલી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવી, રાષ્ટ્રગાન સાથે રામકથાનો પ્રારંભ થશે

    ૦૨-ડિસેમ્બર-૨૦૧૭

 
 
સુરતમાં શનિવારથી શરુ થતી મોરારી બાપુની રામકથા પહેલીવાર રાષ્ટ્રકથા તરીકે ઓળખાશે. પૂ. મોરારીબાપુની તમામ કથાનો થીમ અલગ જ હોય છે. સુરતમાં 2 ડિસેમ્બરથી શરુ થતી રામકથા દેશની સેના માટે છે. બાપુએ કથાને રાષ્ટ્રકથા તરીકે નામ આપ્યું છે. આ કથાનો ઉદ્દેશ્ય સરહદના શહીદ જવાનોના પરિવારજનોની મદદનો છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 10 ડિસેમ્બર સુધી આયોજિત રામકથામાં સેનાના શહીદ જવાનો માટે રુ. 251 કરોડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે. રામકથામાં રોજ શહીદોના ત્રણ પરિવારોનું સન્માન કરી પુરસ્કાર અપાશે.
 
રામકથાની માહિતી આપતા નનુભાઈ સાવલિયાએ કહ્યું કે, પ્રથમ દિવસે કથાનો સમય સાંજે 4થી 6 કલાકનો છે. યાત્રામાં દેશભક્તિના વિવિધ થીમ રખાશે. 101 કળશ સાથેની યાત્રાનાં માર્ગમાં રંગોળી દોરી સાત સોસાયટીઓ દ્વારાયાત્રાનું સ્વાગત કરાશે. યાત્રીઓની ફરતે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પૂરતા સન્માન સાથે જવાનો ચાલશે. પોથીયાત્રામાં આર્મી બેન્ડના તાલે NCCની બે ટીમ કવાયત કરશે. હાથી, ઘોડેસવાર ટીમ, બુલેટ સવાર ટીમ, ઢોલ શરણાઈ, દેશભક્તિ રજૂ કરતા ટેબલો, તેમજ પોરબંદરની શૌર્ય રાસમંડળની જમાવટ રહેશે.
 

 
 
પરમવીર ચક્ર વિજેતા ખાસ હાજરી આપશે
 
પરમવીર ચક્ર વિજેતા બાનસિંગ, સુબેદાર રાજિન્દરસિંગ, પૂર્વ મેજર જનરલ જી.ડી. બક્ષી, બિટ્ટાસિંગ, કમાન્ડર ઉદયભાસ્કર, કર્નલ આરએસએન સિંગ, વિંગ કમાન્ડર અફરાજ સર, કમાન્ડર સુરેન્દ્રસિંહ, મેજર રાકેશ શર્માસાંજે, એરમાર્શલ વી. કે. ભાટિયા, મેજર જનરલ નરપતસિંહ, સુભાષ શરણ, ડાયરેક્ટર કે. કે. શર્મા અને તોમર સહિતના અધિકારી ઉપસ્થિત રહેશે.
 

 
 
મોરારીબાપુની 801મી કથા
 
મોરારીબાપુની 801મી કથા વ્રજચોરાસીમાં પરિક્રમા પર હતી. તો 800મી કથા માણસ મસાણ કાશીમાં હતી. 799મી કથા જૂનાગઢમાં માનસ નગરમાં હતી. તો 798મી કથા વિંધ્યાચલમાં માનસ શ્રી દેવીના ધ્યેયથી કરી હતી. આથી સુરતની કથા શહીદોની સ્મૃતિમાં થઈ રહી હોવાથી રાષ્ટ્રકથા નામ અપાયું છે. તેમાં સેનાની ત્રણે પાંખ પર બાપુ વિવેચન અપાશે. કથામાં રામાયણની વાતો સાથે માનવજીનને સ્પર્શતી તમામ બાબતો પરશેરો શાયરી સામે કથા કરાશે.
 
જલ-થલ-વાયુ બાદ હવે સેનાની ત્રણેય પાંખ માટે કથા
 
મોરારી બાપુએ 1993થી અત્યાર સુધી જલ, થલ, વાયુમાં કથા કરી છે. સુરતમાં તેમની આ રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્ર કથાને જલ, થલ અને વાયુ એમ સેનાની ત્રણેય પાંખ માટે છે. તેમ પણ કહી શકાય.
 

 
વર્ષ 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વપરાયેલી ટેંક રામકથા સ્થળે મુકાઈ
 
વર્ષ 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વપરાયેલી ટેન્ક કથા સ્થળે મુકવામાં આવી છે. સુરતના નાગરિકોની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જોઈને અને જય જવાન નાગરિક સમિતિ તેમજ યંગ ફેડરેશનના સ્થાપક પ્રફુલ્લ પાનસેરિયાના પ્રયાસથી બ્રિગેડિયર બી. એસ. મહેતાની ભલામણથી પાલિકાને આ ટેન્ક વિનામૂલ્યે શહીદ સ્મારક તરીકે આપવામાં આવી છે. જે કાયમ માટે કતારગામ આંબાતલાવડી પાટીદાર સમાજની વાડી સામેના સર્કલ પર મુકાશે. હાલ સરથાણા કથા સ્થળ પર ટેન્ક મૂકવામાં આવી છે. આ ટી-55 ટેન્ક 300 મીટરની મારક ક્ષમતા 700 મીટર ગરમી અને કિરણોત્સર્ગ ક્ષમતાવાળી ગણવામાં આવે છે. જે તે સમયે એનસીબી રક્ષણના ધોરણો મુજબ ઉત્પાદન કરાયું હતું. ટી-44 અને ટી-54 ક્રમાંક ટેન્કનો આ સરવાળો હતો. 1970ના યુદ્ધમાં એક સામટી વધારે ગોળીબારની જરુરિયાત ઊભી થઈ હતી. ત્યારે યુદ્ધના મેદાને આ ટેન્કને ઉતારી હતી. આ મોડેલને 1970 તરીકે ઓળખવામાં આવે છે. આ એતિહાસિક ધરોહર સુરતને સ્મારકનાં રુપમાં પ્રાપ્ત થઈ છે જે સુરતના લોકો હંમેશા જોઈ શકશે.