સંવેદનશીલ સવલતો યુવાનની ઇન્ટેલિજન્સને નિખારી ભાવિ ઘડે છે

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
યુવાન એટલે વિકાસ, યુવાન એટલે તેજ રફ્તાર અને યુવાન એટલે રાજ્યનું ભાવી. યુવાન જેટલો અડીખમ, આધુનિક અને અગ્રેસર એટલો જ એનો સમાજ, રાજ્ય અને દેશ આગળ. વર્તમાન સમયમાં યુવાનો માટે સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય તો તે છે તેનું ભાવી. યુવાનનું ભાવી સિક્યોર હોય, તેને રોજગારીની પૂરી તકો પોતાના રાજ્યમાં, શહેરમાં મળતી હોય, તેની ક્ષમતા, ઇન્ટેલિજન્સ વગેરેને નિખારવા માટેની તકો તેને પોતાના રાજ્યમાં કે દેશમાં મળતી હોય તો યુવાન નિશ્ર્ચિતપણે પોતે પણ વિકસે અને તેના રાજ્યને પણ આગળ લઈ જાય.
 
કોઈપણ દેશ કે રાજ્યના વિકાસની ધરોહર યુવાનો જ હોય છે. માટે જ તમામ સરકારોની પ્રાથમિકતામાં દેશ-રાજ્યના યુવાનો મુખ્ય રહે છે. ગુજરાતમાં ૫૧ ટકા યુવાઓ છે ત્યારે જો આ ૫૧ ટકા વસ્તીને યોગ્ય શિક્ષણ અને રોજગારલક્ષી માર્ગદર્શન મળે તો ગુજરાતની પ્રગતિની રેલ બુલેટ ઝડપે દોડે એ નક્કી છે.
 
યુવાનોને ગુજરાતમાં અનેક એવી તકો, સવલતો, સગવડો, પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે, જેના કારણે યુવાન તેના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું ભાવી સુરક્ષિત કરી શકે છે.
 
રાજ્યમાં યુવાવર્ગ માટે વિવિધ યોજનાઓ ચાલી રહી છે, જેનો લાભ વત્તે-ઓછે અંશે યુવાપેઢીને થઈ પણ રહ્યો છે. સમાજના દરેક વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં યુવા સ્વાવલંબન યોજના કારગર સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓને ૧ હજાર કરોડનો લાભ મળી રહ્યો છે. પ્રોત્સાહક વાત એ છે કે આ યોજનાનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળે તે માટે કુટુંબની આવકમર્યાદા છ લાખ સુધીની અને ટકાવારી (પર્સન્ટાઈલ) પણ ૮૦ ટકા કરી દેવાઈ છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓના ધો. ૧થી ૮નાં તમામ બાળકોને વાલીની આવકમર્યાદા ધ્યાનમાં લીધા વગર પાઠ્યપુસ્તકો, ગણવેશસહાય અને શિષ્યવૃત્તિ પણ મળી રહી છે.
 
રોજગારી એ યુવાપેઢીનો મુખ્ય પ્રશ્ર્ન છે. ત્યારે રાજ્યના યુવાનો માટે સમયની માંગ મુજબ નવીન તકો માટે સ્ટાર્ટઅપ મિશનની રચના થઈ છે, જે અંતર્ગત નાના અને મોટા કદના જી.આઈ.ડી.સી.ના નિર્માણ માટે ઉદ્યમી યુવાનોને સહાય મળતી થઈ છે. વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકોની જાણકારી માટે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, જેમાં તાજેતરના વર્ષમાં ૧૧૩ જેટલા સેમિનાર થકી ૧૨,૩૦૦ યુવાઓને માર્ગદર્શન અપાયું છે.
 
ઉલ્લેખનીય છે કે કેન્દ્રે ગવર્નમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ૩ લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને જાપાનમાં તાલીમ અર્થે મોકલવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ મહત્ત્વની બની રહેશે. આજે ગરીબ પરિવારની યુવતી જો જી.એમ.ઈ.આર.એસ. અને ખાનગી મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તો તેને સંપૂર્ણ ટ્યૂશન ફી સરકાર ચૂકવે છે. ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનાર ગરીબ પરિવારના વિદ્યાર્થીઓની ટ્યુશન ફી ઉપરાંત વતનના તાલુકાની બહાર હૉસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે રહેવા જમવા માટે ૧૨,૦૦૦ની સહાય અપાય છે. તો મેડિકલ, એન્જિનિયર જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે ૧૦,૦૦૦ સુધીની સાધન, પુસ્તકસહાય અપાય છે.
 
રોજગારવાંચ્છુ યુવાઓ માટે પણ અનેક યોજનાઓ ચાલી રહી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી માંડી સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાઓ માટે ખૂબ જ મદદરૂ |પ સાબિત થઈ શકે છે. સ્વરોજગાર માટે તાલીમ મેળવનાર ઉદ્યોગસાહસિકોને માલ-સામાન તેમજ મશીનરી માટે ‚રૂ. ૧૦ લાખ સુધીની લોન સહાય અને ‚ રૂ. ૪૦,૦૦૦થી ૬૦,૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવે છે. તો આઈ.ટી.આઈ. પાસ યુવાનોને વ્યવસાય શરૂ કરવા ૧ લાખ સુધીની બેન્ક લોન સહાય અને લોન પર ૭ ટકાની વ્યાજ સહાય આપવામાં આવે છે.
 
યુવા શબ્દ આવે એટલે તેની સાથે રમતગમત શબ્દ આપોઆપો જોડાઈ જાય છે. હાલ દરેક યુવાનોના મનમાં પોતાના કાંઈક આગવા કૌશલ્ય થકી સમગ્ર દેશ અને દુનિયામાં છવાઈ જવાની ખેવના હોય છે. તેમની આ ખેવના અને આકાંક્ષાને થોડે ઘણે અંશે ખેલમહાકુંભ જેવાં આયોજનો ટેકારૂપ બની શકે છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તે માટે શક્તિદૂત યોજના ચાલી રહી છે, જેમાં યુવાઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ અપાય છે, આજે તાલીમ અને સહાયના કારણે તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતે ૧૦ સુવર્ણપદક સહિત ૧૨ મેડલ જીતી બતાવ્યા છે.
રાજ્ય, સમાજ, શહેર બધા જ તેના યુવાનોને શિખરે જોવા માગે છે. તેના થકી સમાજનો વિકાસ જોવા માગે છે. યુવાનો ગુર્જર ભૂમિ પર પ્રાપ્ત આ સંવેદનશીલ સવલતોનો લાભ લઈ પોતાનું અને રાજ્યનું ગૌરવ વધારે.