બિટકોઇન લેવાનું વિચારો છો તો નાણાં મંત્રાલયનું આ ચોકાવનારું બયાન એક વાર વાંચી લો

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ભારત અને વિશ્વમાં બિટકોઇન સહિત વર્ચ્યુઅલ કરન્સીસ (વીસી)ની કિંમતમાં તાજેતરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. વીસીનું કોઈ આંતરિક મૂલ્ય હોતું નથી અને તેને કોઈ પણ પ્રકારની અસ્કયામતોનો ટેકો નથી. એટલે બિટકોન અને અન્ય વીસી સંપૂર્ણપણે ફક્ત અટકળો પર આધારિત છે, જેનાં પરિણામે તેમની કિંમતોમાં અતિ વધારો જોવા મળે છે અને અવારનવાર મોટી ચડઊતર પણ જોવા મળી છે. પોન્ઝિ સ્કીમમાં જે પ્રકારનાં જોખમ રોકાણનો પરપોટો જોવા મળ્યો હતો તેવું જોખમ આ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરવામાં રહેલું છે, જેનાં પરિણામે રોકાણકારોને એકાએક અને લાંબા ગાળાનાં કડાકાનો સામનો કરવો પડે એવું બની શકે છે તેમજ ખાસ કરીને રિટેલ રોકાણકારોને તેમનાં પરસેવાની કમાણી ગુમાવવાનો વખત આવે તેવું શક્ય છે. ઉપભોક્તાઓએ સતર્ક અને અતિ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની પોન્ઝી સ્કીમમાં ફસાવાનું ટાળવું જોઈએ. વીસીનો સંગ્રહ ડિજિટલ/ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે, જેમાં તેમને હેકિંગ, પાસવર્ડ ગુમાવવાનો, માલવેર એટેક વગેરે જેવું જોખમ રહેલું છે, જેનાં પરિણામે નાણાં કાયમ માટે ગુમાવવા પડશે. વીસીમાં વ્યવહારો એન્ક્રીપ્ટ હોવાથી તેનો ઉપયોગ ગેરકાયદેસર/વિનાશક કામગીરી હાથ ધરી શકે એવી શક્યતા છે, જેમ કે આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવું, દાણચોરી, નશીલા દ્રવ્યોની દાણચોરી અને મની-લોન્ડરિંગ વગેરે.
 
વીસીને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું સમર્થન મળ્યું નથી કે સરકાર તેની કોઈ ખાતરી આપતી નથી. વળી તે કાયદેસર ચલણ પણ નથી. એટલે વીસીને કોઈ પણ રીતે ચલણ ગણવું ભૂલભરેલું છે. આ કરન્સીઓને ‘કોઈન્સ’ (સિક્કા) તરીકે પણ વર્ણવવામાં આવે છે. જોકે આ સિક્કાઓનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. એટલે વર્ચ્યુઅલ‘કરન્સીસ’ ન તો ચલણ છે, ન સિક્કા. ભારત સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ વીસીને આદાનપ્રદાનનાં માધ્યમ તરીકે માન્યતા આપી નથી. ઉપરાંત સરકાર કે ભારતમાં કોઈ પણ નિયમનકારી સંસ્થાએ કોઈ પણ એજન્સીને કોઈ પણ વીસીનાં આદાનપ્રદાન કરવા કે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી તરીકે કામ કરવા લાઇસન્સ પણ આપ્યું નથી. આ પ્રકારનાં ચલણોમાં વ્યવહાર કરતાં વ્યક્તિઓએ આ હકીકતોનો વિચાર કરવો જોઈએ અને તેમાં સંકળાયેલા જોખમથી વાકેફ થવું જોઈએ.
 
વીસીનાં વપરાશકર્તાઓ, ધારકો અને વેપારીઓને ડિસેમ્બર, 2013, ફેબ્રુઆરી, 2017 અને ડિસેમ્બર, 2017માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ત્રણ વખત ચેતવણી આપી છે તથા તેની સાથે સંકળાયેલ નાણાકીય, સંચાલકીય, કાયદેસર, ગ્રાહક સંરક્ષણ અને સુરક્ષા સાથે સંકળાયેલ સંભવિત જોખમોથી વાકેફ કર્યા છે, જેમાં તેમને બિટકોઇન અને/અથવા અન્ય વીસીમાં રોકાણ કરવાથી તેમને કેવા જોખમનો સામનો કરવો પડશે એ સમજાવવામાં આવ્યું હતું. આરબીઆઈએ સ્પષ્ટતા પણ કરી છે કે, બિટકોઇન કે અન્ય કોઈ પણ વર્ચ્યુઅલ કરન્સી સાથે સંબંધિત કોઈ પણ સ્કીમ કે ડિલમાં કામ કરતી કોઈ પણ કંપની/સંસ્થાને લાઇસન્સ/અધિકૃતતા આપવામાં આવી નથી. સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે વીસી કાયદેસર ચલણ નથી અને આ પ્રકારનાં વીસી ભારતમાં કોઈ નિયમનકારી મંજૂરી કે સંરક્ષણ ધરાવતાં નથી. એટલે વીસી સાથે સંકળાયેલા કોઈ પણ વ્યવહારમાં સંકળાયેલા રોકાણકારો અને અન્ય સહભાગીદારોએ તેમનાં જોખમે રોકાણ કરવું જોઈએ અને શક્ય હોય તો તેમાં સહભાગી થવાનું ટાળવું જોઈએ, જે તેમનાં હિતમાં છે.”