માધવસિંહ સોલંકીના પ્રધાનમંડળમાં એકપણ પાટીદાર મંત્રી ન હતા

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭
 
૭ જૂન, ૧૯૮૦ના રોજ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા. હવે ગુજરાતમાં સોલંકી યુગનો પ્રારંભ થયો. ગુજરાતના સ્વચ્છ વાતાવરણને કોમી દિશા આપવાનો પ્રારંભ માધવસિંહે કર્યો, પોતે રચેલા ૨૨ સભ્યોના પ્રધાનમંડળમાં એક પણ પાટીદાર મંત્રીનો સમાવેશ ન કરીને માધવસિંહે રાજકીય ધડાકો કરી ગુજરાતમાં ભયાનક ભૂકંપ સર્જ્યો. સમગ્ર સમાજને સાથે રાખી ચાલવાને બદલે કોંગ્રેસે જ્ઞાતિવાદની જટિલ દિશા પકડી ગુજરાતના રાજકીય જીવનને કલુષિત કરી નાખેલું.

 
આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને આદિવાસી નાયબ મુખ્યમંત્રી સી.ડી. પટેલ આદિવાસીઓનું કલ્યાણ કેમ ન કરી શક્યા ?
 
માધવસિંહના સમયમાં સર્જાયેલી અરાજકતામાંથી અમરસિંહે ગુજરાતને બહાર લાવી દીધું. અત્યાર સુધી આદિવાસીઓના લટકતા પ્રશ્ર્નો હલ કરવાની જવાબદારી આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહના માથે આવી. અમરસિંહ આદિવાસીઓનું કલ્યાણ કેમ ન કરી શક્યા તે પ્રશ્ર્ન ગુજરાતના ૯૦ લાખ આદિવાસીઓએ કોંગ્રેસને પૂછવો જોઈએ. આ જ રીતે આદિવાસી સી.ડી. પટેલ કોંગ્રેસી પ્રધાનમંડળમાં નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ આદિવાસીઓના પ્રશ્ર્નો હલ કરી શક્યા હોત પણ અગર આ પ્રશ્ર્નો આદિવાસી નેતાઓના શાસનમાં પણ હલ ન થઈ શક્યા હોય તો આને માટે જવાબદાર કોને ગણવા ?
 

 
અંડરવર્લ્ડનો ખૂંખાર ડોન અબ્દુલ લતીફ કોંગ્રેસના શાસનમાં ઊભો થયો
 
૧૯૮૦ પછી આવેલા માધવસિંહના શાસન દરમિયાન અમદાવાદના એક રોડ છાપ ટપોરી અબ્દુલ લતીફ શેખને કોંગ્રેસી પીઠબળ મળ્યું અને પરિણામે સંસ્કારી ગુજરાતમાં અંડરવર્લ્ડનો ખૂંખાર ડોન ઊભો થયો. તે દરમ્યાન ફાટી નીકળેલા અનામત વિરોધી આંદોલનને હિંસક હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ફેરવવાનું કામ લતીફને સોંપવામાં આવ્યું. ગુજરાતે આ કોંગ્રેસી શાસનમાં ક્યારેય ન જોયા હોય તેવા ભયાનક હુલ્લડો અને કરફ્યુના દિવસો પૂરા પાંચ વર્ષ સુધી જોયાં. જેમાં અસંખ્ય નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા.