માત્ર એક મતના કારણે

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
 
૧૯૯૮માં યોજાયેલ ૧૨મી લોકસભાની ચૂંટણીનો દિવસ હતો. દિલ્હીના એક ચૂંટણી બૂથ ઉપર લાગેલી કતારમાં એક મતદાતાને ઊભેલા જોઈ તમામ લોકો આશ્ર્ચર્યમાં પડી ગયા. એ મતદાતા હતા દેશના પ્રથમ નંબરના નાગરિક તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન્. તેઓ સામાન્ય મતદારની માફક જ કતારમાં મત આપવા ઊભા હતા. વળી તેઓશ્રી એકલા ન હતા, તેમની સાથે તેમનાં પુત્રી ચિત્રા પણ હતાં.
એક પત્રકારે અહોભાવપૂર્વક તેમને પ્રશ્ર્ન પૂછ્યો, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘મત અતિ કીમતી છે. મતદાન દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.’
પણ પ્રશ્ર્ન એ થાય છે કે મત કીમતી શા માટે છે ? મતની કિંમત શું? આ સમજવા માટે એક બીજા પ્રશ્ર્નને સમજવો જ‚રી છે કે જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું ? તો જવાબ મળે છે કે જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું છે અને તે કારણે જ ચૂંટણીમાં મત અતિ મૂલ્યવાન છે.
 
એક વોટની કિંમત આમને પૂછો
 
  • ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કાઁગ્રેસના વારીસમિયાં ઠાકોર અને ભાજપ્ના જહીરમિયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હતા અને તેઓના આ વૉર્ડમાં તે જ જ્ઞાતિ સમુદાયના મત વધારે હતા, જેના કારણે બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ ખૂબ થતી હતી, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું. ભાજપ્ના જહીરમિયાં ઠાકોરને ૧,૨૫૦ અને કાઁગ્રેસના વારીસમિયાં ઠાકોરને ૧,૨૪૯ મત મળ્યા હતા. ભાજપ્ના જહીરમિયાંનો એક મતે વિજય થયો.
  • વર્ષ ૨૦૧૦. ભટોલી જદીદ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ. બે મહિલા નીતુ શર્મા અને પૂનમ શર્મા વચ્ચે અહીં બરાબરીનો જંગ થયો. ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આશ્ર્ચર્યજનક રહ્યું. મતગણતરીમાં પૂનમ શર્મા માત્ર એક વોટથી જીતી રહ્યાં હતાં. સ્થિતિને જોઈને ચૂંટણી અધિકારીએ એકવાર નહિ દસવાર મતોની ગણતરી કરી, પણ પૂનમ શર્મા માત્ર એક મતથી જ જીતી રહ્યાં હતાં. અંતે પૂનમ શર્માને વિજેતા ઘોષિત કરાયાં. માત્ર એક વોટથી નીતુની હાર થઈ.
  • વર્ષ ૨૦૧૨ - ચંદીગઢ. પંચાયત સમિતિના ચેરમેનની ચૂંટણી. આ ચેરમેનના પદ માટે ભાજપ અને કાઁગ્રેસ સામસામે હતા. ભાજપ્ના શિંગારા સિંહ કાઁગ્રેસના ઉમેદવાર સામે માત્ર એક વોટની સરસાઈથી જીતી ગયા.
  • કાઁગ્રેસના જ ઓલપાડની આપણી બેઠક પરથી ઊભા રહેલા દર્શન નાયકનો ૧ મતે વિજય થયો. પ્રતિસ્પર્ધી જે. ડી. પટેલને ૧ મત ઓછો મળ્યો.
  • જલાલપોર તાલુકા પંચાયતમાં મંદિરગામની બેઠક પર બીજેપીના વિક્રમ મહેતાનો ૧ મતે વિજય થયો. કાઁગીના દેવાંગકુમાર નાયકને ૧ મત ઓછો મળ્યો.
  • ૯૮માં બીજેપીના સોમ મરાન્ડી બિહારની રાજમહલ સંસદીય બેઠક પર માત્ર ૯ મતે જીત્યા હતા. તેવી રીતે ૮૯માં કાઁગ્રેસના રામકૃષ્ણ આંધ્રની અનાકપલ્લી સંસદીય બેઠક ૯ મતે જીત્યા હતા. ૯૬માં વડોદરાની બેઠક ભાજપ્ના જીતુભાઈ સુખડિયા માત્ર ૧૭ મતે હાર્યા હતા.
  • તમને યાદ છે ? ૧૯૯૯માં પાર્લામેન્ટમાં અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી. આ સમયે ભાજપ્ની સરકાર સામેના અવિશ્ર્વાસના પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા, જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડ્યા હતા. જયલલિતાએ અટલજીને એક વોટ ન આપ્યો અને આમ એક મતથી આખેઆખી સરકાર પડી ગઈ હતી. જોકે ચંદ્રશેખરે પાછળથી પશ્ર્ચાત્તાપ કરતાં નિવેદન કરેલું કે મને ખબર હોત કે ૧ મતથી સરકારનો પરાજય થવાનો છે તો હું મત વિરોધમાં ન આપત.
  • અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ આજે દુનિયાભરમાં છે. આ પ્રભુત્વ પણ એક વોટના કારણે જ તેને મળ્યું છે. અમેરિકામાં જર્મન ભાષા બોલાશે કે પછી અંગ્રેજી ભાષા બોલાશે ? આ પ્રશ્ર્નનો જવાબ શોધવા ૧૭૭૬માં અમેરિકાની કેબિનેટમાં એક ચૂંટણી યોજાઈ હતી, જેમાં માત્ર ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ હતી. આ ચૂંટણી બાદ અમેરિકાએ અંગ્રેજી ભાષા અપ્નાવી અને આજે અમેરિકાએ અંગ્રેજીનો પ્રચાર દુનિયામાં કર્યો છે અને તેનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ.
  • આટલું વાંચીને, આ ઉદાહરણોને બરાબર સામે રાખીએ તો જરૂર આપણને આપણા એક વોટની શક્તિનો ખ્યાલ આવશે. મારા એક વોટથી શું ફરક પડવાનો છે? આવું ઘણા બધા વિચારતા હોય છે પણ ઘણીવાર નેતાની કે સરકારની પસંદગી પણ એક વોટથી જ થાય છે. એક વોટ હાર-જીત નક્કી કરવાની તાકાત ધરાવે છે.
આ તો માત્ર થોડાં ઉદાહરણો જ છે. બાકી પાંચ, પંદર, પચ્ચીસ, સો, બસ્સો વોટથી પણ ઉમેદવારોની હાર-જીત નક્કી થયેલી છે. માત્ર ૧૫ વોટથી આપણા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ચૂંટણી જીતી ગયા હતા.
નાથદ્વારા રાજસ્થાન, ૨૦૦૮ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર સી. પી. જોશી ભાજપના કલ્યાણસિંહ સામે તેમણે મેળવ્યા ૬૨,૨૧૫ વોટ માત્ર ૧ મત ઓછો મુખ્યમંત્રી પદ ગયું.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ચૂંટણીનું રસપ્રદ પરિણામ. વર્ષ ૧૯૧૭. અમદાવાદ બે વકીલો પ્રતિસ્પર્ધી. સરદાર સામે મોઈનુદ્દીન મહંમદભાઈ નરમાવાળા. કટોકટ હરિફાઈ. સરદારે મેળવ્યા ૩૧૪. નરમાવાળા ૩૧૩. સરદાર ૧ મતે વિજય.
 
એક વોટ...
 
વર્ષ ૨૦૦૮. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી. મધ્યપ્રદેશની ‘ધાર’ સીટ પર ભાજપે મહિલા ઉમેદવાર નીના વિક્રમ વર્માને મેદાને ઉતાર્યાં હતાં, તો કાઁગ્રેસે બાલમુકુન્દસિંગ ગૌતમને આ સીટ પર કબજો જમાવવા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. ધારના કુલ વોટ ૧,૦૬,૭૦૩ જેટલા પડ્યા, જેમાંથી ૫૦,૫૧૦ વોટ નીના વિક્રમ વર્માને મળ્યા અને ૫૦,૫૦૯ વોટ કાઁગ્રેસના બાલમુકુન્દસિંગ ગૌતમને મળ્યા. બાલમુકુન્દની માત્ર એક વોટથી હાર થઈ.
 
આજનો અણગમતો મત, આવતીકાલે મનગમતો મત
 
૧૮ ઑક્ટોબર, ૧૮૬૭ની આ ઘટના છે. આ દિવસે સોવિયેત રશિયાએ અલાસ્કા નામનો પ્રાંત ૭૨ લાખ ડૉલરમાં અમેરિકાને વેચી દીધો. જો કે અમેરિકાની પ્રજા આ ઉજ્જડ જમીન આટલી મોટી કિંમતે લેવાની વિરુદ્ધમાં હતી, તેથી રાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધમાં ત્યાંની સંસદમાં ખટલો ચાલ્યો. ચર્ચાના અંતે મતદાન કરાવી નિર્ણય લેવાનું નક્કી કરાયું. મતદાનમાં ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બચી ગયા અને તેમની સામેનો ખટલો બંધ થયો, પણ મજાની વાત હવે આવે છે. અમેરિકાનોની અનિચ્છાએ ખરીદેલા આ ઉજ્જડ અલાસ્કામાં ૧૮૯૬માં સોનાની ખાણો નીકળતાં અમેરિકી પ્રજા રાજીના રેડ થઈ ગઈ. આમ અણગમતો ૧ મત ૩૦ વર્ષ પછી મનગમતો બની ગયો.
 
સમૂહ લગ્નોત્સવમાં મતદાન કરવાના શપથ
 
૨૩ નવેમ્બરે, ભાવનગર તાલુકાના બુધેલ ગામે સરદાર પટેલ સમાજ ભાવનગર, ઘોઘા તાલુકા દ્વારા યોજાયેલ ૨૪મા સમૂહલગ્ન સમારોહમાં ૬૦ નવદંપતી સહિત હજારો લોકોને પોસ્ટર, બેનર પ્લેકાર્ડ થકી મતદાન માટે અપીલ કરાઈ હતી. આ અપીલના પ્રતિસાદ રૂપે નવદંપતીઓ સહિત સહુએ મતદાન કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
 
મતદાનના દિવસે રામકથા મોડી શરૂ થશે
 
સુરત શહેરના આંગણે આગામી ૨જી થી ૧૦મી ડિસેમ્બર દરમ્યાન દેશના વીર સૈનિકોના હિતાર્થે મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. સામાન્ય દિવસોમાં સવારે ૯.૩૦ વાગ્યાથી બપોરે ૧.૩૦ કલાક દરમ્યાન કથા વાંચવામાં આવે છે. પરંતુ ૯મી ડિસેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણી માટે મતદાન હોવાથી ચૂંટણીમાં લોકો શાંતિપૂર્વક મતદાન કરી શકે એ માટે કથાનો સમય સાંજે ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૧૦ સુધીનો રાખવાનું પૂજ્ય મોરારીબાપુએ કથાના આયોજકોને સૂચન કર્યું છે.
મતદાન કરવા અમેરિકાથી આવ્યા
 
ગાંધીનગર જિલ્લાના પલિયડ મણિભાઈ પટેલ ૮૪ વર્ષના છે. તેઓ મતદાનના ભારે આગ્રહી છે. તેમને ભારત અને અમેરિકા બંને દેશોમાં મત આપવાનો અધિકાર છે. તેથી ઓબામાની ચૂંટણી વખતે તેઓ વોટ આપવા ન્યૂજર્સી ગયા હતા અને ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પોતાનો મત આપવા તેઓ ભારત આવ્યા હતા. તેમણે કરેલ મતદાનનો ફોટો પણ વર્તમાનપત્રોમાં છપાયો હતો.
 
એક મત યુદ્ધ પણ કરાવી શકે છે
 
૧૮૪૬માં ૧ મતના કારણે યુદ્ધ સર્જાયું હતું. મેક્સિકોના લશ્કરે ટેક્સાસમાં ઘૂસણખોરી કરી કબજો જમાવ્યો. તે વખતના અમેરિકાના પ્રમુખ જેમ્સ પોક આ ગુસ્તાખી બદલ મેક્સિકોને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ સંસદમાં કેટલાક સાંસદો યુદ્ધને બદલે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા માંગતા હતા. લાંબી ચર્ચા પછી યુદ્ધ કરવું કે નહીં તે બાબતે સંસદમાં મતદાન થયું. જેમ્સ પોકના સમર્થનમાં માત્ર ૧ મત વધુ મળતાં મેક્સિકો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લેવાયો. આમ ૧ મતના કારણે લોહિયાળ યુદ્ધ પણ થયું.
 
૧ મતની કિંમત ‚રૂ. ૨,૦૦૦ કરોડ !
 
૧૯૯૮માં કેન્દ્રમાં ભારતીય જનતાપક્ષના અટલજીના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકાર બની, પણ ૧૭ એપ્રિલ, ૧૯૯૯ના રોજ અટલ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મુકાઈ. સંસદમાં મતદાન થયું અને માત્ર ૧ મત ઓછો મળવાને કારણે અટલજીની સરકાર પરાજિત થઈ. અટલજીને રાજીનામું આપવું પડ્યું. ઑક્ટોબર, ૯૯માં ફરીથી ચૂંટણી થઈ, પણ આ બિનજરૂરી ચૂંટણીનો દેશને માથે કેવડો મોટો બોજો પડ્યો. તેની આપને ખબર છે? ‚રૂ. ૨,૦૦૦ કરોડ. આમ ૧ મતની કિંમત ‚રૂ. ૨,૦૦૦ કરોડ.
 
એક મત ફાંસી પણ અપાવી શકે છે
 
ઇંગ્લેન્ડમાં રાજા ચાર્લ્સનું શાસન હતું. ચાર્લ્સ સ્વભાવે અત્યંત ક્રૂર અને આપખુદ હતો. તે સમયે ઇંગ્લેન્ડમાં અમીર-ઉમરાવોનું ભારે વર્ચસ્વ હતું. રાજા ચાર્લ્સની આપખુદશાહીમાંથી મુક્ત થવા અમીર-ઉમરાવોએ ઇંગ્લેન્ડની ઉમરાવસભામાં બંડ પોકાર્યું. આખરે મતદાનનો નિર્ણય લેવાયો અને ૧ મત વધુ મળતાં ત્યાંની ઉમરાવસભાએ રાજા ચાર્લ્સને ફાંસી આપી દીધી.
 
મત આટલો મહત્ત્વનો હોય તો અવશ્ય મતદાન કરો
 
ધીમે ધીમે મતની મહત્તા નાગરિકોને સમજાવા લાગી છે. વધતા જતા શિક્ષણને કારણે, ચૂંટણી પંચ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા થતા મતદાર જાગૃતિ કાર્યક્રમોને કારણે હવે મતદારો આળસ છોડીને મતદાન કરતા થયા છે, તેની કેટલીક રસપ્રદ ઘટનાઓ આ લેખમાં ટાંકવાનું મન થાય છે.
 
થોડીક વિદેશની ઘટનાઓ જોઈએ
 
  • અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ, જેમાં થોમસ જેફરસનને માત્ર ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બની ગયા.
  • ૧૯૬૦માં જ્હોન કેનેડીને પોતાના પ્રતિસ્પર્ધી નિક્સન કરતાં પ્રતિ પ્રિસિન્કર ૧ મત વધુ મળવાને કારણે કેનેડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની ગયા.
  • ૧૯૪૮માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રૂમેનને માત્ર ૧ જ વધુ વોટ મળવાને કારણે અમેરિકાનું પ્રમુખપદ મળી ગયું.
  • ૧૯૬૮માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રયૂ જ્હોન્સન પર ત્યાંની સંસદમાં અવિશ્ર્વાસની દરખાસ્ત આવી (ઇમ્પિચમેન્ટ-મહાઅભિયોગ), પરંતુ તેમના સમર્થનમાં ૧ મત વધુ પડવાથી જ્હોન્સન બચી ગયા.
તમે અકબર બિરબલની એક વાર્તા જરૂર સાંભળી હશે. જેમાં અકબર પોતાના શહેરીજનોને એક તરણકુંડમાં રાત્રે એક લોટો દૂધ નાખવાનું ફરમાન કરે છે. રાત્રે બધા શહેરીજનો વિચારે છે કે રાત્રે દૂધની જગ્યાએ એક લોટો પાણી નાંખી દઈએ તો કોને ખબર પડવાની છે? દૂધમાં પાણી ભળી જશે. મારા એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે? સવારે જ્યારે અકબર તરણકુંડને જોવા આવે છે તો તો તરણકુંડ માત્ર પાણીથી જ ભરેલો હોય છે. બધાએ આવું વિચારીને દૂધની જગ્યાએ પાણી જ નાખ્યું. મતદાન કરવામાં પણ કંઈક આવું છે. ગુજરાતના ૪૦ ટકા મતદારો તો મતદાન કરતા જ નથી. લગભગ આ લોકો વિચારે છે કે મારા એક વોટથી શું થવાનું છે ? પણ વાસ્તવિકતાને સમજો. આવું માનનારા તમે એકલા નથી. જો આવું માનનારા ભેગા થઈ જાય તો ટીપે ટીપે સરોવર ભરાઈ જાય ને! આપણે એક વાતને સમજી લેવી જોઈએ કે દરેક મતની ગણના થાય છે. એકડેએકથી જ એક કરોડ, બે કરોડ સુધી પહોંચાય છે.
એવું કહેવાય છે કે બંદૂકની ગોળી (બુલેટ) કરતાં ‘મત’ (બેલેટ) વધારે શક્તિશાળી છે અને માટે જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો ચાલો, આ વોટ નામની શક્તિશાળી બંદૂકની ગોળીનો ઉપયોગ કરીએ... ચાલો, મતદાન કરીએ... અને કરાવીએ...
  
હું મતદાન કરવાનું ક્યારેય ચૂક્યો નથી
 
સાણંદના વૃદ્ધ અને બીમાર ભાઈલાલભાઈ. તેઓ છેલ્લાં ૧૨ વર્ષથી સાવ પથારીવશ છે. કોઈના સહારા સિવાય મતદાન મથકે જઈ શકે તેમ નહોતા. ગઈ ચૂંટણીમાં એમણે પોતાના દીકરાની સહાયથી સાણંદના સંસ્કાર વિદ્યાલય ખાતે આવેલા મતદાન મથકે જઈ મત આપ્યો. મતદાન પછી એમણે જણાવ્યું કે, ‘હજુ સુધી એક પણ ચૂંટણીમાં મત આપવાનું હું ચૂક્યો નથી.’
 
ભલે યમરાજ લઈ જાય, પણ મતદાન તો કરીશ જ
 
ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયની આ ઘટના છે. અમદાવાદ જિલ્લાના માંડલ ગામે રહેતા વૃદ્ધ અહેમદભાઈ હૃદયરોગના દર્દી. ડૉક્ટરે તેમને પરિશ્રમ કરવાની ઘસીને ના પાડેલી, છતાં ડૉક્ટરની સલાહની ઐસી તૈસી કરીને ચૂંટણીના દિવસે મતદાન કરવા માંડલ ગુજરાતી કુમારશાળાના ચૂંટણી મથકે જઈ મતદાન કર્યું, પણ મતદાન બુથમાંથી બહાર આવતાં જ તેમના પર હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ મતદાન મથકે જ જન્નતનશીન થયા.
 
સંતોકબાને કારણે આખા ગામે મતદાનનો સંકલ્પ કર્યો

આ ઘટના છે ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની. મહુવા તાલુકાના સચેરા ગામમાં સંતોકબા રહે. તેમની ઉંમર ૧૧૯ વર્ષની છે. સંતોકબાએ મતદાનના દિવસે મત આપવા જવાની હઠ લીધી. તેમની હઠ જોઈ આખા ગામને એમ થયું કે આટલા વૃદ્ધ અને અશક્ત સંતોકબા જો મતદાન કરે તો શું આપણે ઘેર બેસી રહેવાનું ? પરિણામે આખા ગામે સંકલ્પ કર્યો કે ગામનો એક પણ મતદાર મતદાન કર્યા સિવાય નહીં રહે.