યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે... મહિલા સશક્તિકરણમાં ગુજરાત કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
કહેવાય છે કે, મહિલાઓ અડધું આકાશ ઓઢી બેઠી છે. વર્તમાન સમયમાં મહિલાશક્તિ આ કહેવતને સાકાર કરી રહી છે. સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્ર એટલે કે કિચનથી માંડી કેબિનેટ સુધી મહિલા સશક્તિકરણની મહેક પ્રસરી છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર ત્યાંના તંદુરસ્ત સમાજ પર રહેલો છે અને આ તંદુરસ્ત સમાજના નિર્માણમાં મહિલાશક્તિનું મુખ્ય યોગદાન રહેલું છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્યની ૬ કરોડ આબાદીમાં અડધો અડધ મહિલાઓ છે. જો આ શક્તિની સહભાગિતા રાજ્યના વિકાસમાં વધે તો વિકાસને એક નવી જ દિશા મળી શકે છે અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે, મહિલા સશક્તિકરણમાં ગુજરાત તેના પ્રારંભકાળથી જ અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની નોંધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. બેટી બચાવો, બેટી પઢાઓથી માંડી લગ્ન, કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓ આજે પણ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની સંવેદનશીલતા બતાવે છે.
 
જે સમાજમાં મહિલાઓનું સન્માન જળવાય.. તે સમાજ સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ કહેવાય. નારીનું સન્માન ત્યારે અનેકગણું વધી જાય છે, જ્યારે તે સુખી અને સમૃદ્ધ હોય. રાજ્યમાં માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે ચિરંજીવી યોજના સહિત મહિલા સંબંધિત અનેક યોજનાઓ અમલમાં છે. રાજ્યમાં બે લાખ સખી મંડળ, સ્વસહાય જૂથોની ૨૪ લાખ જેટલી મહિલાઓને બેંક પૂરી પાડવામાં આવી છે અને જેના થકી આ મહિલાશક્તિ ૧૦૦૦ કરોડની આર્થિક પ્રવૃત્તિ કરી રહી છે. ગ્રામીણ સ્તરે દૂધ ઉત્પાદક મંડળી અને શહેરી વિસ્તારમાં મહિલાઓ મિશન મંગલમ્ અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગોની તાલીમ લઈ સ્વનિર્ભર બની રહી છે.
 
મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા મહિલા પશુપાલકો ખાસ પેકેજ હેઠળ બલ્ક મિલ્ક કુલર, મિલ્કીંગ મશીન, ચાકુ-કટર તથા પશુ વીમા માટે સહાયની પણ યોજના અમલી છે. આવી મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધમંડળીઓને દૂધઘર માટે ‚રૂ. ૧ના ટોકનના દરે ૩૦૦ ચોરસવાર સરકારી જમીન પણ મળી રહી છે.
 
સરકારી નોકરીમાં તેમજ પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલા અનામત છે. રાજ્ય પરિવહન નિગમની બસોમાં ટિકિટ ટિકિટ
કરતી કોઈ મહિલા કંડક્ટર જોવા મળે એવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે.
 
મહિલા સશક્તિકરણની વાત આવે ત્યારે મહિલા સુરક્ષાનો મોટો મુદ્દો છે. આગળ ઉલ્લેખ કર્યો તેમ અહીં મહિલાઓ માટે જન્મથી માંડી લગ્ન અને કમભાગ્યે કોઈ મહિલા વિધવા બની નિરાધાર બને તેના માટે પણ વિશેષ યોજનાઓ અમલી છે. ગુજરાતની ગૃહિણી હોય કે વ્યવસાયિક દરેક મહિલાની જીભે અભયમ્ ૧૮૧ નામ રમતું થઈ ગયું છે. મહિલાઓની સુરક્ષા, સહાય અને તે અંગે જરૂરી માર્ગદર્શન આપતી આ હેલ્પલાઈન પર અત્યાર સુધી ૬૬.૬૧ લાખ કોલ મળ્યા છે. ૫૭૩૭૨ કેસમાં રેસ્ક્યુવાન પણ મોકલાઈ છે. અભયમ્ની મોબાઈલ એપમાં ૨૨૦ મોબાઈલ યુઝર્સની નોંધણી થઈ છે.
 
આ એ રાજ્ય છે જ્યાં મહિલાઓને ઝડપી ન્યાય અને આત્મસન્માન સાથે સુરક્ષા આપતી ૨૩૭ નારી અદાલતો ચાલે છે. મહિલાઓને તેમના અધિકારોને લગતા કાયદાઓનું જ્ઞાન મળી રહે તે માટે કાયદા શિબિરો યોજાય છે. એક આંકડા મુજબ આ શિબિરોમાં અત્યાર સુધી ૪૫ હજાર મહિલાઓએ ભાગ લીધો છે અને પોતાના અધિકારો વિશે માર્ગદર્શન મેળવ્યું છે. ગત એક વર્ષમાં જ ૨૭ નારી સમ્મેલનોમાં ૧૫ હજાર મહિલાઓને વિવિધ ક્ષેત્રનું માર્ગદર્શન મેળવ્યું.
 
આંકડા એમ પણ કહે છે કે, છેલ્લા એક વર્ષમાં મહિલા અત્યાચાર સંબંધી મળેલી ૧૭૩૪ અરજીઓ પૈકી ૧૩૪૯ અરજીઓનો નિકાલ થયો છે.
 
પિતૃસત્તાક સમાજમાં જ્યારે કોઈ મહિલાનો પતિ અવસાન પામે છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં મહિલા નિરાધાર બની જાય છે. ખાસ કરીને મહિલા પાસે જ્યારે આવકાનો કોઈ જ સ્રોત હોતો નથી ત્યારે તેનું જીવવું દુષ્કર બને છે. આવી મહિલાઓને થોડેઘણે અંશે નિરાધાર વિધવા મહિલા સહાય યોજના રાહત આપનારી સાબિત થઈ છે. આવી મહિલાઓને ૧૦૦૦ સહાય પેન્શન આપવામાં આવે છે.
 
આ સિવાય પણ અહીં સગર્ભા અને ધાત્રીમાતાઓને માટે માતૃસહયોગ યોજના અંતર્ગત પૂરક પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેમજ બાળકના જન્મસમયે ૬ હજારની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. આંકડાનું માનીએ તો રાજ્યની ૧.૫૫ લાખ ગર્ભવતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે.
કુંવરબાઈનુ મામેરું યોજના હેઠળ ૧૨ હજારની સહાય મળે છે, જેની વાર્ષિક આવકમર્યાદા પણ એક લાખ થઈ ગઈ છે.
અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને અભ્યાસ અને રહેવાની ઉત્તમ સુવિધા ઝાલોદ, ઉચ્છલ, વાલોડ, બોડેલી, વાંસદા, મોટાપૌંઢા, મહેસાણા, ઈડર, વાઘોડિયા તથા લુણાવાડ ખાતે દસ નવાં ક્ધયા છાત્રાલયોનું નિર્માણ
૨૦૧૨માં ૧,૭૮,૩૫૪ મહિલા મતદારો હતી. તેની સામે ૨૦૧૭માં ૨,૦૭,૭૦,૫૩૫ મતદારોની સંખ્યા પહોંચી છે. આ જોતાં ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૭માં ૨૯,૦૬,૧૮૧ સ્ત્રી મતદારો વધી છે. રાજ્યની ૮૨ વિધાનસભા બેઠકો એવી છે જેના પર પુરુષ મતદાતાઓની સરખામણીમાં મહિલા મતદાતાઓની સંખ્યા વધારે છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ની ચૂંટણીમાં ફક્ત ૪ બેઠકો જ એવી હતી જ્યાં મહિલા  મતદારોની સંખ્યા પુરુષ કરતા વધારે હતી.
ટકાવારીની દૃષ્ટિએ ૧૬.૩૦ ટકા મહિલા મતદારો વધી છે. બેઠકો પ્રમાણે જોવા જઈએ તો ૧૨૮ બેઠકોમાં સ્ત્રી મતદારોની સંખ્યા વધી હતી. તેની સામે ૧૩૭ બેઠકોમાં સ્ત્રી મતદારોનાં નામો રદ થયા છે. છતાં પણ ૮૨ બેઠકો એવી છે કે, જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદાર કરતાં વધુ છે.