ચૂંટણીની લડાઈ બે પક્ષો વચ્ચે હોવી જોઈએ - બે વ્યક્તિઓ વચ્ચેની નહિં

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
‘મહાગુજરાત લે કે રહેંગે’ આંદોલન બાદ ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું. એ પછીની લોકસભાની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદના નેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક સામે અમદાવાદના મિલમાલિક શ્રી જયકૃષ્ણ હરિવલ્લભદાસ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
 
આ ચૂંટણીના પ્રચાર વેળા એક રાત્રે ખાડિયા માણેકચોકમાં જયકૃષ્ણભાઈ અને ઇન્દુચાચા અચાનક સામસામે મળી ગયાં. ઇન્દુચાચાને જોઈ મિલમાલિક શ્રી જયકૃષ્ણભાઈ પોતાની મોટરકારમાંથી નીચે ઊતરી ગયા હતા અને ઇન્દુચાચાને ભેટી પડ્યાં. ઇન્દુચાચા પણ તેમને દિલથી ભેટ્યા હતા.
 
બે વિરોધી પાર્ટીના નેતાઓ આ રીતે ઉમળકાભેર મળે અને ભેટે તે એક અનોખું દૃશ્ય હતું. ચૂંટણીની લડાઈ બે પક્ષો વચ્ચે હોવી જોઈએ - બે વ્યક્તિઓ વચ્ચેની નહિં તે આ બંને મહાનુભાવોએ પુરવાર કર્યું
 
વર્તમાન ચૂંટણીમાં એકબીજા પર વ્યક્તિગત રીતે કાદવ ઉછાળવાની રમતો રમાઈ રહી છે ત્યારે આ પ્રસંગ પ્રેરણાદાયી બની રહેશે.
રાજકીય પક્ષનો કાર્યકર કે નેતા સત્તાપક્ષમાં હોય કે વિપક્ષમાં બન્ને વચ્ચે વ્યક્તિગત કડવાશ અને ભેદભાવ વિનાના સંબંધો અનિવાર્ય છે. તો જ મજબૂત લોકશાહીનું નિર્માણ થઈ શકે.