દલિતોને હિન્દુ સમાજમાંથી બાકાત કરવાની માંગ મુસ્લિમોએ કરી હતી

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
સન ૧૮૭૦થી બ્રિટિશ શાસને દર ૧૦ વર્ષે વસતીગણતરી કરી તેનો અહેવાલ પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી. આ વસતીગણતરીમાંથી નાગરિક કયો ધર્મ પાળે છે કે કયા સમાજનો છે તેની જાણકારી મળતી હતી. સન ૧૯૧૦માં પહેલી જ વખત વસતીગણતરીના કમિશનરે ધર્મ અનુસાર વસતી જાણવા માટે એક કોલમ રાખ્યું હતું. આલેખમાં (૧) મુસ્લિમ, (૨) હિન્દુ તથા (૩) ખ્રિસ્તી વગેરેની જનસંખ્યાનો ઉલ્લેખ છે. સન ૧૯૧૦ની વસ્તીગણતરીમાં અહેવાલમાં પહેલીવાર જ હિન્દુઓને ભિન્ન વર્ગોમાં વિભાજિત કર્યા (૧) હિન્દુ, (૨) પ્રકૃતિકપૂજક આદિવાસી અને (૩) અછૂત, આમ, તે સમયથી જ હિન્દુઓનું આ નવીન વર્ગીકરણ ચાલુ થયું. આમ હિન્દુ સમાજની કાપકૂપ કરી તેને નાનો કરી દેવાનો દુષ્પ્રયાસ ૧૯૧૦થી શરૂ થયો અને તેની આગેવાની લીધી હતી આગાખાને.
 
આપણને પ્રશ્ર્ન થાય છે આવું શા માટે કરવામાં આવ્યું ? આમ કરવા પાછળ કોનો ઇરાદો કામ કરતો હતો ? હિન્દુ સમાજને વિભાજિત કરવા પાછળ કઈ શક્તિઓ કામ કરતી હતી ?
 
ડૉ. આંબેડકરે પોતાના લેખમાં શ્રી આગાખાને આપેલા આવેદનપત્રના શબ્દો જ ટાંક્યા છે જે નીચે મુજબ છે.
 
આવેદનપત્રમાં મુસ્લિમ આગેવાનોએ લખ્યું છે કે, ૧૯૦૧માં વસતીગણતરી કરવામાં આવી તે અનુસાર ભારતના મુસ્લિમોની સંખ્યા ૬ કરોડ ૨૦ લાખ ઉપરની બતાવી છે. અર્થાત્ નામદાર સરકારની ભારતીય પ્રજાના ચોથા કે પાંચમા ભાગ જેટલી લગભગ મુસલમાનોની વસતી છે. જો પ્રકૃતિપૂજકો અને બીજા નાના મોટા ધર્માવલંબીઓની કૉલમમાં આવનારી અસંસ્કૃત જાતિઓ જે વાસ્તવમાં હિન્દુ નહીં હોવા છતાં જેને હિન્દુ ગણવામાં આવે છે એને બાકાત કરવામાં આવે તો હિન્દુઓની સંખ્યાની તુલનામાં મુસલમાનોનું પ્રમાણ વધી જાય છે. એટલે અમો (મુસ્લિમો) વિનંતી કરીએ છીએ કે અને ઉચિત માનીએ છીએ કે, પ્રતિનિધિત્વ અંગે કોઈ પણ પ્રકારની વિસ્તૃત કે સંકુચિત પદ્ધતિમાં એક એવી જનસંખ્યા જે રશિયાને બાદ કરતાં પ્રથમ દરજ્જાની યુરોપીય શક્તિઓની જનસંખ્યાથી વિશેષ છે. એટલે ઉચિત રીતે માગણી કરે છે કે, એને રાજ્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળવું જોઈએ.
 
ડૉ. આંબેડકર ‘સંપૂર્ણ અક્ષરદેહ’ પુસ્તકમાં લખે છે કે, હિન્દુઓનું આ પ્રકારે વિભાજન કરી હિન્દુ સમાજને મુસ્લિમ સમાજ કરતાં નાનો બતાવવાનો આ પ્રયત્ન મુસ્લિમ ધર્મગુરુ શ્રી આગાખાન દ્વારા થયો હતો.
બાબાસાહેબ લખે છે કે, મુસ્લિમ ધર્મગુરુ આગાખાનના નેતૃત્વમાં મુસલમાનોનું એક પ્રતિનિધિમંડળ આવેદનપત્ર લઈ તે વખતના ગવર્નર જનરલ લોર્ડ મિન્ટોને મળ્યું હતું. આ આવેદનપત્રમાં મુસલમાનોએ જે તર્ક દર્શાવ્યો હતો તે અત્યંત ઘાતક અને ચોંકાવનારો હતો.