યુવાનોનો મત, યુવાનોનું મન

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે. થોડા ઘણા પ્રશ્ર્નો ચોક્કસ છે પણ એનો ઉકેલ સૌએ સાથે મળી કરવાનો છે. યુવાનો ઇનોવેટિવ છે તેથી સૌએ ચોક્કસ મતદાન કરવું. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયથી ઉપર ઊઠીને મતદાન કરવું.
 
અપૂર્વ રાકેશકુમાર પટેલ - ૨૦ વર્ષ - ફાર્મસી - કપડવંજ
 

 
મારા સમાજના પ્રશ્ર્નોનો ઉકેલ લાવશે તેમને માન, પાન, સન્માન અને રોજગારી આપવા જે પક્ષ તૈયાર થશે તેને જ મત આપીશ.
 
હર્ષદ અશોકભાઈ મકવાણા - ૧૯ વર્ષ - ધો.૧૦ - ધરવાળા, જિ. ભાવનગર

 
 
આ વખતની ચૂંટણીમાં રાજનીતિનું સ્તર ખૂબ નીચું આવી ગયું છે. વર્ષો પહેલાં જેવો જાતિવાદ હતો તેવો ફરી વાર ઊભર્યો હોય તેવું લાગે છે. બધા પક્ષો આ ખેલ ખેલી રહ્યાં છે. આમાં કોને મત આપવો એ અત્યારે તો કન્ફ્યુઝનનો વિષય છે.
 
મિત્તલ રાવજીભાઈ પટેલ - ૨૨ વર્ષ – M.Sc. - માણેકપુર (તા.દહેગામ)
 

 
હું પાટીદાર છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું ઓબીસી છું, હું દલિત છું.. છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં આવું જ બોલાઈ, લખાઈ રહ્યું છે. જે પહેલા ‘હું ગુજરાતી છું લખાતું, બોલાતું હતું.’ આ શું સાબિત કરે છે ? જાતિવાદનો ફેલાવો થઈ રહ્યો છે. કોઈ ક તો રોકો ! આમાં કોને વોટ આપવો ? શા માટે ? એ મને સમજાવો.
 
જયપાલ ત્રિકમભાઈ પરમાર - ૨૫ વર્ષ - વ્યવસાય - ભાવનગર

 
આપણો નેતા સમાજના એકેએક વર્ગને સાથે લઈને ચાલે તેવો હોવો જોઈએ અને જીત્યા પછી સૌથી વધારે ધ્યાન રોજગારીના સર્જન માટે કેન્દ્રિત કરે તેવો નેતા ગુજરાતને આગળ વધારશે.
 
ઉદિત આનંદભાઈ સોની - ૨૦ વર્ષ - સ્નાતક (અભ્યાસ ચાલુ) - નડિયાદ

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નોટબંધી, જીએસટી, અનામતના મુદ્દા પર લડાઈ રહી છે. ગુજરાતને શું થયું છે ? બેરોજગારી, શિક્ષણ, ગરીબી, મોંઘવારી, નાના નાના ભ્રષ્ટાચાર, ગુનાખોરી, ખેડૂતોના પ્રશ્ર્નો જેવા મુદ્દા બાજુ પર મૂકી દેવાયા છે. જે શરમજનક છે.
 
ખુશી નિલેશકુમાર પટેલ - ૨૭ વર્ષ - બી.કોમ - માણેકપુર (દહેગામ)
 
સૌથી મોટી સમસ્યા રોજગારીની છે. સરકાર યુવાનોને રોજગારી આપવામાં સો ટકા સફળ નથી નીવડી. અમારા પંથકમાં વિકાસનાં કામોનાં મુહૂર્ત કર્યે વરસો થયાં પણ કંઈ થયું નથી.
 
જીજ્ઞેશ માવજીભાઈ દુલેરા - ૨૭ વર્ષ - ૭ પાસ - રોજીદ
 

 
વોટ આપતી વખતે જો હું થોડું વિચારું તો લાગે છે કે, યાર કોને વોટ આપું ? બધા સ્વાર્થી છે. જે નેતાઓ ટિકિટ માટે પોતાના જ પક્ષવિરોધી જાહેરમાં થતા હોય તે જનતાની શું સેવા કરવાના ? અને કામ બોલવું જોઈએ. કામ સારું હોય તો ટિકિટ કે મત માંગવા જવું ન પડે ! આજે કાર્યશીલ નેતાઓની જરૂર છે.
 
નિખિલ અરવિંદભાઈ પટેલ - ૧૯ વર્ષ - SYBA - સિહોરા (ખેડા)
 

 
મતદાન એ મતદાન છે. દરેક યુવાનને પેઢીનું ભાવિ ગણાય છે અને તેથી એણે મતદાન કરી ગુજરાતનું રાજકીય ભાવિ એની ઇચ્છા મુજબનું ઘડવું રહ્યું.
 
સુનિલ મુકેશભાઈ પટેલ - ૨૫ વર્ષ - કેડિલામાં જોબ - લિહોડા (જિ.ગાંધીનગર)

 
હું આ વખતે પ્રથમ વાર મતદાન કરવાનો છું. રાજ્યની પ્રગતિ થાય તેવી સરકાર ચૂંટીશ.
 
જીતેન કિરીટભાઈ ચાવડા - ૧૮ વર્ષ - ધો. ૧૦ - લીમડી
 

 
આરોગ્ય, શિક્ષણ અને મોંઘવારી અંગે જે સારું કામ કરશે તેવી જ સરકાર ચૂંટાવી જોઈએ.
 
રવિ એમ. પરમાર - ૨૪ વર્ષ - એમ.બી.એ. - બોટાદ

 
મારા મતે નેતા સ્વાર્થી નહીં પણ સેવાભાવી હોવો જોઈએ. જેની પાસે દીર્ઘદૃષ્ટિ હોય જે આગામી પાંચ વર્ષમાં ગુજરાતને શિખર પર લઈ જઈ જનતાની ગરીબીને દૂર કરી દે.
 
ઘનશ્યામ પાલજીભાઈ વાઢેર - ૨૫ વર્ષ - સ્નાતક - ગોપાલગ્રામ (અમરેલી)